હમણાં નડિયાદના બ્રહ્મર્ષિ સંસ્કારધામના દ્વિશતાબ્દી મહોત્સવ અને એના સૂત્રધાર ડાહ્યાભાઈ શાસ્ત્રીનાં ૯૦ વર્ષનાં વધામણાંના ઓચ્છવ ટાણે ગુજરાતનાં મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબહેન પટેલ પધાર્યાં અને એમણે જે મનનીય વ્યાખ્યાન આપ્યું એના અંશ વાંચીને એની પૂરેપૂરી ટેક્સ્ટ મંગાવ્યા વિના રહેવાયું નહીં. મુખ્ય પ્રધાન માત્ર રાજનેતા જ નથી, એ પ્રતિષ્ઠિત શાળાનાં આચાર્ય પણ રહ્યાં છે. મૂળે વિજ્ઞાનમાં અનુસ્નાતક કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનાર રહ્યાં છે. એમણે એ વ્યાખ્યાનમાં અંગ્રેજી, ટેકનોલોજી અને સંસ્કૃતના ત્રિવેણીસંગમની વાતને સુપેરે વણી લીધી. માત્ર સંસ્કૃતને દેવભાષા કે પંડિતોની ભાષા ગણાવવાના બદલે સામાન્ય જન સુધી એને પહોંચાડવાની હોંશ વ્યક્ત કરી. અંગ્રેજીના ક્રેઝને વખોડવાને બદલે અંગ્રેજી અને ટેકનોલોજીની આવશ્યક્તાની સાથે જ સંસ્કૃતના જ્ઞાન અને જતનની સાથે જ સંવર્ધનની આવશ્યક્તા પર ભાર મૂક્યો.
સંસ્કૃત અને સમગ્ર ભારત વર્ષની સંસ્કૃતિનો સંબંધ અતૂટ છે. એને રાજકીય દૃષ્ટિએ મૂલવવાની જરૂર નથી, પણ પ્રજાના જીવન સાથેના અંતરંગ અને અનિવાર્ય સંબંધ તરીકે નિહાળવાની જરૂર છે. સંસ્કૃત એ જીવંત ભાષા છે, એને જૂનીપુરાણી ક્લાસિકલ ભાષા સ્થાપિત કરીને એનો મૃત્યુઘંટ વગાડવાને બદલે મુખ્ય પ્રધાન આનંદીબહેન કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ નહીં, કર્ણાટકના કોંગ્રેસી મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાથી લઈને જમ્મુ-કાશ્મીરના પીડીપીના મુખ્ય પ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદ સુધીનાએ જ્ઞાન-વિજ્ઞાનની આ વિશ્વભાષાને પોષક સરકારી માહોલ ઊભો કરવાની આવશ્યક્તા છે.
સંસ્કૃતને હિંદુઓની ભાષા અને ઉર્દૂને મુસ્લિમોની ભાષા ગણાવનારા ખરા અર્થમાં તો અજ્ઞાની લેખાશે. કારણ વર્ષો સુધી મુંબઈમાં પત્રકારત્વનું ખેડાણ કરતાં અમારો સંબંધ સંસ્કૃતના મહાપંડિત ગુલામ દસ્તગીર બિરાજદાર સાથે બંધાયો હતો. જન્મે એ મુસ્લિમ, પણ સોલાપુરની પાઠશાળામાં ભણીને મુંબઈની મ્યુનિસિપલ સ્કૂલમાં પ્રાથમિક શાળાના હિંદી શિક્ષક તરીકે નિવૃત્ત થનાર પં. બિરાજદાર પવિત્ર કુર્રાનને પણ સંસ્કૃત શબ્દ લેખાવતા રહ્યાં. ‘કુઃ+રાન’ એટલે અવકાશમાંથી જે પવિત્ર અવાજ અથવા વાણીબોધ પ્રાપ્ત થયો તે ‘કુર્રાન’.
મૃત્યુ પૂર્વે એમણે પવિત્ર કુર્રાનને સંસ્કૃતમાં અનુદિત કરવું હતું. આ પં. બિરાજદાર સામાન્ય રિક્ષાવાળા સાથે સંસ્કૃતમાં વાત કરે તો પેલો અભણ માણસ પણ સમજી શકે. એટલે અમો હંમેશા કહેતા હતા કે સંસ્કૃતનું કોઈએ સત્યાનાશ વાળ્યું હોય તો પંડિતોએ. ભારેખમ સાહિત્યની વાતો અને રામઃ રામૌ રામાઃમાં સંસ્કૃતને ગૂંચવી નાંખીને લોકોથી આ ભવ્ય ભાષાને દૂર કરીને એને દેવભાષા ગણાવી લીધી. બ્રાહ્મણોની ભાષા બનાવી દીધી. અછૂત ગણાતી જાતિઓ માટે એ ભણવા પર પ્રતિબંધ આવી ગયો. આજે સ્થિતિ ઊલટી છે. સંસ્કૃતના અધ્યાપકો અને શિક્ષકોમાં ઘણા બધા તેજસ્વી દલિતો જોવા મળે છે. ભાષાને શું વળગે ભૂર? ભાષાને તે નાતજાતના કે આભડછેટના વાડામાં પૂરાતી હશે?
સંઘ પરિવારની સંસ્કૃત ભારતી સંસ્થાએ તો ભેખ લીધો છે કે ગામોનાં ગામોને સંસ્કૃતમાં બોલતાં કરવાં જોઈએ. સંઘ પરિવારના આ ઉપક્રમને બિરદાવવા માટે કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોએ આગળ આવવાની જરૂર છે. એમ તો સંસ્કૃતના સમર્થકોમાં પંડિત જવાહરલાલ નેહરુનું નામ મોખરે મૂકી શકાય અને ડો. બાબાસાહેબ આંબેડકર પણ સંસ્કૃતના સમર્થક હતા એની વાતને કોણ નકારી શકે?
અમારા દિવંગત ૧૨ વર્ષીય તેજસ્વી પુત્ર મિલિન્દ દેસાઈ ૧ નવેમ્બર, ૧૯૯૨ના રોજ મેંગલુરુ ખાતે કર્ણાટક રાજ્યોત્સવના મુખ્ય અતિથિ હતા ત્યારે યજમાન પરિવાર ખ્રિસ્તી હતો અને એમનાં સંતાનો માટે અન્ય વૈકલ્પિક ભાષાઓ ઉપલબ્ધ હતી છતાં એમણે સંસ્કૃત ભાષા લીધી હોવાની વાતે અમને ગર્વનો અનુભવ કરાવ્યો હતો. વળી એમનાં સંસ્કૃત શિક્ષક એક ગુજરાતી હોવાનો આનંદ અનેરો હતો. કેરળ યુનિવર્સિટીમાં સંસ્કૃત ભાષામાં સ્નાતક કક્ષાએ ગોલ્ડ મેડલ મુસ્લિમ કન્યાઓને મળવાની પરંપરા હરખ કરાવે છે. મુંબઈના મહેતા પરિવાર થકી સિદ્ધપુરમાં સંસ્કૃતમાં એસ.એસ.સી.માં સૌથી વધુ ગુણ લાવનારાં વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરાય અને એમાં ઘણાં મુસ્લિમ હોય એનો આનંદ છે.
ઉર્દૂને મુસ્લિમોની અને વિદેશીઓની ભાષા ગણાવનારાઓને કહેવું પડે કે ભારતના રાષ્ટ્રપતિ રહેલા પંડિત શંકરદયાળ શર્મા અને વડા પ્રધાન રહેલા ડો. મનમોહન સિંહ ઉર્દૂ માધ્યમમાં ભણ્યા હતા. ઉર્દૂ શત પ્રતિશત ભારતીય ભાષા છે. લશ્કરી જરૂરિયાતોમાંથી જન્મેલી ભાષા છે. પત્રકાર શિરોમણિ કુલદીપ નાયર ઈન્ડિયન એક્સપ્રેસ જૂથમાં તંત્રીપદે રહ્યા અને લંડનમાં ભારતીય રાજદૂત પણ રહ્યા. એ પણ ઉર્દૂ માધ્યમમાં ભણ્યા હતા. આવાં અનેક ઉદાહરણ આપી શકાય. ભાષાનેધર્મ હોતો જ નથી. ભાષાના વિવાદોના રાજકારણની વાત નિરાળી છે, પણ પ્રજા એમાં ફસાય નહીં એ રાષ્ટ્રના હિતમાં જ ગણવું પડે.
સંસ્કૃત ભાષામાંથી ભારતીય ભાષાઓ જ નહીં, પણ ઈન્ડો-યુરોપિયન ભાષાઓ પણ જન્મી હોવાની હકીકત હવે સમગ્ર વિશ્વમાં સ્વીકૃત બની છે. ભારતીય સંરક્ષણ મંત્રાલય હેઠળના ડીઆરડીઓમાં સાયક્લોજિકલ રિસર્ચના ડિરેક્ટર પદે રહેલા જાણીતા ઈતિહાસવિદ્દ ડો. એન. આર. વરાડપાંડે તો અધ્યયનને આધારે વેબ્સ્ટર ડિક્શનરીમાં ચાર લાખ શબ્દોમાંથી એક લાખ શબ્દો સંસ્કૃતમાંથી ઉતરી આવ્યાનું કહે છે. એમણે આવા દસ હજાર શબ્દો તારવી આપ્યા છે અને બાકીનું કામ નાગપુર યુનિવર્સિટી કરે એવું અપેક્ષિત માને છે.
અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપની આઈબીએમમાં કાર્યરત રહેલા નાગપુર નિવાસી ડો. શ્રીકાંત વર્ણેકર તો એવા મતના છે કે કોમ્પ્યુટર માટે સૌથી અનુકૂળ ભાષા સંસ્કૃત જ છે.
થોડા વખત પહેલાં મુંબઈમાં વિજ્ઞાન પરિષદ મળી. એમાં અનેક સત્રોમાંથી એક સત્ર સંસ્કૃત અને પ્રાચીન વિજ્ઞાન વિશે હતું. પ્રાચીન કાળમાં વિજ્ઞાને જે પ્રગતિ સાધી હતી એ વિશેના આ સત્રમાં વિમાનવિદ્યા સહિતની બાબતોની ચર્ચા થઈ. એ વિશે ભારે ઉહાપોહ મચ્યો, પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટિત આ ભારતીય વિજ્ઞાન પરિષદમાં વિશ્વસ્તરના વિજ્ઞાનીઓએ પ્રાચીન વિજ્ઞાન અને સંસ્કૃતના ગ્રંથોની વાત કરી. એમાં ‘વિજ્ઞાન ભારતી’ના અધ્યક્ષ, આઈઆઈટી-દિલ્હીના નિયામક મંડળના અધ્યક્ષ અને ‘પરમ કોમ્પ્યુટર’ના જનક ડો. વિજય ભાટકરનો પણ સમાવેશ હતો. મોદીયુગમાં વિજ્ઞાન અને સંસ્કૃતના પ્રાચીન કાળ વિશે વધુ સંશોધનો થાય અને માત્ર લિપ-સર્વિસ સુધી જ સીમિત ના રહે એટલી અપેક્ષા રાખવી આ તબક્કે અસ્થાને નહીં જ લેખાય.
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ વિજ્ઞાનનાં વિદ્યાર્થી રહ્યાં છે, આચાર્યા રહ્યાં છે, અભ્યાસી છે. મોદીયુગની આધુનિક ટેકનોલોજીથી સુપરિચિત છે અને સંસ્કૃતના સાંસ્કૃતિક વારસાના જતનની ખેવના કરે છે ત્યારે ગુજરાતની સંસ્કૃત પાઠશાળાઓ અને સંસ્કૃત યુનિવર્સિટી માટે તો સોનાનો સૂરજ ઊગવા જેવા સંજોગો સર્જાયા છે, સાથે જ ભારતીય વિજ્ઞાનને લગતી જે સંસ્થાઓ ગુજરાત અને દેશમાં કાર્યરત છે એમને માટે પણ આ શુભ સંકેત છે.
ગ્લોબલ વિલેજમાં ભાષાની આવશ્યક્તાની સાથે જ ટેકનોલોજી અને સંસ્કૃતનો સુમેળ સાધીને ભારતનું આગવું વૈશ્વિક પ્રદાન આવતા દિવસોમાં શક્ય બને એ માટે આશાવાદ સેવીએ. અંગ્રેજીની માત્ર ઘેલછાની સાથે જ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર તેમ જ ઈતિહાસથી નવી અને જૂની પેઢી પરિચિત રહે એ સમગ્ર વિશ્વમાં જેમ યોગની સ્વીકૃતિ શક્ય બની એ જ રીતે વધુ મંગળ સોપાનો સર કરવાનું શક્ય બનાવશે.
સામાન્ય રીતે રાજનેતાઓ અને શાસકોની છાપ વાતોનાં વડાં કરીને વિસરી જવાની હોય છે. પ્રજામાં એમની વિશ્વસનીયતામાં જોવા મળતો ઘટાડો ચિંતાજનક સંજોગો ભણી દોરી જાય છે. આવા ચિંતાના માહોલમાં મુખ્ય પ્રધાન આનંદીબહેનનું ચિંતન નવા આશાવાદી યુગના મંડાણ કરનારું સાબિત થશે એવી શ્રદ્ધા વ્યક્ત કરીએ.