ઘણા વખતે ભારતીય જનતા પક્ષના વયોવૃદ્ધ નેતા લાલ કૃષ્ણ આડવાણી ગુજરાત આવ્યા અને સાબરમતી રિવરફ્રંટ પર ગૌરવ વિકાસ સંમેલનમાં મોદીનિષ્ઠ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની લગોલગ ઝળક્યા. હજુ હમણાં જ આડવાણીએ પત્ની કમલા આડવાણીના મૃત્યુનો કારમો વિયોગ સહેવાનો આવ્યો છે. જોકે રાજકારણમાં સક્રિય રહેવું હોય તો અંગત દુઃખોને ભૂલીને સદા પ્રજાની અને કાર્યકર્તાઓની વચ્ચે રહેવું પડે. સંભવતઃ એટલે જ લાલજી ૮૮ વર્ષની પાકટ વયે પણ ખાસ્સા સક્રિય થયા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમનાથી વંકાયેલા હોવા છતાં ક્યારેક મોદીએ આડવાણી કનેથી રાજકારણના પાઠ શીખ્યા હતા એટલે શિષ્ય તરફથી કાંઇક કૃપા થાય અને આગામી જુલાઇ ૨૦૧૭માં રાષ્ટ્રપતિ ભવન ભેળા થવાય, એવી અંતરેચ્છાને લાલજી હજુ પણ પોષી રહ્યા હોય એવું લાગે છે. અન્યથા ઢળતી ઉંમરે એમણે વડા પ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન આનંદીબહેનની રિવરફ્રંટ અંગે આટલી બધી પ્રશસ્તિ કરવાની જરૂર નહોતી. મહાત્મા ગાંધી વિશે ‘સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ’નું સ્મરણ કરીને વડા પ્રધાન તથા મુખ્ય પ્રધાનને વિશે ‘ગુજરાત કે નરેન્દ્રભાઇ, આનંદીબહેન આપને કર દિયા કમાલ’નું પ્રમાણપત્ર આડવાણી આપે ત્યારે સ્વાભાવિક રીતે કુછ હજમ નહીં હુઆ.
મોદીને નડેલા આડવાણી
આડવાણી મૂળે તો ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટાઇને દિલ્હીમાં પોતાનો પ્રભાવ પાથરતા હતા, પરંતુ સપ્ટેમ્બર ૨૦૧૩માં વડા પ્રધાનપદ માટેની તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની મહેચ્છા સામે રુસણે બેસીને એમણે રીતસર પગ પર કુહાડો જ માર્યો હતો. મુખ્ય પ્રધાનની નજર દિલ્હીની સલ્તનત પર હોવાનું ઘણા વખતથી સ્પષ્ટ હતું. પાકિસ્તાનના કરાંચીમાં જન્મેલા લાલજીએ ત્યાંના રાષ્ટ્રપિતા મોહમ્મદ અલી ઝીણાને જૂન ૨૦૦૫ દરમિયાનની પાકિસ્તાન મુલાકાત દરમિયાન સેક્યુલર ગણાવ્યા ત્યારથી માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની નજરમાંથી એ ઊતરી ગયા હતા. ડિસેમ્બર ૨૦૦૫માં જ ભાજપના અધ્યક્ષપદેથી તેમને ઉતારી દઇને પ્રમાણમાં યુવાનેતા રાજનાથ સિંહને અધ્યક્ષપદ સોંપાયું. એ પૂર્વે સંઘસુપ્રીમો કુપ્પહલ્લી સીતારામૈયા સુદર્શને અટલ બિહારી વાજપેયી અને આડવાણીને સક્રિય રાજકારણમાંથી થોડાક હટીને યુવા પેઢી માટે જગ્યા કરવાના સંકેત આપ્યા હતા. ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નિષ્ફળ રહેલા આડવાણી પર સંઘ ફરીને જુગાર ખેલવાના પક્ષમાં નહોતો.
જે આડવાણીએ જનસંઘના કર્મઠ સંસ્થાપકોમાંના એક એવા બલરાજ મધોકને અધ્યક્ષપદેથી તગેડીને પરસોના નોન-ગ્રાટા જાહેર કરવામાં સંઘના આદેશાત્મક વલણનું આચરણ કર્યું હતું, એ વરિષ્ઠ રાજનેતાએ નાગપુરના સંકેતો સુપેરે સમજી લેવા જોઇતા હતા. સંઘ મુખ્યાલય નાગપુર પ્રત્યક્ષ રીતે ભલે ભાજપમાં દાખલ ના દે, પરંતુ સંગઠન મંત્રીઓ તરીકે સંઘના પ્રચારકોને મૂકાવીને ધાર્યું કરાવવામાં સફળ હોય છે, એ વાત લાલજી જેવા પ્રચારક રહી ચૂકેલા જનસંઘ-ભાજપના પીઢ નેતાને સમજાઇ જવી જોઇતી હતી.
જોકે વડા પ્રધાનપદના ઉમેદવાર થવાની એમની મહત્વાકાંક્ષાએ અંતરંગ સાથી એવા રામ જેઠમલાની જેવા વડીલની વાત પણ તેમને કાને ધરવા જેવી ના લાગવા દીધી. જેઠમલાની એ વેળા નરેન્દ્ર મોદીની ઉમેદવારીના પક્ષધર હતા. આડવાણી રુસણે બેઠા. ના માન્યા. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૧૩ના ઘટનાક્રમમાં મોદીવિરોધી ભૂમિકા લીધી છતાં પક્ષના અધ્યક્ષ રાજનાથ સિંહે સંઘના સરસંઘચાલક ડો. મોહનરાવ ભાગવતની સાથે વાત કર્યા પછી મોદીનું નામ પક્ષના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધું. એ પછી પણ લાલજી જેવા વરિષ્ઠ નેતા વટકેલા જ રહ્યા.
ડો. મુરલી મનોહર જોશી, સુષ્મા સ્વરાજ, અરુણ જેટલી તથા મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે પણ મોદીની વહેલમાં બેસવાનું પસંદ કર્યું છતાં અડવાણીએ બેઠક બહિષ્કાર ચાલુ રાખ્યો. જોકે નરેન્દ્રભાઇ એવા કીમિયાગર છે કે એ આડવાણીને ઘેર જઇને ધરાર આશીર્વાદ લઇ આવ્યા. વડા પ્રધાન બન્યા પછી તમામ વરિષ્ઠ નેતાઓએ મોદીકૃપા પર જીવવાનું હોવા છતાં આડવાણી સંયમી રહ્યા હતા. હવે એમની દાઢ પાછી રાષ્ટ્રપતિપદ માટે સળકી લાગે છે. એટલે ગઇ ગુજરી ભૂલીને મોદી-આનંદીબહેનનાં ઓવારણાં લેતા થયા છે. જોકે મોદીની પ્રકૃતિથી વાકેફ પ્રત્યેકને ખ્યાલ છે કે એમને ક્યારેય જે કોઇ નડયું હોય એમને એ માફ કરતા નથી. એમાંય રાષ્ટ્રપતિ જેવી સંકટકાળમાં ખૂબ જ પ્રભાવ પાડી શકનારી જગ્યાએ મોદી પોતાના એકદમ અંગત નિષ્ઠાવંતને જ મૂકવાનું પસંદ કરે.
ભાજપના ત્રણ ટોચના નેતાઓ માટે માર્ગદર્શક મંડળ બનાવીને કહ્યાગરાઓની કારોબારી અને સંસદીય મંડળ ભાજપના નેતા અને વડા પ્રધાન મોદીએ બનાવ્યું છે. વડા પ્રધાન રહી ચૂકેલા અટલ બિહારી વાજપેયી અત્યારે ખૂબ બીમાર છે અને પક્ષની બાબતો વિશે ભાગ્યે જ કાંઇ માર્ગદર્શન કરી શકે એવી સ્થિતિમાં છે. આડવાણી અને ડો. મુરલી મનોહર જોશી લોકસભાના સભ્ય છે. તેમના નેતાપદે મોદીની વરણી થયેલી હોવાથી એ વંકાઇ શકવાની સ્થિતિમાં નથી.
ઓછામાં પૂરું, આડવાણી અને જોશી વચ્ચે સુમેળ નથી. આડવાણી કરતાં ડો. જોશી વડા પ્રધાન મોદીનું સમર્થન કરવામાં જ સંતાનના રાજકીય ભાવિને ઉજ્જવળ બનાવવાનું પસંદ કરે. બંને નેતાઓને પ્રધાનમંડળમાં કે લોકસભાના અધ્યક્ષપદ જોવા બીજા કોઇ હોદ્દા માટે પસંદ નહીં કરીને મોદીએ પોતાનો અણગમો સ્પષ્ટ કરી દીધો છે. સાથે જ ‘હુ કોલ્સ ધ શોટ’ની સ્થિતિ પણ સ્પષ્ટ કરી છે. ડો. મુરલી મનોહર જોશી પણ મોદીની પસંદગીના રાષ્ટ્રપતિ તરીકે પસંદગી પામી શકે તેમ નથી.
પાંચ રાજ્યોની ચૂંટણી પછીનું ચિત્ર
રાષ્ટ્રપતિની ચૂંટણી જુલાઇ ૨૦૧૭ પૂર્વે કરવી પડે. વર્તમાન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની મુદત ૨૫ જુલાઇ, ૨૦૧૭ના રોજ પૂરી થાય છે. એ પહેલાં ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ યોજવાનું અનિવાર્ય છે. ભાજપને આ રાજ્યોમાં બહુમતી મળવાની અને રાષ્ટ્રપતિપદે વિનાસંકટે પોતાના ઉમેદવારને મૂકાવવાનું શક્ય લાગે છે. આ પાંચેય રાજ્યોમાં મે ૨૦૧૭ પહેલાં વિધાનસભાની મુદત પૂરી થતી હોવાથી ચૂંટણી યોજવી પડે.
આસામમાં ભાજપનું શાસન આવ્યા પછી મણિપુરમાં પણ કોંગ્રેસને સત્તાથી વંચિત કરવાનું ભાજપ માટે અશક્ય નથી. પંજાબમાં અકાલી-ભાજપની સરકાર છે. કોંગ્રેસના આંતરકલહ અને આપ પાર્ટી થકી અકાલી-ભાજપ સામેના મોરચામાં ફાટફૂટ પડાવાય એવા સંજોગોમાં સત્તારૂઢ મોરચા ભણી લોકોના રોષ છતાં ફરી સત્તા મેળવી શકાય. ઉત્તરાખંડમાં વડા પ્રધાન મોદીનો દાવ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી નિષ્ફળ રહ્યા છતાં વિધાનસભાની ચૂંટણી પછી સત્તા ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ)ની બહુમતી સ્થપાતાં મોદી સરકાર માટે વહીવટી અનુકૂળતા વધી શકે. સાથે જ રાષ્ટ્રપતિભવનમાં કહ્યાગરા અને મોદીનિષ્ઠ રાષ્ટ્રપતિ બિરાજતાં વડા પ્રધાન મોદીએ રાષ્ટ્રીય સ્તરે લાવવા ધારેલાં પરિવર્તનો સરળ બની શકે.
વડા પ્રધાન મોદી ક્યારે કેવું રાજકારણ ખેલશે એ કહેવું મુશ્કેલ હોવાથી અત્યાર સુધીમાં ચર્ચામાં આવેલાં રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવારોનાં નામોમાં લાલ કૃષ્ણ આડવાણી, ડો. મુરલી મનોહર જોશી, અમિતાભ બચ્ચન, ‘ઇસરો’ના અધ્યક્ષ રહેલા કે. રાધાકૃષ્ણનને બદલે અન્ય કોઇ અજાણ્યું નામ પણ છેલ્લી ઘડીએ આવી શકે. જે હશે તે મોદીનિષ્ઠ અને મોદીસમર્પિત જ હશે. ગુજરાતનાં વર્તમાન મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ પણ રાષ્ટ્રપતિ ભવનનાં હકદાર થઇ શકે.
ગુજરાતનો ગાઢ સાચવવો અનિવાર્ય
આનંદીબહેનને ગાંધીનગરથી અન્યત્ર ખસેડવાં પડે અને ૨૦૧૭ના અંતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી જીતીને શંકરસિંહ વાઘેલા કે ભરતસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બનવાનાં શમણાંની બાજીને ઊંધી વાળવા માટે મોદીવ્યૂહ મુજબ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પણ મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરી દેવાય અથવા તો ચૂંટણી પૂર્વે મુખ્ય પ્રધાન બનાવી દેવાય એ અશક્ય નથી.
ગુજરાતની કુલ ૩૩માંથી ૨૩ જિલ્લા પંચાયતો જીતનારી કોંગ્રેસ હવે વિધાનસભામાં બહુમતી મેળવવાનું હાથવેંતમાં અનુભવે છે, પણ મોદી-અમિત શાહના વ્યૂહ ક્યાં, ક્યારે, કયા કોંગ્રેસી નેતાનો શિકાર કરીને ભાજપ માટે ઉજાણીનો પ્રસંગ સર્જશે એનું આગોતરું નાટક હજુ હમણાં જ ગાંધીનગર મહાનગર પાલિકામાં ભજવાઇ ગયું. યેનકેન પ્રકારેણ ભાજપનો ગુજરાત ગઢ તો સાચવવો એ ભગવી બ્રિગેડ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)