કોંગ્રેસી કામરાજના ટેકે તમિળનાડુની વૈતરણી તરવાના ભાજપી વ્યૂહ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 22nd July 2015 07:01 EDT
 
૧૯૬૬માં જયપુર ખાતે એઆઈસીસી સેશનમાં  કે. કામરાજ, ઈન્દિરા ગાંધી, ગુલઝારીલાલ નંદા અને ફખરુદ્દીન અલી અહેમદ
 

દક્ષિણ ભારતના રાજ્ય તમિળનાડુના દક્ષિણ ભાગમાં આજકાલ અવનવો ઘટનાક્રમ ચાલી રહ્યો છેઃ ત્રણ-ત્રણ મુદત માટે અખિલ ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ રહેલા અને ત્રણ-ત્રણ વાર દક્ષિણ ભારતના આ રાજ્યને ભ્રષ્ટાચારમુક્ત શાસન પૂરું પાડનાર દેશના સદ્ગત કોંગ્રેસી નેતા કે. કામરાજના નામે ભાજપ ઊજવણી કરી રહ્યો છે. પછાત વર્ગોના ઉદ્ધારક એવા લોકલાડીલા મુખ્ય પ્રધાન તરીકે સાદગીભર્યું જીવન જીવતાં વહીવટ કરનાર કુમારસ્વામી કામરાજ નાડારની જન્મજયંતીની ઊજવણી કરવાનું ભારતીય જનતા પાર્ટીએ આ વર્ષે જ શિરે લીધું છે. તમિળનાડુ કોંગ્રેસે તો એની રાબેતા મુજબની ઊજવણી કરી. દિલ્હી ખાતે પણ કોંગ્રેસના મુખ્યાલયમાં કિંગ-મેકર કામરાજને જન્મદિને અંજલિ અર્પવામાં આવી, પણ કામરાજના આદર્શોમાંથી પ્રેરણા લેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટના બોલકા પ્રધાન એમ. વેંકૈયા નાયડુ તો છેક કામરાજના વતન વિરુદ્ધનગર પહોંચી ગયા.

બબ્બે કોંગ્રેસી વડા પ્રધાનની વરણીની જવાબદારી સુપેરે નિભાવનારા કે. કામરાજ થકી ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના અનુગામી તરીકે લાલબહાદુર શાસ્ત્રીની સર્વાનુમત વરણી શક્ય બની હતી. શાસ્ત્રીનું તાશ્કંદમાં અવસાન થતાં એમનાં અનુગામી તરીકે નેહરુ-પુત્રી ઈંદિરા ગાંધી એ હોદ્દે વરાયાં. જોકે તેમના અને નેહરુ પ્રધાનમંડળના સભ્ય મોરારજી દેસાઈ વચ્ચે સમાધાન શક્ય ના બનતાં મતદાન થયું. ઈંદિરાજી ૩૫૫ વિરુદ્ધ ૧૬૯ મતથી વિજયી બનીને વડાં પ્રધાન બન્યાં હતાં.

નેહરુએ પોતાના મૃત્યુ પૂર્વે જ કામરાજને અખિલ ભારતીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ૧૯૬૪ના રોજ દિલ્હીમાં તેડાવ્યા ત્યારે એમને અંદાજ નહીં હોય કે ભુવનેશ્વર ખાતેના કોંગ્રેસ અધિવેશનમાં જ એ બીમાર પડશે અને ૨૭ મે, ૧૯૬૪ના રોજ દિલ્હીમાં આ ફાની દુનિયા છોડી જશે.

કોંગ્રેસના ત્રણ અધિવેશનમાં કામરાજ અધ્યક્ષસ્થાને રહ્યાઃ ૧૯૬૪માં ભુવનેશ્વર, ૧૯૬૫માં દુર્ગાપુર અને ૧૯૬૬માં જયપુરમાં. વડાં પ્રધાન બન્યા પછી ઈંદિરા ગાંધીએ પોતાનું ધાર્યું જ કરવા માંડ્યું અને કોંગ્રેસ અધ્યક્ષનેય અવગણવા માંડ્યા એટલે કામરાજે અધ્યક્ષપદેથી ૭ ડિસેમ્બર, ૧૯૬૭ના રોજ રાજીનામું આપી દીધું હતું. એમના અનુગામી બનેલા નિજલિંગપ્પા પણ ઈંદિરાનિષ્ઠ તો નહોતા જ.

મોરારજી દેસાઈ સહિતના નેહરુ કેબિનેટના અડધો ડઝન કેન્દ્રીય પ્રધાનો અને એટલી જ સંખ્યામાં વિવિધ રાજ્યોના મુખ્ય પ્રધાનોને ‘કામરાજ યોજના’ હેઠળ સરકારી હોદ્દેથી છૂટા કરીને કોંગ્રેસના સંગઠનમાં કામે લગાડાયા હતા. એમાંના ઘણા બધા પાછલાં વર્ષોમાં નેહરુ અને ઈંદિરા વિરુદ્ધના રાજકીય મંચ પર પાછા સહયાત્રી બન્યા હતા.

મોરારજી ‘મારું જીવનવૃત્તાંત’માં એ વાતનો ફોડ જરૂર પાડે છે કે કામરાજ યોજના વાસ્તવમાં તો ઓરિસાના મુખ્ય પ્રધાન રહેલા બીજુ પટનાયકે કાશ્મીર પ્રવાસમાં નેહરુને ગળે ઉતારેલી ગૂઢ યોજના હતી, ભલે એ પાછળથી કામરાજના નામે ચલણી બની હોય.

મોરારજીને કામરાજ સાથે ગોઠતું નહોતું, પણ ૧૯૬૯માં બેંગ્લોરના ગ્લાસ હાઉસની ઘટનાને પગલે ઈંદિરા ગાંધી વડાં પ્રધાન હોવા છતાં એમને પક્ષમાંથી તગેડવામાં આવ્યાં. ઈંદિરાજીએ પક્ષના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીને બદલે પોતાના કહ્યાગરા વી. વી. ગિરિને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચૂંટી લાવવા માટે મતદારોને ‘અંતરાત્મા’ના અવાજ મુજબ વર્તવા હાકલ કરી પક્ષની શિસ્ત તોડી હતી.

કામરાજ, તેમના કોંગ્રેસ અધ્યક્ષપદના અનુગામી નિજલિંગપ્પા અને મોરારજી દેસાઈ સહિતના નેતા ઈંદિરાની હકાલપટ્ટીમાં સાથે હતા. તેઓ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન-ઓ)માં સાથે રહ્યા, પણ કોંગ્રેસ (રિક્વિઝિશનિસ્ટ-આર)નાં સુપ્રીમો તરીકે તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધી સર્વસત્તાધીશ બની શક્યાં. કોંગ્રેસ (ઓર્ગેનાઇઝેશન-ઓ)ના નેતાઓએ છેક ૧૯૭૭ના માર્ચ સુધી વિપક્ષે રહેવું પડ્યું. ઈંદિરાની ઈમર્જન્સી પછી મોરારજી દેસાઈના વડપણવાળી કેન્દ્ર સરકાર રચાઈ હતી.

૧૯૪૨માં કોંગ્રેસના ‘હિંદ છોડો’ આંદોલનને પગલે કામરાજે ત્રણ વર્ષ લગી જેલવાસ વહોર્યો હતો. એ ગાળામાં એટલે કે ૧૯૪૨થી ત્રણ વર્ષ લગી પોતાને કોંગ્રેસથી ફારેગ કરવા ઉપરાંત પાકિસ્તાન આપવાના પક્ષધર રહેલા સી. રાજગોપાલાચારી (રાજાજી)ને તમિળનાડુ કોંગ્રેસ કે સરકારમાં હોદ્દા આપવાની વાત સામે એમનો વિરોધ હોય એ સ્વાભાવિક છે. કામરાજના રાજકીય ગુરુ સત્યમૂર્તિને રાજાજી સાથે અણબનાવ હતો. એ રાજાજી અને કામરાજ વચ્ચે પણ ચાલુ રહ્યો. કોંગ્રેસના ટોચના નેતા સરદાર વલ્લભભાઈ પટેલે બેઉ વચ્ચે સમાધાન કરાવ્યું હતું. એ પછી મહાત્મા ગાંધીએ તમિળનાડુના પ્રવાસ દરમિયાન ફાચર મારીને રાજાજીનો એટલે કે તેમના વેવાઈનો ખુલ્લો પક્ષ લેતાં કામરાજને માઠું લાગે એ રીતનો લેખ ‘હરિજન’ (૧૦ ફેબ્રુઆરી ૧૯૪૬)માં લખ્યો હતો.

પછીથી રાજાજીના વડપણ હેઠળની પ્રાંતિક સરકારે રાજીનામું આપવાનો વખત આવ્યો ત્યારે કામરાજને શિરે સરકારની જવાબદારી સોંપવાની હતી; પણ રાજાજીના પ્રતિનિધિ તરીકે સી. સુબ્રમણ્યમ્ એ ચૂંટણી લડ્યા. કામરાજને ૯૩ ધારાસભ્યોનો ટેકો મળ્યો અને સુબ્રમણ્યમને માત્ર ૪૧ ધારાસભ્યોનો ટેકો મળ્યો. મુખ્ય પ્રધાન બન્યા પછી કામરાજે મન મોટું રાખીને સુબ્રમણ્યમને પણ સરકારમાં લીધા અને લોકોના હિતમાં ભ્રષ્ટાચારમુક્ત સરકાર આપી. સતત નવ વર્ષ સુધી એ મુખ્ય પ્રધાન રહ્યા, પણ એમનો વહીવટ અણિશુદ્ધ અને પ્રજાલક્ષી રહ્યો.

૧૫ જુલાઈ, ૧૯૦૩ના રોજ જન્મેલા કામરાજનું નામ પરિવારના કુળદેવી કામાક્ષી અમ્માના નામે ‘કામાક્ષી’ પાડવામાં આવ્યું હતું. પાછળથી એની સાથે ‘રાજા’ જોડીને તે કન્યાનું નામ ના લાગે એવું કરવા જતાં એ ‘કામરાજ’ થયું. દક્ષિણ તમિળનાડુના પછાત ગણાતા સામાન્ય નાડાર પરિવારમાં જન્મેલા કામરાજ છઠ્ઠી ચોપડીથી આગળ ભણી શક્યા નહોતા અને એમણે કામમાં જોતરાઈ જવું પડ્યું હતું.

જલિયાંવાલા બાગના અત્યાચારની ઘટનાએ છેક દક્ષિણના ગામમાં કામરાજનું દિલ વલોવી દીધું હતું. ગાંધીજીને સાંભળીને એમણે દેશની સ્વતંત્રતાના જંગમાં ઝૂકાવવા કોંગ્રેસમાં જોડાઈ જવું પસંદ કર્યું. ત્રણ મિત્રોએ આઝાદી મળે નહીં ત્યાં લગી નહીં પરણવાનો સંકલ્પ કર્યો, પણ કામરાજે તો એને આજીવન પાળ્યો.

કામરાજના આદર્શોમાંથી ભાજપની નેતાગીરી કઈ પ્રેરણા લઈ શકે એ કહેવું જરા મુશ્કેલ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય જનસંઘ (ભાજપના પૂર્વ અવતાર)ના સંસ્થાપક મહામંત્રી હતા, ત્યારેય એમણે સાદગી જાળવી હતી. આજના ભાજપી નેતાઓ એમનું કે પછી કામરાજની સાદગીનું અનુસરણ કઈ રીતે કરે એ કહેવું મુશ્કેલ છે.

મુખ્ય પ્રધાન કામરાજને એમની માતાએ સંદેશ મોકલ્યો કે ગામનું ઘર બિસ્માર હાલતમાં છે, એને રિપેર કરાવો. કામરાજનો ઉત્તર હતોઃ ‘મા એ યાદ રાખવાની જરૂર છે કે તું કામરાજની મા છે, મુખ્ય પ્રધાનની નહીં.’ એમનાં માએ મદ્રાસ (હવે ચેન્નઈ)માં એમની સાથે રહેવા સંદેશો મોકલ્યો, તો મુખ્ય પ્રધાન કામરાજે ઉત્તર વાળ્યોઃ ‘અહીં આવવાની જરૂર નથી. ગામના આપણા ઘરમાં જ રહો. મા મદ્રાસ આવીને રહેશે તો બીજાં સગાંવહાલાં પણ આવતાં થશે અને અમારું નામ ખરાબ કરશે.’ કામરાજ જીવ્યા ત્યાં લગી સાહ્યબીને બદલે સાદગીથી જીવ્યા. સરદાર પટેલે પોતાનાં સંતાનોને અને ખાસ કરીને પુત્ર ડાહ્યાભાઈને ‘હું સરકારમાં છું ત્યાં લગી દિલ્હીની આસપાસ નહીં ફરકવાની’ જે સલાહ આપી હતી એવું જ આચરણ કામરાજનું રહ્યું છે.

જુલાઈ ૨૦૧૫માં કોંગ્રેસના સદ્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ કે. કામરાજની જન્મજયંતી ઊજવવાનો ઉત્સાહ દાખવનાર ભારતીય જનતા પક્ષને હજુ ગયા વર્ષ સુધી આવી ઊજવણીનો વિચાર આવ્યો નહોતો. હવે આવું એકાએક કાં હૃદયપરિવર્તન? તમિળનાડુમાં વસતા નિવૃત્ત આઈએએસ અધિકારી અને જાણીતા લેખક એમ. જી. દેવસહાયમને અમે સીધું જ પૂછ્યું, તો એમનો ઉત્તર હતોઃ

‘અત્યાર લગી તમિળનાડુમાં માત્ર કન્યાકુમારી જિલ્લા પૂરતો જ ભાજપનો પ્રભાવ છે. અહીંથી ચૂંટાયેલા રાજ્યના એકમાત્ર ભાજપી સાંસદ પોની રાધાકૃષ્ણન્ કેન્દ્રમાં રાજ્ય પ્રધાન છે. એમના કેબિનેટ પ્રધાન નીતિન ગડકરીને અહીં લાવીને વિવિધ યોજનાઓની જાહેરાતો કરાવીને લોકોને પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. રાજ્યમાં નાડાર પ્રજાનું પ્રમાણ સૌથી વધુ છે. કોંગ્રેસ અને પ્રાદેશિક પક્ષોની પ્રતિષ્ઠા લોકોની નજરમાં તળિયે ગયેલી છે એટલે ભાજપ આ ખાલીપાનો લાભ લેવાની કોશિશ કરે છે. કન્યાકુમારીમાં તો હિંદુ નાડાર અને ખ્રિસ્તી નાડાર વચ્ચે અથડામણો સર્જીને ભાજપ લાભ ઊઠાવવામાં સફળ થાય છે, પણ આખા તમિળનાડુમાં એવું શક્ય બને તેમ નથી. એટલે મુખ્ય પ્રધાન જે. જયલલિતાની અન્ના દ્રમુક સાથે એમજીઆર ફોર્મ્યુલા મુજબની સમજૂતી સાધવાની કોશિશમાં છે.’

એમજીઆર ફોર્મ્યુલા અગાઉ કોંગ્રેસના જોડાણની હતી. સંસદની ચૂંટણીમાં બે-તૃતિયાંશ બેઠકો રાષ્ટ્રીય પક્ષને ફાળવાય, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં બે-તૃતિયાંશ બેઠકો પ્રાદેશિક પક્ષને ફાળવાય. સુપ્રીમ કોર્ટમાં ભ્રષ્ટાચારના કેસમાં જયલલિતાને મોદીની ગરજ છે. ભાજપને બેઉ હાથમાં લાડુ છે. હજુ આવતા દિવસોમાં તમિળનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જશે તેમ અનેક નવાં રાજકીય સમીકરણો અને કજોડાં જોવા મળવાનાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter