ગુજરાતના રાજકારણમાં ચૂંટણીપૂર્વે નાક દબાવવાની કવાયત

અતીતથી આજ

ડો. હરિ દેસાઈ Monday 02nd July 2018 06:15 EDT
 
મળતી માહિતી પ્રમાણે આજે મોડી સાંજે વડોદરા માંજલપુર વિધાનસભા બેઠકના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશ પટેલ, વાઘોડિયા વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અને સાવલી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેતન ઇનામદાર વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી. 
 

રાજકારણમાં આજનું મહત્ત્વ હોય છેઃ આજના સંજોગોમાં જેટલું મહત્ત્વનું સ્થાન કે હોદ્દો મળ્યો એ સાચો, ભવિષ્યના તમામ વાયદા ખોટા. લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી જીતવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે દેશભરમાં તો જે બાંધછોડો કરવી પડે એ તો સમજ્યા; પણ ઘરઆંગણે ગુજરાતના ભડકા ઓલવવા માટે પણ ભારે જહેમત કરવી પડે છે. કહ્યાગરા મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સર્વમિત્રની છબિ ભલે ધરાવતા હોય, એમના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ છાસવારે વંકાયા કરે છે.

વિપક્ષ કોંગ્રેસની અવસ્થા તો નબળી ગાયને બગાઈઓ ઝાઝી જેવી છે, પણ હવે તો શિસ્તબદ્ધ ગણાતા ભાજપમાં પણ નીતિનભાઈને પગલે પગલે રૂસણે બેસનારા ધારાસભ્યોની સંખ્યા ઓછી નથી. વિધાનસભાના કુલ ધારાસભ્યો ૧૮૨ છે. એમાંથી ૧૫ ટકાને જ પ્રધાનપદાં કે સંસદીય સચિવના હોદ્દા આપી શકાય. અત્યાર લગી ભાજપના કુલ ૯૯ સભ્યોમાંથી ૨૦ જણાને કેબિનેટ પ્રધાન અને રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયા છે. સાતથી આઠ ધારાસભ્યોને પ્રધાનમંડળમાં સમાવી શકાય. એમાં એક વિધાનસભાના અધ્યક્ષ અને ત્રણ દંડક ગણવામાં આવે તો માંડ ૪ ધારાસભ્યોને પ્રધાનપદું કે સંસદીય સચિવનું પદ આપી શકાય.

રાજ્ય સરકારનાં ૮૦થી વધુ બોર્ડ-નિગમોમાં ધારાભ્યોને સ્થાન આપવાનું અશક્ય બને કારણ એ ઓફિસ ઓફ પ્રોફિટના હોદ્દા બનતાં ગેરલાયક ઠરે. વળી બોર્ડ-નિગમો અને સરકારની ઉચ્ચ સમિતિઓમાં થઈને ૧૨૦૦ જેટલા કાર્યકરોને સમાવી શકાય, પણ મુખ્ય પ્રધાનપદે નરેન્દ્ર મોદી હતા ત્યારથી મોટા ભાગનાં બોર્ડ-નિગમ અધિકારીઓ થકી ચલાવાય છે. લોકસભા ચૂંટણી આડે માંડ એકાદ વર્ષ પણ રહ્યું નથી, ત્યાં મંત્રીપદ કે પ્રધાનપદ માટે લટકાવી રાખેલાં ગાજર અસંતોષના નવા ભડકા કરે તેમ છે. મુખ્ય પ્રધાન રૂપાણીના સદનસીબે કેન્દ્રમાં ભાજપ સત્તારૂઢ છે. જોકે, વડા પ્રધાન મોદીનાં નિષ્ઠાવંત આનંદીબહેન પટેલે મુખ્ય પ્રધાનપદ છોડવું પડ્યું હતું એ તાજા જ ઘટનાક્રમને યાદ રાખવો પડે તેમ છે.

નારાજ ધારાસભ્યોએ પલ્ટી મારી

વડોદરા જિલ્લાના કોઈ ધારાસભ્યને પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું નથી. છેલ્લે છેલ્લે ઉત્તર પ્રદેશીય બ્રાહ્મણ ગોત્રના રાજેન્દ્ર ત્રિવેદીને વિધાનસભાના અધ્યક્ષ બનાવાયા એટલે અસંતોષનો ઉકળાટ શમી જશે, એવી અપેક્ષા હતી. બન્યું એનાથી સાવ ઊલટું. છ-છ ટર્મથી માંજલપુરના ભાજપના ધારાસભ્ય એવા મૂળ સંજય ગાંધીના નિષ્ઠાવંત મનાતા યોગેશ પટેલને પ્રધાનપદું નહીં અપાયું. અગાઉ શંકરસિંહ વાઘેલાના બળવામાં સાથ આપીને પ્રધાનપદાનો સ્વાદ ચાખી ચૂકેલા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે તો બગાવતી સૂર પ્રગટ કરીને ગઈ ડિસેમ્બર ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ટિકિટ આપવા વિવશ કર્યો હતો. અગાઉ ભાજપની ટિકિટ નહીં મળતાં સાવલીથી અપક્ષ ચૂંટણી લડીને વિજેતા થયેલા કેતન ઈનામદારને ભાજપે ટિકિટ આપવી પડી હતી.

આ ત્રણેય ભાજપી ધારાસભ્યો નારાજ હોવાનું ખુલ્લેઆમ ટીવી ચેનલો-અખબારોમાં એમનાં નિવેદનોથી સ્પષ્ટ થયા પછી દિલ્હીએ કળા કરી. ત્રણેય પોપટવાણી બોલતા થયા અને પક્ષ કે સરકારથી પોતે નારાજ નથી, પરંતુ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ થકી એમની અવગણના થતી હોવાથી નારાજ હોવાનું કહેવા માંડ્યા. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પોતે જ નારાજ રહેતા આવ્યા છે, પણ નારાજ ધારાસભ્યોને ટાઢા પાડવાનું એમના શિરે આવ્યું. ત્રણમાંથી બે મળ્યા. વડા પ્રધાન મોદીના ખાસ દૂત એવા મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન નિવૃત્તિ પછી પણ મુખ્ય પ્રધાન કાર્યાલયનું સંચાલન કરે છે. હવે આ બંને એટલે કે મધુ શ્રીવાસ્તવ અને કેતન ઈનામદારે કહ્યાની વાત વહેતી થઈ છે કે કૈલાસનાથન એમનાં કામ થવા દેતા નથી. હજુ અસંતુષ્ટ ધારાસભ્ય-ત્રિપુટી મુખ્ય પ્રધાન રૂપાણી કને ન્યાય માટે ધા નાંખવાની છે.

દુઃખે પેટ અને કૂટે માથું

ભાજપના ત્રણ ધારાસભ્યો રાજ્ય સરકારના ટોચના અધિકારીઓ થકી દુઃખી હોવાની વાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભાવિ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથેનાં મનામણાં પછી કહે છે. વાત ભલે અધિકારીઓની થતી હોય, અસંતોષ તો રાજ્યની ભાજપ સરકાર વિરુદ્ધ છે. પ્રધાનપદાનું લટકાવી રાખેલું ગાજર એમને કનડે છે. એમને જ કેમ, બાબુભાઈ બોખીરિયા (પોરબંદર), જેઠા ભરવાડ (શહેરા) સહિતના ભાજપી ધારાસભ્યોને પ્રધાન થવાનો થનગનાટ છે. વિધાનસભાની ચૂંટણી પત્યાને ૭ મહિના થયા પણ ના તો રાજ્યકક્ષાના પ્રધાન પરસોત્તમ સોલંકીને કેબિનેટ પ્રધાનપદ મળ્યું કે ના એમની સાથે રૂસણે બેઠેલા બીજા ધારાસભ્યોને પ્રધાનપદ મળ્યું. ઊલટાનું મોવડીમંડળે સંબંધિત ધારાસભ્યો સામેના ફોજદારી ખટલા ફરી જીવંત કરવાની ધમકી આપ્યાથી તેઓ અમુક સમય શાંત રહ્યા છે, પણ ક્યાં સુધી આવી ચીમકીઓને એ વશ થશે?

સત્તારૂઢ ભાજપમાં અસંતોષનો દાવાનળ ગમે ત્યારે ભભૂકી ઊઠે તેમ છે અને માત્ર સાત ધારાસભ્યો આઘાપાછા થાય કે સરકાર ગબડી શકે છે. જોકે, મોદી-શાહની બાજનજર આવા સંજોગો પૂર્વે આગોતરાં પગલાં લઈ શકે એટલે બધું શિસ્તમાં છે.

કોંગ્રેસના ઘરમાં ય ડખા

વિધાનસભામાં ૮૨માંથી ૯૨ થતાં વાર લાગે તેમ નથી. કોંગ્રેસનું મોવડીમંડળ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યની ભાજપી સરકારને ગબડાવવાના પક્ષે નથી, અન્યથા સાત-આઠ જણાને આઘાપાછા કરવાનું અશક્ય નથી. ખાળે નંખાયેલા શંકરસિંહ વાઘેલા જૂથના કોંગ્રેસી ધારાસભ્યોમાં સળવળાટ વધ્યો છે. બળવાખોર બાપુએ હવે રાજ્યની આખી પ્રજાને બદલે ક્ષત્રિય સમાજના હિતની ચિંતા કરવા માંડી છે. ચોટલી વડા પ્રધાન મોદીની સીબીઆઈ અને ઈડીની ફાઈલોના હાથમાં હોવા છતાં બાપુ લડી લેવાના મૂડમાં છે. જોકે, હજુ પુત્ર-પ્રેમમાં ૨૦૧૯ની લોકસભા લગી ખમૈયા કરે એવું લાગે છે. જોકે, વિપક્ષી એકતાના સંયુક્ત ઉમેદવાર શરદ પવાર બને તો શંકરસિંહબાપુ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ ભણી ઢળે એવું ય બને.

રાજકોટમાં સામે ચાલીને મુખ્ય પ્રધાન રૂપાણી સામે લડીને શહીદ થયેલા અબજોપતિ કોંગ્રેસી આગેવાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. એમના પક્ષમાંના પ્રતિદ્વંદ્વી કુંવરજી બાવળિયા ભાજપમાં જઉં જઉં કરતાં પક્ષમાં ટકી ગયા છે અને ફરી લોકસભે જવાની વેતરણમાં છે. જામનગરના કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ પણ ફરી લોકસભે જવા ભત્રીજી પૂનમ માડમ સામે ટકરાવાની તૈયારીમાં રહેશે.

જોકે, ભાજપ હોય કે કોંગ્રેસ, આગામી લોકસભાની મે ૨૦૧૯માં આવનારી ચૂંટણી લગી આયારામ-ગયારામનો નવો ખેલ ગુજરાતમાં જરૂર દેખા દેશે. અંતે તો સત્તા એ જ સર્વસ્વ છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter