એવું નથી કે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં ધાંધલ-ધમાલનાં દૃશ્યો અગાઉ સર્જાયાં નહોતાં, પરંતુ સત્તાપક્ષ અને વિપક્ષના ધારાસભ્યો વચ્ચે ગાળાગાળી અને મારામારીનાં દૃશ્યો તો આ બજેટસત્રમાં જ જોવા મળ્યાં. એને શરમજનક જ લેખવાં પડે.
અઢી લાખ મતદારોના પ્રતિનિધિ તરીકે વિધાનસભામાં ચૂંટાઈ આવનારા સભ્યોની ગરિમા અને સંસ્કાર જળવાય એ અપેક્ષિત છે. કમનસીબે વર્તમાન ધારાસભામાં નવલોહિયા ધારાસભ્યોને વારી શકે એવા વડીલોની ભૂમિકા ઊણી ઉતરે છે. વિધાનસભાના અધ્યક્ષપદે રાજેન્દ્ર ત્રિવેદી જેવા યુવા ધારાશાસ્ત્રી ચૂંટાયા છે, પરંતુ એમના થકી વિધાનસભા શરૂ થયાના બે સપ્તાહમાં જ તોફાની બારકસ જેવા નિશાળિયાઓના પ્રભાવી મોનિટર થવામાં સફળતા મેળવી શકાઈ નથી. વિધાનસભાના નિયમો મુજબ ગૃહ ચાલે, પણ અધ્યક્ષ એમના સભ્યો ભણી તટસ્થભાવે અને હળવાફૂલ રહીને ગૃહ ચલાવવાને બદલે નિયમ બતાવી જેલ ભેગા કરવાની ચીમકીથી લઈને ત્રણ-ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કરવા સુધીનું ફરમાવે ત્યારે કશુંક અજુગતું થઈ રહ્યાનું જરૂર લાગે. કોંગ્રેસના પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને ત્રણ-ત્રણ વર્ષ માટે ગૃહમાંથી જ નહીં, વિધાનસભા પરિસરમાંથી પણ સસ્પેન્ડ કરવાનો ચુકાદો અધ્યક્ષ આપે અને કોંગ્રેસના બીજા ધારાસભ્ય બળદેવજી ઠાકોરને એક વર્ષ માટે સસ્પેન્ડ કરે ત્યારે સંસદીય પ્રણાલીને લુણો લાગતો હોવાનું જરૂર વર્તાય છે.
આ એવા વખતે થાય છે જ્યારે રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણી યોજવાની પ્રક્રિયા ચાલુ હતી. ભાજપના ચાર રાજ્યસભા સાંસદ નિવૃત્ત થતાં ભાજપ અને કોંગ્રેસ બેઉના બબ્બે સાંસદો ચૂંટાય એવા સંજોગો હતા. ગૃહ ૧૮૨ સભ્યોનું છે. ભાજપ કને માત્ર ૧૦૦નું સંખ્યાબળ છે, જ્યારે કોંગ્રેસ પાસે ૮૧નું સંખ્યાબળ છે. એક સાંસદ ચૂંટવા માટે ૩૭ મત જોઈએ. પહેલાં તો ભાજપના બે કેન્દ્રીય રાજ્યપ્રધાન પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને સત્તાવાર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા અને પછી ભાજપ થકી કિરીટસિંહ રાણાને ફોર્મ ભરાવાયું.
કોંગ્રેસના બે સત્તાવાર ઉમેદવાર તરીકે ડો. અમીબહેન યાજ્ઞિક અને નારણ રાઠવાને જાહેર કરાયા, પણ રાઠવાના ફોર્મને રદ્દ કરાવીને ત્રણ ભાજપી સભ્યોને ચૂંટવાના વ્યૂહને કોંગ્રેસે પી. કે. વાલેરાને અપક્ષ ફોર્મ ભરાવીને ઊંધો વાળ્યો. આખરે ખાસ્સી હૂંસાતૂંસ પછી રાણા અને વાલેરા બેઉનાં ફોર્મ પાછાં ખેંચાતાં ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવાર ચૂંટાયેલા જાહેર થયા. મતદાન કરવું પડ્યું નહીં, અન્યથા પેલા સસ્પેન્ડ ધારાસભ્યોના મતદાનનો પ્રશ્ન જરૂર ઊભો થાત. કારણ વિધાનસભા ભવનમાં જ રાજ્યસભાની ચૂંટણી માટેનું મતદાન યોજાતું હોવાથી અધ્યક્ષ ત્રિવેદીએ આપેલા ચુકાદા મુજબ, સસ્પેન્ડ થયેલા ધારાસભ્યો મતદાન કરી શકત નહીં.
કોંગ્રેસનો તો એવો આક્ષેપ હતો કે વિધાનસભામાંથી ૨૫ જેટલા કોંગ્રેસી ધારાસભ્યોને સસ્પેન્ડ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં મતદાનથી વંચિત રાખીને ભાજપ વધુ એક બેઠક જીતવાની વેતરણમાં હતો. જોકે, આવું ના બન્યું એ સારું થયું.
વિધાનસભા ચૂંટણી અગાઉ ઓગસ્ટ ૨૦૧૭માં રાજ્યસભાની ચૂંટણીમાં ત્રણ બેઠકોમાંથી બે બેઠકો ભાજપને અને એક બેઠક કોંગ્રેસને ફાળે જાય એવું હતું. છતાં કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને ભાજપમાં જોડવા ઉપરાંત પક્ષાંતર કરીને આવેલા અબજોપતિ કોંગ્રેસી ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતને ભાજપે ઉમેદવારી આપીને કોંગ્રેસના અહેમદ પટેલને હરાવવા હતા. જોકે ભાજપની એ ચાલ ઊંધી વાળી હતી. બળવંતસિંહ હાર્યા અને અહેમદ પટેલ જીતી ગયા હતા. ભાજપનાં બે ઉમેદવારમાં પ્રધાન સ્મૃતિ ઈરાની અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીત્યા કરતાં ત્રીજો ઉમેદવાર જીતાડવામાં અહેમદ પટેલે આપેલી પછડાટ ભાજપ માટે વધુ આઘાતજનક હતી.
વિધાનસભાના અધ્યક્ષનો ચુકાદો વિવાદમાં
નવી વિધાનસભાના બજેટ સત્રની શરૂઆતના પંદર જ દિવસમાં સત્તાપક્ષ અને વિપક્ષે સાથે મળીને અધ્યક્ષપદે રાજેન્દ્ર ત્રિવેદીની વરણીને સર્વાનુમતે શક્ય બનાવ્યાના સૌહાર્દ પર પાણી ફરી ગયું. ત્રિવેદી વડોદરાના ભાજપી ધારાસભ્ય રહ્યા છે. એમણે તો પ્રધાનપદ મેળવવું હતું, પણ નસીબે યારી ના આપી અને અધ્યક્ષપદે વરણી થઈ. એ પહેલાં એમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું તો ખરું, પણ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન એમના વલણે કોંગ્રેસને એ અન્યાય કરતા હોવાની ફરિયાદો ઊઠવા માંડી. એટલું જ નહીં, વિપક્ષી કોંગ્રેસ તરફથી એમની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી. કોંગ્રેસના સભ્યો કોઈ પ્રશ્ન પૂછવા ઊભા થાય કે આંગળી ઊંચી કરે કે પોઈન્ટ ઓફ ઓર્ડર પર બોલવાનું શરૂ કરે કે તૂર્ત જ એમને બેસાડી દેવાનું રોજિંદું બન્યું હતું. સામે પક્ષે પ્રશ્નકાળમાં સત્તાપક્ષના પ્રધાનો ટૂંકમાં જવાબ આપવાને બદલે ચૂંટણીલક્ષી ભાષણ કરતા જણાય તો પણ અધ્યક્ષશ્રી એમને રોકતા નહીં હોવાની વિપક્ષ ફરિયાદો વધવા માંડી હતી.
કોંગ્રેસના સભ્યોને અધ્યક્ષ તરફથી અન્યાય થઈ રહ્યાની લાગણી તો હતી જ અને એમાં વિધાનસભાનું ઉપાધ્યક્ષપદ વિપક્ષને આપવાનું નકારાતાં માહોલમાં કટુતા વધતી ચાલી. જોકે, વાત વણસે ત્યારે સંસદીય કાર્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી તથા ઉપનેતા શૈલેશ પરમાર સાથેની બેઠકમાં સમાધાન થતું રહ્યું, પણ રોજેરોજ અધ્યક્ષના આદેશથી વિપક્ષી સભ્યોને ટીંગાટોળી કરીને ગૃહમાંથી બહાર કાઢવાનાં દૃશ્યો સર્જાતાં હતાં, એ છેવટે મારામારી અને ગાળાગાળી સુધી મામલો વણસ્યો. ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું લોકસભા અને રાજ્યસભાની જેમ જીવંત પ્રસારણ થતું નથી. જે દૃશ્યો બહાર આવ્યાં એ સંપૂર્ણ ચિત્ર દર્શાવનારાં નથી.
સત્રસમાપ્તિ સુધી સસ્પેન્ડ કરી શકાય
ભાજપના સભ્યો થકી ઉશ્કેરણી અને મા-બહેન સમી ગાળો દેવાયા પછી કોંગ્રેસના સભ્યોએ હાથ ઉપાડ્યો એવી દલીલ વિપક્ષે કરી. જોકે, અધ્યક્ષ ત્રિવેદીએ ગૃહના નિયમ ૫૨ (૨)ની જોગવાઈને અવગણીને ત્રણ ધારાસભ્યોને ત્રણ-ત્રણ વર્ષ તથા એક વર્ષ માટે સસ્પેન્ડ કર્યા એ યોગ્ય નહીં હોવાનું ભૂતપૂર્વ ભાજપી મુખ્ય પ્રધાન અને ન્યાયાધીશ રહી ચુકેલા સુરેશ મહેતાએ કહ્યું હતું. એમના મત મુજબ, સંબંધિત ધારાસભ્યના મતવિસ્તારના ચાર-ચાર મતદારો એમના ધારાસભ્યને સસ્પેન્ડ કરાયાની વિરુદ્ધમાં વડી અદાલતમાં દાદ માંગી શકે છે. મહેતાએ તો અધ્યક્ષના અધિકારો વિશે પણ સવાલ ઊઠાવ્યો અને કહ્યું કે એ સસ્પેન્ડ ધારાસભ્યને પરિસરમાં આવતા રોકી ના શકે.
સામે પક્ષે સંસદીય કાર્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે અન્ય રાજ્યોની વિધાનસભામાં આવી રીતે વધુ મુદ્દત માટે ધારાસભ્યોને સસ્પેન્ડ કરાયા છે. જોકે, મહેતા અને ચુડાસમા સાથે શનિવાર, ૧૭ માર્ચે અમે વાત કરી રહ્યા હતા ત્યારે પણ હજુ સસ્પેન્શન પાછું ખેંચાવાની આશા ચુડાસમા વ્યક્ત કરતા હતા. જોકે, એ માટે વિપક્ષ તરફથી પહેલ કરાય એ અપેક્ષિત માનતા હતા. મહેતાના મત મુજબ, વિધાનસભામાં કૌલ અને શકધરને આધારે ગુજરાતીમાં તૈયાર કરાયેલી નિયામવલિ વધુમાં વધુ ‘સત્ર સમાપ્તિ’ સુધી જ સસ્પેન્ડ કરવાની જોગવાઈ ધરાવે છે. વિધાનસભાના અધ્યક્ષના વર્તનને એ વખોડે છે.
વિધાનસભામાં હજુ ચુડાસમા જેવા પરિપકવ અને ઠરેલ નેતા બેસતા હોવાથી સંસદીય ગરિમા જાળવવા સૌહાર્દપૂર્ણ સમાધાન શક્ય લાગે છે. અન્યથા ગાંધી-સરદારની ભૂમિમાં આવાં વરવાં દૃશ્યો તમામ ગુજરાતી માટે નીચાજોણાંનો જ અનુભવ કરાવે એ સ્વાભાવિક છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)