ગાંધીહત્યાના કાવતરાંના ‘સત્ય’નો ઉહાપોહ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Tuesday 09th February 2016 06:52 EST
 
 

ભારતના વર્તમાનમાં ઐતિહાસિક ઘટનાઓના સાચા-ખોટા આધારોની ગાજવીજ ખૂબ ચાલી રહી છેઃ હમણાં નાગપુરમાં જાહેરસભામાં મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ રાષ્ટ્રપિતાની હત્યા પાછળ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને હિંદુ મહાસભાના સુપ્રીમો સ્વાતંત્ર્યવીર સાવરકર હોવાની વાત ફરીને છેડીને નવો ઉહાપોહ મચાવ્યો છે. બીજી બાજુ, અત્યારની હિંદુ મહાસભાવાળાઓએ ગાંધીજીના હત્યારા ‘પંડિત’ નથુરામ ગોડસેને દેશભક્ત તરીકે આગળ કરીને એમનાં મંદિરો સ્થાપવાની રીતસરની ઝુંબેશો આદરીને ગાંધીજી માટે લખી ના શકાય એવા હીન શબ્દોનો ઉપયોગ બેછૂટપણે કરવા માંડ્યા છે.

આરએસએસ તરફથી ગાંધીહત્યા કે નથુરામ ગોડસે સાથેના સંબંધને સતત નકારવામાં આવતો રહ્યો હોવા છતાં ગાંધીહત્યા માટે ફાંસીની સજા પામેલા નથુરામ ગોડસેના ૧૯૬૫માં જેલમાંથી છૂટેલા અને ૨૦૦૫માં મૃત્યુ પામેલા લઘુબંધુ ગોડસે આરએસએસ સાથેના ગોડસે પરિવારના ગાઢ સંબંધો વિશે જીવ્યા ત્યાં લગી સ્વીકાર કરતા રહ્યા હોવા ઉપરાંત ગાંધીજીની હત્યા બદલ પણ ગર્વની અનુભૂતિ કરતા રહ્યા હતા. ગોડસે પરિવાર અને સાવરકર પરિવાર એકમેકના વેવાઈ હતા એ વાતનો ઉલ્લેખ પણ આ તબક્કે કરવો યોગ્ય લેખાશે. સંઘસંચાલિત રાષ્ટ્રીય સમાચાર સંસ્થા ‘હિંદુસ્થાન સમાચાર’ના અમારા મુંબઈ કાર્યાલયની મુલાકાતે પણ ગોપાલ ગોડસે અનેકવાર આવતા રહ્યા હતા. એમની સાથે ક્યારેક સાવરકર સદન જતાં ‘ગાંધીવધ’ (એમના જ શબ્દોમાં)ની કહાણી સાંભળવા મળતી હતી.

ભારતીય રાજકારણમાં આજકાલ ઈતિહાસનાં તથ્યો કે સત્યોને પોતપોતાની રીતે પ્રજા સમક્ષ મૂકીને મતદારોને પોતાના ભણી વાળવાની ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝના મૃત્યુના રહસ્યનો મુદ્દો અને એમના ભણી ભારત સરકારની અવગણના અંગે ચર્ચાની પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે રીતસર સ્પર્ધા ચાલી છે. નેતાજી વિશેની ગુપ્ત ફાઈલો પ્રજા માટે ખુલ્લી કરવામાં પણ કોલકતા અને દિલ્હી વચ્ચે ચડસાચડસી ચાલી રહી છે. આ પૂર્વે લોકસભાની ચૂંટણીમાં સરદાર પટેલને નેહરુ ઘરાણા થકી અન્યાય થયાની વાત ખૂબ ગાજી હતી. આજકાલ સરદાર પટેલની વાત ઓછી થાય છે, સુભાષ અને લાલ બહાદુર શાસ્ત્રીની વાત વધુ થાય છે.

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે લોકલાડીલા વડા પ્રધાન રહેલા લાલ બહાદુરના મૃત્યુનાં રહસ્ય ઉકેલવા બાબતનો રાજકીય મુદ્દો ખૂબ ગાજી રહ્યો છે. ભાજપ વિપક્ષે હતો ત્યારે એના બે આસ્થાપુરુષ ડો. શ્યામાપ્રસાદ મુકરજી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની હત્યાઓનાં રહસ્ય પ્રકાશમાં લાવવાની માગણી ખૂબ થતી હતી. હવે ભાજપ કેન્દ્રમાં સત્તાસ્થાને છે ત્યારે આ બે મહાન નેતાઓની હત્યાઓનાં રહસ્ય પ્રકાશમાં લાવવાની મથામણ મોળી પડી ગઈ છે.

મહાત્મા ગાંધી અને સ્વાતંત્ર્યવીર સાવરકરનાં નામ ભારતીય રાજકારણમાં ચલણી સિક્કા બની રહ્યાં હોવાથી પ્રત્યેક રાજકીય પક્ષ એમના વિશે પોતાની અનુકૂળતા મુજબનાં વિશ્લેષણો કરીને એમને પોતીકા લેખાવવાની મથામણ કરે છે ત્યારે એના વિરોધાભાસો પણ પ્રગટે છે. મહાત્મા ગાંધી અહિંસાના પૂજારી હતા અને એમણે અહિંસક ક્રાંતિને મારગ જ અંગ્રેજ શાસનનો ભારતમાં અંત આણ્યો એ નરી વાસ્તવિક્તા સામે સંઘ પરિવાર અને હિંદુ મહાસભા સહિતના હિંદુવાદીઓ તરફથી ક્રાંતિકારીઓ થકી આઝાદી મળ્યાંના ઢોલ સવિશેષ પીટવામાં આવે છે. ગાંધીજીના વિરોધી ગણી શકાય એવાં મહાન વ્યક્તિત્વોને પોતીકાં જાહેર કરવાની હૂંસાતૂંસી ચાલી રહી છે અને સત્તાપક્ષના સાંસદો જ નહીં, પ્રધાનો પણ ગાંધીજી અને પંડિત નેહરુ ભણી બેફામ વાણીવિલાસ કરતા જોવા મળે છે.

મહાત્મા ગાંધીનું રોજેરોજ છડેચોક ચરિત્રહનન થતું હોવા છતાં કહેવાતા ગાંધીવાદીઓ મૂકપ્રેક્ષક બનીને તાલ જોયા કરતા હોય એવો માહોલ સર્જાયો છે. સત્તા આગળ શાણપણ નકામું હોવાની ઉક્તિને યથાર્થ કરતાં રાજકીય મંચ પરના ખેલ ભજવાઈ રહ્યા છે. ક્યારેક આઝાદીની ચળવળમાં જે કોંગ્રેસે આગેવાની લીધી હતી એ જ કોંગ્રેસના નેહરુ-ગાંધી પરિવારને ભાંડનારાઓને સરપાવ આપવાની ચોફેર કોશિશો થઈ રહી હોય એવું વાતાવરણ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખોને પોતીકા ગણાવવાની રીતસરની ઝુંબેશો ચલાવાતી હોય ત્યારે ભ્રષ્ટ અને બિનઅસરકારક સાબિત થયેલી વર્તમાન કોંગ્રેસની નેતાગીરી અસર ગુમાવી રહ્યાનું અનુભવાય છે. કોંગ્રેસીઓની સત્તાપિપાસા એમને વૈચારિક રીતે સામે પક્ષે ગણાતા ભારતીય જનતા પક્ષમાં જોડાવાની હોડ સર્જવા પ્રેરે છે.

આવા માહોલમાં તુષાર અરુણ મણિલાલ મોહનદાસ કરમચંદ ગાંધીએ સામે પૂર તરવાની કોશિશ આરંભતાં સંઘ પરિવારના મુખ્યાલય એવા નાગપુરના ગઢમાં જઈને હિંદુ રાષ્ટ્રના પ્રણેતાઓને પડકારવાની જોખમી કોશિશ કરી છે. ‘નિષ્ફળ રાજનેતા’ તુષાર ગાંધીએ મહાત્મા ગાંધીની હત્યા વિષયક દસ્તાવેજોનો વિશદ્ અભ્યાસ કરીને લખેલું પુસ્તક ‘લેટ્સ કિલ ગાંધી’ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યું છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે વર્ષ ૨૦૦૭માં પ્રકાશિત આ મહાગ્રંથનું લોકાર્પણ જે પત્રકાર શિરોમણિ અને રાજીવ ગાંધીના નિષ્ઠાવંત એમ. જે. અકબરને હસ્તે થયું હતું એ પૂર્વ સાંસદ અકબર આજે ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર પ્રવક્તા છે. તુષારે વાયવ્ય મુંબઈની બેઠક પરથી લોકસભે જવા માટે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ મારફત કોશિશ કરી જોઈ, પણ રાજકારણ માફક ના આવ્યું એટલે એ છોડી ગાંધીજીના વિચારોના પ્રસાર અને લેખનનો મારગ પકડ્યો છે. તુષાર કહે છેઃ ‘હું મહાત્માનો વંશજ છું. મહાત્મા નહીં.’ એટલે એ બિન-શાકાહારી ખોરાક અને જિન્સ સહિતનાં કપડાં પહેરે છે, પણ ગાંધીજીની હત્યાનાં તથ્ય બહાર લાવવા કટિબદ્ધ છે.

પુણેરી બ્રાહ્મણોએ ગાંધીજીની હત્યા કરવામાં સફળતા ભલે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ મેળવી હોય, પણ છેક ૧૯૩૪થી ગાંધીજીની હત્યાના પ્રયાસો થતા રહ્યા હોવાની વિગતો તુષાર પ્રજા સમક્ષ મૂકે છે. મહારાષ્ટ્રના નામાંકિત ઈતિહાસકાર ડો. સદાનંદ મોરે તો એટલે સુધી નોંધે છે કે ગાંધીજી અને પં. નહેરુની જ નહીં, સરદાર પટેલની પણ હત્યાનાં કાવતરાં આ ટોળકીએ ઘડ્યાં હતાં.

ગાંધીજીને દેશના ભાગલા માટે જવાબદાર લેખવા ઉપરાંત મુસ્લિમો ભણી તુષ્ટીકરણની નીતિ જાળવવા અને પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા અપાવવાનો આગ્રહ કરાવવા બદલ તેમની હત્યા કરાયાની વાતને એમના પ્રપૌત્ર ‘હંબગ’ લેખે છે. ‘ગોડસે અને અન્ય આરોપી તો આ સઘળા કાવતરાનાં પ્યાદાં હતાં.’

ગાંધીજીની હત્યા કરવા માટે ગોડસેને વિ. દા. સાવરકર કનેથી પ્રેરણા અને આરએસએસ તેમજ હિંદુ મહાસભા તરફથી શક્તિ મળી હતી. હિંદુત્વવાદીઓની મદદ વિના ગોડસે આવડું મોટું દુષ્કૃત્ય કરી શક્યો ના હોત.’ એવું તારણ તુષાર હિંદુ મહાસભાના એ વેળાના સભ્ય અને ‘તાજના સાક્ષી’ તરીકે જુબાની આપનાર દિગંબર બડગેની જુબાનીને આધારે આપે છે. એ કહે છે કે આશ્ચર્ય એ વાતનું છે કે બડગેની જે જુબાનીને આધારે ગોડસે અને બીજાઓને શિક્ષા થઈ એ જ જુબાની સાવરકરની બાબતમાં શંકાસ્પદ ગણીને એમને છોડી મૂકવામાં આવ્યા!

તુષાર ગાંધી વિરુદ્ધ બદનક્ષીના ખટલા દાખલ કરવાની ધમકીઓ વચ્ચે પણ એ અડગપણે ‘ગાંધી હત્યાના ષડયંત્ર પાછળના સત્ય’ રજૂ કરવામાં સંકોચ કરતા નથી. અગાઉ ભગત સિંહના હિંસક કૃત્યને વખોડવા બદલ તુષાર સામે લુધિયાણા પોલીસે ખટલો દાખલ કર્યો હતો. ગાંધીજીએ ભગત સિંહને ‘હૃદયશૂન્ય’ શાસકોના ક્રૂર કૃત્યથી બચાવી લેવા કશું નહીં કર્યાંનો ભ્રમ આજે પણ ફેલાવાય છે અને એ વખતે એટલે કે ૧૯૩૧માં પણ ફેલાવાતો હતો.

માર્ચ ૧૯૩૧માં કોંગ્રેસનું ૪૫મું અધિવેશન કરાચીમાં ભરાયું એ વેળા ગાંધીજી અને કોંગ્રેસી નેતાઓ ભણી યુવાનોનો ભયંકર આક્રોશ વ્યક્ત થયો હતો અને તેમને કાળાં ફૂલ આપીને આવકારવામાં આવ્યા હતા. અધિવેશનના પ્રમુખપદેથી સરદાર પટેલે કહેલા શબ્દો કાયમ યાદ રાખવા જેવા છેઃ ‘નવજવાન ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા દિવસ ઉપર ફાંસી મળી છે. તેથી પારાવર ઉકળાટ થયો છે. એ યુવાનોની કાર્યપદ્ધતિ સાથે મારે નિસબત નથી. બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું તેના કરતાં દેશને માટે કરવું એ ઓછું નિંદ્ય છે એમ હું માનતો નથી. છતાં ભગત સિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિશ ઝૂકે છે.’

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter