ચાર-ચાર વર્ષથી ગુજરાતના ઉજળિયાત મનાતા પાટીદાર સમાજને અનામત અપાવવા આંદોલન કરી રહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના યુવા નેતા હાર્દિક પટેલ હવે ફરીને ગાડીમાં આમરણ ઉપવાસથી લઈને ઘરે માંડવો બાંધીને ઉપવાસ કરવાના તાયફા કરીને સતત ચર્ચામાં રહેવા ઉધામા મારી રહ્યા છે. ‘છત્રપતિ નિવાસ’ જેવા ભવ્ય મહાલયમાં હાર્દિકે ભવ્ય માંડવો બાંધીને ઉપવાસ આદરવા હતા, પણ એને પોલીસે મંજૂરી આપી નહીં.
મુખ્ય મુદ્દાઓ બાજુએ રહી ગયા અને પોતાનું રાજકારણ ચમકાવવા માટે જ મગની ફાડોમાં વહેંચાયેલા પાસ-આંદોલનના સાથીઓ ભાજપ અને કોંગ્રેસના હિતમાં કામે વળ્યા છે. ક્યારેક ખેતીના વ્યવસાયમાં સક્રિય રહેનાર પછાત વર્ગમાં ગણના પામતા ગુજરાતના કણબી સમાજે આપબળે અને ધંધા-રોજગાર શરૂ કરીને પોતાને ઉજળિયાતોમાં ગણાવવાનું શક્ય બનાવ્યા પછી હવે એ ચક્રને ઉલટું ફેરવીને પોતાને પછાત ગણાવવા માટે યાચના આદરી છે.
ગુજરાતના પાટીદાર અનામત આંદોલનની ચાર વર્ષની ફલશ્રુતિ તરીકે અનામત તો હજુ મળી નથી, પણ પાટીદાર મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલની ખુરશી જવા ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના રાજકીય ભવિષ્યને પણ ધૂંધળું જરૂર બનાવી દીધું છે. ગુજરાત વિધાનસભામાં ૧૮૨માંથી ૪૪ જેટલા પાટીદાર ધારાસભ્યો બેસતા હોવા છતાં રાજ્યની ૧૨ ટકા જેટલી પટેલ વસ્તીના પ્રશ્નો માટે આંદોલન અને ઉધામા મારનારાઓની વાત સરકાર ભાગ્યે જ કાને ધરે છે. ભાજપની સરકાર હોવાને કારણે આંદોલનનો લાભ વિપક્ષમાં બેસતી કોંગ્રેસ ખાટી રહી છે.
રાજ્ય સરકારે બિન-અનામત નિગમ કે અન્ય યોજનાઓ જાહેર કર્યા છતાં હાર્દિક આણિ મંડળી એને લોલીપોપ ગણાવીને આંદોલન ચાલુ રાખે છે. મડાગાંઠ ઉકેલાય એ દિશામાં મધ્યસ્થી કરે એવા નેતાઓ પણ હવે રહ્યા નથી એટલે બદ્ધેબદ્ધું લોલેલોલ ચાલ્યા કરે છે. લોકસભાની આગામી ચૂંટણી લગી ગુજરાતમાં આંદોલન-આંદોલનનો ખેલ ચાલતો રહેશે.
ચૂંટણી લગી ફાવટવાળો હાર્દિકમાર્ગ
હવે ૨૫ વર્ષની ઉંમરને આંબી ચુકેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના બળુકા નેતા હાર્દિક પટેલને આંદોલનવીર જાહેર કરવાની જરૂર ખરી. બીજા કોઈ ઇનામ-અકરમ આપવાના હોય તો એ માટે પણ ભલામણ કરી શકાય. આંદોલનશૂર રાષ્ટ્રીય યુવા નેતાને ભારતરત્ન આપવો હોય તો એ પણ અપાય, પણ આંદોલનને નામે મિલીભગતનો અનુભવ કરાવીને ગુજરાતને હિંસાની આગમાં નાંખવાનું બંધ થવું ઘટે. ચૂંટણીઓ જીતવા માટે સત્તાપક્ષ અને વિપક્ષના આ વરવા ખેલ હવે બંધ થવા જોઈએ.
કેટલાક આંદોલનકારીઓ વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસને ખભે ચઢીને ધારાસભ્ય થયા. કેટલાકનાં સત્તારૂઢ ભાજપમાં તરભાણાં પણ ભરાયાં. હાર્દિકની ઉંમર ઉણી પડતી હતી, પણ હવે લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે એ સંસદમાં જવાનાં સ્વપ્ન નિહાળે એમાં કશું અજુગતું નથી. પ્રશ્ન માત્ર એટલો જ છે કે છાસવારે આંદોલનનાં બ્યુગલ ફૂંકીને પાટીદાર સહિતની જ્ઞાતિઓ માટે ગુજરાતમાં અજંપો સર્જવા પાછળ ગણિત કોનાં મંડાય છે? આ સમગ્ર આંદોલન અનામત મેળવવા માટે છે કે અનામત કાઢવાની ભૂમિકા તૈયાર કરવા માટેનું છે? એ સમજી લેવાની જરૂર છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કે સત્તારૂઢ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જાહેરમાં ભાંડવાથી તાળીઓ તો મળતી હશે, આર્થિક વ્યવસ્થાઓ પણ થતી હશે; પણ મૂળ સમસ્યાનો ઉકેલ ક્યારે? સમાજને અનામતનો લાભ અપાવવાની માંગણીમાં સફળતા મળવાની કોઈ મુદત બાંધી શકાતી નથી એટલે આવતી ચૂંટણી સુધી આ હાકલા અને દેકારા ચાલુ રાખવાનું આયોજન લાગે છે.
વાતોનાં વડાં થકી ક્ષુધાતૃપ્તિ
આંદોલનમાં કોનાં કોનાં નાણાં ખર્ચાય છે, એની વિગતો સરકાર પાસે છે એટલે સરકારમાં બેઠેલાઓને પણ આ આંદોલન ચાલતું રહે એમાં રસ છે. રાજરમતો પાછળ સમગ્ર સમાજને ગાંડો કરીને દેશની મુખ્ય સમસ્યાઓથી ધ્યાન હટાવવા માટેની આ કવાયત કોને ફળી રહી છે, એ હવે તો કમસે કમ પ્રજા સમજવા માંડી છે. વાત અનામત અપાવવાની હોય તો અત્યારે ગુજરાતમાં અમલી અનામતની ટકાવારીમાં કેટલો હિસ્સો બાકી રહે છે અને કઈ રીતે એ અપાવી શકાય એની ગંભીરતાથી વિચારણા જરૂરી છે.
વિધાનસભાની ચૂંટણી વખતે અપાયેલાં ગળચટ્યાં વચનોની જેમ ભાજપ અને કોંગ્રેસ બેઉ હવે થોડા મહિનામાં આવી રહેલી લોકસભા ચૂંટણીમાં વચનેષુ કિમ્ દારિદ્રમ્ જેવો જ અનુભવ કરાવશે. દેશનાં અન્ય રાજ્યોમાં પણ વચનોની લહાણીના જ ખેલ ચાલી રહ્યા છે.
કેન્દ્રના પ્રધાનનો સવર્ણો પર ઉપકાર
બંધારણ બદલ્યા સિવાય અનામતની ટકાવારી ૫૦ ટકાથી વધારવાનું અશક્ય છે. બંધારણ બદલવું જ હતું તો કોંગ્રેસનાં અને યુપીએનાં અધ્યક્ષા સોનિયા ગાંધી અને તેમના કહ્યાગરા ગુજરાત વિધાનસભામાંના એ વેળાના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જાહેર નિવેદન કરીને બંધારણ બદલવા માટે ભાજપની કેન્દ્ર સરકારને ટેકો આપવાની ઓફર કરી ત્યારે કેમ કોઈ પગલાં નહીં લેવાયાં? સત્તાપક્ષ અને વિપક્ષ બંને અનામત કાઢી નાંખવાની સંયુક્ત રમત રમી રહ્યા હોય તો એ પણ સ્પષ્ટ થઇ જાય.
મોદી સરકારના સામાજિક ન્યાય રાજ્ય પ્રધાન રામદાસ આઠવલે સહિતના સવર્ણ સમાજ પર અનામત માટે ઉપકાર કરી દેવા માટે બંધારણ બદલવાની અને ૨૫ ટકા અનામત સવર્ણોમાંના આર્થિક રીતે પછાતોને આપવા માંગે છે. મહિને એક લાખ રૂપિયા જેટલી આવક ધરાવનારા આ ઉજળિયાત ‘ગરીબો’નાં સંતાનો માટે સરકારી નોકરી અને શિક્ષણમાં પ્રવેશની અનામતના લાભનું ગાજર લટકે છે. એટ્રોસિટી એક્ટ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને નિરસ્ત કરવા માટે તત્કાળ પગલાં લેનારી કેન્દ્ર સરકાર આર્થિક રીતે પછાત સવર્ણો માટે વટહુકમ બહાર પાડવામાં પણ કેમ ઠરી જાય છે, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. કરવું કશું નથી, માત્ર ગાજર લટકાવી રાખવાની કવાયત જ ચાલુ રાખવી છે.
ગાંધી-સરદારનું નામ લજવાયું
ગુજરાતમાં આજકાલ આંદોલન કરનારાઓ મહાત્મા ગાંધી અને સરદાર પટેલનું નામ લઈને તેમને નામે કે તેમણે ચીંધેલા માર્ગે આંદોલન કરવાના જાહેર સંકલ્પો કરે છે. વાસ્તવમાં ગાંધી કે સરદારની આનાથી મોટી મશ્કરી બીજી કોઈ હોઈ જ ના શકે. ગાંધીજી અને સરદારે ચંપારણ સત્યાગ્રહથી લઈને બારડોલી સત્યાગ્રહ સુધીની લડતો માટે પહેલાં નક્કર અભ્યાસો કરાવ્યા અને પછી નક્કર ભૂમિકા પર આંદોલન કરવાનું પસંદ કર્યું. એ આંદોલન બ્રિટિશ શાસકો સામે હોવા છતાં એમની માંગણીઓ મનાવવામાં સફળ રહ્યા હતા.
હાર્દિક આણિ મંડળીના આંદોલન થકી તો દળીદળીને કુલડીમાં ભરવાની જ કવાયત થઇ છે. ત્રણ-ચાર વર્ષથી આંદોલન ચાલે અને કશું મળે નહીં, અત્યાચારી પોલીસ સામે પગલાં લેવાય નહીં, માત્ર તપાસ ચાલુ હોવાની ઘોષણાઓ થાય, શહીદોના પરિવારને કોણીએ ગોળ લગાડવામાં આવે, અનામતનો લાભ આપવામાં આવે નહીં, અડધા ટકાની અનામત હજુ બાકી છે અને ‘પાસ’ના નેતા રહેલા દિનેશ બાંભણિયાને તો એટલી અનામતથી પણ સંતોષ હતો; છતાં પટેલ સમાજને જ નહીં, અન્ય બિન-અનામત સમાજોને પણ રીતસર પોતીકી સરકાર થકી જ આંબાઆંબલી બતાવવામાં આવે છે.
કાયસ્થો અને રાજગોરનો સમાવેશ
ગુજરાતમાં અન્ય પછાત વર્ગોના પંચે પાટીદારોના સર્વેની કામગીરી શરૂ કરી કે કેમ એ વિશે સરકારે હજુ સત્તાવાર રીતે કોઈ ફોડ પાડ્યો નથી. આટલા લાંબા સમયથી અનામત આંદોલન ચાલી રહ્યા છતાં પટેલોનો સર્વે કરવા વિશે પંચનાં કાયમી અધ્યક્ષ ગણાતાં જસ્ટિસ સુજ્ઞાબહેન ભટ્ટ કશું જાહેર કરતાં નથી. સરકાર આજકાલ સૂત્રોની મારફત જ અમુક જાહેરાતો કરે છે.
પટેલોના ઉકળાટને ટાઢો પાડવા માટે સર્વેની કામગીરી વિકાસને લગતી સ્વયંસેવી સંસ્થાઓ મારફત આ કામગીરી ચાલુ કરાઈ છે. સૌથી મહત્વનો પ્રશ્ન તો એ છે કે પટેલોના આંદોલનને કારણે જ ગાંધીનગરની ગાદી ગુમાવનાર આનંદીબહેન પટેલના વખતમાં પટેલોને અનામત આપી ના શકાય એવું કહેવાતું હતું, પણ બીજાને અનામત મળતી હતી.
રાજ્યની કાયસ્થ (પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતાની જ્ઞાતિ) અને રાજગોર જેવી સવર્ણ ગણાતી જ્ઞાતિઓને ઓબીસી અનામતની યાદીમાં ગુપચુપ સમાવી લેવાઈ એ રહસ્ય હજુ ઉકેલાતું નથી. જોકે એને માટેનો સર્વે રાજ્યના પંચે કર્યો એવી નોંધ એમના સમાવેશ સામે મુકાઇ છે.
રાજ્યમાં આવી રીતે ઓબીસીમાં સમાવવામાં આવતી આ જ્ઞાતિઓ સામે જે જ્ઞાતિઓ મંડળ મંચના અહેવાલમાં હોવા છતાં રાજ્યમાં ઓબીસીમાં સમાવાઈ નહોતી એમને છબિલદાસ મહેતાની કોંગ્રેસ સરકાર વખતે ભાજપી વિપક્ષી નેતા કેશુભાઈ પટેલની સંમતિ લઈને વિધાનસભામાં ઠરાવ કરીને સમાવાઈ હતી. એને હવે એ રદ કરવાની ઝુંબેશો પણ શરૂ થઇ છે. ગુજરાતની વડી અદાલતમાં આ ૨૨થી ૨૭ જ્ઞાતિઓના ઓબીસીમાં સમાવેશને રદ કરવા માટે રીટ પણ કરવામાં આવી છે. હજુ એ વિચારાધીન છે. આવા ધૂંધળા સંજોગોમાં પાટીદાર અનામત આંદોલન પાછળની ભૂમિકા સ્પષ્ટ થવી રાજ્યના હિતમાં લેખાશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)