‘આવા તો એક નહિ, હજારો ડોશીમા જેવા જરૂરિયાતમંદો હશે નહિ? એમને મદદ કરવા શું થઈ શકે?’ આ પ્રશ્ન રાજકોટવાસી જયેશ ઉપાધ્યાયને થયો અને જન્મ થયો બોલબોલા ટ્રસ્ટનો. ૧૯૯૧માં એક ડોશીમાને જયેશભાઈએ વોકર લઈ આપ્યું હતું. એ પછી તેઓ અને તેમના મિત્રો જીજ્ઞેશ ઉપાધ્યાય, હરકિશન પટેલ, સુનિલ રાઠોડ વગેરેએ જરૂરિયાતમંદો શોધીને મદદ કરવાનો નિર્ધાર કર્યો.
૨૯મે ૧૯૯૧માં સંસ્થાનું રજિસ્ટ્રેશન થયું. હોળી-ધૂળેટીમાં છાણા ન બાળ્યા ને કલર ન ઊડાડ્યા, ઉત્સવોમાં-જલસામાં વપરાતા પૈસા માનવતાના કાર્યમાં ડાયવર્ટ કરવાની લોકોને પ્રેરણા આપી. ટ્રસ્ટની રચના પછી મેડિકલ ઈક્વિપમેન્ટ વસાવ્યા. થોડા સમય પૂરતા ઘરે જરૂર હોય તે મામૂલી ડિપોઝીટ આપીને આ તબીબી સાધનો લઈ જાય ને પરત આપી જાય. ‘સાધનો લઈ જાવ ને આશીર્વાદ આપી જાવ’ આ સૂત્ર લોકપ્રિય થયુ. આજે રૂ. પાંચ કરોડના સાધનો સંસ્થા પાસે છે.
એ પછી સંસ્થાએ મોબાઈલ અન્નક્ષેત્ર શરૂ કર્યું. અંદાજે ૧૫૦૦ લોકોને રોજ સાત્ત્વિક અને પૌષ્ટિક ભોજન પીરસાય છે. આ માટે ત્રણ વાહનો કાર્યરત છે. એમ્બ્યુલન્સ વાન અને શબવાહિનીની વ્યવસ્થા પણ બોલબાલા ટ્રસ્ટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. મૃત્યુ બાદ ક્યારેક માનવ શરીર એકાદ-બે દિવસ સાચવી રાખવું પડે એવા સંજોગોમાં જરૂરી પેટી પણ આ સંસ્થા પૂરી પાડે છે.
રાજકોટ શહેર આસપાસના વિસ્તારમાંથી સારવાર માટે આવતા દર્દીઓ તો હોસ્પિટલમાં દાખલ થાય પણ એમની સાથે આવતા સગાં-વ્હાલાંનું શું? આ પ્રશ્નનો પણ ઊકેલ શોધ્યો. માત્ર પ્રતિદિન બે રૂપિયામાં જ્ઞાતિ-ધર્મના સીમાડા વિના સારી-સ્વચ્છ પથારી અને બાથરૂમ-સંડાસ સાથે રહેવા ઉપરાંત ભોજન પણ અપાય છે. આ માટે રાજકોટ જિલ્લાના વહિવટીતંત્રે મકાન આપ્યું છે. એમના કાર્યને પદાધિકારીઓ-અધિકારીઓ-દાતાઓ-શ્રેષ્ઠીઓ-સંતો-કલાકારો-લેખકો-મીડિયા-ઉદ્યોગપતિઓ-સામાજિક સંસ્થાઓ અને વ્યક્તિગત તથા સામૂહિકરૂપે લોકોએ અપ્રિતમ સાથ આપ્યો છે અને માનવતાના આ કાર્યને બિરદાવ્યું છે. આ સંસ્થાના સેવાકાર્યોમાંથી પ્રેરણા લઈને અમદાવાદ-કંડારી-જૂનાગઢ-ધાંગ્રધા-માણાવદરમાં પણ મોબાઈલ અન્નક્ષેત્રોની શરૂઆત થયાનું જયેશભાઈ આનંદ સાથે કહે છે. તેઓ ઉમેરે છે કે, ‘મારા પત્ની કૃતિકા, બાળકો મનન અને કૃપાલીનો મને ખૂબ સપોર્ટ છે. ભગવાન શક્તિ-સામર્થ્ય આપ્યું તો સેવા કરવા એ સિદ્ધાંતને વળગી રહીને રોજ ૧૮ કલાક કામ કરું છું.’
બોલબાલા ટ્રસ્ટની સ્થાપનાને ૨૮ વર્ષ થયા એ નિમિત્તે અલગ અલગ પ્રકારની ૨૮ માનવતાપૂર્ણ સેવાભાવી પ્રવૃત્તિઓનું કામ થઈ રહ્યું છે. ૩ હજાર જેટલા નિવૃત્તોને સેવાકીય પ્રવૃત્તિમાં જોડ્યા છે અને હમણાં ૧૩૦૦ વડીલોને પોતે વ્યક્તિગત કાળજી સાથે રામેશ્વર સહિતના તીર્થધામોની યાત્રા કરાવી આવ્યા છે. આ ચેરિટેબલ ટ્રસ્ટની વધતી જતી પ્રવૃત્તિનો પરિચય લોકોને એમની વેબસાઈટ દ્વારા પણ થઈ રહ્યો છે અને જાણીતા-અજાણ્યા હજારો લોકો ટ્રસ્ટની કામગીરીને આગળ વધારી રહ્યા છે.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
સંવેદના-લાગણી-ઝંકૃત થાય અને એમાંથી ક્યારે એક વડલા જેવી વિશાળ સંસ્થા જન્મે, જેની છાયામાં હજારો લોકોને હાશ થાય ત્યારે એ કાર્યમાં જોડાનારા પ્રત્યેકને આનંદ થાય છે. કોઈ અપેક્ષા વિના જ્યારે તમે સેવાના કાર્યમાં જોડાઓ છો ત્યારે અદભૂત નિજાનંદ મળે છે.
જેનું કોઈ નથી તેવા ગરીબોને, જરૂરિયાતમંદોને, બીમારોને, વડીલોને સમય આપવાથી તેમની જરૂરિયાત યોગ્ય સમયે પૂરી કરવાથી તેમના આશીર્વાદ મળે છે અને સરવાળે આવી પ્રવૃત્તિને વધુ વેગ મળે છે. આવા કાર્યો સમાજમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં થતાં દેખાય ત્યારે માનવતાના દીવડા ઝળહળે છે અને અજવાળાં રેલાય છે.