ગુજરાત વિધાનસભાની આવતા વર્ષની ચૂંટણી આવી પહોંચે એ પહેલાં નવા નવા પડકાર સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ સામે ડોકું ફાડીને ઊભા થઈ રહ્યા છેઃ ભાજપની પોતીકી યાદવાસ્થળી તો હતી જ, એમાં પાટીદાર આંદોલને હાર્દિક ભરતભાઈ પટેલ નામનું નવું નેતૃત્વ ઊભું કર્યું. બાકી હતું તે અલ્પેશ ખોડાભાઈ પટેલની નેતાગીરી તથા હાકલાદેકારા સાથે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી સહિતના દલિત-આદિવાસીઓને જોડતા મંચનો અજગર ફૂંફાડા મારી રહ્યો છે. એમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અને ‘આપ’ જેવા રાજકીય પક્ષના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને ગુજરાતમાં અત્યાર લગી બે જ પક્ષને સ્વીકૃતિ મળી છે અને ત્રીજા વિકલ્પનું બાળમરણ થયું છે, એ માન્યતાને તોડવા હૂંકાર ભણી રહ્યા છે.
દિલ્હીશ્વર નરેન્દ્ર દામોદરદાસ મોદી ગુજરાતની નેતાગીરીમાં રોજબરોજના હસ્તક્ષેપને બદલે વિદેશ યાત્રાઓ અને ભારતભરના પ્રશ્નો ઉકેલવામાં વ્યસ્ત હોવાથી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તથા ધારાસભ્ય અમિત શાહની છાવણીઓ પોતપોતાનું ફોડી લે તેવી અપેક્ષા કરે છે. અમિત શાહને મુખ્ય પ્રધાન પદના ધખારા ખરા. એ ઉત્તર પ્રદેશમાં ચમત્કાર કરી શકે ત્યાં લગી એમના ભરત તરીકે વિજય રૂપાણી ગાંધીનગરની ગાદી પાદુકા સાથે સંભાળે એની ચોપટ ગોઠવાય છે.
વચ્ચે સર્વમિત્ર શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દાવેદારી નોંધાવે એ પહેલાં જ એમને શિક્ષણકાંડ અને તલાટીકાંડમાં વેતરી નાંખવાના વ્યૂહ ‘અપનેવાલે’એ જ કર્યાં. એવું જ કાંઈક નીતિન પટેલની દાવેદારીનું થયું છે. આવતી વિધાનસભાની ચૂંટણીમાં નીતિનભાઈ જીત અપાવે તેવી બેઠક શોધી રહ્યા છે. એ જીતે જ નહીં એવી વેતરણમાં પક્ષના સ્વજનો છે. અત્યારના દિલ્હીશ્વર થકી વિધાનસભાની પહેલી વારની સામાન્ય ચૂંટણીમાં સંભવિત સ્પર્ધકો વિધાનસભે પહોંચતાં પહેલાં જ કપાઈ જાય એવા વ્યૂહ ગોઠવાયાની ચર્ચા હતી, એવું જ કાંઈક આજે ચર્ચાઈ રહ્યું છે.
મુખ્ય પ્રધાન આનંદીબહેનને ૭૫ વર્ષની વય પછી વર્તમાન હોદ્દે ચાલુ રાખવાના ઉધામા ગાંધીનગરના ૨૬ નંબરના બંગલાથી લઈને ૬, રેસકોર્સ રોડ એટલે કે દિલ્હીશ્વરના નિવાસ લગી મારવામાં આવે છે.
આવા સંજોગોમાં દિલ્હીશ્વર ટીમે તો ‘માગ માગ માગે તે આપું’નું વચન આપે ત્યારે આનંદીબહેન તો વર્તમાન હોદ્દે રહેવા જ ‘તથાસ્તુ’ કરાવવા કૃતસંકલ્પ છે. એમણે તો એટલે સુધી કહી દીધું કે ૭૫નો નિયમ ક્યાં કરાયો છે બતાવો? મધ્ય પ્રદેશમાં બે પ્રધાન ૭૫ના શિકાર ભલે બન્યા હોય, મોદી સરકારમાં કલરાજ મિશ્રા અને નજમા હેપતુલ્લા હજુ ૭૫ છતાંય નાબાદ છે.
આનંદીબહેનના નેતૃત્વમાં એટલે?
મોદી-શાહની કૃપાથી મુખ્ય પ્રધાન બનવા થનગની રહેલા પ્રદેશ ભાજપના અધ્યક્ષ વિજય રૂપાણી બબ્બે હોદ્દે ચાલુ છે. કેબિનેટ પ્રધાન તરીકે પણ અકબંધ રહીને પક્ષના રાજ્યના વડા તરીકે ઘોષણાઓ કરવામાં એ અકબંધ છે. રૂપાણીએ કહ્યું છે કે આવતી વિધાનસભા ચૂંટણી આનંદીબહેનના નેતૃત્વમાં જ લડાશે. નેતૃત્વમાં એટલે જરૂરી નથી કે આનંદીબહેનને મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર તરીકે આગળ કરાય. શક્ય છે કે તેમને ચૂંટણી પ્રચારની ધૂરા અપાય. ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર સમિતિનું સુકાન સંભાળીને પણ એ નેતૃત્વ કરે. ભાજપને નિવેદનો કરવા અને એ નિવેદનોનાં પોતાને અનુરૂપ અર્થઘટન કરવાની ફાવટ સારી છે. પક્ષના વિધાનસભ્યો નેતા એટલે કે મુખ્ય પ્રધાન નક્કી કરે એવી પ્રણાલિને ભાજપ અનુસરીને આનંદીબહેનના નેતૃત્વમાં ચૂંટણી જીત્યા પછી પણ વરમાળા અમિત શાહ કે વિજય રૂપાણીના ગળામાં પહેરાવી શકાય.
રૂપાલા સ્પર્ધામાંથી બહાર
કેન્દ્રમાં કૃષિ રાજ્યપ્રધાન બન્યા પછી પરસોત્તમ રૂપાલા રાજ્યના નેતૃત્વ માટેની સ્પર્ધામાંથી બહાર થઈ ગયા એવું માનવાનું સારું લાગે, પણ રખેને ભાજપને પૂર્ણ બહુમત ના મળે તો સામી છાવણીઓમાંથી ઉધારીના સમર્થનની વ્યવસ્થા કરવાની હોય તો છેલ્લી ઘડીએ રૂપાલા રિંગમાં પોતાની હેટ ફેંકે ય ખરા. કડવા પટેલ છે એટલે ઉત્તર ગુજરાતમાં નીતિન પટેલને ચેકમેટ કરવા અને લેઉઆ પટેલ આનંદીબહેનનો વારો આવી ગયા પછી પોતાનો દાવો રજૂ કરી શકે.
રૂપાલા અનુભવી છે, હજુ ભ્રષ્ટાચારના છાંટા એમની બંડી પર ઊડ્યા નથી. વાકપટુ છે, મોદી સાથેનો નવતર નિકટતાનો દાવો કરી શકે છે, લાંબી રેસનો ઘોડો છે એટલે ક્યારેક મોદીના નિકટતમ રહેલા દિલીપ સંઘાણીના જ અમરેલી જિલ્લાને મુખ્ય પ્રધાન પદ મેળવી અપાવે તો નવાઈ નહીં. સંઘાણી પોતાની મર્યાદાઓ જાણે છે. અબજોના કૌભાંડના કાદવને ધોવાનો હજુ અદાલતોમાં બાકી જ છે. પાછા લેઉઆ પટેલ છે. અમરેલીમાં આંતરકલહ પણ ઘણો છે. ક્યારેક બેઉ જણાએ સાથે જ રાજકીય કારકિર્દી શરૂ કરી હશે, પ્રધાનપદાં પણ ભોગવ્યાં હશે, પણ આજે તો રૂપાલા આગળ નીકળી ગયાં છે.
હાર્દિકના જામીન અને ગુજરાતવટો
સંયોગ તો જુઓ, મોદીએ છ વર્ષ પક્ષના નિર્ણયને પગલે ગુજરાતવટો ભોગવવો પડ્યો અને પાછા આવ્યા ત્યારે મુખ્ય પ્રધાન તરીકે. અમિત શાહે સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં અદાલતી આદેશને પ્રતાપે ગુજરાતવટો ભોગવવો પડ્યો અને એનો અંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષપદમાં પરિણમ્યો. હવે વારો પાટીદાર અનામત આંદોલનના નવ-નવ મહિના જેલવાસી રહેલા હાર્દિક પટેલના ગુજરાતવટાનો છે. વડી અદાલતે હાર્દિકના જામીન મંજૂર કર્યા છે, પણ રાજદ્રોહના આરોપી તરીકે હાર્દિકને છ મહિના ગુજરાતવટો વહોરવાનો આદેશ આપ્યો છે.
હાર્દિકે દિલ્હીમાં રહીને પટેલ - કુર્મી સમાજનું કામ કરવાનું નક્કી કર્યું છે. એણે ઉત્તર પ્રદેશમાં ભાજપને નડવાનું મન બનાવી લીધું છે. ગુજરાતવટે રહીને ગુજરાતમાં પણ એ ખાસી રાજકીય ઉથલપાથલ મચાવી શકે છે. ઉત્તર પ્રદેશમાં કુર્મી વોટબેંકને રાજી કરવા માટે મોદી સરકારમાં અનુપ્રિયા પટેલને પ્રધાનપદું અપાયું છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં એક બાજુ કોંગ્રેસનાં પ્રિયંકા ગાંધી સક્રિય થઈ રહ્યાં છે અને બીજી બાજુ બિહારના કુર્મી મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સક્રિય થયા છે. ઓછામાં પૂરું, અનુપ્રિયાનાં માતા કૃષ્ણા પટેલે તો કહ્યું છે કે જે અનુપ્રિયા મારી નથી થઈ એ મોદીની ક્યાંથી થવાની? હાર્દિકની ડિમાન્ડ વધવાની છે.
અલ્પેશ ઠાકોરના ઉધામા
જેમ ભાજપી બાપનો દીકરો હાર્દિક પટેલ ભગવી બ્રિગેડને ઉજાગરા કરાવી રહ્યો છે એમ કોંગ્રેસી બાપનો દીકરો અલ્પેશ ખોડાભાઈ પટેલને પણ પટાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બેઉ મેદાને છે. કોંગ્રેસીઓએ અલ્પેશને હાર્દિકવાળા પાટીદાર આંદોલન સામે ઓબીસીની સાથે જ દલિત-આદિવાસીને સાથે લેવા મેદાનમાં ઉતાર્યાનો દાવો કરે છે, પણ ભાજપી નેતા આઈ. કે. જાડેજા તો અલ્પેશના દારૂબંધી અભિયાનને ભાજપનો ટેકો આપવાની ઘોષણાઓ કરતા રહે છે.
આનંદીબહેન પટેલ અલ્પેશને સાચવે છે. એને હાર્દિકની જેમ જેલવાસથી મુક્ત રાખ્યો છે. જોકે, હાર્દિક અને અલ્પેશ બેઉ ગમે ત્યારે ગમે તે દિશામાં ફાયર કરે એવી મિસાઈલ છે. એમની યુવા નેતાગીરી રાજ્યના લોકોને આકર્ષે છે. આવા જ સંજોગોમાં ‘આપ’ના સુપ્રીમો કેજરીવાલ ગુજરાત પ્રવેશ કરી રહ્યા છે.
કેજરીવાલનાં નોખાં ગણિત
એક બાજુ ગુજરાત ભાજપ ભીંસમાં છે. બહુમતી જિલ્લા પંચાયતો કબજે કરીને ગુજરાત વિધાનસભા કબજે કરવાના સમણાં જોતી કોંગ્રેસ રોટેશનમાં મુખ્ય પ્રધાન પદની લહાણી સાથે ગાંધીનગર સર કરવાની વેતરણમાં છે, ત્યાં ભાજપના પૂર્વ ધારાસભ્યો અને કેટલાક વર્તમાનને પોતીકા કરીને આખી કવાયતમાં ફાચર મારવા કેજરીની સેના સોમનાથમાં પૂજા કરે છે.
મહુવાના સંનિષ્ઠ લોકસેવક અને ભાજપી ધારાસભ્ય રહેલા ડો. કનુભાઈ કલસરિયા કેજરીવાલની અર્બન છબિ સાથે રૂરલનો મેળ બેસાડવા માટે ખેડૂતોને જોડી રહ્યા છે. કેજરીવાલને માફક આવે એવા જ તરંગ-તુક્કાવાળા ભાજપ ધારાસભ્ય રહેલા ધારાશાસ્ત્રી યતીન ઓઝા ‘આપ’માં જોડાય છે. મુખ્ય પ્રધાન બનવા થનગનતા શંકરસિંહ વાઘેલાના સ્વપ્નમાં માધવસિંહ પુત્ર ભરતસિંહ ફાચર મારવાની વેતરણમાં છે. એમાં કેજરીવાલ ખાબક્યા છે. જંગ રસપ્રદ થશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)