‘કહું છું સાયેબ, આ તમે મને કવર આલ્યું એમાં તો મોટી રકમ છે. મારે આટલા બધા ના લેવાય.’ ફોનમાં હિતેશે હિમાંશુને કહ્યું. વાત લગ્નગાળાના સમયની છે. દરેક મા-બાપ હંમેશાં એવું ઈચ્છતા હોય છે કે દીકરા-દીકરીના લગ્ન શ્રેષ્ઠ રીતે અને આયોજનબદ્ધ થાય. હિમાંશુએ પણ પોતાના પરિવારનો આવો જ એક પ્રસંગ આનંદપૂર્વક ઉકેલ્યો હતો અને એમાં જ્યાં લગ્ન થયા એ જગ્યાની સાર-સંભાળ રાખનાર હિતેશને એણે લગ્નના બે-ચાર દિવસ પછી મીઠાઈ-કપડાં તથા રોકડ રૂપીયાનું એક કવર આપ્યું હતું. રાજી થઈને આ કવર આપીને એ નીકળી ગયો પછી એકાદ કલાકે હિતેશે આ કવર ખોલ્યું...
સામાન્ય સ્થિતિમાં જીવનારા માણસો માટે એકસાથે મોટી રકમની નોટ જોઈને એની પત્નીએ કહ્યું, ‘આપણે આટલા બધા રૂપીયા ના લેવાય, ઈમની કાંઈ ભૂલ થઈ હશે. ફોન કરોને બોલાવો પાછા, ને કહો કે છોકરાને કપડાં કે મીઠાઈ ઠીક છે પણ આ રકમ બક્ષીસરૂપે પણ વધુ છે.’ એટલે હિતેશે ફોન કર્યો ત્યારે હિમાંશુ ગદગદિત્ થઈ ગયો. એક સામાન્ય માણસના હૃદયની માણસાઈ અને પ્રામાણિકતા ઉપર... એણે કહ્યું, ‘અરે, મેં સમજીને જ આપ્યા છે, છોકરાઓને રાજી રાખજો ને તમેય રહેજો!’
આ વાત સાંભળીને આવો જ અનુભવ શેર કરતા નીરજે કહ્યું કે મારે ત્યાં પણ મારી ભત્રીજીના લગ્નમાં અમે સાઉન્ડ સિસ્ટમ અને ડીજેના કામ કરવા માટે એક મિત્રને બોલાવ્યો હતો. એ કાંઈ બહુ લોકપ્રિય માણસ ન હતો, તો ય એણે કોઈ પૈસાની ચોખવટ કર્યા વિના સુંદર કામ કરી આપ્યું અને જ્યારે રકમ સામેથી આપી તો કહે કે, ‘મારે આટલા રૂપિયા ના લેવાય, બે હજાર રૂપિયા લો આ પાછા.’ નીરજે આ રકમ લઈને ફરી પાછી એને પ્રેમપૂર્વક આપી ત્યારે મહાપરાણે આ રકમ તેણે લીધી હતી.
હજી આ વાતો ચાલતી હતી ત્યાં હિમાંશુની દીકરી, જેના લગ્ન થયા હતા એ આ વાતો સાંભળી રહી હતી, એણે વળી નવી વાત કહીઃ ‘લગ્ન માટે હું તૈયાર થઈને બેઠી હતી ને બહાર વરઘોડાના બેન્ડ-વાજાં વાગતા હતા ત્યારે એ હિતેશભાઈ અને એના વહુ મળવા આવ્યા હતા. મને કહે કે લ્યો બેટા આ શુકનના રૂપિયા છે, અમારે આંગણે કન્યાદાન અપાઈ રહ્યું છે એનો અમને આનંદ છે.’ એમ કહીને મેં ના પાડી તોયે મને બસ્સો રૂપિયા આપ્યા હતા.’
આ વાતે સહુના મનમાં હિતેશ અને એની પત્ની માટે વધુ પ્રેમ પ્રગટ કર્યો. આર્થિક રીતે માંડ બે ટંક અનાજ ભેગું કરતા આ પરિવારની પૈસા માટેની લાલચ સહેજ પણ ન હતી અને એ કરતાંયે વધુ એની અંદર એમના વ્યક્તિત્વમાં પ્રેમ ધબકતો હતો.
•••
આપણી આસપાસ ક્યાંક ને ક્યાંક મોટા પ્રસંગોએ નાના માણસોની પ્રામાણિકતાના, સહૃદયતાના અને પ્રેમપૂર્ણ વ્યવહારના પ્રસંગો બનતા જ રહે છે. આપણે એની નોંધ લઈએ ત્યારે આપણને આખીયે ઘટનામાં રહેલા પ્રેમ-માણસાઈ અને પારિવારિક સંસ્કારો અનુભવાય છે.
નાનો માણસ વધુ લાલચી હોય એ વાત ક્યાંક ક્યારેક સાચી હશે, એવો અનુભવ જેનો હશે એનો હશે, પરંતુ એવી ઘટનાને આધાર બનાવવા કરતા આવી ઘટનાઓને લોકો પાસે મુકીએ, એનો મહિમા ગાઈએ તો લાગે કે આપણે એ વ્યક્તિત્વોના સદગુણોથી-પ્રમાણિકતાથી રાજી છીએ ને એમના અજવાળાં આપણને પણ ઉજાગર કરતા રહે છે.
લાઈટહાઉસ
કોઈએ ગૌતમ બુદ્ધને પૂછ્યું, ‘તમે બહુ મોટા વિદ્વાન છો તો પણ આમ નીચે બેસો છો?’
ગૌતમ બુદ્ધે જવાબ આપ્યો, ‘નીચે બેસવાવાળો વ્યક્તિ ક્યારેય પડતો નથી.’