પંજાબની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ‘ઉડતા પંજાબ’ની બોલબાલા હતી. ‘ઉડતા પંજાબ’ ફિલ્મમાં પંજાબી યુવકોમાં નશાખોરીનું પ્રમાણ વધ્યાની વાત પર ભાર મૂકાયો હતો. હવે પંજાબનાં બાળકોમાં વિવિધ કારણોસર ‘ઓટિઝમ’ની બીમારી ચિંતાજનક સ્થિતિએ પહોંચ્યાની ચર્ચા મીડિયા અને વૈઞ્જાનિકોમાં થઈ રહી છે. પંજાબના માળવા વિસ્તારમાં રેડિયેશન અને ભારે મેટલની આડઅસર થતાં બાળકોમાં ઓટિઝમનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યાના અહેવાલો મળી રહ્યા છે. બાળકોમાં આવી અસર થકી એમના માનસિક સંતુલનને બગાડવામાં આવી રહ્યું છે. આવાં બાળકો માટે ઊંટણીનું દૂધ અકસીર ઈલાજ તરીકે કામ કરતું હોવાનું બિકાનેર ખાતેના ઊંટ સંવર્ધન સંશોધન કેન્દ્રના વૈઞ્જાનિકો તથા બાબા ફરીદ સેન્ટર ફોર સ્પેશિયલ ચિલ્ડ્રનના નિષ્ણાતો જણાવે છે. વાત ઊંટણીના દૂધની નીકળે એટલે સ્વાભાવિક રીતે કચ્છનું સ્મરણ થાય.
કચ્છમાં હમણાં ઊંટણીના દૂધની માંગ અને એની આવકમાં વધારો જોવા મળતાં સામાન્ય રીતે ઊંટની માવજતના ધંધામાં જે પરિવારો છે એમની જીવનપદ્ધતિમાં પરિવર્તન આવ્યાનું કચ્છની બાબતોના નિષ્ણાત કીર્તિ ખત્રી કહે છે. કિર્તીભાઈએ બે બાબતો ભણી અમારું ધ્યાન ખેંચ્યું. ‘કેટલાક યુવકો અન્યત્ર પટાવાળાની નોકરી કરવા જતાં હતા. હવે તેઓ ઊંટની માવજત કરવા ભણી વળ્યા છે. વળી, ભચાઉમાં ઊંટના માલધારીઓ થકી તાજેતરમાં જ ચેરિયા (મેનગ્રોવ્ઝ) બચાવવા માટે આંદોલન કરવામાં આવ્યું.’
સાથે જ કચ્છના જાણકાર જયમલસિંહ જાડેજાએ તો નવી વાત પર પ્રકાશ ફેંક્યોઃ ‘કચ્છના રાજવીઓ ઊંટણીના દૂધનું ઔષધ તરીકે સેવન કરતા રહ્યા હોવાથી તંદુરસ્ત રહ્યા અને દીર્ઘાયુ પણ સાબિત થયા હતા.’ કચ્છના ધોરડોના સફેદ રણના હોડકોમાં ઊંટની બજાર ભરાય છે. કચ્છમાં ઊંટના દૂધમાં ઉત્પાદનોમાં તૈયાર કરી વેચાણમાં મૂકવા ભણી કેટલીક સ્વયંસેવી સંસ્થાઓ પણ સક્રિય બની છે. આવતા દિવસોમાં ઊંટણીના દૂધનાં ઉત્પાદનો જેવાં કે આઈસ્ક્રીમ અને ચોકલેટ ભણી લોકો દોટ મૂકશે.
અમૂલના એમડી સોઢી સક્રિય
ઊંટણીના દૂધના વેચાણ માટે ગુજરાત સહકારી દૂધ ઉત્પાદક સંઘોના મહાસંઘ (ફેડરેશન – અમૂલ) થકી સવિશેષ સક્રિયતા દાખવવામાં આવી છે. ફેડરેશનના મેનેજિંગ ડિરેકટર આર. એસ. સોઢી અમૂલ દૂધની આઉટલેટ્સમાં જ ઊંટણીનું દૂધ ઉપલબ્ધ કરાવવાના પક્ષધર છે. અત્યારે ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો સેલ્સ ટર્નઓવર ધરાવતા મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે રાજ્યની ૧૮ જિલ્લાના દૂધ સહકારી સંઘ જોડાયેલા છે. તેના ઉત્પાદનો ‘અમૂલ’ કે ‘સાગર’ના બ્રાન્ડ નેઈમથી વેચાય છે. કચ્છમાં ઊંટણીના દૂધ માટે પ્લાન્ટ નાંખવામાં થોડોક વિલંબ થઈ રહ્યાનું કહેતા સોઢી ઉમેરે છે કે અત્યારે ઊંટણીનું જેટલું દૂધ ઉપલબ્ધ થાય છે એનો પાઉડર બનાવીને તેની ચોકલેટ તો બનાવાય છે. જોકે સોઢી સ્વીકારે છે કે ઊંટણીનું દૂધ ઔષધિવર્ધક હોવાથી એ દિશામાં ફેડરેશન વધુ ધ્યાન આપવા માંગે છે. અમૂલના કચ્છ પ્લાન્ટ થકી ૫૦૦ મિ.લી.ની બોટલમાં ઊંટણીનું દૂધ વેચાણ માટે મૂકવામાં આવશે.
બિકાનેરના ઊંટ સંશોધન કેન્દ્રનું યોગદાન
બિકાનેરમાં ભારત સરકારના ઊંટ સંશોધન કેન્દ્રના નિયાક ડો. એન. વી. પાટીલ તો ઊંટણીના દૂધની ઈલાજમાં અસરકારકતા સાબિત થતાં શહેરોમાં એની ઉપલબ્ધતા રહે એ માટે પ્રયત્નશીલ છે. સાથે જ ઊંટ રાખનાર પશુપાલકોમાં પણ જાગૃતિના કાર્યક્રમો યોજતા રહે છે. ઊંટણીનું દૂધ માત્ર બાળકોમાં જોવા મળતા ઓટિઝ્મમાં જ નહીં, મધુમેહ (ડાયાબિટીસ) જેવા રોગોના દર્દીઓ માટે પણ અકસીર સાબિત થઈ રહ્યું છે. પંજાબમાં ફરીદકોટ, ભટિંડા અને અંબાલામાં બિકાનેરથી ઊંટણીનું દૂધ મંગાવીને ઓટિસ્ટિક બાળકો પર નિષ્ણાતોના માર્ગદર્શનમાં પરીક્ષણો થઈ રહ્યા છે. આવાં પરીક્ષણોને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. વળી સાઉદી અરેબિયામાં ઊંટણીના દૂધ પર થયેલા અભ્યાસો અન્ય દેશોમાં ઓટિઝમની અસર હેઠળનાં બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે.
વિવિધ દેશોમાંથી બાળકોની ચિકિત્સા
બાળકોમાં ઓટિઝમના લક્ષણો વિશે નિષ્ણાત તબીબ ડો. હર્ષદભાઈ વૈદ્ય જણાવે છે કે આવાં બાળકોને અભિવ્યક્તિમાં શબ્દો ખોવાઈ જતા હોય એવું અનુભવાય અને એમનાં વર્તન પર એની અસર થાય છે. વડોદરાના ડો. હીના ગાલા ઓટિઝમ વિશે વધુ વિગત આપતાં કહે છે કે સામાન્ય રીતે બાળક બે વર્ષનું થાય ત્યારે એની અસર જોવા મળે છે. એ કોઈ સાથે હળેમળે નહીં પોતાના આગવા વિશ્વમાં રાચે, કોઈની સાથે આંખ મિલાવે નહીં, બીજાઓનો સ્પર્શ એને પસંદ ના પડે, કોઈ બોલાવે તો પ્રતિભાવ આપે નહીં, બોલવાનું મોડેથી શીખે, બીજા બોલે એનું અનુસરણ કરવાની કોશિશ કરે, ક્યારેક હાઇપર એક્ટિવ હોય, શીખવા બાબત એ મુશ્કેલી અનુભવે.
આવાં કેટલાંક બાળકોનાં મા-બાપ બિકાનેરના ઊંટ સંશોધન કેન્દ્રના કાર્યક્રમોમાં ઓટિઝમના ઉપચાર માટે આવેલાં નોંધાય છે. વિદેશથી પણ આવાં બાળકોને તેમનાં મા-બાપ લઈ આવે છે. એમના પર અગાઉ ઉપચાર થયા હોવા છતાં એ સફળ રહ્યા નહીં હોવાથી ઊંટણીના દૂધના ઉપચાર પર રાખવામાં આવતાં એની સકારાત્મક અસરો જોવા મળતી હોવાનો દાવો ભારત સરકારના બિકાનેર કેન્દ્રના નિષ્ણાત વૈઞ્જાનિકો કરે છે. જોકે હજુ માંગના પ્રમાણમાં દૂધની ઉપલબ્ધતા નહીં હોવાથી જનજાગૃતિના પ્રયોગો હાથ ધરાઈ રહ્યા છે. લોકો ઊંટ પાળવા ભણી વળી રહ્યાં છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)