ચૂંટણી પૂર્વે મુલાયમ પાર્ટીને પાનો ચડાવતી યાદવાસ્થળી

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 26th October 2016 08:20 EDT
 
 

ભગવાન શ્રીકૃષ્ણના નામ સાથે સંકળાયેલી યાદવોની યાદવાસ્થળી સ્વનાશ નોતરે એવું ભલે મનાતું હોય, ઉત્તર પ્રદેશમાં સત્તાધારી પક્ષ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમ સિંહ યાદવના મુખ્ય પ્રધાનપુત્ર અખિલેશ યાદવ અને પક્ષના પ્રદેશપ્રમુખ તથા સગા ભાઈ શિવપાલ યાદવ વચ્ચેના સંઘર્ષમાં ત્રીજો ફાવી જાય એવા ન્યાયે ભારતીય જનતા પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી બેઉ સત્તા માટે ટાંપીને બેઠાં છે.

લોકસભાની છેલ્લી ચૂંટણીમાં ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકોમાંથી ૭૩ બેઠકો મેળવીને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં સરકાર રચવા કૃતસંકલ્પ ભાજપને સફળતા મળી હતી એટલે હવે વર્ષ ૨૦૧૭ની શરૂઆતમાં લખનઊમાં પણ કમળ ખીલે અને ૪૦૪ બેઠકોવાળી વિધાનસભામાં ૩૦૦ બેઠકો મેળવવાના સંકલ્પ સાથે ભગવી પાર્ટી આગળ વધી રહી છે. છેલ્લા બે વર્ષમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૧૫૦ વખત ઉત્તર પ્રદેશની મુલાકાત લઈ ચૂક્યા છે.

પક્ષના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારો ઘણા છે, પણ એમને યેનકેન પ્રકારણે ટાઢા પાડી રહ્યા છે. નવા પ્રદેશાધ્યક્ષ તરીકે કેશવપ્રસાદ મૌર્યને આગળ કરીને યાદવ પાર્ટીને ઓબીસી વોટબેંકમાં ટક્કર આપવા ઉપરાંત સમગ્ર સંઘ પરિવારને કામે લગાડવામાં આવ્યો છે.

ફાચર મારવા સક્ષમ કોણ?

આગામી માર્ચ-એપ્રિલ સુધીમાં લખનઊમાં ભાજપની સરકાર સ્થાપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ વારંવાર પ્રદેશની મુલાકાતો લઈને જનઆકાંક્ષાઓની પૂર્તિ માટે દિલ્હીની કેન્દ્ર સરકારને અનુકૂળ સરકાર સ્થાપવા મતદારોને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે ઉત્તર પ્રદેશનો મતદાર ખાસ્સો પરિપક્વ છે. અકળ છે. ૮૦માંથી ૭૩ બેઠકો ભાજપને આપ્યા પછી પણ મતદાર બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીની પાછળ ઉમટી રહ્યાના સંકેત આપે છે. કોંગ્રેસ પણ પ્રશાંત કિશોરની કીમિયાગિરીની બિહાર-ગુજરાત કવાયત અજમાવીને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની નેતાગીરીની ડૂબતી નૈયાને વૈતરણી પાર કરાવવા કૃતસંકલ્પ છે.

વડા પ્રધાન મોદી અને અમિત શાહે ભાજપની વિકાસ કેસેટ વગાડવાને બદલે શ્રીરામ મંદિર બાંધવા પૂર્વે શ્રીરામના મ્યુઝિયમ, સમાન નાગરી ધારાના અમલ અને સર્જીકલ સ્ટ્રાઈક અંગે ગાજવીજ કરવા માંડી છે. આને લોલીપોપ ગણાવવાનું વિશ્વ હિંદુ પરિષદમાંથી ભાજપના સાંસદ થયેલા વિનય કટિયારે જ પસંદ કર્યું. દિલ્હીશ્વરના દબાણ પછી સ્પષ્ટતા કરવા જતાં ય ગેંગેફેંફે થઈ.

વિહિંપની ભૂમિકા તો સ્પષ્ટ છે કે છેક ૧૯૮૯થી ભાજપ કહે છે કે સંસદમાં બહુમતી મળે એટલે કાયદો બનાવીને સોમનાથની ભૂમિકા પર અયોધ્યામાં રામમંદિર બાંધીશું. શિવ સેના ભાજપનો મિત્ર પક્ષ છે. એના સુપ્રીમો ઉદ્ધવ બાળ ઠાકરે તો ગર્જના કરે છે કે ભાજપ અયોધ્યામાં રામમંદિરના મુદ્દે મૂરખ બનાવે છે. ભાજપવાળા કહે છે કે મંદિર વહીં બનાયેંગે, મગર કબ વહ તારીખ નહીં બતાયેંગે. વિહિંપના સુપ્રીમો ડો. પ્રવીણ તોગડિયાને લાગે છે કે ભાજપને લોકસભામાં બહુમતી મળ્યાને અઢી વર્ષ વીતી ગયાં અને શ્રી રામ મંદિર બાંધવાનું હજુ યાદ કેમ ના આવ્યું? લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક બોલાવીને મંદિરના નિર્માણનો નિર્ણય કરવા કાયદો બનાવી શકાય છે. એટલું જ નહીં, મોદી સરકાર કેબિનેટમાં પણ એ નિર્ણય કરી શકે છે.

મુસ્લિમો માયાવતીની ઝોળીમાં

ઉત્તર પ્રદેશમાં ૨૨ ટકા દલિત મત છે. ૧૮ ટકા મુસ્લિમ છે. માયાવતીએ દલિતો અને બ્રાહ્મણોના જોડાણ ઉપરાંત આ વખતે સૌથી વધુ બેઠકો પર મુસ્લિમોને ટિકિટ આપી છે એટલે મદાર મુસ્લિમ વોટબેંક પર છે. ભાજપની ચિંતા વધારનારું આ પરિબળ છે. ગુજરાતના ઉનાકાંડને સંસદમાં ગજવીને માયાવતીએ કેન્દ્ર સરકાર થકી ડો. બાબાસાહેબ આંબેડકરની સવા શતાબ્દીની વર્ષભર કરેલી ઊજવણીની હવા કાઢી નાંખ્યા પછી ઉત્તર પ્રદેશમાં ભાજપી વ્યૂહમાં સતત પરિવર્તન કરવા પડી રહ્યાં છે.

કોઈ ભાજપી નેતાને મુખ્ય પ્રધાન પદ માટે આગળ કરવાનું માંડી વાળવું પડ્યું છે કારણ કેન્દ્રના ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, ગોરખપુરના સાંસદ મહંત આદિત્યનાથ, મેનકા-પુત્ર ભાજપી સાંસદ ફિરોઝ વરુણ ગાંધી, ભાજપના પ્રદેશાધ્યક્ષ કેશવ પ્રસાદ સહિતના અનેક નેતા આકાંક્ષી છે. ભાજપ જેમ બહુજન સમાજ પાર્ટીની ટિકિટ નકારાયેલા નેતાઓને પક્ષમાં પ્રવેશ આપે છે કે પછી કોંગ્રેસમાંથી અસંતુષ્ટોને ભગવો ખેસ પહેરાવે છે એ જ રીતે ચૂંટણી નજીક આવતાં ભાજપના અસંતુષ્ટો પણ બિહારની ચૂંટણી વખતે થયું હતું એમ જ સામી છાવણી ભણી ગતિ કરવા માંડશે.

મુલાયમ છાવણીમાં ભાજપ થકી તણખા

સત્તારૂઢ સમાજવાદી પાર્ટીના યાદવ પરિવારના ૬૦ જેટલાં સભ્યો સાંસદ, પ્રધાન, અધ્યક્ષ કે અન્ય હોદ્દે બિરાજમાન છે. ડો. રામમનોહર લોહિયાના સાથી રહેલા મુલાયમે ૨૫ વર્ષ પૂર્વે સમાજવાદી પાર્ટીની સ્થાપના કરી ત્યારથી એની ચડતી-પડતીમાં યાદવ પરિવારને તેઓ સંગઠિત રાખી સક્યા છે. હવે યાદવ પરિવારમાં જ તલવારો ખેંચાઈ છે. મુલાયમના પિતરાઈ રામગોપાલ યાદવ રાજ્યસભાના સાંસદ છે. એમની ભાજપી નેતાઓ સાથેની મુલાકાતો અને મુલાયમના સગા ભાઈ શિવપાલ સાથેની મુખ્ય પ્રધાન અખિલેશની મુલાકાતમાં અલગ પક્ષ રચવાની કરાયેલી વાતો ભડકો કર્યો છે.

મુલાયમ ૧૩ વર્ષની વયે જેલવાસી થયા હતા. ઈંદિરા ગાંધી સાથે સંઘર્ષરત રહ્યા. ત્રણ-ત્રણ વાર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન રહ્યા અને દેશના સંરક્ષણ પ્રધાન પણ રહ્યા. ૭૬ વર્ષના મુલાયમને પેટ જ પડકારી રહ્યું છે. એની પાછળ ભાજપ થકી મૂકાયેલી સુરંગો જવાબદાર લેખાય છે. જોકે ખુલ્લંખુલા યાદવાસ્થળી ચાલતી હોવા છતાં મુલાયમ ઘીના ઠામમાં ઘી પડ્યું રહે એની વેતરણમાં છે. અને એટલે જ તેમના મુખ્ય પ્રધાન પુત્ર અખિલેશે સરકારમાંથી તગેડેલા શિવપાલને પ્રદેશમાં પક્ષ ચલાવવાનું અને અખિલેશને સરકાર ચલાવવાનું ફરમાવ્યાની સાથે જ પોતાના ઉત્તરાધિકારી તરીકે અખિલેશને જાહેર કર્યો છે. મુલાયમ ખરતું પાન છે. અખિલેશ હજુ યુવા લોહી છે. ભાજપના મોદી-અમિત શાહ સાથે રહીને સત્તાકારણ ખેલી શકાય એવી એમની ગણતરી હોઈ શકે. મુલાયમને તો વડા પ્રધાન થવાની તક હતી ત્યારે પણ એમણે સમાધાન નહીં કરતાં હોઠ અને પ્યાલા વચ્ચેના અંતરે એ તક ગુમાવી હતી.

ખલનાયક કોણ - અપરમા કે અમરસિંહ?

સમાજવાદી નેતા મુલાયમ સિંહના પત્ની માલતી દેવીનું ૨૦૦૩માં અવસાન થયું ત્યાં લગી ભાગ્યે જ કોઈને જાણ હતી કે મુલાયમનાં બીજાં પત્ની સાધના ગુપ્તાથી એમને ૧૯૮૮માં પ્રતીક યાદવ નામનો દીકરો જન્મ્યો હતો. સાધના ગુપ્તા સમાજવાદી પાર્ટીનાં કાર્યકર હતાં. મુલાયમના પત્નીના અવસાન પછી એમના મિત્ર અમરસિંહ મારફત સાધના દેવીને પત્ની તરીકે સ્વીકારવા દબાણ થવા લાગ્યું અને ગેરકાયદે સંપત્તિના ખટલાઓમાં ફસાયેલા મુલાયમે ૨૦૦૭માં સુપ્રીમમાં સાધના ગુપ્તા અને પ્રતીકને અનુક્રમે પત્ની અને પુત્ર તરીકે સ્વીકાર્યાં હતાં. ત્યાં લગી ૧૯૭૩માં માલતી દેવીથી જન્મેલો અખિલેશ જ એમનો એકમાત્ર પુત્ર હોવાનું જણાવાતું હતું.

તાજેતરની સમગ્ર કવાયતમાં સાધના દેવી અને પ્રતીક યાદવને પણ અધિકાર મળે એ માટેની આક્રમકતા પણ બહાર આવી છે. અખિલેશના પત્ની ડિમ્પલ લોકસભાના સભ્ય છે તો પ્રતીકનાં પત્ની અપર્ણાને પણ લોકસભે મોકલવાનો ગત ચૂંટણીમાં આગ્રહ થયો હતો. જોકે આગામી વિધાનસભા ચૂંટણીમાં તેમને લખનઊની ટિકિટ અપાઈ છે. કવાયતમાં અમર સિંહ અને અપરમા બેઉ સાથે જ સગ્ગા કાકા શિવપાલ પણ ખલનાયક હોય એવું મુખ્ય પ્રધાન અખિલેશને લાગે છે. જોકે આ સમગ્ર યાદવાસ્થળીને પ્રતાપે લાભ કયા પક્ષને થશે એ કહેવું મુશ્કેલ છે, પણ સમાજવાદી પાર્ટીની આક્રમકતા જરૂરી વધી છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter