કાશ્મીરનો ગઢ જીત્યાનું ભાજપ અને ગુપકારનું બેસૂરું ગાન

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 29th December 2020 05:27 EST
 
 

હમણાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં ૨૦ જિલ્લા વિકાસ પરિષદોની આઠ તબક્કામાં ચૂંટણી થઇ. જમ્મૂ-કાશ્મીર રાજ્યના વિશેષ દરજ્જાને ઓગસ્ટ ૨૦૧૯માં દૂર કરવા માટે બંધારણના અનુચ્છેદ ૩૭૦ને “સમાપ્ત” કરવા ઉપરાંત ૩૫ (એ)ને હટાવવામાં આવ્યા બાદ રાજ્યને બબ્બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યું. નેશનલ કોન્ફરન્સ (એનસી) તથા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતાઓને રાષ્ટ્રવિરોધી લેખાવીને લગભગ વરસ સુધી જેલમાં કે નજરકેદમાં રખાયા પછી ૨૦ જિલ્લા વિકાસ પરિષદોની ૨૮૦ બેઠકોની પહેલી વારની ચૂંટણી કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજવામાં આવી.

વર્તમાન સાંસદ અને પૂર્વ મુખ્ય પ્રધાન ડો. ફારુક અબદુલ્લાના શ્રીનગરના ગુપકાર રોડ પર આવેલા નિવાસસ્થાને જમ્મૂ-કાશ્મીરના વિવિધ પક્ષોના નેતાઓ ૨૦ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ મળ્યા અને કેન્દ્રના ૩૭૦ અને ૩૫ (એ)ને સમાપ્ત કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવીને એ બન્નેને પુનઃ બહાલ કરવાના સંકલ્પ સાથે સંયુક્ત જાહેરનામું બહાર પાડ્યું હતું. એને ગુપકાર ઘોષણાપત્ર અને આ પક્ષોના જોડાણને ગુપકાર અથવા પીપલ્સ અલાયન્સ ફોર ગુપકાર ડેક્લેરેશન (પીએજીડી) કહેવાય છે. નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા એકમેકના વિરોધી લેખાતા પક્ષો પણ સાથે આવ્યા. આ પક્ષો ઉપરાંત અવામી પાર્ટી, પીપલ્સ કોન્ફરન્સ, સીપીઆઈ(એમ) સહિતના ગુપકાર જોડાણ વિરુદ્ધ ભાજપની આ ચૂંટણી હતી. અગાઉ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો બહિષ્કાર કર્યો હતો. કોંગ્રેસ અહીં ઝાઝી ખેલાડી નહોતી.

ભાજપના ૧૮ જેટલા રાષ્ટ્રીય નેતાઓએ આ ચૂંટણી જીતવા ઝંઝાવાતી પ્રચાર આદર્યો, દિલ્હી અને શ્રીનગરમાં પણ સત્તા એમને હસ્તક હતી અને છતાં ૨૮૦માંથી માત્ર ૭૫ બેઠકો ભાજપ જીત્યો. જોકે એને રાજકીય પક્ષ તરીકે સૌથી વધુ બેઠકો મળી એટલું જ નહીં, એના પાંચ મુસ્લિમ ઉમેદવારો પણ ચૂંટાયા. કાશ્મીરમાંથી ૪ અને જમ્મૂમાંથી એક. સામે પક્ષે પૂર્વ મુખ્ય પ્રધાનો ડો. ફારુક અબદુલ્લા, ઓમર અબદુલ્લા કે મહેબૂબા મુફ્તીએ એક પણ જનસભા સંબોધી નહીં છતાં તેમના જોડાણને ૧૧૦ બેઠકો મળી. એનસીને ૬૭, અપક્ષોને ૫૦, પીડીપીને ૨૭, કોંગ્રેસને ૨૭ (જમ્મૂમાંથી ૧૭ સહિત) સીપીએમને ૫, અવામીને ૧૨, જેકેપીએમને ૩, એનપીપીને ૨, પીડીએફને ૨ અને બસપાને ૧ બેઠક મળી.

સંઘ-જનસંઘ-ભાજપને ૧૯૪૭ પછી પહેલી વાર કાશ્મીર ખીણ પ્રદેશમાં ચાર બેઠકો મળી અને જાણે કે ઈડરિયો ગઢ જીત્યાનો હરખ છેક દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓએ જ નહીં રાજ્યોના ભાજપી નેતાઓએ પણ કર્યો. અગાઉ રાજ્ય હતું ત્યારે નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪માં ૮૭ બેઠકોની વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં પીડીપીને બહુમતી બેઠકો (૨૮) મુસ્લિમબહુલ કાશ્મીરમાંથી મળી હતી અને ભાજપને હિંદુબહુલ જમ્મૂમાંથી ૨૫ બેઠકો મળી હતી. એ વેળા નેશનલ કોન્ફરન્સને માત્ર ૧૫ અને કોંગ્રેસને માત્ર ૧૨ બેઠકો મળી હતી. આ વખતે વિભાજન તો એવું જ જળવાયું છે.

હવે સૌથી મોટા પક્ષ તરીકે ઉપસેલા ભાજપને વિધાનસભા ચૂંટણી યોજવાની ઉતાવળ રહે એવું લાગે છે. જોકે આ વખતનાં આ પરિણામો ભાજપ અને કેન્દ્ર સરકારની આ રાજ્યના વિશેષ દરજ્જાને સમાપ્ત કરવાના નિર્ણય સામે વિરોધ દર્શાવનારાં લેખાવવાનું ગુપકાર નેતાઓનું વલણ છે, પણ ભાજપ પોતાને અનુકૂળ જનમત હોવાનો દાવો કરે છે. સમગ્ર કવાયતમાં સદગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના કાશ્મીરીઓના દિલમાં વસેલા સૂત્ર ‘ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત’ની ખોટ અવશ્ય વર્તાય છે. ૨૫ ડિસેમ્બર અટલજીનો જન્મદિવસ હતો એટલે આ વાતનું સવિશેષ સ્મરણ થાય.

વાજપેયી-મોદી યુગનાં જોડાણ

હજુ ૧૯ જૂન ૨૦૧૮ સુધી ભાજપ સાથેની સરકારમાં મુખ્યમંત્રી રહેલાં પીડીપીનાં સુપ્રીમો મહેબૂબા મુફ્તીએ કહ્યું છે કે ‘ભાજપ રાજકીય રીતે લડત આપે, નહીં કે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ), એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ (ઇડી) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) મારફત.’ ચૂંટણી યોજવા પૂર્વે અને ચૂંટણી પરિણામો આવ્યા પછી પણ પીડીપીના મુફ્તીના વિશ્વાસુ નેતાઓ પર આવકવેરાના દરોડા પડાઈ રહ્યા હોય એ કેવા સંકેત છે એ હવે તો બાળક પણ સમજે છે. રાજકીય પક્ષોને તોડી પોતાની વિકાસ યાત્રામાં જોડાવાની સારી ફાવટ ભાજપની સત્તારૂઢ નેતાગીરીને આવી ગઈ છે.

મુફ્તી સરકારમાંથી ભાજપના નાયબ મુખ્ય પ્રધાન સહિતના પ્રધાનોએ રાજીનામાં આપ્યા પછી કેન્દ્રના ઈશારે જ રાજ્યપાલ શાસન લાદવા અને લંબાવવા ઉપરાંત પોતીકી સરકાર રચી નહીં શકવાની શક્યતા વર્તાતાં નવેમ્બર ૨૦૧૮માં વિધાનસભા બરખાસ્ત કરીને દિલ્હીએ સીધું જ શાસન પોતાને હસ્તક લીધું. ઓગસ્ટ ૨૦૧૯માં આગળની કવાયત આદરી હતી. એવું નથી કે ભાજપ સાથે આજે રાષ્ટ્રવિરોધી લેખાવાતાં મહેબૂબા અને એમના પિતા મુફ્તી મોહમ્મદ સઈદનું જ જોડાણ હતું. ‘શેર (શ્યામાપ્રસાદ) હમારા મારા હૈ, શેખ અબદુલ્લાને મારા હૈ’ સૂત્ર ભલે જનસંઘથી આજ લગી ભાજપના નેતાઓ ગજવતા હોય, એ જ અબદુલ્લાની નેશનલ કોન્ફરન્સ સાથે વાજપેયી યુગમાં ભાજપનું જોડાણ હતું. જે ડો. ફારુક અબદુલ્લા આજે ચીનની મદદ લઈને પણ ૩૭૦ અને ૩૫ (એ)ને પુનઃ બહાલ કરવાની વાત કરે છે એ વાજપેયી સરકાર વખતે તેમના રાષ્ટ્રીય લોકતાંત્રિક અલાયન્સ (એનડીએ)માં હતા. ડો. અબદુલ્લા જમ્મૂ-કાશ્મીરના મુખ્ય પ્રધાન હતા અને એમના પુત્ર ઓમર અબદુલ્લા વાજપેયી સરકારમાં વિદેશ રાજ્ય પ્રધાન હતા!

શેખ અબદુલ્લા સાથે પંડિત નેહરુની અંગત મૈત્રી હોવા છતાં એમણે એ જ અબદુલ્લાને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિ બદલ સમય આવ્યે ૧૧ વર્ષ સુધી જેલ અને અટકાયતમાં પણ રાખ્યા હતા. એમના પક્ષ સાથે કોંગ્રેસને જોડાણ હતું. ક્યારેક કોંગ્રેસના નેતા રહેલા મુફ્તી મોહમ્મદ સઈદે પાછળથી પીડીપીની સ્થાપના કરી હતી. કોંગ્રેસ છોડી ગયેલા વી.પી. સિંહની સરકાર વખતે તેમાં જનતા દળિયા મુફ્તી ગૃહપ્રધાન હતા. એ વેળા જ એમની દીકરી ડો. રૂબિયાનું બનાવટી અપહરણ થયું ત્યારે મુખ્ય પ્રધાન ડો. અબદુલ્લાએ ત્રાસવાદીઓને છોડવાનો સાફ નન્નો ભણ્યો હતો. જોકે ખુદ વડા પ્રધાન સિંહે એમની સરકારને બરખાસ્ત કરવાની ધમકી આપી ત્યારે ડો. અબદુલ્લાએ ૨૦ પાનાંની નોંધ લખી વડા પ્રધાનના આદેશ મુજબ ત્રાસવાદીઓને છોડ્યાનું સ્પષ્ટ કર્યું હતું.

એવું જ વાજપેયી શાસન વખતે ભારતીય વિમાનના અપહરણને પગલે કંદહારમાં ઉતારૂઓને છોડાવવા માટે મૌલાના મસૂદ અઝહર સહિતના ત્રાસવાદીઓને છોડવાનો એ વેળાના મુખ્ય પ્રધાન ડો. અબદુલ્લાએ ઇનકાર કર્યો હતો, પરંતુ કેન્દ્રના આદેશ મુજબ એમણે છોડવા પડ્યા હતા. એ સર્વવિદિત છે કે આ જ મૌલાના મસૂદ અઝહરે જૈશ-એ-મોહમ્મદ નામનું ત્રાસવાદી સંગઠન સ્થાપીને ભારતીય સંસદ જ નહીં, જમ્મૂ-કાશ્મીર ધારાસભા સહિતનાં પવિત્ર સ્થાનો પર આતંકી હુમલા કરાવ્યા હતા. એટલે આજે રાષ્ટ્રદ્રોહી લેખાવવામાં આવતા સાંસદ અને ગુપકારના વડા ડો. અબદુલ્લાની આ બાબતોને પણ યાદ રાખવી પડે.

જિલ્લા વિકાસ પરિષદો પર કબજો

તાજેતરની ચૂંટણીનાં પરિણામો કેન્દ્રની સરકારના જમ્મૂ-કાશ્મીર અંગેના રાજ્યના દરજ્જા અંગેના નિર્ણયો સામે વિરોધ જરૂર દર્શાવે છે, કારણ ૨૮૦ બેઠકોમાંથી ભાજપને ભલે સૌથી વધુ ૭૫ બેઠકો મળી, પણ ચૂંટણી પહેલાંના જોડાણ ગુપકારને ૧૧૦ તથા કોંગ્રેસને ૨૭ તેમ જ અપક્ષોને ૫૦ બેઠકો મળી. એનો અર્થ સ્પષ્ટ છે કે રાજ્યની પ્રજાએ નારાજગી તો જાહેર કરી છે. જોકે એની નારાજગી છતાં હજુ આવતા દિવસોમાં ભાજપની કરામતના પ્રતાપે કેટલાક ચૂંટાયેલા ડીડીસી પ્રતિનિધિઓ પણ ‘વિકાસનો માર્ગ’ સ્વીકારી ભાજપમાં જોડાઈ શકે.

બીજું, પ્રત્યેક ૧૪ સભ્યોની એક જિલ્લા પરિષદ એવી ૨૦ જિલ્લા પરિષદોનો રિમોટ તો શ્રીનગરમાં બિરાજતા ભાજપના નેતા રહેલા દિલ્હી નિયુક્ત ઉપ-રાજ્યપાલ મનોજ સિંહા કને જ રહેવાનો છે. ‘સંવાદ-વિશ્વાસ’નું વાતાવરણ જળવાય અને ગુપકારને જિલ્લા પરિષદોમાં મોકળાશથી શાસન કરવા દેવાય તો કાશ્મીર કોકડું વધુ ગૂંચવાશે નહીં, અન્યથા ગુપકારમાંના પક્ષોના વિરોધાભાસો એમાં વધુ મુશ્કેલીઓ સર્જશે. ગુપકાર સાથે કોંગ્રેસનો પ્રત્યક્ષ કે પરોક્ષ ટેકો રહે તો કાશ્મીર ખીણ પ્રદેશ ઉપરાંત જમ્મૂની ત્રણ-ચાર જિલ્લા પરિષદો સહિત ૧૨ પરિષદો તો સહેજે એના શાસન તળે રહે. શ્રીનગર જિલ્લા વિકાસ પરિષદ અપક્ષોને ફાળે ગઈ છે.

કાશ્મીરમાં ૧૦ અને જમ્મૂમાં ૧૦ એમ કુલ ૨૦ જિલ્લા પરિષદોની ચૂંટણી યોજાઈ. જમ્મૂની બધી જિલ્લા પરિષદો ભાજપને મળી નથી. પાંચમાં એની બહુમતી છે અને વધુ એક એને મળી શકે. જમ્મૂ-કાશ્મીરમાં ભાજપનો પાયો નાંખનારા અને પીડીપી સાથે જોડાણનો વિરોધ કરીને ભાજપમાંથી તગેડાયેલા પ્રા. હરિ ઓમે આ લખનાર સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે પાકિસ્તાને ચૂંટણી બહિષ્કારમાં કોઈ ભૂમિકા ભજવી ના હોવા છતાં કાશ્મીરી પંડિતો અને બીજા હિંદુ મતદાતાઓ મતદાન કરવામાં ઉદાસીન રહ્યા છે. છેલ્લાં છ વર્ષમાં કોઈ કાશ્મીરી પંડિતની રાજ્યમાં વાપસી કે પુનર્વસન કરાયાનું શક્ય બન્યું નથી. તેમનું કહેવું છે કે ભાજપને જે મત મળ્યા છે એ વડા પ્રધાન મોદીના નામે જ મળે છે. અમે ઈચ્છીએ છીએ કે બંગાળ અને તમિળનાડુમાં પણ ભાજપ જ વિજયી બંને, પરંતુ અહીં જમ્મૂ-કાશ્મીરમાં અગાઉ કોંગ્રેસની જે મુસ્લિમ તુષ્ટિકરણની નીતિ હતી એ જ ભાજપે પણ ચાલુ રાખી છે.

હરિ ઓમની વાતમાં વજૂદ છે. કાશ્મીર ખીણમાં પાકિસ્તાનમાં ત્રાસવાદી તરીકેની તાલીમ લઈને આવનાર મોહમ્મદ ફારુખ ખાન નામના પૂર્વ ત્રાસવાદી એવા મુસ્લિમ ભાજપી ઉમેદવારના વિજયને ભાજપે રાષ્ટ્રીયસ્તરે મનાવ્યો, પણ જમ્મૂમાં રાજ્ય સરકારમાં કેબિનેટ પ્રધાન રહેલા ભાજપના ઉમેદવાર શ્યામલાલ ચૌધરી જિલ્લા પરિષદની ચૂંટણી પણ હારી ગયા એ ચિંતાનો વિષય છે. જોકે ભાજપે એને ઝાઝું મહત્વ આપ્યું નથી.

ભાજપ થકી તો જમ્મૂ–કાશ્મીર કોંગ્રેસના અધ્યક્ષ ગુલામ અહમદ મીરના પુત્ર નસીર અહમદ મીર ચૂંટણી હાર્યાની ગાજવીજ વધુ થઇ. માત્ર રાજકીય દાવપેચ અને રિમોટ શાસનને બદલે આવતા દિવસોમાં આ પ્રદેશમાં સુખશાંતિ અને સમૃદ્ધિનો માહોલ સ્થપાય એવી અપેક્ષા કરીએ.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter