‘તમે ક્યારેય કોઈનું સન્માન કર્યું છે?’ ‘તમે ક્યારેય કોઈના દ્વારા સન્માન પામ્યા છો?’ મોટા ભાગે આ સવાલોના જવાબ હા અને ના બંનેમાં આવશે. અનુભવ અને અવલોકન એવા રહ્યા છે કે સન્માન એક એવી ઘટના છે, એક એવો પ્રસંગ છે, જેમાં આપનાર-લેનાર અને સાક્ષી બનનાર સહુને આનંદ હોય છે.
યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિનું સન્માન કોને ના ગમે? રોજિંદા જીવનની ઘટમાળમાં નોકરી-વ્યવસાયના કે ઘર ગૃહસ્થીના ભાગરૂપે જે કાંઈ કાર્યો આપણે કરતા હોઈએ એ કાર્યોમાં જ્યારે પરહિત, બીજાનું ભલું કરવાની ભાવના, નિઃસ્વાર્થ સેવા, કર્મ પ્રત્યેની નિષ્ઠા, ઉત્તમ પર્ફોમન્સ જેવી અનેક બાબતો ભળે છે. સંકલ્પો વડે સિદ્ધિઓ હાંસલ થાય છે ત્યારે જે તે વ્યક્તિનું સન્માન થાય છે.
પોતાના ભાગે આવેલી કામગીરીને ઉત્તમ રીતે કરનાર કર્મયોગીઓના આવા જ એક સન્માનના કાર્યક્રમમાં સહભાગી થવાનું બન્યું. સાણંદના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સમાજનાં જુદા જુદા ક્ષેત્રે કોઈ અપેક્ષા વિના શ્રેષ્ઠ કામ કરી રહેલા છ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું.
અમદાવાદ જિલ્લાના બાવળા પાસેના નળકાંઠાના પછાત ગણાતા વિસ્તારના ઝાંપ ગામમાં શ્રી પ્રવિણભાઈ બી. પટેલ આચાર્ય તરીકે જોડાયા. એમણે વિચાર્યું કે ગામમાંથી દીકરીઓનો ડ્રોપઆઉટ રેટ ઘટાડવા શું થઈ શકે? એમણે શાળામાં હોકીની ટીમ બનાવી. દીકરીઓ હોકી રમે એ વાત સહુ માટે નવી હતી. એક સામાજિક સંસ્થાએ અઢી લાખ રૂપિયાના સાધનો આપ્યો. મોંઘા શૂઝ પણ લાવી આપ્યા ને હવે તો આ દીકરીઓની હોકી ટીમ ખૂબ સારું રમતી થઈ છે. હોકીની રમતને કારણે શિક્ષણમાં પણ રસ-રૂચિ વધ્યા છે, શિસ્ત અને સંયમ પણ વધ્યાં છે. વિદ્યાર્થિનીઓના માતા-પિતાને એમની દીકરીઓની રમત ક્ષેત્રની કારકિર્દીનું ગૌરવ છે. શાળાના એક શિક્ષક-આચાર્ય એમની શાળાની દીકરીઓને કેવી રીતે પ્રેરણા આપી શકે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે પ્રવીણભાઈ પટેલે. એમના આ કાર્યમાં એમના પત્નીનો પણ સપોર્ટ છે અને એટલે હોકીની મેચમાં વિદ્યાર્થિનીઓને બહારગામ લઈ જવાની થાય અને શાળાની શિક્ષિકાને અનુકૂળતા ન હોય તો એમના પત્ની સાથે જાય અને દીકરીઓને સુરક્ષાનો અને પોતીકાપણાનો અહેસાસ કરાવે.
નળ સરોવર અને આસપાસનો વિસ્તાર વિશ્વભરના પક્ષીપ્રેમીઓ અને પ્રકૃતિ પ્રેમીઓથી ભરેલો રહે. અહીંના પક્ષીઓની સલામતી માટે સતત કાર્યરત રહેનાર અને પક્ષીઓની એક એક હીલચાલને ઝીણવટપૂર્વક ઓળખનાર જે વ્યક્તિઓ છે એમાંના એક એટલે શ્રી ગનીભાઈ સમા. પક્ષીઓ સાથે તેઓ જાણે ઓતપ્રોત થઈ ગયા છે. પક્ષીઓ પ્રત્યેનો એમનો લગાવ એટલો બધો કે દિવસ-રાત જોયા વિના ઝાડી-ઝાંખરામાં સમય વીતાવે અને પક્ષીઓની સંભાળ રાખે. કોઈ પક્ષીઓને મારતા હોય તો એમને પણ સમજાવે ને પક્ષીઓને બચાવે. આમ એક સાધારણ વ્યક્તિ જીવદયાથી પ્રેરિત થઈને, માનવતાના કાર્યમાં જોડાયેલા રહે, પક્ષીઓને સુરક્ષા-સલામતી આપે અને જાણે પક્ષીઓનો દોસ્ત બની રહે એ ઘટના સહુ માટે ગૌરવપ્રદ બની રહે છે.
જેમને ‘સાણંદ માનવરત્ન’ અપાયા તેમાં સમાજસેવા ક્ષેત્રે શ્રી ગૌતમભાઈ ચૌહાણ, આરોગ્ય ક્ષેત્રે પારૂલબેન શુક્લ, લોકજાગૃતિ ક્ષેત્રે ગીતાબેન દરજી અને ઉદાર દાતા શ્રી ખોડીદાસભાઈ ચૌહાણનો પણ સમાવેશ થાય છે.
સાણંદ તાલુકાના વિંછીયા ગામે વાદી વસાહતમાં પ્રજાસત્તાક દિવસની ઊજવણી માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સમજુનાથ વાદી પાઠશાળામાં થઈ હતી. નવજીવન પ્રેસના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વિવેકભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાયું હતું અને એવોર્ડ પણ અપાયા હતા.
માનવસેવા ટ્રસ્ટના શ્રી મનુભાઈ બારોટના પ્રયાસોથી વાદી સમુદાયના બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે તેવા હેતુથી છેલ્લા પાંચ વર્ષથી આ તંબુશાળા ચાલે છે અને નવી પેઢી શિક્ષિત બને તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.
ડો. જી. કે. ચૌહાણ, ડો. તપન શાહ, ડો. તેજસ દલવાડી, શ્રી વનરાજસિંહ વાઘેલા તથા અન્ય મહેમાનોએ જેમનું સન્માન કરાયું તેમને બિરદાવ્યા હતા અને ટ્રસ્ટની સમાજસેવાની પ્રવૃત્તિમાં હંમેશા સાથે રહેવાની લાગણી પ્રગટ કરી હતી.
આપણે આપણા ઘરમાં-કાર્યક્ષેત્રમાં રોજ સન્માન આપીએ કે પામીએ એ ભલે ફોટોફ્રેમમાં ના મઢાય, પરંતુ ડગલને પગલે ઉત્તમ કામ થાય, શ્રેષ્ઠ પ્રદાન થાય ત્યારે એ કરનારની સાચા હૃદયથી પ્રશંસા કરીએ, એમની પીઠ થાબડીએ, એમને શુભકામના પાઠવીએ તો પણ કેટલું બધું શુભત્વનું વાતાવરણ સર્જાઈ શકે. આવો, આવા શુભત્વના દીવડાના અજવાળાંને ઝીલીએ.