આ આખો મહિનો - વિક્રમ સંવત આસો (આશ્વિન)નો - જાણે કે પર્વનો મહામેળો છે! એવું જ તેની સાથે જોડાયેલા ઓક્ટોબરનુંયે છે. પ્રારંભે જ ગાંધીને યાદ કરાયા. ૧૫૦મું વર્ષ અહીં અનેક રીતે ઊજવાશે અને ‘ગાંધી’ને શોધવાની મથામણ રહેશે. ઓક્ટોબર લાલ બહાદુર શાસ્ત્રીનોયે જન્મ દિવસ. મહત્ત્વની વાત એ છે કે ભારતીય વડા પ્રધાનોમાં જેમને કાયમ યાદ કરવામાં આવે છે તેમાં લાલ બહાદુર શાસ્ત્રી આગળ છે. ‘શાસ્ત્રી’ હતા પણ ‘શસ્ત્ર’નો ઉપયોગ – પાકિસ્તાની સામે - કરાવતાં અચકાયા નહીં. ધોતી પહેરતા (પાકિસ્તાની પ્રમુખે મશ્કરી યે કરી હતી, ‘ધોતીવાલા પ્રાઇમ મિનિસ્ટર હમેં ક્યા કર પાયેગા?’) પણ આ ‘ધોતીધારી’નું ભારતીય લશ્કર છેક લાહોરના પાદરે પહોંચી ગયું હતું! સિંધમાં નગરપારકર – થરપારકર સહિતના પાકિસ્તાની વિસ્તારો પર આપણા લશ્કરનો ધ્વજ ફરક્યો. આ ભારતીય વડા પ્રધાન તાશકંદ મંત્રણા સમયે મૃત્યુના ખોળે પોઢ્યા તે ભારતીય રાજકારણની કરુણિકા (ટ્રેજેડી) રહી. કેમ તેમણે આંખો મીંચી? શું તે સાદોસીધો હૃદયરોગનો હુમલો હતો? શું ‘ભારત જઈને લોકોને હું શું જવાબ આપીશ?’ તે પ્રશ્ને તેમનો અજંપો વધાર્યો હશે? સ્વ. લલિતાદેવી શાસ્ત્રી અને તેમનો પરિવાર તો એવું માને છે કે શાસ્ત્રીજીની હત્યા કરવામાં આવી હતી. તેના તત્કાલીન ડોક્ટર તરફ શંકાની સોય તાકવામાં આવી છે. ‘હિન્દુસ્તાન સમાચાર’ના પ્રતિનિધિ બાપુરાવ લેલે આ પ્રવાસમાં પત્રકારોના પ્રતિનિધિ મંડળમાં સામેલ હતા. ભારત આવીને તેમણે જ ઘટસ્ફોટ કર્યો કે શાસ્ત્રીજીના મૃતદેહ પરના ડાઘા શંકાસ્પદ છે.
નવો વિવાદ
થોડાંક વર્ષથી એક નવો વિવાદ શરૂ થયો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝને સ્તાલિનના સમયથી સાઇબીરિયાની જેલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને લાલ બહાદુર જ્યારે તાશકંદ પહોંચ્યા ત્યારે તેમની મુલાકાત થઈ હતી. એવું નક્કી થયું કે શાસ્ત્રીજી ભારતના આ પનોતા પુત્રને સાથે લઈને દિલ્હી આવે. મોસ્કોથી શાસ્ત્રીજીએ તેમના પુત્રને ફોન કર્યો ત્યારે જણાવ્યું હતું કે દેશને આશ્ચર્ય થાય એવા સમાચાર લઈને હું આવવાનો છું.
શું મહાસત્તાઓ રાષ્ટ્રવાદી સુભાષનું ભારતમાં પુનરાગમન ઇચ્છતી નહોતી? શું આ હેતુથી લાલ બહુદારને અગોચર રીતે પતાવી દેવાયા? (એકાદ માસમાં મારી ડોક્યુ-નોવેલ ‘નેતાજીઃ અંતિમ અધ્યાય’ પ્રકાશિત થઈ રહી છે તેમાં આ વિગતો સામેલ કરી છે.)
આ સવાલોના જવાબ શોધવા અશક્ય છે કારણ કે તેને માટે પ્રજાકીય ઇચ્છાશક્તિ જરૂરી છે.
સ્પિરિટ ક્યાં છે, સાહેબો!
ઓક્ટોબરમાં જ જન્મ્યા હતા ૪ ઓક્ટોબર, ૧૮૫૭. પંડિત શ્યામજી કૃષ્ણવર્મા! સરદાર – ગાંધી - સુભાષ સૌ અહીં જ ભણ્યા હતાને? આંબેડકર જ્યાં રહ્યા તે સ્થાન મહારાષ્ટ્ર સરકારે ખરીદીને સ્મારક બનાવવાની જાહેરાત કરી દીધી. ગાંધી-પ્રતિમા પણ પાર્લામેન્ટની સામે ઊભી થઈ પણ હાઇગેટ પરનાં ‘ઇન્ડિયા હાઉસ’ કે પંડિતજીના નિવાસસ્થાનને ખરીદીને સ્મૃતિ-સ્મારક કરવાનું કોઈ વિચારતું નથી. ‘અસ્મિતા જાળવવી હોય તો તેવો સ્પિરિટ પણ જોઈએ, સાહેબો!’ એવું કોઈ આપણાં ગણતરીબાજ ગુજરાતીઓને સંભળાવે તો ખોટું લગાડશો મા. હા, આ સારા સમાચાર છે કે સરદારને ભવ્ય રીતે યાદ કરવાની તૈયારી થઈ રહી છે તેને માટે અભિનંદન. પણ આવું જ દાદાભાઈ નવરોજીનું નામ પણ છે, જે લગભગ ભૂલી જવાયું છે. શું પેન્ટોવિલા જેલના બે શહીદો - મદનલાલ ધીંગરા અને સરદાર ઉધમસિંહ – વિશે ત્યાં નાની સરખી પટ્ટિકા પણ રાખવામાં આવી છે? મારી જાણ પ્રમાણે તો નથી. આટલી મોટી પંજાબી - શિખોની વસતિ ઇંગ્લેન્ડમાં હોવા છતાં...
... અને વિજય પર્વના જેપી-લોહિયા
ચાલો, વિસ્મૃતિના અભિશાપની કહાણી આગળ લઈ જઈએ. વિજયાદસમીએ રામ-રાવણની કથા દિલદિમાગમાં સ્થાપિત થાય. ‘રાવણત્વ’નું વિસર્જન એ સાંસ્કૃતિક સમજ છે આપણી. એ જ દિવસે જન્મ્યા હતા જયપ્રકાશ નારાયણ. આઝાદી પૂર્વે બ્રિટિશરોની સામે લડ્યા, આઝાદી પછી નહેરુ-પુત્રી ‘ઇન્દુ’ સામે. (પત્ર લખતા ત્યારે આ સંબોધન કરતા!) ૧૯૭૫ની ૨૬ જૂનથી એક ગંદી-અંધિયારી જેલમાં પૂરી દેવાયા, અનિશ્ચિત સમય સુધી. કોર્ટ નહીં, આરોપનામું નહીં, વકીલ નહીં, દલીલ નહીં, બચાવ નહીં... અટકાયતી ધારો - નામે ‘મીસા’ - લાગુ એટલે સરકાર મનમરજી સુધી રાખે. ૧.૧૦ લાખ લોકો એ રીતે કારાગારવાસી બન્યા. જે.પી.ને નસીબે તો ખૂલ્લું આકાશ જોવા માટે તેમની ઓરડીમાં બારી પણ નહોતી!
લંડનમાં હાઇડ પાર્કમાં થોડાક લોકોની વચ્ચે કવિ-નવલકથાકાર બર્નાર્ડ કોપ્સે, ૧૯૭૫ની વિજયાદસમીએ - ‘જે.પી.ને-’ એવું કાવ્ય લખીને પઠન કર્યું હતું. ઇંગ્લેન્ડમાં તે શક્ય હતું, ભારતમાં નહીં! કારણ, અહીં તો પ્રિ-સેન્સરશિપ હતી, ૩૭ હજાર પ્રકાશનોને ગળે ટૂંપો દેવાયો હતો. છાપે તેને માટે જપતી - જડતી - જેલ હતાં. આ કાવ્ય ભારતમાં પહોંચ્યું તો ભૂગર્ભ પત્રોમાં ચમક્યું! દિલ્હીના ભૂગર્ભ પત્રિકા અમદાવાદમાં હાથમાં આવી તો મને લાગ્યું કે અરે, આ તો બંદીવાન જેપીને શ્રેષ્ઠ અંજલિ છે! તેનો ગુજરાતી અનુવાદ કર્યો, કવિવર ઉમાશંકર જોશીએ તેમાં સુધારો કર્યો, અને એકમાત્ર ‘સાધના’માં તે છપાયું તો પોલીસે ઇન્ડિયન પીનલ કોડની પાંચથી વધુ કલમો સાથે અનુવાદક પર કેસ દાખલ કર્યો. ન્યાયમૂર્તિ શ્રી તાત્યા પણ આ આરોપનામું જોઈને પીંજરામાં ઊભેલા મારી સામે હસ્યા હતા! એ કલમો લાગુ પડે તો બાર-તેર વર્ષની સજા પાકી હતી! પણ ભારતમાં સ્વતંત્રતા સાથે જોડાયેલા ‘આત્મા’ સર્વત્ર છે - જ્યુડિશિયરીમાં પણ એટલે એવું ન બન્યું.
ઓક્ટોબરની બારમીએ વિચારક અવધૂત રાજકારણી ડો. લોહિયાએ આંખો મીંચી, ૧૯૬૭માં. મારા તંત્રીલેખનું શીર્ષક લખ્યું હતુંઃ લા-જવાબ લોહિયા!
આજે લા-જવાબ આશ્વિન – ઓક્ટોબરના આટલા દિવસોની પ્રસ્તુતિ!