આનંદીબહેન પટેલની સરકાર સામે આક્રોશનું આભ ફાટ્યું હોય ત્યાં થાગડથીગડને બદલે મહાશસ્ત્રક્રિયા કરીને જનાક્રોશ ખાળવા માટે સંઘ પરિવાર અને ભાજપી સંગઠનના મિલનસાર લેખાતા કુશળ કાઠિયાવાડી જૈન અગ્રણી વિજય રૂપાણીને અનુગામી બનાવાયાના સંકેતો સ્પષ્ટ છે. ૭૫ વર્ષની વયમર્યાદાનું તો નર્યું બહાનું હતું, બાકી આજેય મોદી સરકારમાં ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ નેતા કલરાજ મિશ્ર હજુ અકબંધ છે જ ને? બહેને અદભૂત કામ કર્યાંના ગુણગાન થયાં પણ આવતી ચૂંટણીમાં ‘સ્ટબર્ન’ રાજનેતા એવાં બહેનનું નેતૃત્વ ભાજપને ઘરભેગો કરીને વડા પ્રધાન મોદી અને પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને માટે નાલેશીભરી હાર અંકે કરાવી લેવાનું નિમિત્ત બનશે, એવું લાગતાં જ મહા-ઓપરેશન હાથ ધરાયું.
અપેક્ષાઓની પૂર્તિમાં હોઠ અને પ્યાલાનાં અંતર
ગુજરાતમાં જૈન અગ્રણીને મુખ્ય પ્રધાન બનાવાય અને સાથે જ પ્રધાનમંડળમાં સર્વ જ્ઞાતિ - પ્રદેશનું સંતુલિત પ્રતિનિધિત્વ અપાય એવું ગોઠવવાની સાથે જ જે પ્રદેશ કે સમાજ પ્રધાનમંડળમાં પ્રતિનિધિત્વ પામી શક્યા નહીં, એમને સંસદીય સચિવોની વરણીમાં સ્થાન અપાયું. નીતિન પટેલ અને બીજા પાટીદારોને પણ મલાઈદાર ખાતાં અપાયાં. જેમણે પ્રદેશ ભાજપના હોદ્દે જવાની આનાકાની કરી એવા શંકરભાઈ ચૌધરીને કેબિનેટ કક્ષાનું પ્રધાનપદ અને ગૃહ રાજ્યપ્રધાનનો હોદ્દો હોઠ અને પ્યાલા વચ્ચેના અંતરે રહી ગયો. એમને રાજ્ય કક્ષાના પ્રધાન બનાવાયા, પણ ત્રણ-ત્રણ ખાતાંનો સ્વતંત્ર હવાલો અપાયો.
‘મિશન ૨૦૧૭’ ને પાર પાડવામાં અત્યારના તમામ ભાજપી ધારાસભ્યોને રાજી રાખવાની વૈષ્ણવ વાણિયા એવા અમિત શાહ અને એમના ‘બોસ’ નરેન્દ્ર મોદીની કુનેહ છતાં ચૂંટણી નજીક આવતી થશે ત્યારે ભાજપી વાડામાંથી કેટલાંક ધારાસભ્યો જૂના સંઘી-ભાજપી અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર જાહેર થનારા શંકરસિંહ વાઘેલાના વાડા ભણી ગતિ તો જરૂર કરી શકે.
મોદીયુગમાં ભાજપ જીતતી રહી ભલે હોય, પણ બેઠકોની સંખ્યા ઘટતી રહી છે. જોકે વડા પ્રધાન અને ભાજપના સર્વોચ્ચ નેતા મોદીએ નારો ભલે ‘કોંગ્રેસમુક્ત ભારત’નો આપ્યો હોય, ભાજપને તો ‘કોંગ્રેસયુક્ત ભાજપ’ કરીને સત્તા સુધી પહોંચાડવાની કવાયતમાં તેઓ સફળ રહ્યા છે. આવતા દિવસોમાં પણ સામા પક્ષેથી કયા કયા પ્રભાવી નેતાઓ કે નારાજ નેતાઓને પોતાના એન્ટેનામાં લઈને ભાજપ સાથે જોડી શકે એ કહેવું જરા મુશ્કેલ છે. પ્રજા તો બિચારી નારાઓથી પ્રભાવિત થઈને કે સોનેરી સ્વપ્નોથી અંજાઈને ભોળાભાવે છેતરાવા બેઠી જ છે. પાંચ વર્ષ સુધી તો એને નામે વહીવટ થશે, ગર્જનાઓ થશે અને પાંચ વર્ષ પછીનાં ગતકડાં કાંઈક નવા શોધી લવાશે. પ્રશાંત કિશોર જેવા ચાણક્યોનો ભારતની ભોમકામાં ક્યાં તોટો છે?
હિંદુ પાર્ટી વિરુદ્ધ મુસ્લિમ પાર્ટીની છબિ
મોદી ફોર્મ્યુલામાં જૂના અને બદનામ સાથીઓને તડકે મૂકીને નવા વછેરાઓને મેદાનમાં ઉતારવાની વ્યૂહરચના અત્યાર લગી કામ લાગી છે. ૨૦૧૭ની ચૂંટણીમાં આપત્તિને અવસરમાં ફેરવી નાંખવાનું શક્ય બનશે કે કેમ એ કહેવું મુશ્કેલ છે. જોકે સામે પક્ષે અમ્મા કનેથી રાહુલબાબા કોંગ્રેસ પક્ષનો અખત્યાર સંભાળી લે એ પછી પણ અહમદ પટેલની છત્રછાયામાંથી ગુજરાત કોંગ્રેસ બહાર નીકળી શકે તો શંકરસિંહ વાઘેલાની સેના દૈવત દાખવી શકે. અન્યથા કોંગ્રેસ ગમે તેટલા ઉધામા મારે તો પણ એ ગુજરાતમાં તો ‘મુસ્લિમ પાર્ટી’ તરીકે જ ‘હિંદુ પાર્ટી’ ભાજપની સામે ટકવી મુશ્કેલ છે. ગુજરાત કોંગ્રેસને અહમદ પટેલ જ નર્તન કરાવે અને ઉમેદવાર નિર્ધારણ પણ એમના રિમોટ મુજબ જ થાય તો વાઘેલાના વાઘા ઉતારવાનું ભાજપવાળાઓ માટે અશક્ય નથી.
વિજય રૂપાણી અત્યારે ભલે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના મુખવટા તરીકે ગાદીએ બેઠા હોય, એક વાર ગાદીએ બેઠા પછી મુખ્ય પ્રધાન પોતાનું કાઠું કાઢે નહીં તો એ રાજકારણમાં પતી જાય. માધવસિંહના કહ્યાગરા તરીકે અમરસિંહ એક વાર ગાદીએ બેઠા પછી માધવસિંહની મૂંઝવણો પણ વધારી શક્યા હતા. માધવસિંહ ફરી મુખ્ય પ્રધાન તરીકે તમામ અધિકારો સાથે આવ્યા અને પક્ષને પતાવીને ગયા હતા. એક સમયે ૧૮૨ બેઠકોમાંથી ૧૪૯ ધારાસભ્યો ચૂંટાવી લાવવામાં સફળ રહેલા માધવસિંહ અને એમણે અમલમાં મૂકેલી ઝીણાભાઈ દરજીવાળી ‘ખામ’ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ)ની થિયરી કોંગ્રેસ કને હતી, પણ ૧૯૮૪ અને ૧૯૯૦ વચ્ચે જમીન આસમાનનું અંતર વર્તાઈ ગયું હતું.
માધવસિંહથી શંકરસિંહ લગી
માધવસિંહ અત્યારે નેવુંનાં થયા છે. એમના વારસ ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખના હોદ્દે છે અને થોડીક નાદુરસ્ત તબિયતે પણ મુખ્ય પ્રધાન થવાના અભરખા એમને સતાવે છે. અહમદ-દુઆવાળા શક્તિસિંહ ગોહિલ કે અર્જુન મોઢવાડિયાની દાઢ પણ મુખ્ય પ્રધાન પદ માટે સળકે ખરી. પાટીદાર આંદોલનગ્રસ્ત ગુજરાતમાં કોંગ્રેસ પાસે ચીમનભાઈના રાજકીય વારસ સિદ્ધાર્થ પટેલ છે, પણ એ ભલા માણસોની શ્રેણીમાં આવે. આવા સંજોગોમાં શંકરસિંહ વાઘેલાની ઉમેદવારી સામે પક્ષમાંથી કોઈ કાળોતરો બનીને અપશુકન ના કરે તો અત્યારે ૨૩ (૩૩માંથી) જિલ્લા પંચાયતો અને ૧૫૦ કરતાં વધુ નગરપાલિકાઓ પર શાસન કરતી કોંગ્રેસને વિધાનસભામાં બહુમતી મળવાના સંજોગો ખરા.
જોકે અહીં પણ ભાજપની તુલનામાં પક્ષના કાર્યકરોની કેડર અને ધનના ઢગલાની બાબતમાં કોંગ્રેસ થોડીઘણી ઊણી ઉતરે, પણ ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ભાજપને ઝાઝી આશા નથી એવા સંજોગોમાં મોદી - અમિતની જુગલબંધીને લપડાક મારી શકાય. કમનસીબે કોંગ્રેસનું માળખું બોદું છે. શંકરસિંહ ભાજપી ગઢમાં ગાબડાં પાડે અને વિશ્વ હિંદુ પરિષદના સુપ્રીમ ડો. પ્રવીણ તોગડિયા ભલે ગુજરાત મોડેલને બોગસ લેખાવતા હોય, પણ અંતે તો સંઘ પરિવાર ભાજપને જ ટેકો કરે.
રાજકારણમાં ઘણું બધું ઓઝલમાં
વિજય રૂપાણી અને નીતિન પટેલની જોડી મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન તરીકે વિધાનસભાની ચૂંટણીમાં નેતૃત્વ પૂરું પાડે એવી અપેક્ષા કરીએ. ચૂંટણી પૂર્વે કે પછી અમિત શાહને મુખ્ય પ્રધાન પદનું સુકાન સોંપાય તેવી અત્યારથી આરંભાયેલી ચર્ચા ભાજપને એકંદરે નુકસાન કરી શકે. અમિતભાઈ સાંસદ બનીને રાજ્યસભે કે લોકસભે જઈ રાષ્ટ્રની સેવામાં મોદી સરકારમાં જોડાય એ વધુ આવકાર્ય લેખાશે. ત્યાં રહીને પણ ગુજરાતમાં ભાજપને વિજયી બનાવી શકાય છે. જોકે રાજકારણ જે બાબતોને પ્રજાની સામે લાવે છે એના કરતાં વધુ બાબતોને ઓઝલમાં રાખે છે. ગુજરાતમાં નવી સરકારની રચનામાં જે રીતે બાજીનાં પત્તાં ચીપવામાં આવ્યાં છે. એ જોતાં વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી માટેના ફંડિંગની વ્યવસ્થાનો પણ વિશેષ ખ્યાલ કરાયો છે. અંતે રાજકારણમાં કોઈ મંજીરા વગાડવા માટે તો આવતું નથી.
બોસ અને સર્વમિત્ર વચ્ચે ભેદ
પ્રધાનોની પસંદગીની બાબતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જે કંઈ નિર્ણય કર્યો હોય એ યોગ્ય જ ગણવો પડે કારણ પક્ષની અંદરની માહોલ અને પ્રજાને કેવો સંદેશ આપવો છે એ તેઓ સુપેરે જાણે. જૂના જોગી ઓછા છે, પણ પ્રભાવી છે. વિજયભાઈએ ભલે કેબિનેટ પ્રધાન તરીકે ઓછો સમય કામ કર્યું હોય, એ મિલનસાર સ્વભાવના છે. દરેક વ્યક્તિ કાંઈ ન.મો. ના થઈ શકે. મુખ્ય પ્રધાન ‘બોસ’ થઈને પ્રજા સમક્ષ જાય છે કે પછી સર્વમિત્ર તરીકે એ ખૂબ મહત્ત્વનો ફરક પાડે છે. લાંબા જોડે ટૂંકો જાય તો મરે નહીં તો માંદો થાય. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષણ ઉપરાંત મહેસૂલ અને સંસદીય બાબતો આપીને સાચવી લેવાયા છે. રમણલાલ વોરા અને મંગુભાઈ પટેલને પ્રધાનમંડળને બદલે અન્યત્ર સમાવાય અને જવાબદારી અપાય એની પાછળનાં ગણિત હોઈ શકે. સૌરભ પટેલને અન્યત્ર સવિશેષ જવાબદારી અપાશે. આ લખાય છે ત્યાં લગી પ્રદેશ ભાજપના અધ્યક્ષનું નામ જાહેર થયું નથી, પણ ભાજપ અને સંઘ પરિવારનો ઘોડો વિનમાં જરૂર છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)