૬ એપ્રિલ, ૧૯૮૦ના રોજ સ્થપાયેલી ભારતીય જનતા પાર્ટી જોતજોતામાં ૩૭ની થઈ. સત્તા આગળ શાણપણ નકામું છે એ વાતને છેક ૧૯૫૧ના ઓક્ટોબરથી ચણા-મમરા ખાઈને પક્ષનું કામ કરનારા સંઘ-જનસંઘના નવા અવતાર એવા ભારતીય જનતા પક્ષના કાર્યકરોને સમજાઈ ચૂક્યું છે. સિદ્ધાંતોની વાતો અને આદર્શોનું આચરણ વિપક્ષે બેસવામાં જ સારું લાગે. બદલાયેલા યુગમાં ભાજપને લાગવા માંડ્યું છે કે સત્તાપ્રાપ્તિ એ જ માત્ર લક્ષ્ય હોવું ઘટે. ગાંધીજીની જેમ સાધનશુદ્ધિનો દુરાગ્રહ પણ હવે રહ્યો નથી કે સવારે બાહુબલિ ડી. પી. યાદવને પક્ષ પ્રવેશ પછી સાંજ ઢળતાં પહેલાં તગેડવા પડે. એ અટલ બિહારી વાજપેયીના ભાજપનો યુગ હતો, આજે નરેન્દ્ર મોદીના ભાજપનો યુગ છે.
લાલ કૃષ્ણ અડવાણીએ ક્યારેક ભવિષ્ય ભાખ્યું હતું કે ભાજપનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. આજે સત્તાપ્રાપ્તિ માટે કોંગ્રેસીજનો જ શું, કોમ્યુનિસ્ટો પણ ભગવી પાર્ટી ભણી આગેકૂચ કરે તો એમને સત્તા મેળવવામાં કામે લગાડીને પ્રધાનપદાંના સરપાવ આપવામાં જરાય સંકોચ કરવો નહીં. કારણ? સત્તાવિહોણાઓએ માત્ર મંજીરા વગાડવા પડે અને એવું જ કરવું હતું તો રાજકીય પક્ષમાં જોડાવાની જરૂર જ ક્યાં હતી!
બાકી રહેલા ગઢના કાંગરા ખેરવવાના છે
૯૨ વર્ષના નારાયણ દત્ત તિવારી સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહનું ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની વિધાનસભા ચૂંટણી પહેલાંનું સંવનન ફળ્યું તો હવે ૮૪ વર્ષના એસ. એમ. કૃષ્ણાએ કર્ણાટકમાં સેક્યુલર સેના સાથે છેડો ફાડીને ભગવી સેનાનો પંથ કબૂલ્યો છે. કેરળમાં માર્કસવાદી નેતા ગૌરી અમ્મા જીવનના નવ દાયકા પછી પણ ભાજપના ખભે ચડ્યાં અને તમિળનાડુમાં કોંગ્રેસના ચાણક્ય કે. કામરાજની જન્મજયંતી ઉજવવા ભાજપી સેના અગ્રક્રમે રહ્યા છતાં ઝાઝી બરકત ભલે ના મળી હોય, પાર્ટી વિથ અ ડિફરન્સના મિથને તોડવામાં મળેલી સફળતાએ મોદી-શાહની પાર્ટી ભણીનો ધસારો જરૂર વધાર્યો છે. હજુ ઘણા ડાબેરી નેતાઓમાં રાષ્ટ્રવાદ અને હિન્દુવાદની ચેતનાનો સંચાર કરીને પશ્ચિમ બંગાળ કે ત્રિપુરા કે પછી કેરળના વણતૂટેલા ગઢના કાંગરા ખેરવવાના છે.
ઘૃણા અને અવગણનાનો બદલો
ભાજપની માતૃસંસ્થા કોંગ્રેસ જ રહ્યા છતાં પંડિત જવાહરલાલ નેહરુ થકી સંઘ-જનસંઘ ભણી જે ઘૃણા અને અવગણનાનો ભાવ દાયકાઓ સુધી દર્શાવાતો રહ્યો, એમના પછીના એમના વંશજોએ પણ શાસક તરીકે એ જ ભાવ જાળવ્યો એટલે ભાજપ અને સંઘની વર્તમાન નેતાગીરીમાં ઇંટનો જવાબ પથ્થરથી વાળવાની બદલાની ભાવના જોવા મળે એ સ્વાભાવિક છે.
૧૯૨૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની સ્થાપના કરનાર ડો. કેશવ બલિરામ હેડગેવાર છેક ૧૯૩૭ સુધી કોંગ્રેસ સાથે રહ્યા, પણ એમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં વ્યક્તિગત રીતે ભાગ લઈને બે વાર જેલવાસ ભોગવ્યો, પણ સંઘને એ ચળવળમાં સહભાગી બનાવવાને બદલે દૂર રાખવાનું પસંદ કર્યું. વ્યક્તિગત રીતે સંઘ-સ્વયંસેવકો સ્વાતંત્ર્યસંગ્રામ સાથે જોડાયા અને એની મોકળાશ પણ ડોક્ટરજીએ આપી હતી. ૧૯૪૦માં એમના નિધન બાદ દ્વિતીય સરસંઘચાલક તરીકેની જવાબદારી સ્વીકારનાર માધવ સદાશિવ ગોળવળકરે (ગુરુજીએ) ગાંધીજીની હત્યાના પ્રકરણમાં ખૂબ બદનામ થવું પડ્યું અને જેલવાસ પણ ભોગવવો પડ્યો. કોંગ્રેસ ભણીની ઘૃણા વધુ બળવત્તર બની.
ઇન્દિરાજીની ઇમર્જન્સીમાં દ્વેષભાવ
પંડિત નેહરુ પછી વડા પ્રધાન બનેલા લાલ બહાદુર શાસ્ત્રીએ સંઘના સ્વયંસેવકો ભણી સાનુકૂળ વર્તન દાખવ્યું, પણ તાશ્કંદમાં એમના અણધાર્યા મૃત્યુ પછી નેહરુ-પુત્રી ઇન્દિરા ગાંધી વડાં પ્રધાન બનતાં ફરીને સંઘના સ્વયંસેવકોની કનડગત અને જેલવાસની પરંપરા શરૂ થઈ. તૃતીય સરસંઘચાલક બાળા સાહેબ દેવરસે આચાર્ય વિનોબાના માધ્યમથી વડાં પ્રધાન સાથે સમાધાનના પ્રયાસો આદર્યા છતાં સ્થિતિ ભાંગેલા મોતીને રેણ કરવા જેવી જ રહી.
કોંગ્રેસવિરોધી સંયુક્ત મોરચામાં સંઘ-જનસંઘ અને પછીથી ભાજપે સારું કાઠું કાઢ્યું. અંગત રીતે ઇન્દિરાજી સાથે સુમેળભર્યા સંબંધો ધરાવતા સંઘના ‘અધિકારીઓ’ શ્રીમતી ગાંધીના રાજકારણમાં ‘વ્હીપિંગ બોઇઝ’ બની રહ્યા. જોકે નેવુંના દાયકામાં ભાજપની રથયાત્રાઓના પ્રતાપે જનસહાનુભૂતિના પરિપાકરૂપ એ પ્રભાવ પાથરી શકવાની સ્થિતિએ પહોંચીને વાજપેયીને ૨૪ પક્ષોના મોરચાના વડા પ્રધાન બનાવવા સુધીના શુભ સમય સુધી પહોંચાડી શક્યો. અહીંથી મોદી બ્રાન્ડ રાજનીતિએ ભાજપને લોકસભાની મે ૨૦૧૪ની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી અપાવીને મિત્રો સાથે સરકાર રચવાની મોકળાશ કરી આપી.
કોંગ્રેસ અને વિપક્ષોનાં વળતાં પાણી
૨૯ ડિસેમ્બર ૧૯૮૦ના રોજ ભાજપના પ્રથમ અધિવેશનમાં જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા ‘ભાજપ જ એકમાત્ર વિકલ્પ’ નિહાળતાં સંબોધન કરી રહ્યા હતા ત્યારે એ અધિવેશનમાં સંવાદદાતા તરીકે આ લખનાર પણ ઉપસ્થિત હતો. ‘આઇ સી બિફોર મી ઇઝ બોમ્બેઝ એન્સર ટુ ઇન્દિરા’ કહેતા ચાગલા ઇન્દિરા ગાંધીની તાનાશાહી પ્રવૃત્તિ અને ડિરેક્ટર બનવાની ઝંખનાને પડકારવાની ક્ષમતા ભાજપમાં નિહાળતા હતા. રાજકારણ ખૂબ ઝડપથી બદલાય છે.
વડા પ્રધાન શ્રીમતી ગાંધીની ૧૯૮૪માં હત્યા થઈ અને એમના પુત્ર રાજીવ ગાંધીએ વડા પ્રધાન પદ સંભાળ્યા પછી ચૂંટણી લડી એમાં સહાનુભૂતિનું મોજું એમને પક્ષે હતું. ભાજપ માત્ર બે બેઠકો જીતી શક્યો. જોકે હાર-જીતને સમાનભાવે પચાવતા સંઘ-જનસંઘ-ભાજપના કાર્યકરોએ કરોળિયાને આદર્શ માનીને મંડ્યા રહેવામાં જ શ્રેય લેખ્યું. અટલજી વડા પ્રધાન બન્યા, પણ એ પછીની બે ચૂંટણીમાં એટલે કે ૨૦૦૪ અને ૨૦૦૯માં વડા પ્રધાન થવાનું અડવાણીનું સ્વપ્ન રોળાયું. બધાને આઘા હડસેલીને મે ૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભવ્ય બહુમતી સાથે દિલ્હીમાં આરૂઢ થયા. એ પછી તો વિજયપતાકા લહેરાવા માંડી. ક્યાંક બિહાર, દિલ્હી, પશ્ચિમ બંગાળ, તમિળનાડુ, કેરળ કે પંજાબમાં પરાજય ખમવો પડ્યો, પણ એકંદરે આગેકૂચ ચાલુ રહી. ઉત્તર પ્રદેશ - ઉત્તરાખંડ ઉપરાંત ગોવા-મણિપુર અંકે કરી લીધા પછી કોંગ્રેસને સદ્ગત કરવાના એમના સ્વપ્નને ગાંધીના નામના વાઘા ચડાવીને પેશ કરાય છે. ગુજરાતના વારો છે. કર્ણાટક અંકે કરવાનું છે. બીજા રાજ્યોમાં પણ ભાજપ પુનઃ સત્તામાં આવે એવાં આગોતરા આયોજન કરવાનાં છે.
અટલજીના એ શબ્દોનું સ્મરણ
મુંબઈના એ પહેલા અધિવેશનમાં વાંદરા રેકલેમેશનમાં સજાવાયેલા સમતાનગરમાં પ્રથમ અધ્યક્ષ અટલ બિહારી વાજપેયીના એ શબ્દોનું સહજ સ્મરણ થઈ આવે છે, વર્તમાન ઘણો નોખો હોવા છતાં ઐતિહાસિક તથ્યના ભાગરૂપે. ‘ભારતીય જનતા પક્ષ રાજનીતિમાં, રાજકીય પક્ષોમાં તથા રાજનેતાઓમાં પ્રજાએ ગુમાવી દીધેલા વિશ્વાસને પુનઃ પ્રાપ્ત કરવા જમીન પર પગ ખોડીને રાજનીતિ કરશે. ઉપરની રાજનીતિ (હાઇકમાન્ડ)ના દિવસો હવે ભરાઈ ગયા છે. જોડ-તોડના રાજકારણનું હવે કોઈ ભવિષ્ય રહ્યું નથી. પદ, પૈસા અને પ્રતિષ્ઠા પાછળ ઘેલા લોકોની અમારે ત્યાં કોઈ જગ્યા નથી. જેમનામાં આત્મસ્વમાનનો અભાવ હોય તેઓ દરબારમાં જઈને મુઝરો કરે. અમે તો એક હાથમાં ભારતનું બંધારણ અને બીજામાં સમતાનું નિશાન લઈને મેદાનમાં સંઘર્ષરત રહીશું. અમે છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈશું. સામાજિક સમતાનું બ્યૂગલ વગાડનાર મહાત્મા ફૂલે અમારા પથ-પ્રદર્શક હશે.’ આજે અટલજીના આ શબ્દો કેવા રૂડારૂપાળા લાગે છે!
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)