કાશ્મીરી કજોડાંનો યુગ: વિધાનસભા બરખાસ્ત થયા પછી અનિશ્ચિતતા

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Tuesday 27th November 2018 06:57 EST
 
 

જમ્મૂ-કાશ્મીરમાં શાંતિ સ્થપાય એવી અપેક્ષા હજુ પરિપૂર્ણ થયા એવા સંજોગો આકાર લેતા નથી. રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા બરખાસ્ત કરી દીધી એ વિશે વિવાદવંટોળ ઠરવાનું હજુ નામ નથી લેતો. ગત જૂનમાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તીની સરકારને ગબડાવ્યા પછી રાજ્યપાલના શાસનમાં કેન્દ્ર સરકારનો જ સંપૂર્ણ દોરીસંચાર ચાલતો રહ્યા છતાં રાજ્યમાં હજુ આતંકી હુમલા ઓછા થતા નથી. ભારતીય લશ્કરી દળો સક્રિય છે અને અજંપાભરી સ્થિતિ યથાવત્ છે. લોકસભાની ચૂંટણી આગામી મે મહિનામાં આવે ત્યારે જમ્મૂ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણી થવાનાં એંધાણ મળે છે.

હમણાં સરકાર રચવાના પ્રયાસરૂપે સામાન્ય રીતે એકમેકના રાજકીય શત્રુ ગણાતા પક્ષો એકસાથે આવ્યા તો ખરા પણ એ ખેલ ખાલી ગયો એટલે આગામી ચૂંટણીમાં તેઓ સાથે રહીને ભારતીય જનતા પક્ષ અને મિત્રપક્ષોના મોરચાનો મુકાબલો કરે એવું લાગતું નથી. પાકિસ્તાન સાથે મડાગાંઠ ઉકેલાતી નથી. ભલે કરતારપુર કોરિડોર મામલે સકારાત્મક પ્રગતિ થઇ હોય, પણ હજુ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચે અબોલાં તૂટ્યાં નથી. મંત્રણાઓ શરૂ થાય તો સમસ્યાઓ ઉકલે. માથે રાજસ્થાન, મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઊભી હોય ત્યારે ભારતમાં રામમંદિર મુદ્દે ભારે ઉહાપોહ શરૂ થવા પાછળ પણ ચૂંટણીલક્ષી ગણિત છે. આગામી લોકસભા ચૂંટણી લગી સ્થિતિ કેવા આકાર લેશે, એ કહેવું મુશ્કેલ છે.

કાશ્મીરથી મળતા સંકેતો શિયા-સુન્ની વચ્ચે નવેસરથી અથડામણો સર્જવાનાં ચિંતાજનક એંધાણ આપે છે. મામલો વધુ વણસે નહીં અને રાજકીય લાભ ખાટવાની હૂંસાતૂંસમાં ફરીને કાશ્મીર કોકડું નવી મુશ્કેલીઓ પેદા ના કરે એ અપેક્ષા ભારતીયો રાખે છે.

રાજ્યપાલનું રાજકીય પગલું

પવિત્ર ઇદ-એ-મિલાદના તહેવારની રાતે જ જમ્મૂ-કાશ્મીરમાં એકાએક રાજકીય ગરમાટો સર્જાયો. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) અને ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની કજોડા સરકારને છેક જૂન ૨૦૧૮માં ભાજપ થકી ટેકો પાછો ખેંચી લેવાતાં મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી ઘરભેગાં થયાં હતાં. એ પછી અન્ય પક્ષોને તોડીને પોતીકી સરકાર રચવામાં ભાજપને સફળતા મળી નહીં. અંતે મૂર્છિત રખાયેલી વિધાનસભાને રાજ્યપાલ સત્યપાલ મલિકે બરખાસ્ત કરી.

છેલ્લા છ મહિનાથી રાજ્યપાલ શાસન હેઠળ કેન્દ્રની ભાજપના વડપણવાળી એનડીએ સરકારના રિમોટ થકી જ શ્રીનગરમાં શાસન ચાલતું હતું. બુધવાર, ૨૧ નવેમ્બરે એકાએક પીડીપીનાં અધ્યક્ષા મહેબૂબાએ રાજ્યપાલને પત્ર લખીને ૮૯ (૮૭ ચૂંટાયેલા વત્તા ૨ નામનિયુક્ત) સભ્યોની વિધાનસભામાં પોતાના પક્ષના ૨૯ ધારાસભ્યો ઉપરાંત નેશનલ કોન્ફરન્સ (એનસી)ના ૨૫ તથા કોંગ્રેસના ૧૨ ધારાસભ્યો મળીને પોતાની પાસે ૫૬ ધારાસભ્યોનું સમર્થન હોવાથી સરકાર રચવાનો લિખિત દાવો કર્યો.

ભાજપને સંબંધિત ત્રણ પક્ષો સાથે આવવામાં ‘પાકિસ્તાનની રમત’ દેખાઈ. ચક્રો ગતિમાન થયાં. હજુ વીતેલાં વર્ષોમાં પાકિસ્તાનમાં રહીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિમાં સક્રિય એવા સજ્જાદ લોન નામક પીપલ્સ કોન્ફરન્સના ધારાસભ્યે રાજ્યપાલને પત્ર લખીને પોતાને ભાજપ અને પીડીપીના અમુક ધારાસભ્યોનો ટેકો હોવાનું લિખિત જણાવી સરકાર રચવાનો દાવો કર્યો. રાજ્યપાલ મલિકે બુધવારની રાતે જ વિધાનસભા વિસર્જિત કરવાનું જાહેરનામું બહાર પડાવ્યું. ગૃહમાં સૌથી મોટા પક્ષ પીડીપીના દાવાને કોંગ્રેસ અને એનસીના ટેકાની બાબતને બોમ્માઈ ચુકાદા મુજબ ધારાગૃહમાં ચકાસવી પડે. એ ચકાસ્યા વિના જ ધારાસભા ભંગ કરવાનું આ પગલું સંવેદનશીલ રાજ્યમાં નવું ઉંબાડિયું ગણી શકાય.

ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવનાં મિલન

જમ્મૂ-કાશ્મીરનો તાજો ઘટનાક્રમ પણ ધ્યાને લેવા જેવો ખરો. હજુ આતંકી હુમલા રોકાયા નથી. પાલિકાઓ અને પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મોટેભાગે પીડીપી અને એનસીએ અળગા રહેવાનું નક્કી કર્યું એનો ફાયદો ભાજપ અને મિત્રપક્ષો લઇ શક્યા. જોકે લડાખમાં એના લોકસભાના સભ્ય હોવા છતાં એની દાળ ગળી નહીં, એટલું જ નહીં બૌદ્ધબહુલ લડાખના ભાજપના લોકસભાના સભ્ય થુપસ્તાન થેવાંગે તો ૧૫ નવેમ્બર ૨૦૧૮ના રોજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી જ રાજીનામું આપી દીધું છે. વિધાનસભાની નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપને મળેલી ૨૫ બેઠકો હિંદુબહુલ જમ્મૂમાંથી જ હતી, જયારે પીડીપીને મળેલી ૨૮ બેઠકો મુસ્લિમબહુલ ખીણ પ્રદેશમાંથી જ હતી.

વિધાનસભા ત્રિશંકુ થતાં ત્રણ મહિના પછી પીડીપી અને ભાજપની સંયુક્ત એવી ‘ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમી’ મુફ્તી મોહમ્મદ સઈદના વડપણવાળી સરકાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાક્ષીએ, બની હતી. જાન્યુઆરી ૨૦૧૬માં મુફ્તીના નિધન પછી એમનાં શાહજાદી મેહબૂબા મુફ્તીના વડપણવાળી સરકાર ઘણા વાંધાવચકા પછી ત્રણ મહિને રચાઈ હતી. બંને સરકારમાં નાયબ મુખ્ય પ્રધાનપદ ભાજપને મળ્યું હતું, પણ દીર્ઘદૃષ્ટિ રાખીને વિધાનસભાના અધ્યક્ષનો હોદ્દો ભાજપે પોતાની કને રાખ્યો હતો. મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી બંધારણના અનુચ્છેદ ૩૭૦ અને ૩૫(એ)ના મુદ્દે ભાજપ સાથે છેડો ફાડવાની વેતરણમાં હોવાની ગંધ આવતાં જ ૧૯ જૂન ૨૦૧૮ના રોજ ભાજપે પહેલો ઘા રાણાનો એ ન્યાયે ટેકો પાછો ખેંચી લઈને મુફ્તી સરકારને ગબડાવી હતી. એ વેળા રાજ્યપાલ એન. એન. વોહરા હતા.

રાજ્યપાલનું શાસન લદાયું તો ખરું, પણ પીડીપીને તોડીને બહુમતી કરી લેવાની અપેક્ષાએ વિધાનસભા બરખાસ્ત કરવાને બદલે મૂર્છિત અવસ્થામાં રખાઈ હતી. છ મહિને રાજ્યપાલનું શાસન લંબાવવાનો વખત આવ્યો ત્યાં લગી ભાજપનો મેળ પડ્યો નહીં. રાજ્યના સૌથી સમૃદ્ધ ધારાસભ્ય અને મહેબૂબા મુફ્તીની પાર્ટીના નેતા અલ્તાફ બુખારી તેમજ ભાજપની છાવણીના સજ્જાદ લોન મુખ્ય પ્રધાન બનવા થનગનવા માંડ્યા ત્યાં જ વિધાનસભા બરખાસ્ત થઇ ગઈ!

રાજકીય શત્રુ સાથે સહશયન

વાજપેયી યુગથી જ કાશ્મીર મામલે ભાજપે ઝેરનાં પારખાં કરવા માંડ્યાં હતાં. જોકે આજે પણ સદગત વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની ‘ઈન્સાનિયત, જમ્હૂરિયત અને કશ્મીરિયત’ની વાતને તમામ રાજકીય પક્ષો અને પ્રજા ખૂબ આદરથી યાદ કરે છે. મુફ્તી-મોદી જોડાણમાં પણ અટલજીની જ ‘ગુડવિલ’ ખૂબ નિર્ણાયક બની હતી.

ભાજપી નેતા વાજપેયી વડા પ્રધાન બન્યા ત્યાં લગી જનસંઘ-ભાજપના નેતાઓ અને કાર્યકરો ‘શેર હમારા મારા હૈ, અબદુલ્લાને મારા હૈ’નો નારો લગાવતાં થાકતા નહોતા. શેખ અબદુલ્લાની સરકાર વખતે અટકાયત દરમિયાન જનસંઘના સંસ્થાપક અધ્યક્ષ ડો. શ્યામાપ્રસાદ મુકરજી મૃત્યુ પામ્યા હતા એટલે સંઘ-જનસંઘ-ભાજપને અબદુલ્લા પરિવાર સાથે બાપે માર્યાં વેર હતાં. જોકે અટલજીની સરકાર વખતે ડો. ફારુક અબદુલ્લાની પાર્ટી એનડીએનો ભાગ હતી. એ વેળા ડો. અબદુલ્લા મુખ્ય પ્રધાન અને એમના શાહજાદા ઓમર અબદુલ્લા વિદેશ રાજ્ય પ્રધાન હતા. એ જોડાણ પણ તૂટી ગયું હતું. એ પછી ‘બાપ-બેટી કી સરકાર’ની જોરદાર ટીકા કર્યા પછી માર્ચ ૨૦૧૫માં મોદીના ભાજપ અને મુફ્તીની પીડીપીની સંયુક્ત સરકાર રચાઈ હતી.

ચૂંટણીમાં ત્રાસવાદનું યોગદાન

મુફ્તી જયારે વી. પી. સિંહની સરકારમાં ગૃહ પ્રધાન હતા ત્યારે કેટલાક ત્રાસવાદીઓને મુક્ત કરાવવા માટે તેમની દીકરી ડો. રૂબિયાનું ‘બનાવટી’ અપહરણ અને ગાંધીનગરના અક્ષરધામ પરના ૨૦૦૨ના આતંકી હુમલાનું કાવતરું મુખ્ય પ્રધાન મુફ્તીના એક પ્રધાન ઝરગરના ઘરમાં ઘડાયું હોવાનું રાજ્યપાલ રહેલા લેફ્ટ. જનરલ (નિ.) એસ. કે. સિંહાએ ‘મિશન કાશ્મીર’માં નોંધ્યું છે. જમ્મૂ-કાશ્મીરની પીડીપી અને ભાજપની સરકારમાં પ્રધાન રહેલા અને ભાજપના ટેકે મુખ્ય પ્રધાન બનવા માટે તાજેતરમાં પ્રયત્ન કરનાર સજ્જાદ લોનનો અતીત પણ ત્રાસવાદ સાથેના સીધા સંબંધનો છે.

પાકિસ્તાનમાં રહીને ભારતવિરોધી ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ રહ્યા પછી ‘રિફોર્મિસ્ટ’ તરીકે કાશ્મીરના રાજકારણમાં એ પ્રવેશ્યા. સજ્જાદ પાકિસ્તાનના રાવલપિંડીમાં એપ્રિલ ૨૦૧૬માં મૃત્યુ લગી જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (જેકેએલએફ) ચલાવતા રહેલા ભારતના મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ અમાનુલ્લા ખાનના જમાઈ છે. અગાઉ સજ્જાદ અને તેમના મોટા ભાઈ બિલાલ લોન બંને ત્રાસવાદી પ્રવૃત્તિમાં સામેલ રહ્યા છે. પિતા અબ્દુલ ગની લોનની ૨૦૦૨માં હત્યા થતાં સજ્જાદે તેમના પક્ષ પીપલ્સ કોન્ફરન્સના નોખા ચોકાનું સુકાન સંભાળ્યું. ભાઈ બિલાલ હુર્રિયત કોન્ફરન્સ સાથે રહીને ભાગલાવાદી પ્રવૃત્તિમાં આજે ય સક્રિય છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં સજ્જાદની પાર્ટીએ ભાજપ સાથે જોડાણ કર્યું હતું. એને બે બેઠકો મળી હતી. વિધાનસભા બરખાસ્ત થયા પછી નવી ચૂંટણી યોજાય એ માટે હવે સૌ ઉત્સુક છે. અપેક્ષા કરીએ કે રાજ્યમાં હિંસાના વાતાવરણને બદલે પ્રજાને સુખચેનની અનુભૂતિ થાય.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter