ગુજરાતના સ્થાપના દિન (૧ મે ૧૯૬૦)ની ચર્ચા નીકળે ત્યારે કેન્દ્રમાં પ્રધાન રહેલા, મૂળ પંજાબી છતાં ગુજરાતને પોતીકું ગણીને અમદાવાદમાં સ્થાયી થયેલા, જાણીતા અર્થશાસ્ત્રી એવા ડો. વાય. કે. અલઘે કહેલા એક પ્રસંગનું સ્મરણ થવું સ્વાભાવિક છે:
‘રાજીવ ગાંધી ફાઉન્ડેશન સંચાલિત ઇન્સ્ટિટ્યૂટના નિયામક તરીકે કાર્યરત બિવેક દેબરોય અને લવીશ ભંડારીએ વર્ષ ૨૦૦૪માં વિવિધ રાજ્યોના આર્થિક સ્વાતંત્ર્ય અંગે અભ્યાસ કરીને ગુજરાતને પ્રથમ ક્રમ આપ્યો હતો. મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણવાળા આ રાજ્યને એવોર્ડ મળે એ મુદ્દે સંસ્થાનાં અધ્યક્ષા સોનિયા ગાંધી ગિન્નાયાં. એ વેળા ટ્રસ્ટીમંડળના સભ્ય તરીકે મેં શ્રીમતી ગાંધીને કહ્યું હતું કે ગુજરાત તો પરાપૂર્વથી નંબર વન રહ્યું છે એટલે દેબરોયના અભ્યાસમાં એ નંબર વન આવે એટલા માત્રથી તમે એની ઉપર બગડો એ યોગ્ય નથી.’ બંને વચ્ચે અંટસ પડી હતી અને અલઘના કહ્યા છતાં સંજોગો એવા સર્જાયા કે કેમ્બ્રિજના પ્રોડક્ટ દેબરોયે પોતાને ગમતી સંસ્થાનો હોદ્દો છોડવો પડ્યો.
જોકે રાજીવ ગાંધી સંસ્થામાંથી ફંગોળાયેલા દેબરોયને નરેન્દ્ર મોદીએ વડા પ્રધાન થતાંની સાથે જ ઝીલી લીધા. આયોજન પંચને નવા વાઘા પહેરાવીને નીતિ આયોગ બનાવવામાં આવ્યું ત્યારે મોદીએ દેબરોયને એના સભ્ય બનાવી દીધા અને અત્યારે તેઓ વડા પ્રધાનની આર્થિક બાબતોની સલાહકાર પરિષદના અધ્યક્ષ છે!
મંડ્યા રહેવાની ગુજરાતી પ્રકૃતિ
ગુજરાત કે મહાગુજરાતની અસ્મિતાની વાત નીકળે ત્યારે ગુજરાતી પ્રજાની પ્રત્યેક ક્ષેત્રમાં સાહસિકતાને સ્મરવામાં આવે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ એ કવિ અરદેશર ખબરદારની પંક્તિ દુનિયાભરના ગુજરાતીઓના યોગદાનને ગૌરવવંતુ બનાવતી ચોફેર ગૂંજે છે. વિશ્વના કયા ખૂણામાં ગુજરાતી નથી કે કયા ક્ષેત્રમાં એણે ગજું નથી કાઢ્યું એવો સવાલ કરવામાં આવે તો ભાગ્યે જ કોઈ ક્ષેત્ર બાકાત રહેશે.
ગુજરાતની પ્રજા આપબળે આગળ વધવા માટે જાણીતી છે અને ૧૯૬૦માં મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અલગ પડ્યું ત્યાર પછી આજ લગી રાજ્યના સર્વાંગી વિકાસમાં ગુજરાતીઓ સતત કાર્યરત રહ્યા છે અને રાજકીય શાસકોએ એમાં સહયોગ આપવાનું યોગદાન કર્યું છે. ગુજરાતીઓ વિશે એટલું જરૂર કહેવાય કે સરકારી તંત્ર મદદરૂપ ના થાય તો વાંધો નહીં, પણ નાહક અવરોધો ના સર્જે તો પણ ગુજરાતીઓ પોતાની રીતે પાણીની જેમ માર્ગ કાઢી લઈને વિકાસને સાકાર કરશે. ક્યારેક દુષ્કાળનાં વર્ષો આવ્યાં કે ક્યારેક અતિવૃષ્ટિની આફતો, ક્યારેક ભૂકંપ કે રોગચાળાનાં સંકટો; ગુજરાતીઓ એ સૌને પાર કરીને આફતને પણ અવસરમાં પલટી નાંખતાં આગેકૂચ કરતા રહ્યા છે.
દુનિયાભરમાં ‘રસના’ બ્રાન્ડને નામે નામ રોશન કરનાર અમદાવાદી ઉદ્યોગપતિ અને અમારી ઝેવિયર્સ કોલેજના જ પ્રોડક્ટ પીરુઝ ખંભાતાએ એક વાર અમને ટીવી ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતું: ‘બધાને મારી રસનાની સફળતા યાદ રહે છે, પણ મને કહેવા દ્યો કે એ એક સફળતા પહેલાં મને નવ્વાણું નિષ્ફળતાઓ મળી હતી.’ ખંભાતા પારસી છે અને ઈરાનથી ગુજરાતના ઉદવાડા આવી દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓ જેવી જ પ્રકૃતિ સમી ગુજરાતી પ્રકૃતિએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતને સાકાર કર્યું છે. કરોળિયાને આદર્શ માની નિષ્ફળતા પછી પણ મંડ્યા રહેવાની સાહસિક પ્રકૃતિએ ગુજરાતીને વિશ્વફલક પર નામ રોશન કરવામાં મદદ કરી છે.
દેશની ગુલામી, આઝાદી અને ભાગલા
ગુજરાત રાજ્યની સ્થાપના થઇ એ પહેલાં ગુજરાતનો ડંકો દેશ અને દુનિયામાં વાગતો હતો: સિંધ પર ઇ.સ. ૭૧૨ના આરબ આક્રમણને પગલે ગુજરાતના માર્ગે દેશની ગુલામી આવ્યાનું સુવિદિત છે. ગુજરાતને મારગ અંગ્રેજ વેપારી સુરતમાં કોઠી સ્થાપવાનો બાદશાહ જહાંગીર કનેથી પરવાનો મેળવવા પહેલાં અમદાવાદની નગીનાવાડી (કાંકરિયા)માં નૌકાવિહાર કરતા બાદશાહને મળ્યા અને પછી આગ્રા જઈને પરવાનો મેળવ્યો.
વેપાર કરવા આવેલા અંગ્રેજ ૨૦૦ વર્ષ દેશના ધણી થઇ બેઠા અને આઝાદીના સંગ્રામમાં ગુજરાતના મહાત્મા ગાંધી અને સરદાર પટેલ અગ્રક્રમે હતા એટલે દેશની આઝાદી પણ ગુજરાતને મારગ આવી. દેશના ભાગલા માટેનું નિમિત્ત મોટી પાનેલીના ઠક્કર પરિવારનો વંશજ નામે મોહમ્મદ અલી ઝીણા નિમિત્ત બન્યો. ભારત અને પાકિસ્તાન બેઉના રાષ્ટ્રપિતા સૌરાષ્ટ્રના જ હોવાનો સંયોગ પણ જોવા મળ્યો.
દેશને રાષ્ટ્રપિતા આપનાર ગુજરાતે પહેલા નાયબ વડા પ્રધાન વલ્લભભાઈ પટેલ આપ્યા. દેશનો વર્તમાન નકશો એમને આભારી છે. ૫૬૫ દેશી રજવાડાંના વિલીનીકરણની અસંભવ એવી કામગીરી ચરોતરના આ સપૂત, નામે સરદાર પટેલે બજાવી હતી. ગુજરાતે સત્તાવાર રીતે બે વડા પ્રધાન આપ્યા છે: મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદી.
સમયાંતરે પરિવર્તન આવતું હોય છે: ભારતની આઝાદીની લડાઈમાં મોટે ભાગે ભણેલાગણેલા અને ખાસ કરીને બેરિસ્ટરો હતા. આઝાદીનાં ૭૦ વર્ષ પછી દેશના જ નહીં, ગુજરાતના રાજકીય શાસકોની શૈક્ષણિક લાયકાત પર નજર કરીએ તો કોઈ ત્રીજી ચોપડી ભણેલો નેતા છે તો કોઈ દસમું પાસ કેબિનેટ પ્રધાન. ગુજરાતનો નાણાપ્રધાન સ્નાતક પણ ના હોય અને શિક્ષણ રાજ્યપ્રધાન પાંચમું પાસ હોય એ બહુ આવકાર્ય બાબત તો નથી. જોકે ગુજરાતી પ્રજા સંતોષ એ વાતે લે છે કે ચાલો, બહુ ભણેલા ના હોય; પણ ગણેલા તો છેને! બધ્ધેબદ્ધું ખરાબ નથી.
ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન ડો. જીવરાજ મહેતાને હોદ્દાના શપથ લેવડાવતી વખતે રવિશંકર મહારાજે જે ગુજરાતની અપેક્ષા કરી હતી એ જરૂર અધૂરી રહી છે એટલે એ વ્યાખ્યાનને વારંવાર વાંચવાની જરૂર ખરી, પણ ગુજરાતે આવતા વર્ષે હીરકજયંતી ઊજવતી વખતે પોતાનાં રજૂ કરવાનાં થતાં લેખાંજોખાંમાં ઘણું બધું થયાનો ઉલ્લેખ જરૂર કરી શકાશે.
વિકાસની બાબતમાં સંતોષ માની લેવામાં આવે તો એ યોગ્ય ના લેખાય, પણ થયું એનો હરખ કરીને બાકીની મજલ કાપવાની રહે. રડારોળ કે હાયવોયમાં આયખું પૂરું કરનારાઓ જીવનને માણી શકતા નથી એટલે ગુજરાત હજુ એનાં લક્ષ્ય ઊંચાં રાખવાની સાથે જે થયું છે એનો હરખ કરે એ ખૂબ જરૂરી છે.
પ્રત્યેક મુખ્ય પ્રધાનનું યોગદાન
ગુજરાતના તમામ મુખ્ય પ્રધાનોના યોગદાનને બિરદાવ્યા વિના આજની ઈમારતનો વિચાર કરી શકાય નહીં. સમય અને સંજોગો તેમ જ રાજકીય ખેંચતાણો વચ્ચે જે તે મુખ્ય પ્રધાને પોતાની ફરજ નિભાવી છે. મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન રહીને ગુજરાતના સૂબા લેખાતા મોરારજીભાઈની અનિચ્છાએ મૂળ અમરેલીના ડો. જીવરાજ મહેતા રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન બન્યા અને એમને હટાવીને ભાવનગરના બળવંતરાય મહેતા આવ્યા. જોકે ૧૯૬૫ના પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન એમના વિમાનને તોડી પડાતાં એમનું અકાળે અવસાન થયું.
એ પછી હિતેન્દ્ર દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા અને ચીમનભાઈ પટેલ તથા બાબુભાઈ જશભાઈ પટેલ મુખ્ય પ્રધાન તરીકે આવ્યા.
બાબુભાઈની સરકાર તૂટતાં ૧૯૭૬માં માધવસિંહ સોલંકી મુખ્ય પ્રધાન બન્યા. એમના નેતૃત્વમાં ૧૯૮૫ની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ બેઠકો કોંગ્રેસને ફાળે ગયાનો વિક્રમ આજ લગી અતૂટ છે.
જોકે ચાર જ મહિનામાં સોલંકી સરકાર જતાં અમરસિંહ ચૌધરીના વડપણવાળી સરકાર આવી, પણ ૧૯૯૦ની વિધાનસભા ચૂંટણી પહેલાં માધવસિંહ ફરી મુખ્ય પ્રધાન બન્યા. ૧૯૯૦માં કોંગ્રેસને સૌથી ઓછી એટલે કે ૩૩ બેઠકો અપાવવાનો વિક્રમ પણ સોલંકીને નામે નોંધાયેલો છે.
ચીમનભાઈ પટેલ ૧૯૯૦માં ફરી મુખ્ય પ્રધાન બન્યા અને તેમની સરકારમાં ભાજપના કેશુભાઈ પટેલ નંબર ટુ હતા. બળવંતરાય પછી ચીમનભાઈ બીજા મુખ્ય પ્રધાન હતા જેમનું નિધન એ હોદ્દે ફેબ્રુઆરી ૧૯૯૪માં થયું. એમના અનુગામી તરીકે છબીલદાસ મહેતા આવ્યા.
૧૯૯૫ની ચૂંટણી પછી ભાજપના કેશુભાઈ મુખ્ય પ્રધાન બન્યા, પણ શંકરસિંહ વાઘેલાના બળવાને પગલે તેમણે હોદ્દો છોડવો પડ્યો અને સુરેશ મહેતા એમના અનુગામી બન્યા.
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના ટેકાથી મુખ્ય પ્રધાન બનવાનું સ્વપ્ન સાકાર કરવા સુરેશ મહેતા સરકારને ઊથલાવી. વાઘેલા સામે ટેકેદાર કોંગ્રેસે ભ્રષ્ટાચારનું મોટું આરોપનામું રાજ્યપાલને સુપરત કર્યું એટલે વાઘેલા-સમર્થક ઉદ્યોગપતિ દિલીપ પરીખ મુખ્ય પ્રધાન બન્યા. વર્ષ ૧૯૯૮ની વિધાનસભાની ચૂંટણી પછી ફરીને ભાજપના કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન બન્યા.
ઓક્ટોબર ૨૦૦૧માં એમને સ્થાને મોવડીમંડળે નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન તરીકે પાઠવ્યા અને એ છેક મે ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા ત્યાં લગી આ હોદ્દે રહ્યા. એમના અનુગામી તરીકે આનંદીબહેન પટેલ અને પછીથી વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સત્તારૂઢ થયા.
લોકસભાની ચૂંટણીનાં પરિણામો ૨૩ મે ૨૦૧૯ના રોજ આવે એ પછી ગુજરાતની નેતાગીરીમાં પરિવર્તન કરાશે, એવી વાતો હવામાં વહેતી થઇ છે. જોકે ગુજરાતમાં સત્તાસ્થાને કોઈ પણ પક્ષની કોઈ પણ વ્યક્તિ હોય, એના વિકાસની હરણફાળને કોઈ રોકી શકે તેમ નથી.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)