હૃદયસ્પર્શી સૂરિલી રચનાઓના સર્જકઃ હરીન્દ્ર દવે

અજવાળું અજવાળું

તુષાર જોષી Monday 14th September 2020 05:59 EDT
 
 

‘યાદ કરો, ક્યારનો ફોટો છે આ?’ રિલાયન્સ જામનગરના કોર્પોરેટ અધિકારી અને દાયકાઓ જુના મિત્ર આશીષ ખારોડે એક ફોટો મોકલીને પૂછ્યું? અને આપણે તો રાજી રાજી... એ સમયે ભાવનગર યુનિવર્સિટીમાં હું જર્નાલીઝમનો અભ્યાસ કરતો હતો. અમારા જેવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવેલા જાણીતા લેખક-કવિ-તંત્રી શ્રી હરીન્દ્રર દવેની એ ૧૯૮૦ના દાયકાના અંતિમ વર્ષોની તસવીર અને ૧૯ સપ્ટેમ્બરે એમની જયંતિ... અને આ લેખ સહજપણે લખાઈ ગયો.
સર્જક તરીકે એમનું વ્યક્તિત્વ અનેક ક્ષેત્રોમાં વિસ્તરેલું છે. નવલકથા, નાટક, ટૂંકી વાર્તા તો લખી જ, ઉપરાંત અખબારના તંત્રી અને લેખક તરીકે સતત તેમને શબ્દ જોડે કામ કરવાનો અવસર મળ્યો.
૧૯૪૬માં શાળામાં ભણતા હતા તે સમયે સ્વ. વિજયરાય વૈદ્યે ‘માનસી’ માટે એમની રચના સ્વીકારીને પ્રગટ કરી હતી, ત્યારથી એમની કાવ્યયાત્રા શરૂ થઈ. એમણે લખ્યું છે ‘શ્વાસ લઉં છું કે હરું ફરું છું ત્યારે નહીં પણ કૈંક લખી શકું છું ત્યારે જ જીવું છું.’
હરીન્દ્રર દવેના કાવ્યસંગ્રહો વાંચનારને અનુભવાય છે કે એમની કાવ્યસૃષ્ટિમાં પ્રેમ પથરાયેલો સર્વત્ર જોવા મળે છે, પછી એ વ્યક્તિ માટેનો હોય કે ઈશ્વર માટેનો હોય. એમના કાવ્યોમાં સાંપ્રત સમયનો પડઘો પણ છે. પ્રેમ અને તેના પડઘાઓ, પ્રેમ અને તેના પ્રતિભાવો, પ્રેમ અને તેમાંથી પ્રાપ્ત થતી પ્રસન્નતા... બધ્ધું જ મળે છે એમની કવિતાઓમાં. તેઓ લખે છે,
‘તું માન કે ન માન, માત્ર પ્યાર જિંદગી એક મહોબ્બત છે જગતમાં જે ટકી રહેવાની...’
‘સૂર્યોપનિષદ’ ગ્રંથની પ્રસ્તાવનામાં હરીન્દ્રરભાઈએ લખ્યું છેઃ ‘પ્રેમ એ મારી કવિતા પ્રવૃત્તિની પ્રથમ અને પરમ નિસ્બત છે.’
પ્રેમ જેમણે જેમણે કર્યો છે તે તમામનો અનુભવ હશે કે યુવાવયે પ્રેમમાં માત્ર ને માત્ર જોશ ઉન્માદ-આવેગ અને ઉછાળા હોય છે. પ્રેમ એવો દરિયો છે જેમાં માત્ર ભરતી જ છે. ઓટ છે જ નહિ. હરીન્દ્રર દવેની રચનાઓમાં આ ઉછળતો અને રમતો પ્રેમ વાંચવા-સાંભળવા મળે છે. એથી તો કોઈ પ્રેમનો મર્મ પૂછે અને જવાબમાં આલિંગન આપવાની વાત તેઓ આમ લખે છે.
‘તેં પૂછ્યો પ્રેમનો મર્મ,
અને હું દઈ બેઠો આલિંગન...’
એક બીજી જગ્યાએ તેઓ આવા જ ભાવવિશ્વને પ્રસ્તુત કરતા લખે છેઃ આપણી તે મેડીએ આપણ બે એકલા ને ફાવે તેવી તે રીતે મળજો.
પ્રેમની પ્રસન્નતાનો સૂરજ ડૂબે પછી અંધકાર છવાય, વેદનાના તારા ટમટમે અને રાત વિષાદમય થઈ જાય ત્યારની સ્થિતિને વ્યક્ત કરતા તેઓ લખે છેઃ મેં એને ચિક્કાર પ્રેમ કર્યો છે, ઝંખ્યું એનું સદાનું સાંન્નિધ્ય, થોડીક નિકટતાએ જિંદગીભરની તરસ આપી છે.
એમની ઉદાસી ક્યારેક ગીતરૂપે પ્રગટવાની હોય તેમ તેઓ લખે છેઃ ‘આજની આ રાત હું ઉદાસ છું, અને મારી ખોવાયેલી પ્રસન્નતા મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે...’
ગુજરાતી ગીતોના સ્વરકારો માટે હરીન્દ્રરભાઈ પ્રિય ગીતકાર બની રહ્યા છે. પરિણામે ગુજરાતી કાવ્યસંગીતમાં એમના ગીતો અપરંપાર લોકપ્રિયતાને પામ્યા છે. લતા મંગેશકરથી લઈને આજની તમામ લોકપ્રિય ગાયિકાઓ અને ગાયકોએ તેમના ગીતો ગાયા છે અને શ્રોતાઓએ હંમેશાં પ્રેમથી ઝીલ્યા છે.
ના ના નહીં આવું, રૂપલે મઢી છે સારી રાત, તમે થોડું ઘણું સમજો, એક રજકણ સૂરજ થવાને શમણે, માધવ ક્યાંય નથી મધુવનમાં, ચહેરા મજાના કેટલા, પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ... આહાહા આવા તો કેટકેટલા ગીતોએ આપણને શ્રોતા તરીકે રળિયાત કર્યા છે અને સ્મૃતિના ઉપનિષદ જેવી આ રચના કેમ ભૂલાય?
‘પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા, કોઈ આંગણ અટક્યું ને તમે યાદ આવ્યા. જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યા.’
હરીન્દ્રર દવેની રચનાઓ જ્યારે જ્યારે વાંચીએ, સાંભળીએ હૃદયમાં, ચિત્તમાં શબ્દોના અર્થોના અજવાળાં રેલાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter