હોંશીલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્યપ્રાપ્તિના અમૃત પર્વની ઊજવણી આગામી ૨૦૨૨માં કરવાની તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. વિરોધ પક્ષને પણ લાગી રહ્યું છે કે રહ્યાંસહ્યાં રાજ્યોમાં પણ હવે ભાજપની સરકારો સ્થાપિત કર્યા પછી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મોદીની વિજયપતાકા લહેરાવાની છે. ક્યારેક ભાજપના વડપણવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચાનો ઘટક રહેલી નેશનલ કોન્ફરન્સના શાહજાદા ઓમર અબ્દુલ્લાએ તો ઉત્તર પ્રદેશનો ગઢ ભાજપે જીત્યો ત્યારે જ કહ્યું હતું કે વિપક્ષો હવે ૨૦૧૯ને ભૂલીને ૨૦૨૪ની ચૂંટણી માટેની તૈયારી કરે.
૧૯૪૭માં મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ત્રિપુટીના નેતૃત્વમાં અંગ્રેજોને ભારતમાંથી ઉચાળા ભરાવીને સ્વરાજ તો મેળવ્યું, પણ હજુ આજે ય સુરાજ્યની અપેક્ષા અધૂરી જ રહી છે. કોંગ્રેસનો ઈતિહાસ આઝાદી માટેની ચળવળનો રહ્યો. આઝાદી પછી અવતરેલા પક્ષ જનસંઘના નવઅવતાર ભારતીય જનતા પક્ષનો આ દાયકો જરૂર જણાય છે, પણ સાપ ગયા અને લીસોટા રહ્યા જેવી અનુભૂતિ હજુ અંગ્રેજો ગયા અને અંગ્રેજિયત મૂકતા ગયાના માહોલમાં થાય છે. ગોરા સાહેબો ગયા અને બ્રાઉન સાહેબો આવ્યા. દેશી શાસકો અને પ્રશાસકોના રાજમાં પ્રજાને હજુ કેવા કડવા અનુભવ થતા રહે છે એ ચોફેર દર્શન કરતાં સહેજે સમજી શકાય છે.
રાષ્ટ્રહિતના કસ્ટોડિયનની ભૂમિકા વીસરાઈ
અંગ્રેજી શાસનની સનદી સેવા ઈન્ડિયન સિવિલ સર્વિસ (આઈસીએસ) અને ઈન્ડિયન પોલીસ (આઈપી)ને સ્થાને સ્વતંત્ર ભારતીયોની આશા-આકાંક્ષાની પૂર્તિ કરવા માટે અખિલ ભારતીય સેવાઓ (આઈએસએ)ની સ્થાપના સરદાર પટેલ થકી થઈ હતી. નવરચિત આઈએએસ અને આઈપીએસ સેવાઓને સરદારે બંધારણીય સુરક્ષા કવચ પૂરું પાડવાની જોગવાઈનો આગ્રહ સેવતાં એમને દેશનાં હિતોના ખરા અર્થમાં સંરક્ષક (કસ્ટોડિયન) ગણાવ્યા હતા. આઝાદીના સાત દાયકા પછીના સનદી સેવાઓના અનુભવ પર વિહંગાવલોકન કરવામાં આવે તો રાજકીય શાસકો અને સનદી અધિકારીઓના મેળાપીપણાથી પ્રજા તો આઝાદ ભારતમાં પણ અંગ્રેજ શાસનનો જ અનુભવ કરતી જોવા મળે છે. સેવાના ભેખધારી મનાતા રાજકીય આગેવાનો થકી દેશની લૂંટમાં અધિકારીઓ પણ સક્રિય સાથ આપીને સ્વનું પણ કલ્યાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. પ્રજાના સેવકોનો આદર્શ આજે વીસારે પડ્યો છે અને પ્રજાના શોષકોમાં એ ફેરવાઈ ગયાનું અનુભવાય છે. રોજેરોજ વાતો આદર્શોની સુરાજની કરવામાં આવે છે, પણ વાસ્તવિક ચિત્ર એવું ઉપસે છે કે ઘણા વડીલો આજે પણ કહે છે કે આના કરતાં તો અંગ્રેજોનું રાજ સારું હતું કે ગાયકવાડીમાં સુખ હતું.
લાલુ પ્રસાદની સિગારેટ સળગાવતા અધિકારી
થોડાં વર્ષો પહેલાં મુંબઈમાં હિંદુસ્તાની આંદોલનવાળા અમારા વડીલમિત્ર મધુ મહેતાએ લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિંહાને તેડાવ્યા હતા. ભારતીય લશ્કરમાં સૌથી સીનિયર હોવા છતાં આ મહાપ્રતાપી લશ્કરી અધિકારી તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીના કહ્યાગરા બની રહેવા તૈયાર નહોતા એટલે એમને બદલે જનરલ અરુણકુમાર વૈદ્યને લશ્કરી વડા બનાવાયા હતા. વૈદ્ય પણ મહાપ્રતાપી તો હતા અને સિંહાના અંગત મિત્ર પણ હતા. એટલે મિત્રના હાથ નીચે કામ કરવાને બદલે સ્વમાની સિંહાએ રાજીનામું આપી દીધું હતું. એ પછી સિંહા આસામ અને જમ્મુ-કાશ્મીરના સફળ રાજ્યપાલ રહ્યા અને નેપાળમાં ભારતીય રાજદૂત પણ હતા. લેફ્ટ. જનરલ સિંહા મુંબઈ આવ્યા ત્યારે એમના વતન-રાજ્ય બિહારમાં લાલુ પ્રસાદનો સૂરજ તપતો હતો. લાલુ મુખ્ય પ્રધાન હતા. આઈએએસ અને આઈપીએસ અધિકારી લાલુની સિગારેટ સળગાવી દેતા હતા અને મુખ્ય પ્રધાનના શૂઝની દોરી બાંધી દેતા હતા. જનરલ સિંહાને આવા વલણ સામે ભયાનક રોષ હતો. લાલુ મૂળે તો જયપ્રકાશ નારાયણના આંદોલનમાંથી પ્રગટેલું નેતૃત્વ પણ સમયાંતરે ચારા કૌભાંડને નામે જાણીતું થયેલું નામ. આજે લાલુ ચૂંટણી લડવા પર પ્રતિબંધ ધરાવે છે, પણ બિહારની નીતિશકુમાર સરકારમાં એમના બેઉ શાહજાદા પ્રધાન છે. નાનો દીકરો તો પાછો નાયબ મુખ્ય પ્રધાન છે. દીકરી મીસા ભારતી સાંસદ છે. લાલુ હાથીએ બેસીને જેલ ગયા હતા ત્યારે એમનાં અંગૂઠાછાપ પત્ની રાબડીદેવી મુખ્ય પ્રધાન હતાં.
આઈએએસ અધિકારી કે કુલપતિ થકી ચરણસ્પર્શ
ગુજરાતના આઈએએસ અધિકારી તો લાલુના અધિકારીઓને પણ પાછળ મૂકે એવા સાબિત થયા. સામાન્ય રીતે સક્ષમ અધિકારી લેખાતા ડી. જી. ઝાલાવાડિયા બઢતી પામીને આઈએએસ થયા હતા. એ અમરેલીના કલેક્ટર હતા ત્યારે જાહેર સમારંભમાં મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને એમણે ચરણસ્પર્શ કર્યો ત્યારે ભારે હોબાળો મચ્યો હતો. મોદીયુગમાં સનદી અધિકારીઓ મુખ્ય પ્રધાનના કહ્યાગરા થઈ રહેવાનું પસંદ કરતાં હોવાની છાપ હોવા છતાં અમરેલીના આ પટેલ અધિકારીએ મુખ્ય પ્રધાનને ચરણસ્પર્શ કરીને કેન્દ્રિય અધિકારીઓ માટેના શિષ્ટાચારનો ભંગ કર્યો હતો. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ (વાઈસ ચાન્સેલર) ડો. પરિમલ ત્રિવેદીએ જાહેર સમારંભમાં મુખ્ય પ્રધાન મોદીને ચરણસ્પર્શ કરીને શિષ્ટાચાર ભંગ કર્યો હતો. શિષ્ટાચારમાં કુલપતિની ઉપર રાજ્યપાલ કુલાધિપતિ (ચાન્સેલર) ગણાય છતાં ગુજરાતના કુલપતિઓની બેઠકની અધ્યક્ષતા આજે પણ શિક્ષણપ્રધાન કરે એ સામે ભાગ્યે જ કોઈ વાંધો લે છે.
એક વાર કુલપતિઓની બેઠકની અધ્યક્ષતા શિક્ષણ વિભાગના અગ્રસચિવે કરી ત્યારે એની સામે કુલપતિઓની સંયુક્ત પરિષદના અધ્યક્ષ ડો. કમલેશ જોશીપુરાએ વાંધો નોંધાવ્યો હતો. ડો. જોશીપુરા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ રહ્યા છે. સામાન્ય રીતે અધિકારીઓ કે સરકાર નિયુક્ત રાજકીય કાર્યકરો પોતે જ શિષ્ટાચારનો ભંગ કરે ત્યારે હસવું આવે છે. એક વાર આ લેખકની ઉપસ્થિતિમાં મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને રાજકોટથી સુરત બદલી પામેલા આઈએએસ અધિકારી જગદીશન આવ્યા કે બે ધારાસભ્યોએ ઊભા થઈને ‘આવો જગદીશન સાહેબ’ કહ્યું હતું. જગદીશને પણ જાણે એ ધારાસભ્યો ભણી જાણે તમા ના હોય એ રીતે જોયું હતું.
વડા પ્રધાન મોદી વડીલોને વંદન કરે, પણ અધિકારી?
હમણાં હમણાં તો પ્રજાના પ્રશ્નો લઈને કલેક્ટર કે તાલુકાના મામલતદાર જેવા અધિકારીને આવેદનપત્ર આપવા જનારા અગ્રણીઓનું આવેદનપત્ર બેઠાં બેઠાં જ સ્વીકારતા આ બ્રાઉન-સાહેબોના ફોટા ખૂબ ઝળકે છે. જે સાહેબોની પરંપરા કે માલિકભાવની પરંપરા અંગ્રેજ શાસકો મૂકીને ગયા છે એનું જ આ દેશી બ્રાઉન-સાહેબો જતન કરી રહ્યા છે. કમનસીબે ભારતીય સંસ્કૃતિ અને સરકારની પણ અવહેલના કરવામાં આવતી હોવાના દૃશ્યો જોવા મળે છે. એક બાજુ વડા પ્રધાન થયા પછી પણ નરેન્દ્ર મોદી વડીલોને ચરણસ્પર્શ કરવાનું ચૂકતા નથી અને બીજી બાજુ મોદી સરકાર કે રૂપાણી સરકારના આઇએએસથી લઈને સામાન્ય કક્ષાના અધિકારી પ્રજાનાં આવેદનપત્રો સ્વીકારવા માટે ઊભા થવાની તમામ પણ દાખવતા નથી. અમે અધિકારીઓના સેવાનિયમોનો અભ્યાસ કર્યો તો એમાં સંસદસભ્યો અને ધારાસભ્યો રજૂઆત માટે આવે તો અધિકારીઓએ એમને ઊભા થઈને આવકારવા અને દરવાજા સુધી વળાવવા એવું એમાં દર્શાવ્યું છે, પણ આવેદનપત્ર આપવા માટે આવતા ધારાસભ્યો-સાંસદો કે એમનાય વડીલો ભણી માનવીય સંસ્કાર દાખવવાનો સાફ ઈનકાર કરીને સ્વદેશી શાસનમાં પણ અધિકારીઓ અંગ્રેજી શાસનનો અનુભવ કરાવે છે. બીજી બાજુ, સત્તાધીશોના ચરણમાં લોટાંગણ થવા કે તેમનાં જૂતાંની દોરી બાંધવામાં પણ એમને શરમ આવતી નથી.
સનદી અધિકારી ખુશામતખોર બની રહ્યા છે
વર્ષ ૧૯૫૭ની કેડરના આઈએએસ અધિકારી અને તમિળનાડુની સરકારમાં અધિક મુખ્ય સચિવ રહેલા ૮૩ વર્ષના ગુજરાતી અધિકારી દેવેન્દ્ર ઓઝા આઈએએસ અધિકારીઓ રાજનેતાઓના ખુશામતખોર બનીને અંગત હિત સાધી રહ્યાની વાતે આક્રોશ વ્યક્ત કરે છે. એમણે પોતાની બેંચના ૮૦ સાથીઓ સાથે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ અને વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સાથેની મુલાકાતનાં સંસ્મરણ તાજાં કરીને કહ્યું હતું કે તેઓ ખૂબ આદરથી, સરખા હોય એ રીતે એમને મળ્યા હતા. જોકે, સમયાંતરે સનદી અધિકારીઓનાં ધોરણ નીચે જતાં રહ્યાં હોવાથી આદર્શ સ્થિતિ જોવા મળતી નથી. હવે તો ભક્તિનો અર્થ સમજ્યા વિના ભક્તિમાર્ગને અનુસરે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)