ગુજરાતમાં રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી) સ્થાપ્યા પછી પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના પૂર્વ પ્રદેશાધ્યક્ષ શંકરસિંહ વાઘેલા થાકી ગયા હતા. એના પછી પૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપનાં રાજ્યમાં મૂળિયાં નાંખનાર કેશુભાઈ સવદાસ દેસાઈ-પટેલ પણ ભાજપના પૂર્વ મહામંત્રી (સંગઠન) ગોરધન ઝડફિયા સાથે મળીને ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) સ્થાપીને થાક્યા હતા. શંકરસિંહે જાનીદુશ્મન કોંગ્રેસનું શરણ સ્વીકારવું પડ્યું હતું. કેશુભાઈ-ગોરધનભાઈ લીલા તોરણે સ્વગૃહે પાછા ફરીને નરેન્દ્ર મોદી-અમિત શાહની કુરનીશ બજાવતા થયા. હવે ફરી એક વાર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના - ઓબીસી મંચવાળા અલ્પેશ ઠાકોરને પ્રાદેશિક પક્ષ સ્થાપવાના અભરખા જાગ્યા છે.
પાટીદાર અનામત આંદોલનના શઢ પર ચઢીને ક્યારેક છવાઈ ગયેલા હાર્દિક પટેલ આજકાલ રાજ્યની ભાજપ સરકાર એમને કનડી રહ્યાનું રૂદન કરવા માંડ્યા છે, પણ ઝળકે છે અરવિંદ કેજરીવાલની ‘આપ’ પાર્ટીના ટ્વિટ્સ અને વેબસાઈટ પર. ઉના દલિત કાંડે જેમને હીરો બનાવ્યા એ જિજ્ઞેશ જેવાણી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સહિતનાં સંગઠનોના માધ્યમથી રાજ્યવ્યાપી પ્રભાવ પાથરવા મેદાન પડ્યા છતાં એમનો આર્તનાદ ખોવાતો જાય છે.
સત્તા સાથે સંધાણ માટે દોટ, ભલે વખારે નાંખે
સમગ્ર ગુજરાતમાં ઉપસી રહેલી આ યુવાત્રિપુટી કાંઈક નોખા રાજકીય વળાંક આણશે એવી અપેક્ષા હતી. લોકોને ભાજપ અને કોંગ્રેસ સિવાયના ત્રીજા મોરચાના વિકલ્પ માટેની અપેક્ષા હતી, પણ ભાજપના નેતાઓના પાયાના સંગઠન, કેડર તથા ઝંઝાવાતી મીડિયા પ્રચારે આ ત્રિપુટીને જ નહીં, કોંગ્રેસમાં પણ ગુજરાતમાં રીતસર ફેંફેં કરાવી દીધી હોય એવો માહોલ છે.
દિલ્હીશ્વર નરેન્દ્ર મોદી પાસેના રિમોટ થકી શંકરસિંહના કેન્દ્રીય કાપડ પ્રધાન તરીકેનાં એનટીસી જમીનકાંડ હાકલાદેકારા કરવા માંડ્યા અને એમણે સંકેતોની ભાષા સમજીને કોંગ્રેસી હિતના ભોગે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે ચા-પાણી કરવા માંડ્યાં. અડધોઅડધ કોંગ્રેસી ધારાસભ્યો વાડ ઠેકીને ભાજપમાં જોડાવા આતુર છે. ભાજપમાં ગયા પછી ભલે નરહરિ અમીનની જેમ વખારે નાંખવામાં આવે, પણ સત્તા સાથેનું સંધાણ બીજા ઘણા લાભ ખાટવામાં ઉપયોગી થઈ શકે. બાપુની હૂકાહૂક છતાં રાજ્યમાં ભાજપનું સત્તારોહણ અટળ લાગતું હોવાથી સત્તાવિહોણા કોંગ્રેસીઓ સૂકાતા મોલની અવસ્થામાંથી તાજામાજા થવા સત્તા ભણી ગતિ કરવા થનગને છે.
ઉત્તર પ્રદેશ સહિતનાં રાજ્યોમાં દિલ્હીશ્વરના ઈશારે અને રિમોટથી ભાજપ સત્તામાં આગેકૂચ કરી ચૂક્યો હોવાથી કોંગ્રેસીઓ ઝાઝી પ્રતીક્ષા કરવાના મૂડમાં નથી. ૩૩ જિલ્લા પંચાયતોમાંથી ૨૩ જિલ્લા પંચાયતો કબજે કરવા જેવો કોંગ્રેસને અનુકૂળ માહોલ પાટીદાર અનામત આંદોલને સર્જયો હતો, પણ ભાજપના નેતૃત્વને એનો ફુગ્ગો ફોડી નાંખ્યા પછી ગાંધીનગર કબજે કરવાનું કોંગ્રેસ ખ્વાબ રોળાઈ જતું લાગે છે.
ભાજપ સાથે ઘર માંડવા માટે જૂના કોંગ્રેસીઓની યુવા પેઢી આતુર હોય ત્યાં સંઘમાં ‘સદા વત્સલે’ ગાન કરીને ઉછરેલા સ્વયંસેવકમાંથી વિપક્ષે ગયેલા સ્વગૃહે પાછા ફરવા આતુર હોય એમાં નવાઈ શી? ‘બહતી મેં હાથ ધો લો’ જેવા ખેલમાં હાથ લાગ્યું તે મેળવીને ય કેશુભાઈ-ગોરધનભાઈની જેમ સ્વમાન સાથે છેડો ફાડીને ય સત્તા સાથે સાથ જોડવામાં જ સ્વહિત છે. બાકી તો કોંગ્રેસમાં રહીને સત્તાવિહોણા વાંઢા મોત દેખાતું હોય એવું લાગે છે.
‘આપ’ના ઉદય પહેલાં જ નામું નંખાયું
પોતાની સ્પર્ધા સીધી જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હોવાનું જોનારાઓને ભાજપની નેતાગીરીએ આગોતરા અડફેટમાં લીધા છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સવાર-સાંજ વડા પ્રધાનને ભાંડતા રહ્યા, પણ એમના પક્ષ ‘આપ’ના પંજાબ અને ગોવામાં સત્તાના શમણાંને ભગવી પાર્ટીએ ચકનાચૂર કર્યા. બાકી રહેતું હતું તે દિલ્હીની ત્રણ મહાનગરપાલિકાઓમાં પણ ‘આપ’ને જમીનદોસ્ત કરી દેવાઈ.
અત્યાર લગી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) થકી ભાજપ પર જીતવાનો આક્ષેપ કરતા રહેલા છુટ્ટા મોંઢાના કેજરીવાલમાં લોકોને ખૂબ આશા-આકાંક્ષા હતી, પણ ભાંડણલીલામાં જ રમમાણ રહ્યા પછી દિલ્હીની પ્રજાએ એમના પક્ષને ધૂળ ચટાડી છે. આ જ દિલ્હીની પ્રજાએ કેન્દ્રમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હોવા છતાં વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં ૭૦માંથી ૬૭ બેઠકો ‘આપ’ને આપી હતી. ભાજપને રોકડી ત્રણ મળી હતી.
દિલ્હીમાં મહાનગરપાલિકામાં ‘આપ’ના સૂપડાં સાફ થયા પછી કેજરીવાલની સાન ઠેકાણે આવી લાગે છે. ભૂલો કર્યાનું કબૂલવા માંડ્યું છે. આત્મનિરીક્ષણ કરી પક્ષને ફરી બેઠો કરવા તત્પર થયા છે. આ તબક્કે ‘અબ પછતાયે હોત ક્યા જબ ચિડિયા (ન.મો.) ચુગ ગઈ ખેત’ની અવસ્થા છે. કોંગ્રેસના દિલ્હીના પ્રમુખો પણ જ્યાં ભાજપની છાવણી ભણી દોટ મૂકી ચૂક્યા છે. ત્યાં કેજરીવાલની સેનાને કેટલો સમય રોકી શકાશે? મોદી-અમિત શાહની વ્યૂહરચના ગુજરાતની ચૂંટણી પહેલાં જ ‘આપ’ને થકવી નાંખવાની હતી.
આમ પણ ગુજરાતમાં હજુ ‘આપ’નું માળખું ગોઠવાયું નથી અને ચૂંટણી તો આવી સમજો. જોકે, શાહને ચૂંટણી નિયત સમયે આવતી લાગે છે, પણ કહે છે કે હજુ એ નક્કી નથી. કોંગ્રેસ અને આંદોલનકારી વિરોધીઓ ઉપરાંત ‘આપ’ની પ્રતિષ્ઠા ખતમ કર્યા પછી ભાજપ ગજગામી ચાલે ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી જીતવા તરફ આગળ વધતી લાગે છે.
ગુજરાતીઓ પોતાનું હિત બરાબર જાણે છે
હમણાં ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાકની સાથે ચર્ચા થઈ. દિલ્હીમાં ભાજપનું શાસન હોય ત્યારે વેપાર-ઉદ્યોગ કરવા માંગતો ગુજરાતી પોતાનું હિત ક્યાં છે એ બરાબર સમજે છે. વળી અત્યારે દેશમાં મોદીયુગ ચાલે છે. અગાઉના નેહરુયુગ કે ઈંદિરાયુગની જેમ આ મોદીયુગનો દાયકો હોવાથી સત્તાની સામે પડવાનાં દુષ્પરિણામ વેપાર-ઉદ્યોગ કરનારી પ્રજા સુપેરે જાણે છે. ભાજપ યુગનાં વળતાં પાણી થશે ત્યારે જે પક્ષ કે સત્તા સમીકરણોનો ઉદય થશે એને પ્રણામ કરવાનું રાજ્યની પ્રજાને ફાવશે. આ પરંપરા બાહ્ય આક્રમણખોરો અને શાસકોના વખતથી ચાલી આવતી હોવાનો ઈતિહાસ સાક્ષી છે. હવે તો શાસકો પોતીકા છે. જે સત્તામાં હોય એ આપણા જ એવી ગુજરાતી પ્રજાની માનસિકતા સર્વવિદિત છે.
અલ્પેશ અને પ્રફુલ્લ પટેલની રમત
ભાજપના શાસનના બે દાયકા પછી પ્રજા કેવો પ્રતિભાવ આપશે એ કહેવું મુશ્કેલ છે. જોકે, ભાજપની નેતાગીરી કોઈ જોખમ વહોરવા નથી ઈચ્છતી. રાષ્ટ્રપતિની ચૂંટણી ૨૫ જુલાઈ ૨૦૧૭ પહેલાં થાય ત્યાં લગી તો વિધાનસભાને અકબંધ રાખીને ભાજપી ઉમેદવારને વિજયી બનાવવાનો એનો સંકલ્પ છે. બધા વિરોધ પક્ષો એક થાય તો વડા પ્રધાન મોદીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર માટે મુશ્કેલી સર્જી શકે, પરંતુ જેમ ગુજરાતમાં શંકરસિંહની ચોટલી મોદીહસ્તક છે એવું જ કાંઈક શરદ પવાર અને પ્રફુલ્લ પટેલની ચોટલી પણ નરેન્દ્રભાઈના હાથમાં છે.
કેન્દ્ર સરકારની તપાસ એજન્સીઓની સાથે જ મહારાષ્ટ્રની ભાજપ સરકારનું તંત્ર પણ જે કાંઈ કરી શકે એનો અણસાર સામેવાળાઓને મળી ચૂક્યો છે. અલ્પેશ ઠાકોર અને પ્રફુલ્લ પટેલની ગુજરાતમાં સક્રિયતા કોંગ્રેસના વોટ કાપીને ભાજપને લાભ પહોંચાડવાની દિશામાં જ છે. હજુ હૈદરાબાદવાળા અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતમાં ખાબકીને ભગવી સેનાને મદદરૂપ થવાનાં એંધાણ જરૂર વર્તાય છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)