અંતિમ મિશન તો અખંડ ભારતની પુનર્સ્થાપનાનું

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 26th February 2019 04:18 EST
 
 

પુલાવામામાં સેન્ટ્રલ રિઝર્વ્ડ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના કાફલા પર પાકિસ્તાનપરસ્ત આતંકી જૂથ ‘જેશ-એ-મોહમ્મદ’ના ઈશારે ૧૪ ફેબ્રુઆરીએ ફિદાઈન હુમલો કરીને ૪૦થી વધુ જવાનોને શહીદ કરવાના ઘૃણાસ્પદ કૃત્યનો બદલો લેવા સમગ્ર દેશ સંગઠિતપણે તત્કાળ કાર્યવાહી ઝંખતો હતો. અપેક્ષા હતી એમ જ આખરે ૨૬ ફેબ્રુઆરીના મળસ્કે ભારતીય હવાઈ દળે પાકિસ્તાને ગપચાવેલા જમ્મૂ-કાશ્મીર (પીઓજેકે જેને આપણે પીઓકે કહીએ છીએ)માં બોમ્બવર્ષા કરીને ત્યાં ચલાવાતી ભારતદ્રોહી આતંકી છાવણીઓનો ખાત્મો બોલાવવાનું પગલું ભર્યું છે. મિશન હજુ અધૂરું છે. પાકિસ્તાનને નેસ્તનાબૂદ કરવા માત્રથી વાત પતતી નથી, વર્તમાન ભારત સાથે પાકિસ્તાન અને બાંગલાદેશ સહિતનો પ્રદેશ જોડીને ફરીને અખંડ ભારત સ્થાપિત કરવાનું છે.

વર્ષ ૧૯૪૭માં સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુ સહિતના રાષ્ટ્રીય નેતાઓએ ક્યારેક એમના સાથી રહેલા મોહમ્મદ અલી ઝીણાની વિશાળ પાકિસ્તાન (આસામ સહિતના સંપૂર્ણ બંગાળ અને સંપૂર્ણ પંજાબ)ની અપેક્ષાથી વિપરીત ‘છિન્નભિન્ન’ (truncated : ટર્નકેટેડ) પાકિસ્તાન તરીકે ‘સડતા અંગ સમાન’ને કાપી ફેંકવાનું પસંદ કર્યું હતું. વિભાજનનો અનિચ્છાએ સ્વીકાર કરાયા છતાં ‘હિંદુ અને મુસ્લિમ બંને અલગ રાષ્ટ્ર છે’ એવી ઝીણાની ‘ટુ-નેશન’ થિયરીને એ વખતે ગાંધીજી, પંડિત નેહરુ, સરદાર કે મૌલાના આઝાદ સહિતના નેતાઓ સ્વીકારી શક્યા નહોતા. ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનનું બાંગલાદેશમાં ફેરવાઈ જવું એ ‘ટુ-નેશન’ થિયરીની નિષ્ફળતાનું ઝગારા મારતું ઉદાહરણ હતું. વિભાજન વેળા પણ સરદાર પટેલને શ્રદ્ધા હતી કે આજે પાકિસ્તાન ભલે અલગ થતું હોય, પણ અંતે તો એ ભારત સાથે ભળી જ જવાનું છે. સરદારે આંખમાં આંજેલા સ્વપ્નનું એ અંતિમ મિશન હજુ પૂરું કરવાની જવાબદારી વર્તમાન પેઢીની છે.

પ્રારંભથી જ પાકિસ્તાનનું અસ્તિત્વ ભારત ભણી ઘૃણા કે નફરત પર ટકેલું છે. એના રાષ્ટ્રપિતા કાઇદ-એ-આઝમ માંડ એક વર્ષ અને અગિયાર દિવસમાં જ અલ્લાહને પ્યારા થઇ ગયા, પણ એ પહેલાં એમણે બ્રિટિશ ઇન્ડિયાના વિભાજનના કરેલા પાપનું પ્રાયશ્ચિત કરવા માટે કરાંચી (એ વેળાની રાજધાની)માં પહેલા ભારતીય હાઈકમિશનર શ્રીપ્રકાશને તેડાવીને વડા પ્રધાન નેહરુને સંદેશ પાઠવ્યો હતો કે મારે પાછા ફરવું છે. જૂનાગઢના નવાબે પણ પાછા ફરવા શ્રીપ્રકાશ કને દાણો દાબી જોયો હતો.

જોકે ઝીણાના ઇન્તકાલ પછી તો પાકિસ્તાનમાં રાજકીય હત્યાઓ અને લશ્કરી તાનાશાહોનો દોર ચાલ્યો. ભારત ભણી નફરતના બાવળિયા ઉગાડનારાઓની બોલબાલા રહી. પ્રત્યક્ષ યુદ્ધોમાં પાકિસ્તાનનો પનો ટૂંકો પડતો રહ્યો એટલે છેવટે એણે પ્રોક્ષી વોરનો માર્ગ અપનાવીને ક્યારેક ખાલિસ્તાન તો ક્યારેક કાશ્મીરની આઝાદીનો રાગ આલાપતા ઉગ્રવાદીઓને પોષી ભારતને કનડવાનું ચાલુ રાખ્યું.

અમેરિકાનું ઓશિયાળું પાકિસ્તાન વ્યૂહાત્મક રીતે મહાસત્તાઓને માટે મહત્વનું થાણું હોવાને કારણે વોશિંગ્ટનના ઈશારે ઇસ્લામાબાદ (રાજધાની) આર્થિક રીતે પોષાતું રહ્યું. તેના પર ચલણ તો રાવલપિંડી (લશ્કરી મુખ્યાલય)નું જળવાયું. સાઉદી અબજોપતિ ઓસામા-બિન-લાદેનને આતંકી તાલીમ આપીને પાકિસ્તાનને મારગ અમેરિકા જ સોવિયેત પ્રભાવમાં આવેલા અફઘાનિસ્તાનમાં પાઠવતું રહ્યું. આખરે ગળાનું હાડકું બનેલા એ જ લાદેનનો અમેરિકાએ જ અંત કર્યો.

આજે અફઘાનિસ્તાનમાંથી પાછું હટવાની કશ્મકશ અનુભવતા અમેરિકાને પણ પાકિસ્તાનનો ખપ છે. પાકિસ્તાનને અમેરિકાએ આપેલી સહાય આતંકીઓને પોષવામાં વપરાતી રહી. એમાંના ઘણા આતંકી ભારત સામે ઉપયોગમાં લેવાયા. એ પરંપરા હજુ અખંડ છે. દુનિયાભરના તાનાશાહો અને આતંકીઓને પોષતા અમેરિકાએ દેખાડા પૂરતું ઈસ્લામાબાદની સહાય ઘટાડીને એને નર્તન કરાવવા ચાહ્યું તો એનો હાથ ચીને ઝાલ્યો. ભારત-પાક યુદ્ધમાં ચીન પાકિસ્તાનની પડખે રહે તો અમેરિકા કે ઇઝરાયલ ભારતની મદદે આવે, એવું માનનારા કે મનાવનારા ભોંય ભૂલે છે. ચીનમાં અમેરિકાની સેંકડો કંપનીઓ કાર્યરત છે, એટલું જ નહીં, અમેરિકામાં રહેલી ચીનની ૩૦ ટકાથી વધુ અનામતો બીજિંગ પરત ખેંચે તો અમેરિકી અર્થતંત્ર મંદીમાં સપડાઈ શકે. ચીન અને સાઉદી અરેબિયા હજુ પાકિસ્તાનના વાલીપણાની ગવાહી આપતાં અમેરિકા સાથે ધરી ગોઠવે છે, એ વાત રખે ભૂલાય. અમેરિકી ઈશારે નર્તન કરતા સાઉદીના પાટવીકુંવર ઈસ્લામાબાદથી બીજિંગ વાયા દિલ્હી કંઇ અમસ્તા જતા નથી. પાકિસ્તાન ચીનનો ૩૪મો પ્રાંત (તાઇવાન હજુ અલગ છે એટલે) ગણાય છે. ચીન માટે ઇસ્લામિક દેશોમાં થઈને આફ્રિકા લગી પગદંડો જમાવવાનું ફાયદામાં છે.

રાજદ્વારી સંબંધો (Diplomatic Relations : ડિપ્લોમેટિક રિલેશન્સ) અને રાજકીય બાબતો (Political Affairs : રાજકીય બાબતો) વચ્ચે ઘણો ફરક છે. પાકિસ્તાનને ખતમ કરવાની ભાષા ભારતીય શાસકો તરફથી વપરાય કે ભારતને બરબાદ કરી દેવાની ભાષા પાકિસ્તાની શાસકો તરફથી વપરાય ત્યારે એ વાસ્તવમાં યુદ્ધનો ઉન્માદ તૈયાર કરવા કે પ્રજાનું મનોબળ ટકાવવાથી વિશેષ હોતું નથી. યુદ્ધ થાય તો બંને દેશોએ આર્થિક બરબાદી વહોરવી પડે છે. જરૂરી નથી કે યુદ્ધમાં હાર-જીત રાજકીય હાર-જીતમાં જ પરિણામે. વિન્સ્ટન ચર્ચિલ અને ઇન્દિરા ગાંધીના શાસન દરમિયાન યુદ્ધ જીત્યા પછી પણ તેમના પક્ષ હાર્યાના દાખલા છે. એની સામે કારગિલ યુદ્ધના છમકલામાં ભારત વિજયી બન્યા પછી અટલ બિહારી વાજપેયીની પાર્ટી જીતી પણ છે.

ખુલ્લેઆમ યુદ્ધ તો રાજકીય જુગાર ખેલવા જેવું હોય છે. આવા તબક્કે, પાડોશી દેશના આતંકી અટકચાળાને સર્જિકલ સ્ટ્રાઈક કે પુલવામા હુમલા પછી હવાઈદળની કાર્યવાહી જેવા પાઠ ભણાવીને સામેવાળાની સાન ઠેકાણે ના જ આવે તો વધુ વ્યાપક યુદ્ધ જેવી કાર્યવાહી થઇ શકે. દરમિયાન, બંને બાજુથી મિત્રદેશો વચ્ચે સમાધાનના પ્રયાસો પણ અખંડ રહેવા ઘટે. દિલ્હી અને ઇસ્લામાબાદ બેઉ આ મુદ્દે સમજણભર્યા મારગનું અનુસરણ કરી જ રહ્યાં છે. અંતિમ લક્ષ્ય તો અખંડ ભારત સાકાર કરવાનું છે. મિશન પાર પડે ત્યાં લગી પાડોશીઓ બદલી શકાતા નથી, છતાં મડાગાંઠો ઉકેલવાના પ્રયાસો સતત થવા ઘટે. યુદ્ધજ્વરમાં કોઈ દેશ પ્રગતિ સાધી શકે નહીં, સંવાદથી જ પ્રશ્નો હલ થઇ શકે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter