‘શરીરથી નાના કદનો, કોઈ પણ પદ વિનાનો મનુભાઈ સદ માટે, સદકાર્ય માટે, મોટા ગજાનું કામ કરી રહ્યો છે અને એમની સમગ્ર પ્રવૃત્તિમાં માનવ અને માનવતા કેન્દ્રસ્થાને છે.’ આ શબ્દ મોરારિબાપુએ ચિત્રકૂટ ધામ-તલગાજરડા ખાતે લેખક કિન્તુ ગઢવી લિખિત અને નવજીવન મુદ્રણાલય દ્વારા પ્રકાશિત માનવ સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિઓ અને તેના ચેરમેન સાણંદ સ્થિત શ્રી મનુભાઈ બારોટના જીવનસંઘર્ષની કથાના પુસ્તક ‘પ્રેરણા પંથનો પ્રવાસી’નું વિમોચન કરતા કહ્યા હતા.
માનવ સેવાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે ઉલ્લેખ કરીને તેઓએ ઉમેર્યું હતું કે ‘સાણંદના બસ સ્ટેન્ડે પાણી વેચતા મનુભાઈએ એક વિરાટ પગલું ભરીને પોતાનું પાણી બતાવ્યું છે.’ અતિ ગરીબ પરિવારને આર્થિક હાડમારીઓમાંથી બહાર લાવવા, માતા-પિતાની પડખે ઊભા રહેવા મનુભાઈએ છઠ્ઠા ધોરણથી બારમા ધોરણ સુધી સાણંદના બસ સ્ટેશને પાણી વેચ્યું. પછી અમદાવાદની જી.એલ.એસ. કોલેજમાં ભણ્યા. ફેફસાંનું ઓપરેશન કરાવવું પડ્યું. હોસ્પિટલમાં નોકરી કરી. સાણંદ બસસ્ટેન્ડમાં પાનનો ગલ્લો ખોલ્યો. સમય જતાં સેવાકાર્ય માટે માનવ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી.
નળકાંઠાના ગામમાં એક વાર ફટાકડાં ફૂટતાં હતાં, કારણ પૂછ્યું તો જાણવા મળ્યું કે પરિવારમાં દીકરો જન્મ્યો એટલે... મનુભાઈએ પછી જે ઘરમાં દીકરીનો જન્મ થાય એ ઘર આજુબાજુ ફટાકડાં ફોડ્યા, આજે એ દીકરીઓ કોલેજમાં ભણતી થઈ છે.
બોસ ઈન્ડિયા ફાઉન્ડેશનની મદદથી ગામડામાં સિવણના વર્ગો કર્યા. અરવિંદ મિલે ૩૦૦ બહેનોને કામ આપ્યું.
વિચરતી જાતિ પૈકીના વાદી સમુદાયના બાવન પરિવારો ધાંગ્રધાથી સાણંદ નજીકના વીંછીયા ગામે આવીને વસ્યા. મનુભાઈએ આ લોકોનો સ્થાનિક લોકો સાથે મેળાપ કરાવ્યો, તેમની જરૂરિયાતની ચીજવસ્તુ પૂરી પાડી. અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે મળીને બાળકોને પૌષ્ટિક આહાર આપ્યો, અહીં તંબુશાળા શરૂ થઈ.
જાણીતા કલાકારો મહેશ-નરેશે માનવ સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિમાં ખૂબ સહકાર આપ્યાનું આજે મનુભાઈ યાદ કરે છે.
૨૦૦૮ના વર્ષમાં સાણંદમાં ટાટા મોટર્સનું આગમન થયું અને માનવ સેવા ટ્રસ્ટની પ્રવૃત્તિમાં તેઓ જોડાયા જેના કારણે મનુભાઈની પ્રવૃત્તિને વેગ મળ્યો. ફોર્ડ પણ જોડાયું.
માનવ સેવા ટ્રસ્ટે સાણંદના વિવિધ વિસ્તારોમાં ૬૦ હજાર વૃક્ષોનું વાવેતર કર્યું છે. કોરોના કાળમાં ૧૭૦૦ મજૂરોને રાશનની કિટ આપી, માસ્ક - સેનેટાઈઝર આપ્યા, કોરોના વોરિયર્સનું સન્માન કર્યું. કન્યા કેળવણી, કુપોષણ નિવારણ અભિયાન, પર્યાવરણ જાગૃતિ, સામાજિક વિષય પર ગાંધીગીરી, સ્વચ્છતા અભિયાન, રાષ્ટ્રીય પર્વોની ઊજવણી, આરોગ્ય અને શિક્ષણના કાર્યક્રમો, એમ્બ્યુલન્સ સેવા, નળસરોવરના પક્ષીઓનું રક્ષણ અને જતન જેવા અનેક કાર્યક્રમોમાં મનુભાઈ પળપળ રચ્યાપચ્યા રહે છે. વિવિધ ઉદ્યોગ ગૃહો, સામાજિક સંસ્થાઓ, દાતાઓ, સમાજના જુદા જુદા વર્ગના પ્રતિષ્ઠિત નાગરિકો, પદાધિકારીઓ, અધિકારીઓ વગેરેનો સાથ એમને મળતો રહ્યો.
પોતાની માતાના સ્મરણમાં મનુભાઈએ ૨૦ જેટલી માતાઓને પ્લેનમાં મુસાફરી કરાવી. ગંગાજળથી માતૃશક્તિના પગ ધોયા અને નિરાધાર માતાઓને આર્થિક સહાય પણ કરી. પૂ. મોરારિબાપુના કાને આ વાત ગઈ તો તેઓએ મનુભાઈને તમામ માતાઓ સાથે તલગાજરડા આવવા આમંત્રણ આપ્યું અને સહુ તલગાજરડા ગયા.
૨૦૧૫ના વર્ષમાં બાપુ નળસરોવર આવ્યા. મનુભાઈએ અનેક શિકારીઓ સાથે ઘેર ઘેર જઈને પક્ષીઓનો શિકાર ન કરવા સમજાવ્યું હતું. આ શિકારીઓએ બાપુના ચરણે પોતાની જાળ મૂકી દીધી હતી અને આ કામ ન કરવાની પ્રતિજ્ઞા લીધી. એ સહુને લઈને પણ મનુભાઈ તલગાજરડા ગયા.
મનુભાઈ કહે છે, ‘મારા બાળપણે મને પાણી વેચવાનું સ્ટેન્ડ અને છ ગ્લાસ આપ્યા હતા પણ કુદરતે મારા એ જ હાથોને મનુષ્યો-પક્ષીઓ-પ્રાણીઓ અને વૃક્ષો સાથે જોડી આપ્યો છે. આનાથી વિશેષ બીજું મારે શું જોઈએ? મારે તો બસ નિરાંતની સારી ઊંઘ અને ઓડકાર ખાતા હૃદયોના આશીર્વાદ જોઈએ.’
મારી ને તમારી આસપાસ જરૂરિયાતમંદોની સેવા કરનારા આવા અનેક વ્યક્તિત્વો અને સંસ્થાઓ હશે, આવા લોકોની સાથે જ્યારે આપણે આપણા તન-મન-ધન સાથે, આવડત સાથે જોડાઈએ છીએ ત્યારે આપણી અંદર અને આપણા કાર્યોથી સેવાના દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.