ભારતીય સપૂતોને યાદ કરીને નવી પેઢી એમના જીવનમાંથી પ્રેરણા લે એ હેતુસર એમનાં સ્મારકો અને પ્રતિમાઓની સ્થાપના થાય છે. હમણાં હમણાં તો વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમાઓ ઊભી કરવાની હોડમાં ભારત અગ્રક્રમે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ જ સ્મારકો અને પ્રતિમાઓના વિરોધી એવા રાષ્ટ્રનાયક સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં સૌથી ઊંચી ૧૮૨ મીટરની ભવ્યાતિભવ્ય પ્રતિમાનું ૩૧ ઓક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કેવડિયા ખાતે ઉદઘાટન થશે. પ્રતિમાની ઊંચાઈમાં આ વિશ્વવિક્રમને તોડવાની ઘોષણા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી છે. તેમણે ‘હિંદવી સ્વરાજ’ના પ્રણેતા એવા આદર્શ રાજવી છત્રપતિ શિવાજી મહારાજની ૨૧૨ મીટર ઊંચી પ્રતિમા મુંબઈના અરબી સમુદ્રમાં સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે.
દેશભરમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ, પંડિત નેહરુ, નેતાજી સુભાષબાબુ, ડો. બાબાસાહેબ આંબેડકર, ઇન્દિરા ગાંધી સહિતનાં મહાનુભાવોની પ્રતિમાઓ છે. ગુજરાતના સપૂત પંડિત શ્યામજી કૃષ્ણવર્માની પ્રતિમા સહિતનું સ્મારક પણ કચ્છમાં સ્થાપિત કરાયું છે. દર વર્ષે ૩૧ ઓક્ટોબર સરદાર પટેલ જયંતી અને શ્રીમતી ઇન્દિરા ગાંધીના શહીદ દિન તરીકે મનાવાય છે, પરંતુ ૩૦-૩૧ ઓક્ટોબરે આ ફાની દુનિયા છોડી ગયેલા ગુજરાતના મહાન સપૂત અને પંડિત શ્યામજી કૃષ્ણવર્મા જેવા અનેક ક્રાંતિકારીઓના પ્રેરણામૂર્તિ એવા સ્વામી દયાનંદ સરસ્વતી(૧૮૨૪-૧૮૮૩)ને કેમ વિસારે પાડવામાં આવે છે, એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે.
મહારાણાના ઉદયપુરમાં નિવાસ દરમિયાન સ્વામીએ લખેલા સુપ્રસિદ્ધ ગ્રંથ ‘સત્યાર્થ પ્રકાશ’ને આખરી સ્વરૂપ આપતાં ‘ભૂમિકા’માં તેમણે નોંધ્યું છે: ‘આ ગ્રંથને જોઇને અવિદ્વાન લોકો અન્યથા વિચારશે, પરંતુ બુદ્ધિમાન લોકો એનો યથાયોગ્ય અભિપ્રાય સમજશે.’ વડા પ્રધાન મોદીએ ૧૪ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સ્વામીના જન્મોત્સવ નિમિત્તે હિમાચલ પ્રદેશમાં સ્વામી દયાનંદ સરસ્વતીને ભવ્ય અંજલિ અર્પતાં કરેલા અદભુત ભાષણમાં ૧૮૫૭ની પાર્શ્વભૂમાં સ્વામીએ ૧૮૭૫માં આર્ય સમાજની સ્થાપના કર્યાનો ગૌરવભેર ઉલ્લેખ કર્યો હતો.
સૌરાષ્ટ્રના ટંકારાના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા મૂળશંકર ત્રિવેદીમાંથી સ્વામી દયાનંદ તરીકે જાણીતા થયેલા સંતે મૂર્તિપૂજાના વિરોધ સાથે સનાતન ધર્મનો ડંકો વગાડવા માટે આર્ય સમાજની છેક ૧૮૭૫માં મુંબઈમાં સ્થાપના કરીને નવચેતનાનું મોજું પ્રસરાવ્યું હતું. સ્વામી દયાનંદ વિશે ક્રાંતિકારી સંત સ્વામી સચ્ચિદાનંદે નોંધેલા શબ્દો અહીં ટાંકવાનું મન થાય છે: ‘ગુજરાતમાં એક નરશાર્દૂલ થયો પણ ગુજરાતી પ્રજા તેણે ઓળખી ન શકી. પંજાબ-દિલ્હી તરફ તે સિંહગર્જના કરતો રહ્યો, હિંદુ પ્રજાને જગાડવા-જીવાડવા તે વારંવાર ઝેર પીતો રહ્યો, જયારે ગુજરાતની પ્રજા કુગુરુઓને ભગવાન સમજીને પગ ધોઈને પીતી રહી.’ મથુરામાં દંડીસ્વામી વિરાજાનંદજી પાસેથી અષ્ટાધ્યાયીના અધ્યયને દયાનંદ માટે નવી દિશા ખોલી આપી. અંગ્રેજોનું રાજ્ય હોવા છતાં તેમણે સ્વરાજનો મહિમા ગાયો અને સ્વરાજ માટે પ્રેરણા આપી. કોઈ પણ રીતે વ્યક્તિપૂજા ન થઇ જાય તેની તકેદારી રાખી.
પૂણેની બુધવાર પેઠમાં ૪ જુલાઈથી ૪ ઓગસ્ટ ૧૮૭૫ દરમિયાન સ્વામી દયાનંદ સરસ્વતીએ આપેલાં ૧૫ વ્યાખ્યાનોના રાજપાલ સિંહ શાસ્ત્રીએ કરેલા સંપાદન ‘ઉપદેશ-મંજરી’માં છેલ્લે એ વેળા ૫૦ વર્ષીય સ્વામીએ પોતાની બાલ્યાવસ્થાથી જીવનની સંઘર્ષગાથા વર્ણવી છે. એમના શબ્દોમાં જ કહીએ તો, ‘હું ઉદ્દીચ્ચ બ્રાહ્મણ છું. ઉદ્દીચ્ચ બ્રાહ્મણ સામવેદી હોય છે. પરંતુ મેં ખૂબ મુશ્કેલીથી યજુર્વેદનું અધ્યયન કર્યું હતું. મારા ઘરમાં સારી એવી જમીનદારી છે... આ મારો જીવનનો પાછલો ઈતિહાસ છે, આર્ય-ધર્મની ઉન્નતિ માટે મારા જેવા બહુ જ ઉપદેશકો આપણા દેશમાં હોવા ઘટે.’
સ્વામીના વિચારોથી પ્રભાવિત મહાપુરુષોની સંખ્યા ખૂબ મોટી રહી એટલું જ નહીં, ગુરુ સ્વામી વિરાજાનંદ અને સ્વામી દયાનંદ સરસ્વતીની પ્રેરણાથી જ છેક ૧૮૫૫માં જ ‘ફિરંગી સરકારની બેડીઓમાંથી મા ભારતીને મુક્ત કરાવવા માટે યોજના બનવા માંડી હતી’, એ પછી ૧૮૫૭ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામે આકાર લીધો. એમના જીવનના ૧૮૫૭થી ૧૮૬૦ના સમયગાળાના ઝાઝા ઉલ્લેખ મળતા નથી. જોકે એમણે નાનાસાહેબ પેશવા, તાત્યા ટોપે જ નહીં, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે પણ ક્રાન્તિપૂર્વ આયોજન માટે દીર્ઘ મંત્રણા કરીને પ્રેરણા આપી હતી. સ્વામી દયાનંદને ગુપ્તવેશે મળેલા ધોન્ડોપંત (નાનાસાહેબ પેશવા), બાળાસાહેબ, અજીમુલ્લા ખાન, તાત્યા ટોપે અને જગદીશપુરના રાજવી કુંવર સિંહ સ્વામી સાથેની મંત્રણાઓના પરિણામે જ ૧૮૫૭ની ક્રાંતિમાં સાધુ-સંતોનો ટેકો મળ્યો હતો.
જોકે એ ક્રાંતિને સફળતા ભલે ના મળી, સ્વામી દેશના અનેક મહાન વ્યક્તિત્વો માટે પ્રેરણામૂર્તિ બની રહ્યા એ હકીકત છે. એ મહાન વ્યક્તિત્વોમાં મેડમ ભીકાજી કામા, સ્વામી શ્રદ્ધાનંદ, પંડિત ગુરુદત્ત વિદ્યાર્થી, શ્યામજી કૃષ્ણવર્મા, વિ.દા. સાવરકર, લાલા હરદયાળ, મદનલાલ ધીંગરા, રામ પ્રસાદ બિસ્મિલ, મહાદેવ ગોવિંદ રાનડે, મહાત્મા હંસરાજ, લાલા લજપતરાય વગેરેનો સમાવેશ હતો.
સ્વામી દયાનંદ સામે પૂર તરનારા હતા. આર્ય સમાજની સ્થાપનાને વર્ષ ૨૦૨૫માં ૧૫૦ વર્ષ પૂરાં થશે. સ્વામીએ આર્ય સમાજની સ્થાપનાના વર્ષમાં કેટલા ક્રાંતિકારી વિચારો પોતાનાં સત્યન્વેશી ભાષણોમાં મૂક્યા અને આજે પણ એ કેટલા પ્રસ્તુત છે એનો વિચાર કરવા જેવો ખરો. ગુજરાતના આ સપૂતના ક્રાંતિકારી વિચારોને આજે પણ ગુજરાત અને ગુજરાતીઓ પચાવી શકવાની સ્થિતિમાં નથી તો દોઢસો વર્ષ પહેલાં તો એ કેટલું મુશ્કેલ હશે? એ મહાવિદ્વાન અને તર્કથી જ વાત કરનારા હતા. કાશ્મીરથી લઈને નેપાળ સુધીના ઊંચા પર્વતો પર દેવતા એટલે કે વિદ્વાન પુરુષ રહેતા હોવાની વાત તેમણે કરી છે. શક્ય છે કે એમની કેટલીક વાતોને આજે સ્વીકારવામાં મુશ્કેલી પડે, પણ એ જમાનામાં જયપુરના રાજપૂતોની એક વાત તેમણે પૂણેમાં ઈતિહાસ વિષયક દસમા વ્યાખ્યાનમાં કહી હતી, એ અહીં ઉલ્લેખવા જેવી લાગે છે:
‘જયપુરના રાજા બ્રાહ્મણને રસોઈયા તરીકે રાખતા નથી. ત્રણ-ચાર પેઢીઓથી આ પરંપરા ચાલી આવે છે. બ્રાહ્મણ કે ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણેય વર્ણોમાં ઘરમાં શુદ્ર રસોઈયા રહેતા હતા અને આ વાતનો આધાર મનુસ્મૃતિમાં પણ મળે છે. અત્યારે પણ એ જ લોકો રાજપૂતોના રસોઈયા છે. બ્રાહ્મણોને રસોઈના કામે નહીં રાખવાનું કારણ તેઓ જણાવે છે કે ભૂતકાળમાં એક વાર બ્રાહ્મણે રાજાના ભોજનમાં ઝેર નાંખ્યું હતું.’
પોતાના અંતિમ દિવસોમાં સ્વામી દયાનંદ સરસ્વતી જોધપુરના મહારાજા જસવંત સિંહના રાજ્યમાં હતા. મહારાજા રોજ એમનું પ્રવચન સાંભળતા હતા. સ્વામીએ એ વેળા જાણ્યું કે મહારાજા એક વેશ્યા નન્હીંના પ્રભાવ હેઠળ છે. રાજકાજમાં પણ નન્હીં દખલ કરતી હતી. સ્વામીએ મહારાજાને સમજાવ્યા. એમણે નન્હીં સાથેનો સંબંધ તોડી નાંખ્યો. આ વાતે પેલી વેશ્યા ખિન્ન થઇ. એણે સ્વામીના રસોઈયા કલિયા ઉર્ફે જગન્નાથને સાધ્યો. એણે સ્વામીના દૂધમાં પીસેલા કાચના પાઉડરને મિલાવીને એમને એ દૂધ પીવડાવ્યું. સ્વામીની તબિયત લથડી. પેલા રસોઈયાએ સ્વામીને જઈને પોતાનો દોષ કબૂલ્યો. ઉશ્કેરાવાને બદલે સ્વામીએ તેને ૫૦૦ રૂપિયા આપીને ભાગી જવા કહ્યું, કારણ એ પકડાય તો એનો જીવ બચવો મુશ્કેલ હતો. જોધપુરની હોસ્પિટલમાં દાખલ કરાયેલા સ્વામીએ ૩૧ ઓક્ટોબર ૧૮૮૩ના રોજ જીવ છોડ્યો.
‘ભારત દેશ માત્ર ભારતીયોનો છે’ એવું અંગ્રેજોને સુણાવનારા સ્વામી દયાનંદ સરસ્વતીની હત્યામાં અંગ્રેજોનો પણ હાથ હોવાનું મનાય છે. આવા સ્વામી દયાનંદને લોકમાન્ય ટિળકે ‘સ્વરાજના પ્રથમ સંદેશવાહક’, નેતાજી બોઝે ‘આધુનિક ભારતના નિર્માતા’, સરદાર પટેલે ‘ભારતની સ્વતંત્રતાના પાયાના પથ્થર’ અને ડો. પટ્ટાભિ સીતારામૈયાએ ‘ગાંધીજી રાષ્ટ્રપિતા તો સ્વામી દયાનંદ રાષ્ટ્ર-પિતામહ’ ગણાવ્યા છતાં ગુજરાત અને ગુજરાતીઓએ કમનસીબે એમને વિસારે પાડ્યા છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)