ગોમાંસ ભક્ષણ મુદ્દે સાપે છછૂંદર ગળ્યા જેવી ભાજપની સ્થિતિ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 03rd June 2015 12:44 EDT
 
 

બહુમતી હિંદુ પ્રજા ગાય ભણી ધાર્મિક આસ્થા ધરાવતી હોવાથી એની હત્યા કરવાનું કે એનું માંસ (બીફ) ખાવાનું ટાળે છે. ગાંધીજી અને સરદાર પટેલ ગોવંશની હત્યાના વિરોધમાં હતા જરૂર, પરંતુ ગાયોને રસ્તે રઝળતી મૂકીને કે કતલખાને મોકલવા જેવી સ્થિતિ સર્જવાને બદલે એના જતનની કાળજી લેવાના આગ્રહી હતા. ગોવંશની રક્ષા ભારતીય સમાજમાં હિંદુ-મુસ્લિમ વિખવાદનું નિમિત્ત બને છે ત્યારે એનો રાજકીય લાભ ખાટવા માટે જ ચૂંટણી ટાણે કે એ પછી ગોવંશ હત્યા સામે કાયદો કરવાની વાતો ચગાવાય છે. વાસ્તવમાં ગોવંશનું રક્ષણ અને એનું અર્થકારણ સમગ્ર ભારતીય પ્રજાને માટે તારણહાર તરીકે કામ આવે એવું હોવાથી ગોવંશની રક્ષાના પ્રબળ સમર્થક તરીકે અને ગોમાંસ (બીફ) નહીં ખાવાના આગ્રહી તરીકે અમે છેલ્લાં કેટલાંક વર્ષથી અખબારધર્મ નિભાવતાં ગોવંશ રક્ષા અભિયાનના સમર્થક રહ્યા છીએ. કેટલાંક ભ્રમ નિરસન કરવાની જરૂર ખરી.

મુસ્લિમો ગોવંશ રક્ષાના પક્ષે નહીં હોવાની ચલાવાતી વાતોમાં તથ્ય નથી, એ વાત આપણા સમાજમાં ગાયોના પાલક તરીકે અનેક મુસ્લિમો જોવા મળતાં હોવાનું નિહાળીને સમજાય છે. મોદી સરકારમાં ઉર્દૂ કાઉન્સિલના વાઈસ ચેરમેન મુઝ્ફફર હુસૈન જેવા પત્રકારશિરોમણિ સંઘ પરિવારનું અભિન્ન અંગ છે. ગોવંશ રક્ષા માટેના અભિયાનના સમર્થનમાં એમણે પુસ્તક પણ લખ્યું છે. યુરોપમાં ગોમાંસ (બીફ) આરોગવાનું પ્રમાણ વધુ છે એની સાથે જ ગાયોનું જતન કરીને એના આર્થિક લાભ મેળવવાનું પ્રમાણ પણ ખૂબ છે. આટલી ચોખવટ કર્યા પછી છેલ્લા કેટલાંક સમયથી ભારતમાં વિવાદસર્જક રહેલા ગોમાંસ આરોગવાની બાબતમાં વર્તમાન લેખક અહીં ટિપ્પણ કરવાનું ટાળતો રહ્યો હોવા છતાં આજકાલ ભારતીય રાજકારણ અને સમાજકારણમાં ગોહત્યા અને ગોમાંસ આરોગવાનો મુદ્દો ખૂબ જ વિસ્ફોટક સ્થિતિએ પહોંચ્યો હોવાને કારણે એ વિશે લખવાને અમારો પત્રકારધર્મ લેખીએ છીએ. અમારું દ્દઢપણે માનવું છે કે ગોવંશની રક્ષા થવી જોઈએ. અમો સંપૂર્ણપણે શાકાહારી છીએ અને ગોમાંસ ભક્ષણ થાય એની વિરુદ્ધના અભિયાનના સમર્થક છીએ. ગોવંશ રક્ષણનો મુદ્દો રાજકીય પક્ષાપક્ષીના વિવાદથી પર રહેવો ઘટે.

૯ ઓગષ્ટ, ૨૦૧૨ના રોજ જન્માષ્ટમીને ગોવંશના રક્ષણકર્તા ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિન તરીકે ઓળખાવતાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા પોતાના બ્લોગમાં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએની ડો. મનમોહન સિંહ સરકારને ગાયની હત્યાને પ્રોત્સાહન આપીને ગોમાંસ નિકાસથી ‘પિંક રિવોલ્યુશન’ લાવવા કૃતસંકલ્પ સરકાર લેખાવી હતી. મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેએ ગૌમાતાની રક્ષા માટે કરેલા અથાક પરિશ્રમને મનમોહન સરકારે કોરાણે મૂકીને એમના ઉપદેશને પણ ભૂલાવી દીધાની વાત કરી હતી. મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પણ આ મુદ્દો ગજવ્યો હતો.

મોદી શાકાહારી છે. એ વડા પ્રધાન થયા પછી વિદેશના પ્રવાસમાં પણ શાકાહારના આગ્રહી રહ્યા છે. અપેક્ષા તો એવી હતી કે ગોવંશની હત્યા પર સમગ્ર દેશમાં મોદી સરકાર પ્રતિબંધ લાદશે. થયું છે એથી ઉલટું. પિંક રિવોલ્યુશનના મોદીશાસનના આંકડા આઘાત પમાડે તેવા છે. કારણ બહુ સ્પષ્ટ છે. વિપક્ષમાં રહીને સત્તા પક્ષની ટીકા કરવી સરળ છે. સત્તા પક્ષમાં આવ્યા પછી ચૂંટણી વચનોનું પાલન કરવું અઘરું છે. ગોવંશ જ નહીં, અન્ય જીવોની હત્યા અને ભક્ષણને ચલાવી લેવું, એ પણ પાપ જ ગણાય.

ભારતમાં ગોવંશ હત્યા પર પ્રતિબંધની વાત તો બાજુએ રહી, સ્વયં મોદી સરકારના ગૃહ રાજ્યપ્રધાન અને અરુણાચલ પ્રદેશના બૌદ્ધ સાંસદ કિરણ રિજિજુ ગોમાંસ (બીફ) આરોગવું એને પોતાનો અધિકાર લેખે છે. ઐઝવાલમાં એમણે પોતાની જ સરકારના બીજા પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીને પડકાર્યા હતા. ‘ગોમાંસ ખાધા વિના ના રહી શકનારા પાકિસ્તાન ચાલ્યા જાય.’ એવા શબ્દો કહીને નકવીએ રિજિજુને ભડકાવ્યા હતા.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગોમાંસ ભક્ષણ વિવાદ પર ટાઢું પાણી રેડતાં ખાતરી આપી કે મોદીના વડપણવાળી એનડીએ સરકાર ગોવંશ હત્યા પર પ્રતિબંધ નહીં લાદે, જે તે રાજ્ય સરકાર સ્થાનિક પ્રજાની લાગણી સમજીને એ વિશે નિર્ણય લઈ શકે છે. મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં આવેલી નવી ભાજપી સરકારોએ ગોવંશ હત્યા પ્રતિબંધના કાયદા કરવા માંડીને વિવાદને વણસાવ્યો છે.

કેન્દ્રમાં કોંગ્રેસના વડપણવાળી સરકાર હતી ત્યારે પણ કેટલાંક રાજ્યોમાં ગોવંશ હત્યા પર બંધી ફરમાવતા કાયદા હતા. ભાજપ અને સંઘ પરિવારે એનું રાજનીતિકરણ કર્યું હોવા છતાં વિવાદનો વિસ્ફોટ અંતે તો ભાજપના ગળાનું હાડકું બની ગયો છે. મોદીએ ચૂંટણી સભાઓમાં માંસ નિકાસના આંકડા આપ્યા હતા અને આજે જે માંસ નિકાસ થઈ રહી છે એના આંકડા ‘પિંક રિવોલ્યુશન’માં ભારત અખંડપણે પ્રગતિ કરી રહ્યું હોવાની પ્રતીતિ થયા વિના રહેતી નથી.

એપ્રિલથી નવેમ્બર ૨૦૧૪ દરમિયાન ભારતની માંસ નિકાસ હતી ૩.૩ બિલિયન ડોલરની. એ જ ગાળામાં આગલા વર્ષે આ આંકડો ૨.૮ બિલિયન ડોલરનો હતો. આજે એ આંકડો પાંચ બિલિયન ડોલરને આંબી ગયો છે. એનો અર્થ એ થયો કે મોદી શાસનમાં માંસ નિકાસક્ષેત્રે પ્રગતિ અખંડ રહી છે. સત્તાવાર આંકડાઓને ટાંકવામાં પણ એવું સાંભળવાનો પ્રસંગ આવે કે અમારી પ્રગતિને સહી નહીં શકનારાઓ અપપ્રચાર કરી રહ્યા છે કે જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છે!

ભાજપના શાસનમાં ગોવંશની હત્યા અખંડ રહી અથવા તો ચાલતી રહી એનાં પ્રમાણ શોધવામાં ઝાઝી મુશ્કેલી પડે તેવું નથી. ગુજરાતમાં મોદીશાસન દરમિયાન છાસવારે ગોમાંસ લઈને જનારા ટેમ્પો પકડાતા હતા અથવા તો કતલખાને લઈ જવામાં આવનારી ગાયો કે વાછરડાંના ટ્રક-ટેમ્પો પકડાતા હતા. મોડસ ઓપરેન્ડી સામાન્ય હતીઃ ટ્રક-ટેમ્પો લઈ જનારા મુસલમાન હોય, એ વેચનારા હિંદુ હોય! પોલીસ મોટા ઉપાડે અખબારી નિવેદન કરીને ગોમાંસ પકડાયાની હેડલાઈન્સ લેતી હતી.

વર્તમાન શાસનમાં આ પરંપરા અખંડ રહી છે. હા, મોદી શાસનમાં પકડાયેલું કેટલુંક ગોમાંસ હકીકતમાં ગોમાંસ નહોતું એવું ‘કેગ’ (કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ)ના અહેવાલમાં પ્રગટ્યું ત્યારે છાસવારે પકડાતા ગોમાંસ પાછળ હિંદુ-મુસ્લિમ ડિવાઈડને પ્રજ્વલિત રાખવાની વેતરણ હોવાનું જરૂર અનુભવાતું હતું.

મહારાષ્ટ્રમાં ૧૯૯૫-૯૯ દરમિયાન શિવ સેના અને ભાજપની સંયુક્ત સરકાર હતી એ ગાળામાં ગોવંશની સૌથી વધુ હત્યા થયાનું કોંગ્રેસી કે ખાટકી મંડળ કહે તો સમજી શકાય, પણ વિશ્વ હિંદુ પરિષદના બજરંગ દળના મહારાષ્ટ્રના એ વેળાના સંયોજક શંકર ગાયકર જ આવું લિખિત નિવેદન કરે ત્યારે શું કહેવું? એ વેળાના ‘સમકાલીન’ દૈનિકના તંત્રી એટલે કે આ લેખક અને મુઝ્ફફરે ગાયકર આયોજિત કાર્યકર્તા શિબિરની મુલાકાત લીધી ત્યારે વિગતે ચર્ચા થઈ હતી.

વાત મહારાષ્ટ્રની આવી છે ત્યારે શિવ સેના પ્રમુખ સ્વ. બાળ ઠાકરેનું સ્મરણ થવું સ્વાભાવિક છે. એ જીવતા હતા ત્યારે એમના સુપુત્ર અને વર્તમાન શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ઘોષણા કરી હતી કે મેં બીફ (ગોમાંસ) ખાવાનું બંધ કર્યું છે. એનો અર્થ એ કે ઉદ્ધવને બીફ આરોગવાનું ખૂબ ગમતું હતું. એમની એટલે કે શિવ સેના અને ભાજપની સંયુક્ત સરકારે ગોવંશ હત્યા પર પ્રતિબંધ અમલી બનાવતું વિધેયક મહારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાવ્યું હતું. જોકે એને રાષ્ટ્રપતિ બહાલી આપે એ પહેલાં સરકારનું પતન થયું હતું.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકારે પણ અગાઉ દાયકાઓ પહેલાં ગોવંશ હત્યા પ્રતિબંધક ધારો અમલી બનાવ્યો હતો. જોકે સુપ્રીમ કોર્ટે એને રદ કર્યો હતો. હમણાં ફરીને ભાજપ-શિવ સેના સરકારે મહારાષ્ટ્રમાં ગોમાંસ રાખવા કે વેચવા પર પ્રતિબંધ ફરમાવીને ૧૦ હજાર રૂપિયાનો દંડ અને પાંચ વર્ષની સજાની જોગવાઈ કરી એટલે વિવાદ વણસ્યો.

મુંબઈમાં મોટા પાયે હોળી-ધૂળેટી અને ગણેશોત્સવના આયોજક એવા રાજ કપૂર પરિવારના જ તેમના અભિનેતાપુત્ર ઋષિ કપૂરે ટ્વિટ કરીને કહ્યુંઃ ‘હું વિદેશમાં હોઉં ત્યારે બીફ (ગોમાંસ) ખાઉં છું. મારા મોટા ભાગના હિંદુ મિત્રો બીફ ખાય છે. કોણ શું ખાય એ જે તે વ્યક્તિ પર અવલંબે છે.’ મોદી સરકારના ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજિજુએ જ એ સંદર્ભમાં ‘મને બીફ ખાતો કોણ રોકી શકે?’ એવો પડકાર ફેંક્યો હતો.

ભાજપની સ્થિતિ સાપે છછૂંદર ગળ્યા જેવી થઈ છે. ગોવામાં ભાજપની સરકાર છે, પણ ત્યાંના હિંદુઓ કેરળના હિંદુઓની જેમ જ ગોમાંસ ખાવાની પરંપરાના છે. ગોવાની ભાજપ સરકાર ગોવંશ હત્યા વિરુદ્ધ કાયદો કરતી નથી. કેરળ, પશ્ચિમ બંગાળ અને પૂર્વાંચલના રાજ્યોમાં પણ હિંદુ-બિન હિંદુ ગોમાંસ ખાતા રહ્યા છે. તેમના ખોરાકમાં બીફ લેવા સામે કોઈ છોછ નથી એટલે ભાજપના અખિલ ભારતીય અધ્યક્ષ અમિત શાહે, ‘ગોમાંસ ખાનારાઓ પાકિસ્તાન ચાલ્યા જાય’ એવી નકવીની વાતને ભારત સરકારના એ પ્રધાનનો અંગત મત ગણાવ્યો. હકીકતમાં સરકારમાં પ્રધાનને જાહેર બાબતોમાં અંગત મત હોતો નથી, એમણે વ્યક્ત કરેલો મત એ જે તે સરકારનો જ ગણાય છે.

ભાજપની રાષ્ટ્રીય કારોબારી થોડાંક વર્ષો પહેલાં વિશાખાપટ્ટમમાં મળી ત્યારે તેના ૧૦૮ જેટલા સભ્યોમાંથી ૯૮ જેટલા સભ્યોએ પોતે ‘નોન-વેજ’નો વિકલ્પ પસંદ કર્યો હતો. પત્રકાર શિરોમણિ મુઝફ્ફર હુસૈને કહેલી આ વાત વાજપેયી સહિતનાં માંસાહારી હોવાનું સ્પષ્ટ કરે છે.

પ્રાચીન હિંદુ પરંપરામાં ગોમાંસ ખાવાનો ભાગ્યે જ કોઈ છોછ હતો. ભગવાન બુદ્ધના પ્રભાવતળે હિંદુ યજ્ઞોમાં ગાયો-બળદ-વાછરડાંની આહુતિ આપવાની અને ગાયોની કતલની પરંપરા બંધ થયાનું વિદ્વાનો કહે છે. ધર્માનંદ કોસમ્બી લિખિત ‘બુદ્ધ ચરિત્ર’માં (ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદનું પ્રકાશન) નોંધવામાં આવ્યું છેઃ ‘ગોમાંસાહારનો રિવાજ બ્રાહ્મણોમાં પુષ્કળ કાળ સુધી હતો. પણ પછી ઘણા સમય બાદ ગોમાંસનો નિષેધ થયો હોવાનું ગૌતમ-ધર્મસૂત્ર ઉપરથી દેખાય છે.’ સ્વયં ગૌતમ બુદ્ધ માંસાહારી હતા. એમનું મૃત્યુ ડુક્કરનું માંસ ખાધા પછી થયું હતું. જોકે એ ક્ષત્રિય હતા, પણ એમના પ્રારંભિક શિષ્યો બ્રાહ્મણમાંથી બૌદ્ધ થયા હતા. ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંકળાયેલા ધર્માનંદ કોસમ્બી મૂળ બ્રાહ્મણ હતા અને બૌદ્ધ ધર્મના ગહન અધ્યયન પછી એમણે પણ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. બૌદ્ધ ધર્મના ૨૫૦૦ વર્ષના ભારતવટા પછી ડો. બાબાસાહેબ આંબેડકરે એને પુનઃ ભારત પ્રવેશ કરાવ્યો.

હમણાં વડોદરામાં પ્રખર ઈતિહાસવિદ્દ અને સંઘ પરિવારની ઈતિહાસ પુનર્લેખન સમિતિની જવાબદારી સંભાળતા ડો. શરદ હેબાળકરને મળવાનું થયું ત્યારે એમણે કહેલા શબ્દોએ અમને ચોંકાવી દીધા હતાઃ ‘પૂર્વાંચલના રાજ્યોમાં કોઈ સ્વયંસેવક (સંઘના કાર્યકર)ના ઘરે જમવા જાઓ અને એ તમને ભોજનમાં બીફ (ગોમાંસ) ઓફર કરે તો આશ્ચર્ય નહીં પામતા.’ પ્રત્યેક રાજ્યની પ્રજાની ભોજનની પરંપરા હોય છે, એને આપણે ધર્મ સાથે જોડી દઈએ એ યોગ્ય નથી. વસુધૈવ કુટુમ્બકમમાં વિશ્વાસ ધરાવતો અને ચાવાર્કને પણ ઋષિ તરીકે સ્વીકારતો હિંદુ ધર્મ કેટકેટલું વૈવિધ્ય ધરાવે છે એ સમજ્યા વિના ઘણા લોકો ધર્મને એક જ લાકડીએ હાંકવાની કોશિશ કરે છે. સ્વામી વિવેકાનંદે પણ સારા હિંદુ ગણાવા માટે ગોમાંસ (બીફ) આરોગવાની પરંપરાનો ઉલ્લેખ કર્યો હોય ત્યારે ઉશ્કેરાઈ જવાને બદલે ગંભીરપણે વિચાર કરીને શાકાહાર પ્રચાર અભિયાનને વધુ સક્રિય કરવાની જરૂર ખરી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter