ભારત સરકારના ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પક્ષના પૂર્વ અધ્યક્ષ રાજનાથ સિંહે રાજસ્થાનના પ્રતાપગઢમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું લોકાર્પણ કરતાં રવિવાર, ૧૭ મે ૨૦૧૫ના રોજ ૨૦ મિનિટનું ભાષણ કરીને કેન્દ્ર સરકાર પ્રતાપની ૪૭૫મી જન્મજયંતીની ઊજવણી દુનિયાભરમાં કરવાની હોવાની ઘોષણા કરી. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને વાજપેયી સરકારમાં કેન્દ્રીય પ્રધાન રહી ચુકેલા રાજનાથ સિંહે કહ્યું કે મુઘલ બાદશાહ અકબરને મહાન ગણવા સામે વાંધો નથી, પરંતુ મહારાણા પ્રતાપને પણ મહાન ગણવામાં વાંધો ના હોવો જોઈએ. હજુ હમણાં જ અયોધ્યામાં રામમંદિર બાંધવા બાબતે ભારત સરકારની ટીકાનો ઉત્તર વાળતાં મોદી સરકાર પાસે રાજ્યસભામાં બહુમતી નહીં હોવાની વાત કરીને વિવાદમાં આવેલા રાજનાથે હવે મહારાણા પ્રતાપના જીવનને કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડનાં પાઠ્યપુસ્તકોમાં ભણાવવાનો આગ્રહ સેવ્યો અને રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાએ રાજ્યની શાળાઓમાં પ્રતાપની ગૌરવગાથા ભણાવવાના કરેલા નિર્ણય બદલ તેમને અભિનંદન આપ્યાં.
રાજનાથ સિંહ વરિષ્ઠ ભાજપી નેતા છે. નવાઈ એ વાતની લાગે છે કે અકબરને મહાન ગણવામાં એમને વાંધો નથી, પરંતુ મહારાણા પ્રતાપને મહાન ગણાવવાનો એમનો આગ્રહ છે. વિદ્યાર્થીઓને વિદેશી ઈતિહાસકારોએ લખેલાં પુસ્તકો ભણાવાય છે એવું રાજનાથને કોણ જાણે કોણે ભ્રમિત કર્યાં એ સમજાતું નથી. વાજપેયી સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા રાજનાથને ખ્યાલ હોવો જોઈએ કે ભારતના પ્રત્યેક રાજ્યમાં ભારતીયોએ લખેલાં પુસ્તકો ભણાવાય છે. મહારાણા પ્રતાપની શૌર્યગાથાઓ અને હલ્દી ઘાટીના અકબર વિરુદ્ધના યુદ્ધમાં પ્રતાપના વિજયનાં વખાણથી ભર્યોભાદર્યો ઈતિહાસ અત્યારે ઢળતી ઉંમરે પહોંચેલા અમારા જેવા જ્યારે શાળામાં ઈતિહાસ ભણતા હતા ત્યારે એટલે કે પચાસ-સાઠ વર્ષ પહેલાં પણ ભણાવાતો હતો.
છેક ૧૯૨૭માં પ્રકાશિત એટલે કે બ્રિટિશ શાસન દરમિયાન પ્રકાશિત ‘ઉદયપુર રાજ્ય કા ઈતિહાસ’ (ગૌ. હી. ઓઝા)થી લઈને ૧૯૬૭માં પ્રકાશિત ‘મહારાણા પ્રતાપ’ (રાજેન્દ્ર શંકર ભટ્ટ) સહિતનાં પુસ્તકોમાં રાણા પ્રતાપની ગૌરવગાથા યોગ્ય ઈતિહાસને રજૂ કરીને દર્શાવાઈ છે. રાજનાથ સિંહ આવાં પુસ્તકોને બદલે બ્રિટિશ ઈતિહાસકારોએ લખેલાં ઈતિહાસવર્ણનો વાંચતા રહ્યા હોય એવું બની શકે. મેવાડના બ્રિટિશ એજન્ટ રહેલા કર્નલ ટોડ લિખિત ‘રાજસ્થાનના ઈતિહાસ’માં ઘણી બધી કિવદંતીઓ ઘુસાડવામાં આવ્યાનું ભારતીય ઈતિહાસકારોએ તારવ્યું છે. રાજનાથને વાંધો હોય તો ભારતીય ઈતિહાસકારોમાં ડાબેરી ઈતિહાસલેખકોના કોંગ્રેસી શાસનમાં ચાલતા રહેલા ચલણ સામે હોય એવું લાગે છે. હકીકતમાં ઈતિહાસને તથ્યાધારિત ઈતિહાસ તરીકે લખવા અને ભણાવવાનો આગ્રહ રહે એ જરૂરી છે. એને હિંદુ ઈતિહાસ, મુસ્લિમ ઈતિહાસ કે બ્રિટિશ ઈતિહાસમાં વર્ગીકૃત કરવાને બદલે સત્યાધારિત ઈતિહાસ તરીકે મૂલવવાનો આગ્રહ રખાય એ અપેક્ષિત છે.
મહારાણા પ્રતાપની ગૌરવગાથા સમગ્ર દેશ હોંશભેર વર્ણવે છે. પ્રતાપને હિંદુ રાજા ગણવો અને અકબરને મુસ્લિમ શાસક લેખાવવો એ તો ઈતિહાસ સાથે નર્યો અન્યાય કરવા સમાન લેખાય. મહારાણા પ્રતાપના નિકટના સરદારો અને સાથીઓમાં મુસ્લિમો હતા એવી જ રીતે બાદશાહ અકબરના સેનાપતિ તો હિંદુ રાજપૂતો અને રાજસ્થાન પ્રદેશના રાજવી વંશના યુવરાજો જ રહ્યા છે એટલે અકબર વિરુદ્ધ પ્રતાપનાં યુદ્ધોને મુસ્લિમ વિરુદ્ધ હિંદુનો રંગ આપવો એ અનુચિત છે.
મહારાણા પ્રતાપને પડખે ભીલ કાયમ રહ્યા હતા. એટલું જ નહીં, રાણા પ્રતાપને ક્યારેય સંપત્તિની ખોટ પડી નથી. ભામાશાએ રાણા પ્રતાપને જે ધન આપ્યું હતું એ વાસ્તવમાં પ્રતાપની માલિકીનું જ હતું એ ભારતીય ઈતિહાસકારોએ ગાઈવગાડીને કહ્યું જ છે. જંગલમાં રાજવી પરિવારની હજાર જેટલી વ્યક્તિઓ સાથે અને પોતાની ૧૧ રાણીઓ તેમ જ ૧૭ કુંવર સાથે રહેનાર મહારાણા પ્રતાપ રોજેરોજ સોના-ચાંદી અને ભોજનનાં દાન કરતા રહ્યાની નોંધ અધિકૃતપણે ભારતીય ઈતિહાસકારોએ કરેલી છે. મહારાણા રોજ ૧ રૂપિયા, ૧ તોલા સોના અને ૧૦૮ બ્રાહ્મણોને ભોજનદાન દેતા હતા.
નરેન્દ્ર મોદીના વડપણવાળી ભારત સરકારે મહારાણા પ્રતાપની ૪૭૫મી જન્મજયંતી દુનિયાભરમાં ઊજવવાનો નિર્ણય કર્યો એ આવકાર્ય ઘટના ગણાવી શકાય, પણ ઘણે મોડે લેવાયેલો નિર્ણય ગણવો પડે. રાણા પ્રતાપ તો રાષ્ટ્રનાયક છે. એમની જન્મજયંતીની ઊજવણીમાં કોંગ્રેસ કે ભાજપના ભેદ ના રહેવા જોઈએ. પ્રશ્ન એટલો જ છે કે મહારાણા પ્રતાપનો સાચો ઈતિહાસ ભણાવાય. રાજનાથને કદાચ એ વાતની જાણ નહીં હોય કે રાજસ્થાનના કોંગ્રેસી મુખ્ય પ્રધાનના સમયગાળામાં જ મહારાણા પ્રતાપને ન્યાય તોળતો અને એમનું વાસ્તવવાદી ચિત્રણ રજૂ કરતો સાચો ઈતિહાસ રાજસ્થાન હિંદી ગ્રંથ અકાદમી, જયપુર દ્વારા ‘મહારાણા પ્રતાપ’ (પ્રા. આર. પી. વ્યાસ લિખિત) વર્ષ ૨૦૦૧માં પ્રકાશિત કરવામાં આવ્યો હતો. એ વેળા કેન્દ્રમાં ભાજપના નેતા અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. એની સહાયથી અને રાજ્યના કોંગ્રેસી શિક્ષણ પ્રધાન ડો. સી. પી. જોશીના આશીર્વાદ સાથે પ્રકાશિત મહારાણા પ્રતાપનો ઈતિહાસ અનેક દૃષ્ટિએ અભ્યાસને યોગ્ય છે. એને કોંગ્રેસી કે ભાજપી ઈતિહાસ ગણવો એ મૂર્ખતા છે.
રાજનેતાઓ અને ખાસ કરીને રાજકીય શાસકો ઐતિહાસિક ઘટનાઓ અને ઈતિહાસ પુરુષો કે સ્ત્રીઓ વિશે બેફામપણે નિવેદનો કરવા માંડે છે ત્યારે એમાંથી માત્ર રાજકીય લાભ ખાટવાના એમના બદઈરાદા છતાં થયા વિના રહેતા નથી.
મહારાણા પ્રતાપના વ્યક્તિત્વ અને મૂલ્યાંકન કરતાં પ્રા. આર. પી. વ્યાસે નોંધ્યું છેઃ ‘શિવાજી જેવા વીર અને સ્વરાજના નિર્માતાએ પોતાનો સંબંધ પ્રતાપના રાજઘરાણા (સિસોદિયા રાજપૂત) સાથે જોડીને પોતાને ગૌરવાંકિત કર્યા હતા. એવું જરૂર કહેવાય છે કે છેવટે રાણા અમર સિંહે મુઘલો સાથે સંધિ કરવા વિવશ થવું પડ્યું હતું. તેમણે મુઘલોની અધીનતા સ્વીકારી હતી. જો ઈ.સ. ૧૫૭૨માં પ્રતાપે મુઘલો સાથે સમજૂતી કરી લીધી હોત તો મેવાડને વિનાશથી બચાવી શકાયું હોત. ત્યાં ખૂનખરાબો થાત નહીં.’
કેટલાક લેખકોના મતે પ્રતાપે હિંદુ ધર્મ અને સિસોદિયા વંશના ગૌરવની રક્ષા માટે અકબર સાથે સંઘર્ષ વહોર્યો હતો. આ રીતે તો પ્રતાપને ઈસ્લામવિરોધી ગણાવીને પ્રતાપ તથા અકબર વચ્ચેનું યુદ્ધ હિંદુ અને મુસલમાનો વચ્ચેનું ધાર્મિક યુદ્ધ ગણાવાય. પ્રતાપને આ રીતે રજૂ કરવાનું પ્રતાપને અન્યાય કરવા જેવું હોવાનું પ્રા. વ્યાસ નોંધે છે. પ્રતાપના જીવનમાં ટૂંકી દૃષ્ટિની કોમવાદી ભાવનાને કોઈ સ્થાન નહોતું. પ્રતાપનો સંઘર્ષ સિદ્ધાંતો પર આધારિત હતો. તેમને ઈસ્લામ સાથે કોઈ વેર નહોતું. હલ્દી ઘાટીના યુદ્ધમાં પ્રતાપની અડધી સેનાનું નેતૃત્વ હકીમ ખાં સૂરના હાથમાં હતું. સામે પક્ષે અકબરની સેનાનું નેતૃત્વ રાજા માન સિંહ કરતા હતા. તેમની સેનામાં હિંદુઓની સંખ્યા ઘણી વધુ હતી. બંને વચ્ચેનો સંઘર્ષ હિંદુ વિરુદ્ધ મુસ્લિમ નહોતો.
અકબરને પ્રતાપ વિદેશી આક્રમણખોર ગણતા હતા અને વિદેશી આક્રમણખોરનો પ્રતિકાર કરવો એ પ્રતાપની દૃષ્ટિએ ક્ષત્રિયનો ધર્મ હોવાનું ઈતિહાસકારો નોંધે છે.
મુઘલ સામ્રાજ્યના સંસ્થાપક બાબરથી લઈને બાદશાહ અકબરના વંશજો પોતાને ભારતીય લેખાવવાને બદલે તુર્ક ગણાવવાનું પસંદ કરતા હતા. ગુજરાતના દાહોદમાં જન્મેલો ઔરંગઝેબ પણ પોતાને તુર્ક ગણાવતો હતો એટલે એના વિશાળ સામ્રાજ્ય છતાં એ પોતાને ભારતીય લેખવા તૈયાર નહોતો. ૧૮૫૭ના સ્વતાંત્ર્યના પ્રથમ સંગ્રામનું નેતૃત્વ આ જ મુઘલ વંશના છેલ્લા બાદશાહ બહાદુર શાહ ઝફરનું નેતૃત્વ નાનાસાહેબ પેશવા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સહિતનાએ સ્વીકાર્યું હતું, પરંતુ મોટા ભાગનાં રજવાડાં બ્રિટિશ શાસનને પડખે રહ્યાં અને એ ક્રાંતિ નિષ્ફળ ગઈ હતી.
અમે કાયમ કહીએ છીએ કે ઈતિહાસની જ બાબતોમાં રમમાણ રહેવાથી તો ઘણી વાર ઈતિહાસનાં ભૂંડાં પ્રકરણોને તાજાં કરવાનું થશે. ભારતીય આઝાદીના અગ્રણી સેનાની મોહનદાસ કરમચંદ ગાંધીના દાદા પોરબંદરના દીવાન તરીકે ૧૮૫૭ના જંગમાં બ્રિટિશરોથી મુક્તિ ઝંખતા વાઘેરોના ‘બંડ’ને કચડવા માટે સૈનિકો લઈને ગયા હતા. મહારાણા પ્રતાપના ભાઈઓ મુઘલો સાથે ભળ્યા હતા. મહારાણા પ્રતાપ ખુદના પાટવી કુંવર અમર સિંહને મુઘલ દરબારમાં બાન તરીકે રખાયા હતા અને એમણે જ અત્યારના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વતન વડનગર (આનંદપુર)માં લૂંટ ચલાવી હતી!
ગૃહ પ્રધાન રાજનાથ સિંહ મહારાણા પ્રતાપનો પાઠ શાળાઓમાં દાખલ કરવા બદલ જેમને યશ આપે છે એ વસુંધરા રાજે જ નહીં, રાજસ્થાનના અન્ય તમામ કોંગ્રેસી-બિનકોંગ્રેસી મુખ્ય પ્રધાનોએ મહારાણા પ્રતાપનું ગૌરવ કર્યું છે. પક્ષાપક્ષીમાં મહારાણા પ્રતાપને રંગવાની કોશિશોથી તો તમામ મહારાજાઓના ૧૮૫૭ના ભૂંડા ઇતિહાસનું સ્મરણ તાજું કરાવાશે. ગ્વાલિયરના મહારાજા સિંધિયા સહિતના મોટા ભાગના મહારાજાઓ અંગ્રેજોની કુરનિશ બજાવતા હતા.
મહારાણા પ્રતાપના વંશજોમાં મહારાણા ભુપાલ સિંહે સરદાર પટેલની સાથેના અંતરંગ સંબંધોને કારણે પાકિસ્તાન સાથે હિંદુ રાજવીઓને ભેળવવાની ખતરનાક ભોપાલ યોજના નિષ્ફળ રહ્યાનું ક. મા. મુનશી ‘પિલ્ગ્રિમેજ ટુ ઈન્ડિયા’માં સુપેરે નોંધે છે. ભોપાલના નવાબ હમીદુલ્લા ખાનની પાકિસ્તાનના પ્રણેતા મોહમ્મદ અલી ઝીણા સાથેની દોસ્તીની આડમાં વડોદરાના મહારાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ, ઈન્દોરના મહારાજા હોલકર, જયપુર અને જોધપુર જ નહીં, અજમેરના મહારાજાઓનું પણ ઝીણા સાથે ઈલુ-ઈલુ ચાલતું હતું ત્યારે મેવાડ નરેશ ભુપાલ સિંહે એમની સાથે જોડાવાનો નન્નો ભણ્યો હતો. આ વાત પાઠ્યપુસ્તકોમાં ભણાવાય એ જરૂરી છે.