ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સંસદના ચોમાસુસત્ર પહેલાં ભીંસ વધી છે. સત્તારોહણ પછી સતત વિપક્ષોને ભીંસમાં મૂકનારા વડા પ્રધાન મોદી માટે જુલાઈ ૨૦૧૬ સૌથી વસમો મહિનો સાબિત થયો છે. પ્રજાને અપેક્ષિત મોંઘવારી ઓછી થતી નથી, રાજકીય સાથીઓની મહત્ત્વાકાંક્ષા પ્રધાનમંડળના વિસ્તરણ પછી પણ ઓછી થતી નથી અને સર્વોચ્ચ અદાલતના ઉત્તરાખંડ રાજ્યના ચુકાદા પછી અરુણાચલ રાજ્યના ચુકાદા પણ લપડાક તરીકે આવીને પડ્યા છે.
વિપક્ષમાંના રાજકીય પક્ષોમાં વિભાજનો સર્જીને પોતાને અનુકૂળ સત્તા-સમીકરણો રચવાની વડા પ્રધાન મોદીની દોટ હવે થંભી ગઈ છે. રાષ્ટ્રપતિશાસન લાગુ કરીને વિપક્ષી કોંગ્રેસનાં રાજ્યોને અનુકૂળ ઝોળીમાં સેરવી લેવાની મોદી-મહેચ્છા ઉત્તરાખંડ અને અરુણાચલમાં ઊંધી પડી છે. કહ્યાગરા રાજ્યપાલ અને અસંતુષ્ટ કોંગ્રેસી ધારાસભ્યોના બોદા ટેકાનો ભારે ફટકો પડ્યો.
નાલેશી તો એ વાતની વહોરવી પડી કે ઉત્તરાખંડમાં કોંગ્રેસી મુખ્ય પ્રધાન હરીશ રાવત અને અરુણાચલ પ્રદેશના કોંગ્રેસી મુખ્ય પ્રધાન નબામ તુકીને કોંગ્રેસી ધારાસભ્યોમાં ફૂટ પાડીને ભાજપી ધારાસભ્યોનો ટેકો અસંતુષ્ટોને આપીને, ગબડાવ્યા પછી થૂંકેલું પાછું ગળવું પડે એ રીતે પુનઃ મુખ્ય પ્રધાનપદે બહાલ કરવા પડ્યા છે. અરુણાચલ પ્રદેશમાં તુકીને નેતૃત્વ સાથે પક્ષના ધારાસભ્યોને વાંધો હતો એટલે નવા નેતા તરીકે દેશના સૌથી યુવાન મુખ્ય પ્રધાન તરીકે કોંગ્રેસી જ એવા પેમા ખાંડૂને શપથ લેવડાવવા પડ્યા છે.
ગુજરાતના પ્રચારના તમાચા તાજા
મોદીને આ બંને રાજ્યોમાં જે સણસણતો તમાચો પડ્યો છે એના પ્રત્યાઘાત ગુજરાતમાં પણ પડ્યા છે. ગાંધીનગર સહકારી બેંકના અધ્યક્ષ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડો. હિમાંશુ પટેલે તો ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી અને મે ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતના કેન્દ્રના તમાચાવાળી જાહેરાતોને ટીવી માધ્યમોમાં તાજી કરી. છોગામાં ગુજરાતના ફરજંદ અને પ્રતિનિધિ એવા મોદી વડા પ્રધાન થયા પછી પણ કેન્દ્ર થકી અન્યાયની યાદીમાં કોઈ ઘટાડો નહીં થવાનું ગાઈવગાડીને કહેતા ડો. પટેલ ભાજપી છાવણીમાં સન્નાટો પ્રસરાવે છે.
ભાજપમાં અત્યાર લગી મોદીના નેતૃત્વની આમન્યા રાખીને એમની વિરુદ્ધ ભાગ્યે જ કોઈ બોલતું હતું. હવે એ આમન્યા કેન્દ્રીય રાજ્યપ્રધાન તરીકે રુખસદ પામેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને મધ્ય પ્રદેશના કેબિનેટ પ્રધાન તથા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બાબુલાલ ગૌડે તોડી છે એટલે બીજાઓમાં પણ હિંમત આવતી જાય છે. કાશ્મીરનું કોકડું બેધારી તલવારની જેમ ગૂંચવાયું છે. અત્યાર લગીની જમ્મુ-કાશ્મીરની સરકારોને ભાંડતી ભારતીય જનતા પક્ષની નેતાગીરી માટે જમ્મુ-કાશ્મીરમાં પીડીપી સાથેની તેની સરકાર હિંસાચારને રોકવામાં નિષ્ફળ રહ્યાથી પરેશાન છે. અખબારી સ્વાતંત્ર્યને ટૂંપો દેવા માટે ‘આ હિંસાને અખબારો વકરાવે છે’ એવું કારણ આપીને અખબારોનાં પ્રકાશન રોક્યાં છે. દેશભરમાં અનેક પ્રદેશો પૂરગ્રસ્ત છે.
ચોમાસુ સત્રમાં તૃણમૂલના દેખાવો
વડા પ્રધાન મોદીએ સમય વર્તે સાવધાન ગણીને વિપક્ષોને ભીંસમાં લેવા માટેનાં આક્રમક નિવેદનો ઓછાં કરીને વિપક્ષોનો સહયોગ માગવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી) અંગેના વિધેયકને રાજ્યસભામાં પસાર કરવા અમુક સુધારા સાથે સહયોગ આપવાની નરમાશ દેખાડી છે, પણ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીનો પક્ષ તૃણમૂલ કોંગ્રેસ વટક્યો છે. સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ તૃણમૂલના સાંસદોએ સંસદભવનની બહાર મોદી સરકારના વિરોધમાં દેખાવો યોજ્યા.
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન મોદી સંઘ પરિવાર સાથે ચિંતન બેઠકો યોજી ગણિત મૂકવા માંડ્યા હતા, પણ કોંગ્રેસના નવા વ્યૂહ એમાં ફાચર મારવા માંડ્યા છે. અમિત શાહની ‘કઠપૂતળી’ સીબીઆઈ (દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના શબ્દોમાં) સમાજવાદી સુપ્રીમો મુલાયમ સિંહ યાદવ અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીને ગભરાવવાની કોશિશમાં હોવા છતાં એ ગણિત પણ ઊંધા પડવા માંડ્યાં છે.
કોંગ્રેસે દિલ્હીનાં ૧૫ વર્ષ સુધી મુખ્ય પ્રધાન રહેલાં શીલા દીક્ષિતને પોતાનાં મુખ્ય પ્રધાન પદનાં ઉમેદવાર જાહેર કરી બ્રાહ્મણ વોટબેંક અંકે કરવાનો પ્રયાસ કરવા ઉપરાંત ઉત્તર પ્રદેશના પ્રભારી તરીકે ગુલામ નબી આઝાદને મૂક્યા અને પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષપદે રાજ બબ્બરને મૂકવા ઉપરાંત માળખામાં જે રીતના ફેરફાર કર્યાં, એ પણ ભગવી બ્રિગેડને અકળાવે છે. છોગામાં અત્યાર લગી પક્ષમાં સક્રિય થવામાં સંકોચ અનુભવતાં રાજીવ-સોનિયા પુત્રી પ્રિયંકા ગાંધી પણ પોતાના ભાઈ રાહુલના ટેકામાં સક્રિય થઈ ગયાં છે.
નીતિશ - મમતા - કેજરીની ધરી
ચોવીસ કલાકના જાગતા રાજનેતા નરેન્દ્ર મોદીના ગ્રહો હમણાં મૂંઝવણો સર્જી રહ્યા લાગે છે. દસ વર્ષ પછી વડા પ્રધાને મુખ્ય પ્રધાનો સાથેની બેઠક યોજી પણ એમાં બિહારના નીતિશ કુમાર, પશ્ચિમ બંગાળના મમતા બેનરજી અને દિલ્હીના અરવિંદ કેજરીવાલની ધરી ઉપરાંત પંજાબના મિત્રપક્ષ અકાલી દળના મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ અને નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંહ બાદલે પણ કેન્દ્રની દખલગીરી સામે વિરોધ નોંધાવ્યો. અત્યાર લગી મોદીચાલીસાનું રટણ ચોફેર ચાલતું હતું ત્યાં નરેન્દ્રભાઈને પહેલીવાર મૂંઝવણ અનુભવાય એવો ઘટનાક્રમ સર્જાયો છે.
છેલ્લાં બે વર્ષમાં ૩૮ દેશોનો પ્રવાસ કરનાર મોદીની તુલનામાં વડા પ્રધાન તરીકે પહેલાં બે વર્ષમાં ડો. મનમોહન સિંહે માત્ર ૧૪ દેશોનો અને અટલ બિહારી વાજપેયીએ માત્ર ૮ જ દેશોના પ્રવાસ ખેડ્યાની વિગતોની ગાજવીજ પીએમઓને અકળાવે છે.
ગુજરાતમાં હાર્દિક પટેલને ઉદયપુર લગી તડીપાર કરાયા છતાં એ રોજેરોજ રાજ્ય સરકાર માટે નવી મૂંઝવણો સર્જી રહ્યો છે. ઓબીસી મંચનો અલ્પેશ ઠાકોર તથા કેજરીવાલ-સેના પણ ગુજરાતમાં નવાં પરિમાણ સર્જવાનાં એંધાણ આપે છે.
ભજન લાલવાળી થઈ શકે
વડા પ્રધાન મોદીને અત્યારે જે ડર સૌથી વધુ સતાવી રહ્યો છે એ કેજરીવાલનો. ગોવાના ભાજપી મુખ્ય પ્રધાનને પણ વડા પ્રધાને ગોવામાં ‘આપ’ પાર્ટીના પ્રભાવ અંગે પૃચ્છા કર્યાનું એમને મળીને બહાર નીકળતાંની સાથે જ પણજીના ભાજપી નેતાએ મીડિયાને કહ્યું હતું. પંજાબમાં તો ‘આપ’ પાર્ટીએ ‘ઊડતા પંજાબ’ જેવા માધ્યમથી અકાલી દળ અને ભાજપની સરકારની જ નહીં, કોંગ્રેસની પણ હાલત ખરાબ કરી છે.
ગુજરાતમાં પણ કેજરીવાલ આસમાની સુલતાની કરી શકે એની ચિંતા ભગવી બ્રિગેડમાં છે, પણ નિવેદનશૂર ભાજપી નેતાઓ કોંગ્રેસની વોટબેંકની રાજનીતિ અને કેજરીવાલ પરિબળને વખોડવામાંથી ઊંચા આવતા નથી. આવા સંજોગોમાં અટવાયેલા ભારતીય રાજકારણમાં અરુણાચલ પ્રદેશના કોંગ્રેસી મુખ્ય પ્રધાન તરીકે ભલે થોડા દિવસ માટે જ બહાલ થયેલા તુકીએ ભાજપની કેન્દ્ર સરકાર અને રાજ્યના એકમ તેમજ ખાસ કરીને કેન્દ્રના ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજીજુને ઊંઘતા ઝડપીને તેમની સામે બળવો કરીને ભાજપ સાથે હાથ મિલાવી સાડા ચાર મહિના શાસન કરનારા પક્ષના ધારાસભ્યોને સાગમટે સ્વગૃહે પાછા વાળ્યા.
અરુણાચલમાં કોંગ્રેસ સરકાર બહાલ થઈ. હરિયાણાની જનતા પાર્ટી સરકારના મુખ્ય પ્રધાન ભજન લાલ અને ગોવામાં રેડ્ડી કોંગ્રેસના મુખ્ય પ્રધાન પ્રતાપ સિંહ રાણે સાગમટે કોંગ્રેસમાં આવ્યા હતા એવું ભાજપમાં ગયેલા કોંગ્રેસીઓ પણ કરી શકે. ઉધારીના ટેકા બોદા હોય છે. કદાચ એટલે જ મહારાષ્ટ્રના ભાજપી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અંધારું ઓઢીને શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળવા અડધી રાતે વાંદરાસ્થિત ‘માતોશ્રી’ બંગલે દોડી ગયા હતા - રખેને શિવ સેના ટેકો પાછો ખેંચે અને ભાજપના ધારાસભ્યો બળવો કરે!
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)