શ્રી હનુમાનજી મહારાજ પ્રિય હો... શ્રી સદગુરુ ભગવાન પ્રિય હો. હર હર મહાદેવ હર... ચાલો, હરિહર હરિહર.... ભક્તિભાવથી સમર્પિત આ શબ્દો હવામાં પ્રસરે અને ‘કૈલાસ પ્રસાદ યજ્ઞ’ સ્થળે બેથી લઇને બોંતેર વર્ષ સુધીના લોકોને, એમનું સ્વમાન અને સન્માન સાચવીને પ્રસાદ વિતરણ થાય. આ યજ્ઞ યોજાયો અમદાવાદમાં રાજપથ ક્લબની નજીક આવેલા વૈભવ બંગલોઝના નૈસર્ગિક વાતાવરણમાં. લીમડાના ઝાડની શીળી છાયામાં. અહીં રહેતા રીટાબહેન ત્રિવેદી આર્થિક અને સામાજિક વૈભવ તો પરમાત્માની કૃપાથી પામ્યા જ છે, પરંતુ એમના સદગુરુ પૂજ્ય મોરારિબાપુના આશીર્વાદ અને પ્રેરણાથી એમને સહજપણે મળ્યો છે ભક્તિ, ભજન અને ભરોસાનો વૈભવ. સંસ્કૃતિ અને સાહિત્યનો, સત્કર્મ અને સેવાનો, સૂર અને શબ્દનો, માણસાઇ અને શ્રી રામચરિત માનસ મહિમાનો, રામ મારા અંતરના આરામ... એ શબ્દોની અનુભૂતિનો વૈભવ.
એમનો જન્મદિવસ ૧૭મેના રોજ. કોવિડ-૧૯ની મહામારીથી સમગ્ર દેશ ગ્રસિત છે ત્યારે એમને વિચાર આવ્યો કે પ્રવર્તમાન સ્થિતિમાં એક મહિનો લોકોને ભોજન કરાવી સેવાયજ્ઞ કરું. ૧૧ મેથી શરૂ કરીને ૧૧ જૂન - એક મહિનો ‘અન્ન એ જ બ્રહ્મ’ સુત્રને સાર્થક કરતો યજ્ઞ ચાલ્યો.
કુળના, માતા-પિતાના અને સદગુરુના સંસ્કારોથી તેમનો સમગ્ર પરિવાર સતત સત્કર્મો કરતો જ રહે છે. લેખિકા, વક્તા અને વાચિકમના કલાકાર એવા રીટાબહેન હંમેશા ખુશ રહે અને ખુમારી સાથે જીવે. પ્રસન્ન રહે અને પ્રેમમય જીવે, જન્મદિવસને ‘આપણી હયાતીનો ઉત્સવ’ તરીકે ઓળખાવે. એમણે લખ્યું છે, ‘જર્જરીત નાપાક, અર્થહીન, તુચ્છ વિચારોને ન આવવા માટે ફરમાન કર્યું છે! માત્રને માત્ર સર્વોત્તમ, હકારાત્મક વિચારોને મારા આંગણામાં પ્રવેશ છે.’
પ્રત્યેક ઉત્સવ તેઓ પરિવાર અને સ્વજનો સાથે તો ઉજવે જ, પરંતુ આ નિમિત્તે ગરીબોના-શ્રમિકોના જરૂરીયાતમંદોના ઘરે જઇને એમના જીવનમાં પણ ઉત્સવનો આનંદ વહેંચે. દીવાળીમાં ફટાકડા ને મીઠાઇ, મકરસંક્રાંતિમાં પતંગ ને દોરી, ધૂળેટીમાં ખજૂર-ધાણી વહેંચીને રાજી થાય. દીકરા કેદાર અને પૂત્રવધુ શિવલની લગ્નતિથિએ ઘરમાં વેદપાઠ થાય. નવરાત્રી, ગુરુપૂર્ણિમા, ગણેશોત્સવ, શ્રાવણ મહિનો, રામનવમી, જન્માષ્ટમી, રક્ષાબંધન... એમ પ્રત્યેક તહેવારમાં પરમાર્થના-સેવાના સત્કર્મો થાય. સમગ્ર પરિવાર જીવનની પળપળને ઉત્સવમય બનાવે, પોતે ઉર્જાથી જીવે ને ઉલ્લાસનો ઉજાસ વહેંચે.
કૈલાસ પ્રસાદ યજ્ઞનાં આરંભે, રીટાબહેન બાળકોને સમજાય એ ભાષામાં વાતો કરે. ઉખાણા, સંસ્કૃત શ્લોક, બાળગીતો, રાષ્ટ્રપ્રેમના ગીતો, પ્રાર્થના, ગુજરાતી - અંગ્રેજી કક્કો-એબીસીડી, અંકશાસ્ત્રના ઘડીયા, બોધવાર્તા, દોહા-ચોપાઇ-ઓમનું ઉચ્ચારણ, ગરબા, યોગ – એકસરસાઇઝ... એમ વૈવિધ્યસભર માધ્યમોથી બાળકોમાં સંસ્કાર સિંચન થાય તેવી નોખી નોખી વિચારધારા ત્રીસ દિવસમાં પીરસાણી.
પછી બાળકોને અને ત્યાં આવેલા સહુને જે પ્રસાદ પીરસાયો એની યાદી પણ એટલી જ ભાવપૂર્ણ છે. સંતોષ થાય એવા પેક લંચ ઉપરાંત જુદી જુદી જાતની દાળ, સાબુ, સેનેટાઇઝર-માસ્ક, લાડુ-ગાંઠીયા, મોહનથાળ, જાતજાતના આઇસક્રીમ, ફ્રુટ્સ અને ચોકલેટ્સ, રમકડાઓ, બેકરી આઇટમ્સ, પાણીપૂરી, ભેળ, છાશ, કેરી, મીઠાઇઓ... બધું જ ફૂડ હાઇજેનિક અને પ્રસાદ આપનાર કે લેનાર, બધ્ધા જ કોરોના સંબંધિત તમામ ગાઇડલાઇન્સનું પાલન કરે એની કાળજી લેવામાં આવી.
બાળકોને પ્રોત્સાહિત કરવા જાણીતી પાર્શ્વગાયિકા ઐશ્વર્યા મજમુદાર, અમરેલીના કવિ પ્રણવ પંડ્યા, ગુજરાતી ફિલ્મોના અભિનેતા હેમાંગ દવે, નાટ્યકાર ચિંતન પંડ્યા, જાદુગર વિરાટ પણ એક-એક દિવસ આવ્યા. આનંદ આશ્રમ પાલડીના શ્રી પ્રદીપ મહારાજે આવીને આશીર્વાદ આપ્યા. જાણીતા ભજનિક અને શ્રી બજરંગદાસ બાપાની જગ્યા બાપુનગરના શ્રી મુન્નાબાપુને ગીતો ગાવાનો અને મને બાળકો સાથે સાહજિકપણે વાતો કરવાનો નિયમિત અવસર મળ્યો.
કૈલાસ પ્રસાદ યજ્ઞની તમામ વ્યવસ્થામાં રીટાબહેનની દીકરી શીવાંગી અને જમાઇ નીલેશ તથા તેમના બાળકો રૂદ્રી અને રૂદ્ર, પુત્ર કેદાર અને પૂત્રવધુ શીવલ, રીટાબહેનના ભાઇ રાકેશભાઇનો પરિવાર સતત સાથે રહ્યા. રીટાબહેન માટે પારિવારિક સભ્યો સમાન, રામકથાના શ્રોતાઓ એવા સર્વશ્રી પ્રફુલ્લ પટેલ, વત્સલ દિક્ષિત, ભાસ્કરભાઇ દવે, જયદેવભાઇ રાજ્યગુરુ, મીત, પ્રકાશભાઇ સોની, પ્રિયાંક સોની, સૌરભભાઇ ગૌસ્વામી, દશરથભાઇ શર્મા (દાસભાઇ), હરેશ પરમાર, જયરામભાઇ દેસાઇ, સંજયભાઇ દેસાઇ, ભાવેશભાઇ વારા, ભૈયાજી, મનીષા જોષી, દીપાલીબેન, કૈલાસબેન, મનાલીબેન અને મને પણ યજ્ઞમાં સેવારૂપી અર્ધ્ય આપવાનો અવસર મળ્યો ને સહુ અનહદ આનંદ પામ્યા. શુદ્ધ અને સમયસર ભાવપૂર્વક રસોઇ બનાવવાની તમામ વ્યવસ્થાઓ શ્રી લક્ષ્મણભાઇ, માણેકરામ મહારાજ, દેવીલાલ મહારાજ, શંકરલાલ, લાલુભાઇ, રાજુભાઇ, હીરાલાલ, મીનાબેન તથા જાગૃતિબેને સંભાળી.
આમ વ્યક્તિગત જન્મદિવસની ઉજવણીને સહુમાં એક મહિના સુધી વહેંચીને રીટાબહેને પ્રસન્નતાના દિવડા પ્રગટાવ્યા અને અજવાળા રેલાયા.