મે ૨૦૧૪માં વડા પ્રધાન પદે ભારતીય જનતા પક્ષના નેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રચારક રહેલા નરેન્દ્ર દામોદરદાસ મોદી આરૂઢ થયા ત્યારે વિશ્વ હિંદુ પરિષદ (વિહિપ)ના નેતા અને સંઘના વરિષ્ઠ પ્રચારક અશોક સિંહલના શબ્દો કાંઈક આવા હતાઃ ‘છેલ્લાં ૮૦૦ વર્ષમાં પહેલી વાર એવો દિવસ આવ્યો છે કે જ્યારે આપણે કહી શકીએ કે હિંદુત્વની રક્ષક સરકાર આવી છે. હવે આપણી પરંપરાઓ પુનસ્થાપિત થશે. હિંદુઓનું દિલ્હીમાં ફરી રાજ સ્થાપ્યું છે. રાજપૂત રાજવી પૃથ્વીરાજ ચૌહાણ ૧૨મી સદીમાં દિલ્હીપતિ તરીકેનાં સ્થાન ગુમાવ્યું, પછી પહેલી વાર આવું બન્યું છે.’ સિંહલના આ શબ્દોમાં અતિરેક હશે, થોડોક હકીકત દોષ પણ ગણાશે; કારણ સંઘના જ વરિષ્ઠ પ્રચારક અને ભાજપનાં સંસ્થાપક અધ્યક્ષ એવા અટલ બિહારી વાજપેયીની દિલ્હીમાં સરકાર આવી હતી. જોકે એમણે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે કાંઈ ના કર્યું હોવાની વાત કરીને અશોકજીએ આમરણ ઉપવાસ આદર્યા હતા. વાજપેયીના જ આદેશથી એમના ઉપવાસને ફરજિયાતપણે તોડાવવા પડ્યા હતા.
આ વખતે વડા પ્રધાન મોદી સામે અશોકજીના ૨૦૦૩થી અનુગામી એવા વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ (વર્ષ ૨૦૧૧થી) અને જાણીતા કેન્સર સર્જન ડો. પ્રવીણ તોગડિયાએ પણ અયોધ્યામાં રામમંદિર નિર્માણના મુદ્દા સહિતના સંઘ-વિહિપના એજન્ડાની વાતે મૂંઝવવાનું શરૂ કર્યું અને હોદ્દેથી જવું પડ્યું.
ડો. તોગડિયાએ અમદાવાદ પાછા ફરીને આમરણ ઉપવાસની દિશામાં આગળ વધવું પડ્યું છે. ક્યારેક બે બળદની જોડીની જેમ ગાંધીના નેહરુ-સરદાર જેવા સંઘ-વિહિપના મોદી-તોગડિયા હિંદુત્વના મુદ્દે એકમેકના સાથીદાર હતા. વર્ષ ૨૦૦૧ની ઓક્ટોબરની ૭ ઓક્ટોબરે કેશુભાઈ પટેલને સ્થાને નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા ત્યારે આ જ ડો. તોગડિયાએ ‘ખરા અર્થમાં હિંદુ રાષ્ટ્રની શરૂઆત’ થયાનું જાહેર નિવેદન કર્યું હતું. ગોધરા કાંડને પગલે રાજ્યમાં ફાટી નીકળેલાં કોમી રમખાણોમાં મુખ્ય પ્રધાન મોદી અને વિહિપના ગુજરાતના ફાયરબ્રાન્ડ નેતા ડો. તોગડિયા સહકાર સાધીને આગળ વધી રહ્યા હતા. એ પછી બેઉની વડા પ્રધાન થવાની મહત્ત્વાકાંક્ષામાં મોદી આગળ નીકળી ગયા અને મતભેદો વધતા ચાલ્યા. આખરે ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ હરિયાણાના ગુરુગ્રામ ખાતે વિહિંપના દેશ-વિદેશના ૧૯૮ ટ્રસ્ટીઓએ કરેલા મતદાનમાં ડો. તોગડિયા સમર્થિત જી. રાઘવ રેડ્ડીને માત્ર ૬૦ મત મળ્યા અને સંઘ-ભાજપ સમર્થિત જસ્ટિસ (નિવૃત્ત) વિષ્ણુ સદાશિવ કોકજેને ૧૩૧ મત મળ્યા.
નવનિર્વાચિત આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ જસ્ટિસ કોકેજએ આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષપદે એડવોકેટ આલોક કુમારનું નામ સૂચવ્યું અને એને ટ્રસ્ટીમંડળે સંમતિ આપી એટલે ડો. તોગડિયાએ વિહિંપમાંથી ફારેગ થવાનું પસંદ કર્યું. છેલ્લા છ મહિનાથી સંઘના સરસંઘચાલક ડો. મોહનરાવ ભાગવત અને સહકાર્યવાહ ભૈયાજી જોશી ‘કાં રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણ કરવાની મોકળાશ માટે સંસદમાં કાયદો બનાવવા સહિતના મુદ્દે મોદી સરકારને મૂંઝવણમાં મૂકતા મુદ્દા જાહેરમાં ના ઊઠાવો અથવા તો વિહિંપના હોદ્દેથી હટી જાઓ’ એવું સમજાવવાની કોશિશ કરી રહ્યા હતા.
ડિસેમ્બર ૨૦૧૭માં ભુવનેશ્વરમાં ડો. તોગડિયાએ ચૂંટણી માટે જીદ ચાલુ રાખી એટલે મતદાન શરૂ થયું અને પછીથી અટકાવી દેવાયું હતું. ગુરુગ્રામની ૧૪ એપ્રિલની બેઠકમાં મતદાન થયું. બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિને જ એક દલિત પરિવારના જસ્ટિસ કોકજે વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ બન્યા. એ પણ એક સંયોગ ગણવો પડે.
વિહિંપની સ્થાપના પછી પહેલી વાર ચૂંટણી
ઓગસ્ટ ૧૯૬૪માં મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા સ્વામી ચિન્મયાનંદના સાંદિપની આશ્રમમાં વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના કરવામાં આવી, ત્યારથી અત્યાર લગી વિહિંપમાં ક્યારેય ચૂંટણી માટે મતદાન થયું નહોતું. ડો. તોગડિયાએ ચૂંટણી માટે મતદાનનો આગ્રહ સેવ્યો, સંઘના નિર્દેશોનો અનાદર કર્યો અને વડા પ્રધાન મોદી વિરુદ્ધનો જં ચાલુ રાખ્યો એટલે છેવટે એમણે જે સંસ્થા સાથે ચાર દાયકાનો સંબંધ હતો એમાંથી ફારેગ થવું પડ્યું.
વિશ્વ હિંદુ પરિષદની સ્થાપના સ્વામી ચિન્મયાનંદની અધ્યક્ષતામાં મળેલા ૬૦ મહાનુભાવો થકી કરાઈ હતી. એના સંસ્થાપકોમાં આરએસએસના દ્વિતીય સરસંઘચાલક માધવ સદાશિવ ગોળવળકર (ગુરુજી), આર.એસ. આપ્ટે, તુકડોજી મહારાજ, માસ્ટર તારા સિંહ (અકાલી દળ), ક.મા. મુનશી, કે. કા. શાસ્ત્રી, લાલચંદ હીરાચંદ, કરમશીભાઈ સોમૈયા, પી. ડી. ખોના, એમ. એન. ઘટાટે, ધરમશી મૂળરાજ ખટાઉ, રાજપાલ પુરી વગેરે ભારતમાંથી અને પોદાર (કેન્યા), અને રામ કૃપાલાની (ટ્રિનિડાડ) સહિતના વિદેશવાસી હિંદુઓનો સમાવેશ હતો. ૨૯ ઓગસ્ટ ૧૯૬૪ના રોજ એની સ્થાપના થઈ હતી. વિહિંપની ઇંગ્લેન્ડમાં શરૂઆત ૧૯૭૨માં અને અમેરિકામાં ૧૯૭૦માં કરવામાં આવી હતી. ભારતીય બંધારણમાં હિંદુની વ્યખ્યા હેઠળ આવરી લેવાતા તમામ ધર્મ-પંથના હિંદુ, જૈન, બૌદ્ધ અને શીખ માટે વિહિંપની સ્થાપના કરાઈ હતી.
જોકે આજકાલ શીખ ધર્મના હિંદુઓમાં સમાવેશ કરવાના મુદ્દે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. એમ છતાં દુનિયાના ૪૦ કરતાં પણ વધુ દેશોમાં એની કામગીરી ચાલુ છે. ભારતાં વિહિંપ સાથે સાધુ-સંતો પણ મોટા પ્રમાણમાં જોડાયેલા છે. એનો પ્રભાવ અંતરિયાળ ભારતના દલિત, આદિવાસી, અને અન્ય પછાત વર્ગોમાં પણ વધતો ચાલ્યો છે અને એનો રાજકીય લાભ ભાજપને મળતો રહ્યો છે.
૧૯૮૧માં તમિળનાડુના મીનાક્ષીપુરમમાં દલિતોના સામૂહિક ધર્માંતરણના બનાવે વિહિંપને વધુ સક્રિય બનાવી હતી. હિંદુઓના ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશને અટકાવવા ઉપરાંત પરાવર્તન કે ઘરવાપસી કાર્યક્રમો થકી હિંદુ ધર્મ છોડી ગયેલાઓને ફરી હિંદુ ધર્મમાં પાછા લાવવાના કાર્યક્રમો હાથ ધરાય છે. ૧૯૮૪થી અયોધ્યામાં રામમંદિર નિર્માણના મુદ્દે આંદોલન અને ૬ ડિસેમ્બર ૧૯૯૨માં અયોધ્યામાં બાબરી મસ્જિદના ઢાંચાને તોડવાના ઘટનાક્રમ થકી ભાજપને વિહિંપનો ઘણો લાભ મળ્યો છે.
સંઘ, વિહિંપ, અને ભાજપ અનુક્રમે સાંસ્કૃતિક, ધાર્મિક અને રાજકીય પાંખ તરીકે કાર્યરત છે. ભારતમાં કેન્દ્રમાં વડા પ્રધાનપદ અને ૨૧ રાજ્યોમાં સત્તાપ્રાપ્ત લગી ભાજપને પહોંચાડવામાં વિહિંપનું યોગદાન નાનુસૂનું નથી. ડો. તોગડિયાનું પણ યોગદાન અવગણી શકાય એવું નથી. રેડ્ડી હાર્યા પછી વિહિંપના ટ્રસ્ટીમંડળે ઠરાવ કરીને રેડ્ડી અને ડો. તોગડિયાના યોગદાનને બિરદાવ્યું છે.
વ્યક્તિ કરતાં સંસ્થા મોટી ગણાય
વિહિંપમાંથી ડો. તોગડિયા છૂટા થયા પછી ગુજરાતમાંથી વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિનીના કેટલાક અગ્રણી કાર્યકરોએ રાજીનામાં આપ્યાં છે. ડો. તોગડિયા આમરણ ઉપવાસ આદરીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સંસદમાં કાયદો કરે, બંધારણમાં ૩૭૦ની કલમ દૂર કરીને જમ્મૂ-કાશ્મીરને અન્ય રાજ્યોની જેમ જ મુખ્ય ધારામાં લાવે, કાશ્મીરી પંડિતોને ફરી જમ્મૂ-કાશ્મીરમાં વસાવાય, સમાન નાગરીધારાનો અમલ કરાય, ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મૂકતો કાયદો કરે તેમજ સંઘ-વિહિંપ-ભાજપના હિંદુવાદી એજન્ડાનો અમલ કરે એવો આગ્રહ સેવે છે. એક વાર વિહિંપના હોદ્દેથી નીકળી ગયા અને સંઘ પરિવારની આમન્યામાંથી પણ ફારેગ થયા એટલે ડો. તોગડિયાને કેટલું જનસમર્થન મળશે એ કહેવું મુશ્કેલ છે.
ભાજપ-સંઘ-વિહિંપમાં એમનું અત્યાર લગી મહત્ત્વ હતું, પણ હવે સંસ્થામાંથી ફારેગ થયા અને અલગ સંસ્થા બનાવવાનો નથી એવું કહે છે એવા સંજોગોમાં એમનો રાજકીય પ્રભાવ આગામી વિધાનસભા ચૂંટણીઓ અને લોકસભા ચૂંટણી ૨૦૧૯માં ભાજપને પ્રતિકૂળ અસર તળે લાવશે કે કેમ એ મહાપ્રશ્ન છે.
જોકે વર્ષ ૨૦૧૨ની ગુજરાતની વિધાનસભા ચૂંટણી અને વર્ષ ૨૦૧૭ની રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ડો. તોગડિયાની ભૂમિકા મોદીવિરોધી રહ્યાની અસર પ્રમાણમાં ઓછી થઈ હતી, પણ ભાજપની બેઠકો ઘટાડનારી તો રહી જ હતી. તોગડિયા ના તો કેશુભાઈ પટેલ છે કે ના સંજય જોશી અને કે. એન. ગોવિંદાચાર્યની જેમ શાંતે બેસે એવા છે. જોકે એમના થકી ભાજપને નુકસાન અને વિપક્ષને લાભ કેટલા પ્રમાણમાં થઈ શકે એનાં આકલન વડા પ્રધાન મોદીએ કરી રાખ્યાં હશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)