ગુજરાતની નવી પેઢીની આઈએએસ માટેની જાગૃતિ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 24th February 2016 07:46 EST
 
 

ગુજરાતની યુવાપેઢીમાં હવે દાક્તરી કે ઈજનેરી અભ્યાસક્રમ પૂરા કર્યા પછી પણ ઇંડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (આઈએએસ)માં જોડાવાનું આકર્ષણ વધ્યું છે એટલું જ નહીં સંઘ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) કેન્દ્ર સરકારની વિવિધ સેવાઓમાં સ્થાન મેળવવામાં ગુજરાતીઓ પાછળ હોવાનું મહેણું ભાંગવાના સંજોગો સર્જાયા છે. એવું નથી કે દિલ્હીમાં વડા પ્રધાનપદે નરેન્દ્ર મોદીના આગમન પછી જ આવું પરિવર્તન આવ્યું છે, પણ છેલ્લાં ચોવીસેક વર્ષથી ગુજરાતમાંથી આઈએએસ, આઈપીએસ, આઈએફએસ જેવી સેવાઓમાં સફળતાપૂર્વક પ્રવેશ મેળવનારા યુવાનોની સંખ્યા સતત વધતી ચાલી છે.

ગુજરાત સરકારે છેક ૧૯૬૨માં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (‘સ્પીપા’)ની સ્થાપના કરીને પોતાના કર્મચારીઓને સારો વહીવટ કરવાની તાલીમ આપવાની જોગવાઈ કરી. સમયાંતરે આ જ સંસ્થામાં યુપીએસસીની પરીક્ષાઓ માટેની તૈયારી અને માર્ગદર્શનનું કેન્દ્ર પણ શરૂ કરાયું. ૧૯૬૨માં શરૂ થયેલી આ સંસ્થામાં સૌપ્રથમ ૧૯૯૨માં તેના વિદ્યાર્થી આઈએએસ થવામાં સફળતા મેળવી શક્યા અને એ પછી તો એ સફળતા વધ-ઘટ સાથે ચાલુ રહી. કેન્દ્ર સરકારની સનદી સેવાઓમાં પ્રવેશ મેળવવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ઉત્તમ હોવાની ભ્રમણા હવે દૂર થઈ છે. ગુજરાતી ભાષામાં પણ એની પરીક્ષાઓ આપી શકાય છે, પણ અંગ્રેજીને અવગણ્યે ચાલવાનું નથી. ‘સ્પીપા’માં અનેક પ્રકારની તાલીમની વ્યવસ્થા છે અને એના મહાનિયામક તરીકે વરિષ્ઠ આઈએએસ અધિકારી વિપુલ મિત્રા કાર્યરત છે.

‘સ્પીપા’ના આઈએએસ તાલીમ કેન્દ્રના પ્રભારી અને નાયબ મહાનિયામક એસ. એલ. અમરાણી પણ આઈએએસ અધિકારી છે. હમણાં યુપીએસસીની મેઈન્સ પરીક્ષાનું પરિણામ આવ્યું અને ‘સ્પીપા’ થકી જેમને તાલીમ અપાય છે એવા વિદ્યાર્થીઓમાંથી સફળતા મેળવનારાઓનો આંકડો ૪૫ કરતાં વધુ જળવાયો છે. અમને અમરાણી સાથે ચર્ચા કરતાં એમની એક વાત ખૂબ જ સ્પર્શી ગઈ. સ્વયં અમરાણી પછાત વર્ગમાંથી આવે છે અને આપબળે તેજસ્વી કારકીર્દિને વરેલા છે એટલું જ નહીં, ‘સ્પીપા’ ઉપરાંત અન્ય સંસ્થાઓ કે કોલેજો દ્વારા સંચાલિત આઈએએસ તાલીમ કેન્દ્રોમાં માર્ગદર્શન માટે હોંશેહોંશે જાય છે. અમરાણીની જે વાત અમને સૌથી વધુ સ્પર્શી ગઈ એ હતીઃ ‘હવે આઈએએસમાં પ્રવેશ મેળવનારા ‘અર્બન સેન્ટ્રિક’ રહ્યા નથી. માત્ર શહેરના સમૃદ્ધ વર્ગોમાંથી જ આવનારા વિદ્યાર્થીઓને બદલે અંતરિયાળ ગામડાંનાં પહેલી પેઢીના ભણેલાં દીકરા-દીકરી, પછાત વર્ગના કે ખેડૂત વર્ગના સંતાનો, સામાન્ય કર્મચારીના સંતાનો સનદી સેવા માટે સારી તૈયારી કરીને હોંશભેર એમાં પ્રવેશ મેળવવામાં સફળ થઈ રહ્યાં છે.’

અમરાણી અને એમનાં પુરોગામી જે. એમ. આચાર્ય આઈએએસ તાલીમ બાબત અમારા સંપર્કમાં રહ્યા અને સીવીએમ આઈએએસ એકેડમીના નિયામક તરીકેની જવાબદારી દરમિયાન આ બેઉ મહાનુભાવો ઉપરાંત અનેક વરિષ્ઠ અને નવા સફળ થયેલા આઈએએસ, આઈપીએસ કે આઈઆરએસનો સહયોગ ઉત્સુક યુવા પેઢીના માર્ગદર્શન માટે અમને મળતો રહ્યો હતો.

ક્યારેક ચરોતરમાંથી સૌથી વધુ આઈસીએસ થયા અને બ્રિટિશ ઈન્ડિયાની સેવામાં જોડાયા હતા. ઈન્ડિયન સિવિલ સર્વિસ (આઈસીએસ)માં પાસ થયા પછી એ સેવામાં નહીં જોડાઈને દેશની આઝાદીના જંગમાં ઝુકાવનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાનુભાવોનું પણ આપણને સ્મરણ થઈ આવે છે. એચ. એમ. પટેલ કે સી. સી. દેસાઈ જેવા આઈસીએસ અધિકારીઓએ ગુજરાતનું નામ રોશન કર્યું. આઝાદી પછીના દિવસોમાં ગુજરાતના મુખ્ય સચિવ રહેલા તેજસ્વી આઈસીએસ અધિકારી એલ. આર. દલાલ જેવાએ દાખલારૂપ સનદી સેવામાં યોગદાન કર્યાનું ‘સનદી સેવાનાં સંભારણાં’માં નોંધ્યું છે.

ભારતીય સનદી સેવા (આઈએએસ)ના સંસ્થાપક સરદાર પટેલે બંધારણ સભામાં સનદી અધિકારીઓ વિશેની ભૂમિકા રજૂ કરીને ભારતનાં હિતોના ‘સાચા કસ્ટોડિયન’ ગણાવ્યા છે. કહ્યાગરા સનદી અધિકારી કે રાજનેતાઓને ચરણસ્પર્શ કરનારા સનદી અધિકારી પોતાની જવાબદારી નિષ્પક્ષ રીતે નિભાવી શકે નહીં એ બાબત સરદાર પટેલના બંધારણ સભામાં કહેલા શબ્દોનું સતત સ્મરણ રહે. ભારતની આઝાદી આવવાની હતી ત્યારે બ્રિટિશ સનદી સેવાના આઈસીએસ અને આઈપી અધિકારીઓ ભણી તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ સહિતના કોંગ્રેસી નેતાઓની સૂગ જાણીતી હતી. તેઓ આવા સનદી અધિકારીઓને ‘દેશદ્રોહી’ ગણાવતા હતા.

કોંગ્રેસના સૌથી મજબૂત નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલે એ વેળા કહ્યું હતુંઃ ‘જો તેઓ દેશદ્રોહી છે તો હું સૌથી મોટો દેશદ્રોહી છું.’ સરદાર પટેલને શ્રદ્ધા હતી કે બ્રિટિશ હકૂમતમાં સત્તાધીશોની સેવા કરનારા આવા ભારતીય અધિકારીઓને આઝાદી પછી રાષ્ટ્રના નિર્માણમાં જોતરીશું તો એનાં અદભૂત ફળ મળશે. ઉપરાંત સનદી અધિકારીને એમનો મત રજૂ કરવાની પૂરતી મોકળાશ પણ સરદાર સાહેબે આપી હતી. એમને કહ્યાગરી જ્યુડિશિયરી (ન્યાયતંત્ર) કે કહ્યાગરી અમલદારશાહી (બ્યુરોક્રસી) ખપતી નહોતી. દેશના ગૃહ પ્રધાન તરીકે એમણે પોતાના વિભાગના સચિવને એમનો મત પ્રધાન કરતાં જુદો, પણ દેશના હિતમાં હોય તો તેની ખતનોંધ રજૂ કરવાની મોકળાશ આપી હતી. ઘણી વાર એમણે પોતાના સચિવની વાત સ્વીકારીને નિર્ણયો કર્યા હતા.

સનદી સેવાના અધિકારીઓ રાજકીય નેતાગીરીની કૃપાદૃષ્ટિ પર જીવે એવું પણ એના સંસ્થાપક સરદાર પટેલને અભિપ્રેત નહોતું. જોકે રાષ્ટ્રીય અને રાજ્યોના સ્તરે રાજકીય શાસકો અને અધિકારીઓના મેળાપીપણાથી દેશના હિત સાથે જે પ્રકારનાં ચેડાં થાય છે તે દેશનાં હિતના કસ્ટોડિયનો કનેથી અપેક્ષિત નહોતું. કાયદાના શાસનનો અમલ સનદી અધિકારીઓ પાસેથી અપેક્ષિત છે. ક્યારેક રાજકીય નેતાગીરી સાથે ટકરાવના સંજોગોમાં તેમણે સહન કરવાનું પણ આવે છે, પણ દેશનાં કે રાજ્યનાં હિત સાથે સમાધાન કરે નહીં એટલી નીડર સનદી સેવકોની કેડર સર્જાય તો લોકશાહી અને શાસનને ઊની આંચ આવે નહીં.

સનદી સેવામાં ગુજરાતની યુવા પેઢીનો અવાજ દેશ-વિદેશમાં પ્રભાવી બને એ માટે ગુજરાત સરકાર હવે જાગી છે. ‘સ્પીપા’ના અમદાવાદસ્થિત મુખ્યાલયથી ૬ પ્રાદેશિક કેન્દ્રો સુધી આઈએએસ તાલીમ કેન્દ્રોના ફલકને વિસ્તારાયા પછી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની સરકારે પ્રત્યેક જિલ્લાના મુખ્યાલયમાં પણ ‘સ્પીપા’નું આઈએએસ તાલીમ કેન્દ્ર શરૂ કરવાનું પ્રશંસનીય પગલું અમલી બનાવ્યું છે. પ્રત્યેક જિલ્લાના કલેક્ટર, પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવોને શિરે જવાબદારી છે કે છેક અંતરિયાળ ગુજરાતમાંથી સનદી સેવામાં જોડાવા ઉત્સુક રત્નોને શોધીને એ માટે તૈયાર કરે. ઉતાવળે આંબા પાકે નહીં. ૧૯૬૨માં ‘સ્પીપા’ની સ્થાપના થઈ અને એમાંથી છેક ૧૯૯૨માં પહેલો આઈએએસ નીકળ્યો. જિલ્લા કેન્દ્રો સઘન તાલીમ આપશે તો સ્વરાજ પછી સુશાસનનો સંકલ્પ જરૂર સાકાર થશે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter