‘લે, ખાઈ લે...’ દસ-બાર વર્ષની એક છોકરી મકાઈનો ડોડો બનાવીને કંતાનની લંગોટીભેર પડેલા, તાવથી તડપતા, નર્મદાકિનારે શીલાઓ પર ભુખથી ગ્રસિત એક યુવાનને કહે છે. યુવાન પૂછે છે, ‘મા, તું કોણ છે?’ જવાબ સાંભળીને તેને બ્રહ્માંડ ડોલતું દેખાય છે. એ જવાબ હતો... ‘રેવા’
દૃશ્ય છે ગુજરાતી ફિલ્મ ‘રેવા’નું. જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની લઘુનવલમાં અને ફિલ્મમાં આ દૃશ્ય વાચક અને દર્શક પર અમીટ છાપ છોડી જાય છે. ફિલ્મના સર્જકોએ સિનેમાના માધ્યમને અનુરૂપ મનોરંજક ફેરફારો કથામાં કર્યા છે તો ભેડાઘાટ, ગૌરીઘાટ, માહેશ્વરઘાટ, માંગરોળ અને દીવમાં અદભૂત શૂટિંગ થયું છે. કોઈ પણ પ્રકારની આધુનિક સુખસુવિધા વિના મસ્તીભર્યું ને આહલાદક જીવન જીવતા પુરિયા, બિત્તુબુંગા, ગંડુ ફકીરના પાત્રો હોય કે સુપ્રિયા-શાસ્ત્રીજી અને ગુપ્તાજી જેવા ભણેલા ગણેલા વ્યક્તિત્વો હોય, દર્શક એમની સાથે જોડાઈને એમનામાં ઓતપ્રોત થાય છે. દિગ્દર્શકો વિનિત કનોજિયા તથા રાહુલ ભોળે અને નિર્માતા પરેશ વોરાએ લાંબા સમય સુધી યાદ રહે એવી સુંદર ગુજરાતી ફિલ્મ આપી છે.
‘તત્વમસિ’ આધારિત ફિલ્મ ‘રેવા’માં નર્મદાના કિનારે રહેતા ભોળા ગ્રામજનો, તેમની લાઈફ સ્ટાઈલ, તેમની રોજિંદી પ્રવૃત્તિમાં ધબકતો નર્મદા પ્રત્યેનો શ્રદ્ધા ને ભક્તિનો ભાવ, મંદિર નિવાસ કરનારાઓનું આતિથ્ય, પરિક્રમાવાસીઓ અને તેમની પરિક્રમાના અનુભવો, તેમને પડતી મુશ્કેલીઓ, હિંસક પશુઓ, આશ્રમવાસીઓનું જીવન અને તેમાંથી છલકાતી ભક્તિસભર સરળતા વગેરે અદભૂત રીતે વ્યક્ત થયું છે.
ફિલ્મની સફળતા એ છે કે દર્શક ભૂલી જાય છે કે એ ફિલ્મ જોઈ રહ્યો છે, જાણે નર્મદાકિનારે આ ઘટનાઓનો એ સાક્ષી છે એવી સાહજિકતા એ અહીં અનુભવે છે. નર્મદાના જંગલોમાં વસતા અને શ્વસતા વનવાસીઓની કથામાં પડઘાય છે. લોકમાતા રેવા પ્રત્યેની આસ્થા દર્શક જ્યારે સિનેમાઘરમાંથી બહાર આવે છે ત્યારે કોઈ પણ સૂત્રોચ્ચાર કર્યા વિના સાદ્યંત ભાવે એ મનોમન નર્મદાસ્નાન કરીને બહાર આવતો હોય એવી અનુભૂતિ થાય છે.
સિનેમેટોગ્રાફી અદભૂત છે, ઘણા ડાયલોગ હિન્દી-અંગ્રેજીમાં પાત્રના ભાગરૂપે જ આવ્યા છે એટલે નવી જનરેશન જરા વધુ નિકટતાથી ફિલ્મ સાથે જોડાઈ શકે છે. સવારે નર્મદા અને સાંજ ઢળે રેવા બની જતી, ખળખળ વહેતી નદી અને તેની આસપાસનું જનજીવન, એમનો પ્રેમ, એમના રાગદ્વેષ, એમનું આતિથ્ય, એમની ભક્તિ અને મા રેવા પ્રત્યેની શ્રદ્ધા ફિલ્મની પ્રત્યેક ફ્રેમમાં ધબકે છે. ડ્રોનથી લીધેલા ભેડાઘાટના શોટ્સ, નર્મદા માતાને સાડી ઓઢાડવાનું દૃશ્ય, પરિક્રમાના દૃશ્યો લાજવાબ છે. કશુંયે છુપાવ્યા વિના આદિવાસી પ્રજાના રીતરિવાજ-માન્યતાઓ-પરંપરાઓ-ખુમારીને સંસ્કૃતિ જે છે તેમ રજૂ કરાયા છે.
સવાર-સાંજ મંદિરે જાય નહીં કે સેવા-પૂજા કરે નહીં તેવાઓને પણ ગમેએવો એક સંવાદ છે ફિલ્મમાં. વિદેશવાસી નાયક કરણ શાસ્ત્રીજીને કહે છે, ‘મને ભગવાનમાં શ્રદ્ધા નથી...’ ત્યારે શાસ્ત્રીજી જવાબમાં કહે છે, ‘ભગવાનમાં હોય કે ન હોય, શ્રદ્ધા હોવી જરૂરી છે.’ આમ આપણો દેશ ધર્મ પર નહીં, અધ્યાત્મ પર ટકી રહ્યો છે.
ગુજરાતી ફિલ્મોના પ્રવાહમાં ‘રેવા’ એક એવી ફિલ્મ છે જેણે અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને પણ આકર્ષ્યા છે. આ ફિલ્મ જોઈને લોકો ‘તત્વમસિ’ વાર્તા વાંચવા સુધી વળ્યા છે, બીજા કયા લેખકોની કઈ નોવેલ પરથી ફિલ્મ બનવી જોઈએ એની ચર્ચા કરતા થયા છે.
‘રેવા’ ફિલ્મ જોયા બાદ ગુજરાત અને મધ્ય પ્રદેશમાં આવેલા નર્મદાના તીર્થસ્થાનો પર જનારા થોડા લોકોનો ઉમેરો જરૂર થશે. નદી એ લોકમાતા છે અને તેના કિનારે જ સંસ્કૃતિ વિક્સિત થઈ છે એ વાતની અનુભૂતિ ફિલ્મ જોયા પછી જરૂર થાય છે અને તેથી જ મહાનગરનો કે ગામડાનો, જનજન નદીઓને સ્વચ્છ રાખવામાં પણ સંભવ છે, જોડાશે જ. ચલચિત્રના માધ્યમ દ્વારા લોકમાતા એવી નર્મદાની, રેવાની પ્રતિ લોકોમાં શ્રદ્ધા વધે ત્યારે એ સમૂહ માધ્યમ થકી પણ દીવડા પ્રગટે છે અને અજવાળાં રેલાય છે.
લાઈટ હાઉસ
ઈન્ડિયન ઓશન બેન્ડ દ્વારા તૈયાર થયેલ ‘મા રેવા તેરા પાની....’ આલ્બમ જોઈ-સાંભળીને પણ નર્મદા તટે હોવાની અનુભૂતિ થશે... પ્રયત્ન કરી જોજો.