ઓલિયા માણસ દીનદયાળ કંડલા નામાંતરના વિવાદમાં

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Monday 29th May 2017 07:37 EDT
 
 

તૈયાર ભાણે બેસીને નામાંતર કરવાનો હરખ કરવાને બદલે પંડિત દીનદયાળ ઉપાધ્યાય જેવી મહાન વિભૂતિને શોભે એવું કોઈક મહાસ્થાન ઊભું કરીને એમનું નામ અપાય તો નિરર્થક વિવાદ ટળે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી હમણાં કચ્છના મહાબંદર કંડલાની મુલાકાતે ગયા. જનસંઘના સંસ્થાપક મહામંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઓલિયા પ્રચારક રહેલા પંડિત દીનદયાળની શતાબ્દીનું વર્ષ પૂરું થઈ ગયા પછી કેન્દ્રની ભાજપના નેતૃત્વવાળી સરકાર દીનદયાળને નામે ‘ગરીબ કલ્યાણ વર્ષ’ ઊજવી રહી છે. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અવતાર જનસંઘના અધ્યક્ષ રહેલા પંડિત ઉપાધ્યાયની હત્યાનું રહસ્ય હજુ અકળ છે, પણ એમના નામે યોજનાઓનાં નામકરણોની ભરમાર છે.

૧૯૬૧માં દીનદયાળ કચ્છ આવ્યા હતા. ૧૯૬૫ના પાકિસ્તાન સાથે યુદ્ધ પછીના કરારમાં કચ્છની ઘણી બધી મોંઘેરી ધરતી પાકિસ્તાનને ફાળે ગઈ હતી એટલે જનસંઘે એ કરાર વિરુદ્ધ અન્ય પક્ષો સાથે વિરોધ આંદોલન કરી દિલ્હી કૂચ પણ કરેલી. દીનદયાળનો કચ્છ સાથે સંબંધ ખરો, પણ છાસવારે એમના નામે વિમાનમથક કરવાનાં આંદોલન કે કંડલા મહાબંદરને એમનું નામ આપવાના આગ્રહે કચ્છની પ્રજામાં એક નવો જ અંજપો સર્જયો છે. દીનદયાળ જે આદર્શો અને સાદગીને અનુસરતા હતા એ નીતિરીતિથી જોજન દૂર નીકળી ગયેલો વર્તમાન શાસક પક્ષ આવા ઓલિયા માણસને નિરર્થક વિવાદમાં ઘસડવાને બદલે એમના સ્વપ્નના ભારતના નિર્માણની દિશામાં આગળ વધે તો ગનીમત.

કંડલાના નિર્માતા ખેંગારજી, સ્વપ્નદૃષ્ટા સરદાર પટેલ

વડા પ્રધાન મોદીએ કંડલા પોર્ટ ટ્રસ્ટના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરતાં કહ્યુંઃ ‘દેશ પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું શતાબ્દી વર્ષ મનાવી રહ્યો છે ત્યારે કંડલા પોર્ટ ટ્રસ્ટનું દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ – કંડલા નામાંતર કરવામાં આવે.’ દિલ્હીશ્વરની ઈચ્છાનુસાર નામાંતર થશે, પણ છેક ૧૯૩૧માં કચ્છના મહારાવ ખેંગારજીએ બાંધેલી કંડલા જેટીમાંથી અત્યાર લગી વર્ષે ૧૦૦ મિલિયન મેટ્રિક ટન કરતાં વધુ કાર્ગોની હેરફેર કરનાર આ મહાબંદરને નામ આપવું જ હોય તો મહારાવ ખેંગારજીનું અથવા તો બ્રિટિશ ઈન્ડિયાના ભાગલા વખતે કરાચી બંદર પાકિસ્તાનને ફાળે જતાં કંડલાના વિકાસમાં વિશેષ રસ લેનારા સરદાર પટેલનું નામ એની સાથે જોડવાનું ઔચિત્ય ગણાય. સ્વયં દીનદયાળને પણ પૂછવામાં આવ્યું હોત તો એમણે પણ ખેંગારજી કે સરદારનું નામ રાખવાનો આગ્રહ સેવ્યો હોત. સ્વયં વલ્લભભાઈનો ‘કચ્છનું સાંસ્કૃતિક દર્શન’ના લેખક રામસિંહજી રાઠોડને લખાયેલો ૨૦ ફેબ્રુઆરી ૧૯૪૯નો પત્ર નોંધે છેઃ ‘કંડલાને કરાચી બનાવવાની યોજના તૈયાર થઈ રહી છે તેની સાથે બે રેલવેઓ જોડવાનો પ્રયત્ન છે.’ સરદાર કંડલાના સ્વપ્નદૃષ્ટા હતા.

કંડલાનો વડા પ્રધાન નેહરુને હસ્તે શિલારોપણ વિધિ

ભાગલાને પગલે પૂર્વમાં ચિત્તાગાંગ (ચટગાંવ) અને પશ્ચિમે કરાચી બંદરો ભારતે ગુમાવ્યાં એટલે કચ્છના અખાતમાં આવેલા કંડલાનું નામ નવું ઉમેરાયું. ૧૦ જાન્યુઆરી ૧૯૫૨ના રોજ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના હસ્તે એનો શિલારોપણ વિધિ થયો. એ પહેલાં ૧૯૪૮માં ભારત સરકારે શ્રી કસ્તુરભાઈ લાલભાઈના અધ્યક્ષપદે પશ્ચિમકાંઠાના મુખ્ય બંદર અંગેની સમિતિ નીમી હતી. એની ભલામણને સ્વીકારીને છેક ૧૯૩૦થી નાના બંદર કંડલાને મહાબંદર કંડલા તરીકે વિક્સિત કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો. ઈતિહાસવિદ્દ રામસિંહજીએ નોંધ્યું છેઃ ‘ગાંધીધામની સ્થાપના ખુદ મહાત્માજીના આર્શીવાદ સાથે થઈ હતી. એ વસાહત નિર્વાસિતો ને નિરાશ્રિતોને આશીર્વાદસમાન થઈ રહી છે. કંડલામાં જેમ સાત સાગરનાં સફરી વહાણોને સલામતી અને સહારો મળી રહેશે તેવો જ સધિયારો નિરાશ્રિતોની ભગ્ન આશાઓને અહીં મળતો થશે. કંડલાની નાળમાં ૧૯૪૮ની ૧૨મી ફેબ્રુઆરીના રોજ પૂજ્ય ગાંધીજીના અસ્થિભસ્મનું વિસર્જન થયું ત્યારથી એ રાષ્ટ્રપતિના પુણ્યશ્લોક નામ સાથે સંકળાયેલું ગાંધીધામ - કંડલા હિંદના પરમ પવિત્ર યાત્રાધામોની કક્ષામાં આવી ગયું છે.’ શિલારોપણવિધિ પ્રસંગે પંડિતજીએ કહ્યું હતું કે ‘આ શિલારોપણ વિધિથી હું નૂતન ભારતનો પાયો નાંખું છું. અને આ બંદરમાં મૂકવામાં આવતી એક એક ઈંટ નૂતન ભારતના ચણતરની ઈંટ છે. આ કાર્ય સમગ્ર દેશની જનતાનું છે, કારણ કે જનતાના ભલા માટે તેની રચના છે.’

મહાબંદરના નામાંતરની જરૂર કાં પડી?

દેશના મહાબંદરોના નામ મહદ અંશે સ્થળ નામ પરથી જ પ્રચલિત છે. કંડલા ઉપરાંત ચેન્નઈ, ન્યૂ મેંગલોર, માર્મગોવા, કોચીન, મુંબઈ, કોલકાતા, પારાદીપ અને વિશાખાપટ્ટનમ. તૂતીકોરીનને વી. ઓ. ચિદમ્બરમ્, ન્હાવાશેવાને જવાહરલાલ નેહરુ પોર્ટ અને એન્નોરને કામરાજાર પોર્ટ નામ આપવામાં આવ્યું છે. હવે કંડલાનું નામ બદલાશે તો બાકીના મહાબંદરોનાં નામાંતરની માગ પણ ઊઠશે. અગાઉ નાયબ વડા પ્રધાન હતા ત્યારે લાલ કૃષ્ણ અડવાણીએ ભૂજ વિમાનમથકનું લોકાર્પણ કર્યું ત્યારે એને ક્રાંતીવીર શ્યામજી કૃષ્ણવર્માનું નામ આપવા તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સૂચવ્યું હતું. જોકે વાજપેયી સરકાર એ નામ આપવામાં નિષ્ફળ રહી અને કોંગ્રેસના વડપણવાળી ડો. મનમોહન સિંહની સરકાર આવી ત્યારે કચ્છના એ વેળાના ભાજપી સાંસદ પુષ્પદાન ગઢવીએ લડત ઊપાડી. એમણે જબરજસ્તીથી ભૂજ એરપોર્ટનું નામ શ્યામજી કૃષ્ણવર્મા કર્યું તો ખરું, પણ આજે ય એ ભૂજ એરપોર્ટ જ છે.

કંડલા મહાબંદરના નામાંતરની વાત આવતાં જ સાથે જ એને મહારાવ ખેંગારજી, ભાઈ પ્રતાપ કે સરદાર વલ્લભભાઈનું નામ આપવાનો આગ્રહ કચ્છના વિવિધ અગ્રણીઓ અને કચ્છ ઈતિહાસ પરિષદ થકી કરાયો છે. આ ઈતિહાસ પરિષદના હોદ્દેદારો તો આવેદનપત્ર આપીને કંડલા બંદરનું ઉદઘાટન ૧૪ ડિસેમ્બર ૧૯૨૭ના રોજ વાઈસરોય લોર્ડ અરવિન પાસે મહારાવશ્રી ખેંગારજી ત્રીજાએ કરાવ્યું હતું એટલે એક રાજવીની મહેનત અને સાચા અર્થમાં મૂલ્યાંકન કરવાનો યશ એમને આપીને નામાંતર કરતાં કંડલા પોર્ટ ટ્રસ્ટને મહારાવશ્રી ખેંગારજીનું નામ આપવાનો આગ્રહ પ્રમુખશ્રી સાવજસિંહ વી. જાડેજા અને બીજાઓએ કર્યો છે.

અમદાવાદના કર્ણાવતી નામાંતરનો પ્રશ્ન

કચ્છનો અવાજ લેખાતા જન્મભૂમિ પત્રોના ‘કચ્છમિત્ર’ દૈનિકે એના તંત્રીલેખમાં ‘કંડલાને દીનદયાળ કરતાં સરદાર પટેલ કંડલા પોર્ટ નામ અપાયું હોત તો કચ્છ અને ગુજરાતની અસ્મિતા દીપી ઊઠત’ એવો આગ્રહ સેવતાં નોંધ્યું છે કે ગાંધીધામ વિભાજન થયું અને પશ્ચિમનું ધમધમતું કરાચી બંદર પાકિસ્તાનમાં ભળી ગયા પછી તેના વિકલ્પરૂપે કંડલાને મહાબંદર તરીકે વિક્સાવવાનું સપનું સરદાર પટેલનું હતું.

સત્તાધીશો નવા બંદરો કે વસાહતોનું નિર્માણ કરીને એમનાં નવાં નામકરણ કરે એ વધુ યોગ્ય લેખાય. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો આગ્રહ ભારતીય જનતા પક્ષ કેન્દ્રમાં સત્તામાં આવ્યો એ પહેલાંથી કરતો રહ્યો હોવા છતાં સત્તામાં આવ્યા પછી અમદાવાદના નામાંતરની વાતને વીસારે પાડીને અન્ય વસાહતો કે યોજનાઓના નામાંતર કરવાનો એનો આગ્રહ પૂરપાટ વહી રહ્યો છે ત્યારે ફરીને એટલું સ્મરણ કરાવવાનું મન થાય કે પક્ષની બેઠકોમાં સાવરણીથી જગ્યા સાફ કરીને ચટ્ટાઈ પાથરવા કે ઊઠાવવાનું કામ કરનારા પંડિત દીનદયાળના સાદગીના આદર્શો કેળવવાની શિક્ષા-દીક્ષા અપાય એવી તાલીમી સંસ્થાઓથી એમના નામકરણનો પ્રારંભ કરવાની જરૂર છે. કોઈ બ્રિજ, બંદર કે રેશનની દુકાનો સાથે એમનું નામ જોડવામાં એમની ગરિમા નથી.

કંડલાના શિલારોપણવિધિ માટેની ‘કૂર્મશિલા’

કંડલા મહાબંદરના શિલારોપણવિધિ માટે પધારેલા વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ ‘કૂર્મશિલા’ પરની કોતરણીથી અચંબામાં પડી ગયા હતા. કંડલાના આ બારાનું જેમ ભૌગોલિક રીતે મહત્ત્વ છે તેમ વમળ વિનાના પ્રવાહવાળી આ નાળ દરિયાઈ વ્યવહાર માટે કુદરતી રીતે પણ અતિ સલામત છે. કંડલાની આ નાળને લગતી તપાસ-નોંધ છેક ઈ.સ. ૧૮૫૧ની સાલથી રહેતી આવી છે અને છેલ્લાં ૨૦ વર્ષથી તેની દરિયાઈ માપણી પણ થતી રહી છે. તદ્અનુસાર આ નાળની સ્થિતિમાં હજુ કાંઈ જ ફેરફાર થયેલો નોંધાયો નથી, એવું ઈ.સ. ૧૯૫૮માં રામસિંહજી રાઠોડે નોંધ્યું છે.

એમણે શિલારોપણવિધિ માટેની ‘કૂર્મશિલા’ ઉપર શાસ્ત્રોક્ત રીતે જે આકૃતિઓ કોતરવામાં આવી છે એનું આલેખન પણ કર્યું છેઃ વચ્ચે કૂર્મ (કાચબા)ની આજુબાજુ મથાળેથી ક્રમવાર શંખ, જલલહર, મત્સ્ય, સર્પ મેડક (દેડકો), કુંભ, ગ્રાસ, મગર, ચારેબાજુના રક્ષકોઃ મથાળેથી - ત્રિશૂલ, વજ્ર, શક્તિ, દંડ, તલવાર, નાગપાશ, ધ્વજ ને ગદા. ‘વાસ્તુસાર’ નામના ગ્રંથમાં આ બધા સંકેતોની વિગતવાર સમજણ સાથે વાસ્તુવિધિમાં તેમનું મહત્ત્વ સમજાવ્યું છે. આ સંકેતો સાથેની શિલા, કચ્છમાં આવેલા આધૌના પીળા પથ્થર ઉપર કંડારાઈને તૈયાર કરવામાં આવેલી.

મોદીએ સિરક્રીક વિશે ઊઠાવેલા સવાલો

કચ્છ સરહદી પ્રદેશ છે. એટલે સુરક્ષાની દૃષ્ટિએ એનું સવિશેષ મહત્ત્વ છે. સાથે જ એના પેટાળમાં પેટ્રોલિયમના વિપુલ ભંડાર છે. વર્ષ ૧૯૬૫ના યુદ્ધ પછી કચ્છ સરહદના સિરક્રીક પ્રદેશનો ઘણો મોટો હિસ્સો પાકિસ્તાનના તાબામાં ગયો હતો. વર્ષ ૨૦૧૨માં ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પેટ્રોલિયમના વિપુલ ભંડારવાળા સિરક્રીકનો પ્રદેશ તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહ પાકિસ્તાનને હવાલે ના કરે એવો આગ્રહ કરતા હતા. એ વિશે પત્રો પણ લખતા હતા અને જાહેર ભાષણો પણ કરતા હતા. હવે વડા પ્રધાનપદે મોદી પોતે હોવાથી સિરક્રીક અંગે તેમણે ઊઠાવેલા પ્રશ્નોનો ઉત્તર આપવાનો સમય તેમના માટે જ આવી પહોંચ્યો છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter