ગુજરાતમાં હાર્દિક પટેલવાળા પટેલ અનામત આંદોલને ભલે કડવા અને લેઉઆને સંગઠિત કર્યાનો હરખ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલ કરતા હોય, આંદોલને વર્તમાન મુખ્ય પ્રધાનને થકવી દીધાં છે. ગુજરાતનાં પટેલ મુખ્ય પ્રધાન પાણીમાં બેસી ગયાંઃ કારણ સમજાયું નહીં, પણ મહિલા સશક્તિકરણ માટેના રાષ્ટ્રીય સમારંભમાં દિલ્હી ખાતે ઉપસ્થિત રહેવા ગયાં ત્યારે જ એમણે ઘોષણા કરી કે આવતા વર્ષની વિધાનસભાની ચૂંટણી પછી પક્ષના ધારાસભ્યોનું નેતૃત્વ એ કરવાનાં નથી એટલું જ નહીં, દીકરી અનાર પટેલને પણ રાજકારણમાં રસ નથી.
રાજ્યના પાટીદાર અનામત આંદોલનને થાળે પાડવામાં નિષ્ફળ રહ્યા પછી આનંદીબહેનના સ્થાને પક્ષના અન્ય કોઈ પ્રભાવી વ્યૂહકાર મુખ્ય પ્રધાન બનવાની વાત વહેતી થઈ હતી, પણ આ તો સ્વયં મુખ્ય પ્રધાન આનંદીબહેન યુવા પેઢી માટે રાજકીય હોદ્દો ચૂંટણી પહેલાં છોડી જવાની ઘોષણા કરી ત્યારે અમને તો રીતસરનો આઘાત લાગ્યો.
ત્રણ-ત્રણ દાયકાથી રાજકારણમાં સક્રિય હોય અને વર્ષોથી પ્રધાનપદ ભોગવી રહેલાં આનંદીબહેન સ્વાભાવિક રીતે વધુ પરિપક્વ રાજકારણી તરીકે નિવૃત્તિ લઈ શક્યાં હોત, પણ દિલ્હીમાં મીડિયાની મુલાકાતોના માધ્યમથી પોતે હવે વૃદ્ધ થયાની જાહેરાત કરીને નિવૃત્તિ વહોરવા માંગતાં હોવાનું કહે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માટે કોઈ રાજ્યના રાજ્યપાલનું પદ વિચારી રાખ્યું હોવાનો અણસાર જરૂર મળે.
કુલ ૧૮૨ સભ્યોની ગુજરાત વિધાનસભામાં આજ લગી સૌથી વધુ ૧૪૯ બેઠકો મેળવવાનો વિક્રમ નોંધાવનાર કોંગ્રેસી નેતા માધવસિંહ સોલંકીને પક્ષની યાદવાસ્થળીએ ૧૯૮૫માં ઘરભેગા કર્યા ત્યારે એમના અનુગામી તરીકે આદિવાસી નેતા અમરસિંહ ચૌધરી આવ્યા પછીના મુખ્ય પ્રધાન નક્કી કોઈ દલિત જ હશે એવી ચર્ચા ચાલેલી. જોકે ફરી રાષ્ટ્રીય રાજકારણમાંથી પરત આવી થોડા દિવસના સુલતાન તરીકે માધવસિંહે સરકારની ધુરા સંભાળી અને કોંગ્રેસની નૈયાને એવી ડૂબાડી કે જૂના કોંગ્રેસી ચીમનભાઈ પટેલ અને જૂના જનસંઘી કેશુભાઈ પટેલની મિશ્ર સરકાર રચાઈ. કોંગ્રેસનું નામું નંખાઈ ગયું. ફરીને ઉજળિયાત પટેલ-પાવરનો ઉદય થયો. અયોધ્યા કાંડે નાછૂટકે કેશુભાઈ આણિ મંડળીને સત્તામાંથી ફારેગ થવા વિવશ કર્યાં.
ચીમનભાઈના કોંગ્રેસીકરણ અને છબિલદાસ મહેતાના મૃત્યુ પછીના સત્તારોહણ પછી ૧૯૯૫માં રંગેચંગે કેશુભાઈ પટેલ ફરી ગાદીનસીન થયા, પણ એમણે પક્ષના પ્રદેશાધ્યક્ષ શંકરસિંહ વાઘેલાને સાદી ચા પીવાનું નિમંત્રણ પણ નહીં આપીને વાઘેલાના મહામંત્રી નરેન્દ્ર મોદીના કહ્યાગરા બની રહેવા જતાં ખજૂરાહોવાળીમાં ગાદી ખોવી પડી.
ચીમનભાઈ પછી કેશુભાઈ પાટીદાર-પાવર સ્થાપિત કરી શક્યા, પણ ‘ધોતી બિકી આઠ કરોડ મેં’ના ભાજપી નારાની વચ્ચે વાઘેલાનિષ્ઠ કાયસ્થ નેતા સુરેશચંદ્ર મહેતાએ ગાદી સંભાળી ત્યારે તેઓ અસ્સલ મહેતાજીની ભૂમિકામાં જ રહેવાનું પસંદ કર્યું એટલે ‘ત્રીજી શક્તિનો સૂર્યોદય’ થતાં શંકરસિંહ વાઘેલાની ટનાટન સરકાર આવી અને કોંગ્રેસને કઠતાં ગઈ પણ ખરી.
વાઘેલાના કહ્યાગરા ઉદ્યોગપતિ દિલીપ પરીખ ગાંધીનગર નરેશ બન્યા. ફરી પાછો કેશુબાપાનો તબેલાવાળા ડાયલોગ સાથે ઉદય જેટલો જલદી થયો, ઘરના ભોરિંગોએ એટલા જ ઉંઘતા પાડી દીધા. નરેન્દ્ર મોદીએ સ્મશાનમાં મુખ્ય પ્રધાનપદ મેળવ્યું અને સૌને ભોંય ભૂલાવી દિલ્હીશ્વર થતાં પૂર્વે નિષ્ઠાવંત આનંદીબહેન પટેલને ગાદી સોંપી ત્યારે ભાગ્યે જ કોઈને આશ્ચર્ય થયું હતું. કેશુભાઈ યુગમાં પણ મોદીનિષ્ઠ રહ્યાનું ઈનામ આનંદીબહેનને મળતાં પટેલ-પાવરની ત્રીજી શક્તિનો ઉદય થયો. હવે એ અસ્તાચળે છે.
આનંદીબહેન અને કેશુભાઈ આજે મોદીનિષ્ઠ રાજકારણનાં આશ્રિત છે. ક્યારેક વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમો તરીકે વડા પ્રધાનપદના આકાંક્ષી એવા સૌરાષ્ટ્રના પટેલ અગ્રણી ડો. પ્રવીણ તોગડિયા મને-કમને વડા પ્રધાન મોદીનાં ગુણગાન કરવાનો રાગ આલાપતા થયા છે. કેશુભાઈએ સરદાર પટેલના મારગ ચાલવા જતાં સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષપદને સાચવવા માટે મોદી અને હવે તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની કૃપાદૃષ્ટિ પર જીવવાનું છે. આનંદીબહેનની નિવૃત્તિ ક્યા રાજભવનમાં વીતશે એનો ન્યાય નરેન્દ્ર મોદીએ તોળવાનો છે.
વરિષ્ઠ પ્રધાન નીતિન પટેલના મુખ્ય પ્રધાન બનવાના ધખારાનો ફુગ્ગો મુખ્ય પ્રધાન તરીકે વિદાય લેતાં જ મોદીએ ફોડી નાંખ્યો હતો. ક્યારેક મુખ્ય પ્રધાનપદના આકાંક્ષી એવા ઈશ્વરિયાના પુરુષોત્તમ રૂપાલાને અમરેલીના જ પોતાના નિષ્ઠાવંત દિલીપ સંઘાણી સામે ભીડવીને મોદીએ એમનું સ્થાન બતાવી દીધું. ઉપકાર કરતાં હોય તેમ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનો બિલ્લો પકડાવ્યો ખરો, ભલે સંઘાણી-રૂપાલાના સંઘર્ષમાં અમરેલીમાંથી પક્ષના પ્રભાવનું નિકંદન નીકળી જાય. મધ્ય ગુજરાતમાંથી કોઈ પટેલના નેતૃત્વને ઉપસવા નહીં દેવા નડિયાદના પંકજ દેસાઈને નામ કે વાસ્તે વિધાનસભામાં મુખ્ય દંડકનું પદ આપી રાખીને પ્રધાન બનતાં આડા હાથ દીધા. ભાગ્યે જ કોઈને અણસાર આવે એ રીતે મોદીએ મુખ્ય પ્રધાનપદથી વડા પ્રધાનપદ ભણીની યાત્રા દરમિયાન ગુજરાતમાંથી પટેલ પ્રતિસ્પર્ધકોને નેસ્તનાબૂદ કર્યાં અને એમાં છેલ્લું નામ આનંદીબહેન પટેલનું મૂકવું પડે.
હવે શું? આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી ગુજરાત સહિતનાં રાજ્યોમાં આવી રહી છે. ઉત્તર પ્રદેશ અને પંજાબ સર કરવાનાં છે, પણ ગુજરાત જાય નહીં એની વેતરણ કરવાની છે. ઓછામાં પૂરું, કોંગ્રેસી સાંસદ પ્રવીણ રાષ્ટ્રપાલે કોંગ્રેસના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે શંકરસિંહ વાઘેલાનું નામ આગળ ધરીને પ્રતિપક્ષમાં કલહનાં બીજ વેરવાની મિત્રભાવે કોશિશ કરી છે. આવા સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચાણક્ય-દાવનાં બે પ્યાદાં ગુજરાતના નેતૃત્વ માટે તૈયાર કરાઈ રહ્યાં છેઃ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને પ્રદેશાધ્યક્ષ વિજય રૂપાણી. બેઉ જૈન વણિક છે.
કેન્દ્રમાં કેબિનેટ પ્રધાનપદ કરતાં કોઈ પણ બટુક રાજ્યનું મુખ્યપ્રધાનપદ રાજનેતાઓને કાયમ વહાલું લાગે છે. અમિત શાહને સતત પક્ષને જીતાડવા માટેની અગ્નિપરીક્ષા આપતા રહેવામાં યશ તો પાછો નરેન્દ્રભાઈને મળે અને બિહાર જેવી હારમાં જશને માથે જુત્તાં અમિત શાહને મળે. એટલે જો વડા પ્રધાન રીઝી જાય અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષનો કાંટાળો તાજ કોઈ બીજો પહેરવા તૈયાર થાય તો અમિતભાઈ માટે લાખ દરજ્જે ગુજરાતને વહાલું કરવાની દિલી ઈચ્છા હોય એ સ્વાભાવિક છે.
આમ પણ અગાઉ ગુજરાતના મુખ્ય પ્રધાનપદે વણિકપુત્ર આવ્યાને દાયકાઓ વીત્યા. બળવંતરાય મહેતા તો અડધે રસ્તે વિમાન દુર્ઘટનામાં ગયા અને છબિલદાસ મહેતાને ય પૂરી મુદ્દત ક્યાં મળી હતી. ગુજરાત જ નહીં, રાષ્ટ્રીય રાજકારણમાં પણ દાન-ધરમ કરવામાં જૈનો અગ્રેસર, પણ વાણિયાઓની પાર્ટી લેખાતી રહેલી ભાજપમાં વાણિયા રાજનેતાને ભાગ્યે જ મુખ્ય પ્રધાનપદ મળ્યું છે.
બિહારમાં સુશીલ મોદી નાયબ મુખ્ય પ્રધાનપદ સુધી પહોંચ્યા ખરા, પણ એ ય પાછા ઓબીસી ક્વોટાના જ કારણે. બિહારમાં જૈનો ઓબીસીમાં છે.
ગુજરાતમાં આનંદીબહેનની સરકાર જૈનો-વાણિયા માટે લઘુમતી કોમનો જીઆર કાઢે તો ગુજરાતને લઘુમતી કોમના પહેલા મુખ્ય પ્રધાન તરીકે અમિતભાઈ અનિલચંદ્ર શાહ મળે. એ બીજાં રાજ્યોમાં ભાજપને જીતાડીને સ્વગૃહે પાછા ફરે ત્યાં લગી પ્રદેશાધ્યક્ષ વિજયકુમાર રમણિકલાલ રૂપાણી ભરતની જેમ મુખ્ય પ્રધાનપદની પાદુકા મૂકીને વર્તમાન રાજકીય ઈતિહાસમાં તમિળનાડુના મુખ્ય પ્રધાનપદને જયાઅમ્માના જેલવાસ દરમિયાન પનીસેલ્વમે સંભાળ્યું હતું એમ સંભાળે.
દિલ્હીશ્વર નરેન્દ્ર મોદી ગાંધીનગરની ગાદી કોઈ બથાઈ પાડે નહીં એની તકેદારી જરૂર રાખે, પણ જેમ ૩૩ જિલ્લા પંચાયતોમાંથી ૨૩ જિલ્લા પંચાયતો કોંગ્રેસે કબજે કરી અને વિધાનસભા ચૂંટણીમાં એક જ મૂરતિયાને પસંદ કરીને ગુજરાતનો ગઢ જીતી જાય, તો વડા પ્રધાન મોદીને ધોળામાં ધૂળ પડ્યા જેવું લાગે.
મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે અગાઉથી જ રણછોડરાયની ભૂમિકા સ્વીકારી હોવાનો લાભ કોંગ્રેસ લઈ શકે તો શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ભલે આનંદીબહેન કરતાં એક વર્ષ મોટા હોય, ગુજરાતના ૧૬મા મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા તૈયાર હોય જ - રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને તો બેઉ હાથમાં લાડુ જેવા સંજોગો છે કારણ વાઘેલા પણ સ્વયંસેવક છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)