‘કઈ બાર યું ભી દેખા હૈ યે જો મન કી સીમા રેખા હૈ મન તોડને લગતા હૈ...’ આ ગીતના શબ્દો કોણે નહીં અનુભવ્યા હોય.
‘કહીં તો યે દિલ કભી મિલ નહીં પાતે, કહીં સે નિકલ આયે જન્મો કે નાતે...’ આવું તો મેં અને તમે જીવનમાં અનુભવ્યું જ હશે.
આટલી સરળ ગીત રચના કરનાર ગીતકાર યોગેશ હમણાં થોડા દિવસ પહેલાં દુનિયામાંથી વિદાય થયા. તેમણે કહેલું કે ‘મને ક્યારેય હોંશિયારી કરવાની જરૂર ના પડી, મહેનત બહુ કરી...’
૧૯ માર્ચ ૧૯૪૩ના રોજ લખનઉમાં જન્મ થયો. એમના પિતાજી બ્રિટિશ જમાના એન્જિનિયર હતા. ૯૯ વર્ષની લીઝ પર જમીન મળી હતી, વિશાળ કોઠી હતી જેમાં યોગેશજી, બે બહેનો અને માતા-પિતા સાથે રહેતા હતા.
ઈન્ટર સુધી ભણ્યા હતા. સ્વભાવ પહેલેથી અંતરમુખી. એવામાં અચાનક પિતાજીનું અવસાન થયું. માતા અને બહેનની જવાબદારી એમના પર આવી. અભ્યાસ છૂટ્યો. નાની-મોટી નોકરી શોધવા પ્રયત્ન કર્યો, પરંતુ મેળ ના પડ્યો. શોર્ટહેન્ડ - ટાઈપિંગ શીખ્યા પણ વ્યર્થ.
એમના ફોઈબાનો દીકરો વિજેન્દ્ર મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં હતો. થયું કે ચાલો મુંબઈ જાઉં, એને મળું. એ ક્યાંય નોકરીએ લગાવી દેશે. તૈયારી કરી મુંબઈ જવાની...
જેમ રામ સાથે લક્ષ્મણ જીદ કરીને વનવાસમાં જોડાયા હતા કાંઈક એવું જ દ્રશ્ય હવે સર્જાયું. યોગેશનો સ્કૂલકાળનો એક મિત્ર હતો સત્યપ્રકાશ તિવારી. એને પ્રેમથી સત્તુ કહેતા. યોગેશને લલ્લાના નામે એ બોલાવતો. દોસ્તી જુઓ કૃષ્ણ-સુદામા જેવી. સત્યપ્રકાશ સાથે મુંબઈ ગયો., મારું જે થવું હોય એ થાય પરંતુ તારી લાઈફ બનવી જોઈ. મુંબઈ જઈને ભાઈ વિજેન્દ્રને મળ્યા. યોગેશજી સ્વયં મુલાકાતમાં કહે છે એમ તેઓએ કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ન આપ્યો. રખડ્યા, રઝળ્યા... આખરે અંધેરી સ્ટેશનથી ચાલતા ૪૫ મિનિટ થાય એટલે દૂર પારસી પંચાયત રોડ પર એક ટેકરો હતો, ત્યાં ૬ ઝૂંપડા હતા, એમનાં એકમાં મહિને બાર રૂપિયાના ભાડે બંને રહ્યા. સત્તુ સતત કહે કે તારે ફિલ્મ લાઈનમાં જ જવાનું છે, એટલે યોગેશને ક્યાંક નાની નોકરી મળે તો પણ છોડાવી દે.
મિત્ર માટે સત્તુએ પોતાની જમીન વેચી, જમીનદારના દીકરાએ પ્યુનની નોકરી કરી, મિલમાં કામ કર્યું. એક સમયે ભગવાન સિંહ નામના એક સજ્જન યોગેશને રોબિન ચેટરજી નામના સંગીતકાર પાસે લઈ ગયા. તેમની ‘સખી રોબિન’ ફિલ્મમાં ૬ ગીતો લખ્યા. જેમાંનું એક જાણીતું થયું ‘તુમ જો આઓ તો પ્યાર આ જાયે, જિંદગીમેં બહાર આ જાયે...’ સફળતા હજી દસ વર્ષ દૂર હતી. આખરે ફિલ્મ ‘આનંદ’ના ગીતોએ સ્વતંત્ર ઓળખ આપી. હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્ના માટે લખ્યું ‘જિંદગી કૈસી હૈ પહેલી હાયે...’ એ પછી તો ઋષિકેશ મુખર્જી અને બાસુ ચેટર્જી જેવા નિવડેલા દિગ્દર્શકોની ફિલ્મોમાં સુમધુર ગીતો લખ્યા.
‘રીમઝીમ ગીરે સાવન...’ ‘આયે તુમ યાદ મુજે...’ ‘રજનીગંધા ફૂલ તુમહારે...’ ‘મૈને કહા ફૂલો સે...’ ‘ના બોલે તુમ, ના મૈને કુછ કહા...’ બહુ બધા ગીતો આપીને ગયા છે યોગેશજી. તેઓ જ્યારે ઈન્ડસ્ટ્રીઝમાં પ્રવેશ્યા ત્યારે દિગ્ગજ ગીતકારો મેદાનમાં હતાં, એમની વચ્ચે પોતાની ઓળખ ઊભી કરી. સરળતાથી-સહજતાથી. એક મુલાકાતમાં કહે છે, ‘જો દેખા થા, જો જીતા થા, વહી લિખા હૈ....’
આખરી ફિલ્મ લેખક તરીકે રહી ‘બેવફા સનમ’. કેટલીક ટીવી સિરિયલો માટે પણ લખ્યું.
દાદાસાહેબ ફાળકે એવોર્ડ, યશભારતી એવોર્ડ સહિતના એવોર્ડ મેળવનાર યોગેશજીને મન સૌથી મોટો એવોર્ડ ચાહકોનો પ્રેમ હતો. આજે પણ એમના ગીતો સાંભળીએ ત્યારે શબ્દોના અજવાળાં રેલાય છે.