‘આપણે કોઇનું ઝૂંટવીને રોજી મેળવીએ, તો ઇશ્વર આપણને માફ નો કરે!! સાચી વાત ને!’
આવો એક સંવાદ અનિકેતના કાને પડ્યો... સવાર સવારના જાણે ધર્મ-કર્મનો સમન્વય નજર સામે સાક્ષાત થઇ ગયો હોય એવું એને લાગ્યું. એકચ્યુલી, વાત એમ હતી કે, એક લગ્નપ્રસંગે અમદાવાદથી સૌરાષ્ટ્રના કોઇ શહેરમાં જવાનું હતું. વહેલી સવારે ઊઠીને, સેવા-પૂજા કરીને એ તૈયાર થયો. દીકરીને બારમાં ધોરણની પરીક્ષા હતી એટલે એના ટ્યુશન સ્કૂલ અને લેસનમાં ક્યાંયે અટકાવ ન આવે એની કાળજી રહે એ માટે એની પત્ની ઘરે રોકાવાની હતી. એના મમ્મીને થયું કે ચાલ, હું લગ્નમાં આવું તો સામાજિક સંબંધો સચવાય અને સારું લાગે એટલે તેઓ પણ જોડાયા. અનિકેત અને એના મમ્મી જવાની તૈયારી કરતા હતા. ખાનગી લકઝરી બસમાં એમના બુકીંગ પણ થઇ ગયા હતા. મમ્મીએ પૂરી કાળજી સાથે લગ્નની ગીફ્ટ અને અન્ય સામાન ચેક કરી લીધા હતા.
બધી જ તૈયારી કરીને નીકળતા હતા ત્યાં અનિકેતને યાદ આવ્યું કે પુજાનો એક પાઠ કરવાનો રહી ગયો એટલે એ કરવા બેઠો. પત્નીએ ધ્યાન દોર્યું કે બસ જતી રહેશે... ટેક્સી કરીને બસ જ્યાંથી ઉપડવાની હતી તે કોમ્પલેક્સ પર પહોંચ્યા. ટિકિટ લીધી. બસ આવવાને વાર હતી, અનિકેત વોશરૂમ તરફ ગયો... બહાર સફાઇકર્મીઓ સફાઇ કરી રહ્યા હતા. એમાં તેમનો આ સંવાદ સાંભળ્યો... બહાર આવી અનિકેતે ધ્યાન આપ્યું... વાત એમ હતી કે એ કોમ્પલેક્સમાં કામ કરનારા સફાઇકર્મીને બીજા કોઇ વધારાના કામ માટે ઓફર આવી હતી. હવે એ જગ્યાએ ઓલરેડી કોઇ કામ કરતું જ હતું... જે માણસ કામ કરતો હતો. એના બે બાળકો પત્નીનો પરિવાર હતો, આ બધી જ વિગતોથી વાકેફ એ સફાઇકર્મી હતો અને એટલે જ લાગણીવશ થઇને કહેતો હતો એના સાથીને...
‘હું જો ત્યાં કામ કરવા જાઉં તો મને બે પૈસા વધુ મળે એ હાચું, પણ જે કામ કરે છે એ છુટો થાય... એના છોકરા ભુખ્યા રહે, એના નિસાસા લઇને હું કેમ સુખી થાઉં હેં...? આપણને ઇ જરૂર જ નથી! મહેનત કરશું તો કામ તો મળશે જ... કહીને એ માણસ પોતાનું કામ પૂરું કરીને ત્યાંથી જતો રહ્યો... જતાં જતાં એ અનિકેતને માણસાઇનો, ધર્મનો બહુ મોટો સંદેશ આપતો ગયો.
બસમા બેઠા બેઠા એ વિચારે ચડ્યો. એના મમ્મીને આખો કિસ્સો કહ્યો... તો મમ્મીએ આવો જ એક બીજો કિસ્સો અનિકેતને સંભળાવ્યો...
અનિકેતની પત્ની અને એનાં મમ્મી એક વાર રેલવે સ્ટેશનથી ઘરે આવતા હતા. એમણે ખાનગી કંપનીની ટેક્સી કરી હતી. આમ જ વાતમાંથી વાત કરતા કરતા ટેક્સી ડ્રાઇવર બોલ્યો હતો કે ‘મોટા શહેરોમાં આ ટેક્સી સર્વીસ શરૂ થતાં તમારા જેવા અનેક મુસાફરો એનો ઉપયોગ કરે છે, ભાવ-તાલ નહિ, રકઝક નહિ, સારી વાત છે. અમને પણ પૂરતો ધંધો મળી રહે છે... એક સમયે હું રીક્ષા જ ચલાવતો હતો... થોડી આર્થિક સ્થિતિ સારી થતા આ કાર ખરીદી અને હવે આખો દિવસ કામ કરીને બેન્કના હપ્તા પણ ભરું છું ને કામ પણ કરું છું...’
આગળ વાત કરતા આ પછી જે વાત કરી એનો તાર અનિકેતે કહેલી વાત સાથે મળતો હતો. એણે કહ્યું ‘બહેન એવું છેને, અમારા જેવા થોડા લોકો આ ટેક્સી ચલાવતા થયા, પરંતુ મને માગે છે કે બીજા રીક્ષા ચલાવનારા પર આના કારણે થોડી અસર થઇ છે, કદાચ એમનું કામ, આર્થિક આવક ઘટી હશે, એમને પણ કામ મળે એવું કાંઇક થવું જોઇએ. આ તો મારો અંગત વિચાર છે.’
અનિકેતના મમ્મીએ કહ્યું કે, ‘આ માણસની વાત તે દિવસે મારા હૃદયને સ્પર્શી ગઇ... પોતે સધ્ધર થયો એ સાથે બીજા આર્થિક રીતે અધ્ધર ન થાય એની ચિંતા એને હતી... એમાં જ ધર્મ-કર્મને માણસાઈ બધું આવી ગયું હતું.’
•••
શ્રમિક વર્ગના, આર્થિક રીતે માંડ બે છેડા ભેગા કરતા, દુનિયાની દૃષ્ટિએ સાવ નાના કહેવાય એવા માણસોના મનની મોટાઇના કેવા સરસ કિસ્સાઓ કોઇને કોઇ પાત્રો આમ જીવે જાય છે... સાહજિકપણે. આખી દુનિયા જ્યારે ભેગું કરવામાં, બીજાની થાળીનું ઝુંટવી લેવામાં ધીમે ધીમે હોંશિયાર બનતી જાય છે, ત્યારે આવા માણસો સાચા અર્થમાં ધર્મ-કર્મના સંસ્કારો એમના જીવનમાં જીવી રહ્યાની અનુભૂતિ આપણને થાય છે. આવા માણસો દ્વારા જ માણસાઇના દીવડા પ્રગટે છે ને અજવાળા રેલાય છે.