ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને સેવા સાટે મેવાની જોગવાઈમાં વધારો કરવા માટેનું વિધેયક સર્વાનુમતે મંજૂર કરાવીને સરકારી અધિકારીઓની તુલનામાં મોટાં પે-પેકેજ માન્ય કરવાની તૈયારી ચાલી રહી છે. ધારાસભ્ય થવા માટે શૈક્ષણિક લાયકાતની કોઈ જરૂર નથી. અભણ કે અંગૂઠા છાપ વ્યક્તિને પણ રાજકીય પક્ષ ટિકિટ આપે અને એ વિધાનસભાની ચૂંટણી જીતી જાય તો એને કોઈ આઈએએસ કે આઈપીએસ સમકક્ષ પગાર મળે. પોતાના મતવિસ્તારના વિકાસ માટે દર વર્ષે દોઢ કરોડ રૂપિયાનો નિધિ એને ફાળવાય અને અબજોનાં બજેટ મંજૂર કરવાની સત્તા મળે. પાડોશી દેશ પાકિસ્તાનમાં ધારાસભ્ય કે સાંસદ થવા માટે ઓછામાં ઓછું સ્નાતક (ગ્રેજ્યુએટ) હોવું અનિવાર્ય છે, પણ ભારતમાં આવો નિયમ નથી. ગુનાખોરીના બેસુમાર ખટલા ચાલતા હોય છતાં ધારાસભ્ય, સાંસદ જ નહીં, પ્રધાનમંડળના સભ્ય થઈ શકે છે.
અત્યારે ગુજરાત વિધાનસભા વિવિધ કારણોસર ચર્ચામાં છે. મારામારીનાં દૃશ્યો, ગાળાગાળી, વિધાનસભ્યોના ત્રણ-ત્રણ વર્ષ માટે સસ્પેન્શન તથા વિધાનસભાના અધ્યક્ષ વિરુદ્ધ વિપક્ષ તરફથી અવિશ્વાસની દરખાસ્ત સહિતના મુદ્દા બજેટ સત્રમાં ખૂબ ગાજતા રહ્યા. વિધાનસભામાં ઠરેલ અને પરિપક્વ રાજનેતાઓ બેસીને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ટકરાવને ઠારવાનું કામ કરવાને બદલે હવેનો માહોલ જરા અશોભનીય બનવા માંડ્યો છે. બે હાથે જ તાળી પડે એવા સંજોગોમાં ગૃહની ગરિમા અને સંસદીય લોકશાહી લજવાય એવા સંજોગો અને દૃશ્યો સતત જોવા મળે છે.
સર્વાનુમતે પગારવધારો અને પેન્શન
જોકે, આ બધામાં અપવાદરૂપ કહી શકાય એવી સર્વાનુમતિ દર વખત પગાર અને ભથ્થાંમાં વધારો કરવાની દરખાસ્ત સાથેના વિધેયક સુધારાને મંજૂરી આપવામાં જોવા મળે છે. અત્યારે ધારાસભ્યોને લગભગ મહિને ૬૮ હજાર રૂપિયાનો પગાર તથા ભથ્થાં મળે છે. સેવાકાર્ય માટે અધિકારી સમકક્ષ પગાર અને ભથ્થાં માંગવામાં ધારાસભ્યોને શરમ કે સંકોચ નથી અનુભવાતી એ ગાંધીજી અને સરદારના ગુજરાતની વિશેષતા છે. અગાઉ બે ધારાસભ્યો પગાર કે ભથ્થાં લેતા નહોતા અને આ વખતે એ બંને ગૃહમાં નથી. જૂનાગઢના ભાજપી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ અને સિદ્ધપુરના કોંગ્રેસી (હવે ભાજપી વાઘા ચડાવનારા) ધારાસભ્ય રહેલા બળવંતસિંહ રાજપૂત પગાર અને ભથ્થાં લેતા નહોતા અને એમાં વધારાની દરખાસ્તનો વિરોધ કરતા હતા. લોકસભામાં પણ સાંસદોના પગાર અને ભથ્થાંમાં વધારાની દરખાસ્તો સર્વાનુમતે મંજૂર થાય છે એટલું જ નહીં, નિવૃત્ત સાંસદોને પેન્શન પણ મળે છે.
સમગ્ર દેશમાં ધારાસભ્યોને નિવૃત્ત થયા પછી પેન્શન મળે છે, પણ ગુજરાતમાં કેશુભાઈ પટેલની ભાજપી સરકાર વખતે એ માટેની દરખાસ્ત આવી ત્યારે સર્વોદયી આગેવાનો ચુનીભાઈ વૈદ્ય અને બીજા ઉપવાસ ઉપર બેઠા એટલે એ બાબત લટકી ગઈ. જોકે, કાલ ઊઠીને એ નહીં આવે એવું નથી. બળવંતસિંહ તો અબજોપતિ છે અને ભારતીય લશ્કરને ખાદ્યતેલ પૂરું પાડવાનો મસમોટો કરાર એમને મળતો રહ્યો છે. જૂનાગઢના મશરૂ જિલ્લા પંચાયતના કર્મચારી તરીકે પગાર લેતા રહ્યા હોવાથી ધારાસભ્ય તરીકેનો પગાર નહોતા લેતા, પણ અન્ય ધારાસભ્યોની સાહ્યબીથી વિપરીત એ બસમાં મુસાફરી કરતા હતા.
રાજ્યોમાં ધારાસભ્યોના પગાર કેટલા?
હમણાં ભારતમાં ત્રીજા મોરચાની રચના માટે મેદાને પડેલા નવરચિત તેલંગણ રાજ્યના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવે તો ૨૦૧૪માં રાજ્ય સરકારના સૂત્રો સંભાળતાની સાથે જ ધારાસભ્યોને ન્યાલ કરી દેવા મહિને અઢી લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં ચુકવવાનું નક્કી કરાવી લીધું હતું. એવું જ કાંઈક દિલ્હીના આમ આદમી મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કર્યું અને મહિને ૨.૧૦ લાખ રૂપિયાનો પગાર ધારાસભ્યો માટે કરાવી દીધો. જનસેવા કરવા માટે પણ પગાર અને ભથ્થાં લેવાની પરંપરા ગાંધીજી અને સરકાર પટેલનું નામ લેનારા રાજનેતાઓ પસંદ કરે છે. ભારતમાં સૌથી ઓછો પગાર અને ભથ્થાં લેવાતાં હોય એવા ધારાસભ્યો ઓડિશામાં છે.
ઓડિશામાં મહિને ૨૦ હજાર રૂપિયાનો પગાર અને ભથ્થાં લેવામાં આવે છે. અન્ય રાજ્યોમાં ૪૦ હજાર રૂપિયાથી લઈને ૧.૮૭ લાખ રૂપિયાનો પગાર અને ભથ્થાં ઉપરાંત તબીબી સેવા તથા પ્રવાસ માટેની સુવિધાઓ તો છોગામાં. ગુજરાતમાં ધારાસભ્યોએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને મહિને ૧.૨૫ લાખ રૂપિયા જેટલી પગાર અને ભથ્થાંની રકમ કરવાની દરખાસ્ત આપી છે. દલા તરવાડીના ન્યાયે ‘લઉં રીંગણા બે ચાર’ જેવો પ્રશ્ન પૂછીને ‘લે ને દસ-બાર’નો ઉત્તર વાળવા માટે ધારાસભ્યો સજ્જ બેઠા છે. ઉપરાંત એના વિસ્તારના વિકાસ માટે દર વર્ષે દોઢ કરોડ રૂ. જેટલી રકમ ફાળવાય છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પગાર-ભથ્થાં ૧.૬૦ લાખ રૂપિયાને આંબી જાય છે. પ્રત્યેક સાંસદને દર વર્ષે પોતાના મતવિસ્તારના વિકાસ માટે પાંચ-પાંચ કરોડ રૂપિયા ફાળવાય છે. નિવૃત્ત સાંસદોને મહિને ૨૦ હજાર રૂપિયાનું પેન્શન મળે. જેટલી વધુ મુદ્દત માટે એ સાંસદ રહ્યા હોય એ વર્ષ દીઠ પાંચ-પાંચ હજાર રૂપિયા વધુ પેન્શન મળે.
ગાંધી-નેહરુ-સરદારના યુગની ઝલક
અત્યારે લોકસભા તથા રાજ્યસભાના સાંસદો પાછળ હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરનાર ભારત દેશના મહાન નેતાઓ મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલનું નામ લેવામાં આવે છે, પણ એમની સાદગીને સાવ જ કોરાણે મૂકવામાં આવી છે. કરાચીમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે કોંગ્રેસની સરકારના પ્રધાનોએ ૫૦૦ રૂપિયા જેટલી રકમમાં મહિનો સુધી ચલાવવું એવી સાદગીનો આગ્રહ મહાત્મા ગાંધીનો હતો. જોકે, સરદાર આ રકમ થોડીક વધારવાના આગ્રહી હતા.
એ વેળા તો આઝાદીની ચળવળમાં સહભાગી મોટા ભાગના આગેવાનો બેરિસ્ટર હતા અને દેશને સમર્પિત હતા. સરદાર પટેલ જ્યારે ગૃહ પ્રધાન અને નાયબ વડા પ્રધાન હતા ત્યારે પ્રધાનો સહિતના ઉચ્ચ પગાર લેનારાઓ સ્વૈચ્છિક પગારકાપ સ્વીકારે એના આગ્રહી હતા. ભારત સરકારના અભિલેખાગાર (નેશનલ આર્કાઈવ્ઝ ઓફ ઈન્ડિયા)ની ફાઈલોમાંથી અમને આ માહિતી સોંપડી હતી.
‘સ્વૈચ્છિક પગાર કાપ’નો સરદારનો આગ્રહ એમના અનુગામી સી. રાજગોપાલાચારીના સમયમાં એટલે કે ૪ જાન્યુઆરી ૧૯૫૧થી અમલી બન્યો. એ વેળા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદનો માસિક પગાર હતો રૂપિયા ૧૦,૦૦૦, વડા પ્રધાન જવાહર લાલ નેહરુનો ૩૦૦૦ રૂપિયા, ડો. બાબાસાહેબ આંબેડકર, ક. મા. મુન્શી, રાજાજી સહિતના પ્રધાનોનો મહિને ૩૦૦૦ રૂપિયા હતો. રાજ્યોના રાજ્યપાલોના પગાર રૂપિયા ૫૫૦૦ અને મુખ્ય પ્રધાનોનો રૂ. ૧૫૦૦ હતો. દેશના મુખ્ય ન્યાયમૂર્તિ એમ. જે. કણિયાનો રૂપિયા ૭૦૦૦ હતો.
સ્વૈચ્છિક પગારકાપમાં સહભાગી થયેલા રાષ્ટ્રપતિ, રાજ્યપાલો, વડા પ્રધાન, પ્રધાન, મુખ્ય પ્રધાન તથા ન્યાયાધીશોમાં કેટલાક એવા પણ હતા કે જેમણે સ્વૈચ્છિક કાપ માટે સંમતિ નહોતી આપી. એકંદરે ૧૦ ટકા જેટલો પગારકાપ સ્વેચ્છાએ સ્વીકારનારાઓના પ્રતાપે રૂપિયા ૫,૦૫,૦૦૦ જેટલી રકમની વર્ષમાં બચત થયાનું ૮ જાન્યુઆરી ૧૯૫૨ની એ વેળાના ગૃહ સચિવ એચ. વી. આર. આયંગારની નોંધમાં સ્પષ્ટ કરાયું હતું. જોકે, વર્તમાન સંજોગોમાં આવા સ્વૈચ્છિક પગાર કાપની તો કલ્પનાય મુશ્કેલ છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)