વડા પ્રધાન નરેન્દ્ર મોદી હમણાં ઢાકા જઈ આવ્યા. બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીના સાથે મળીને બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં નવી વસંત લાવવાની કોશિષ કરી હોય એવું સંયુક્ત નિવેદન વાંચતાં લાગ્યા વિના રહેતું નથી. છેક ૧૯૭૪માં એટલે કે ૪૧ વર્ષ પહેલાં તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધી અને બાંગ્લાદેશના એ વેળાના શાસક મુજીબ-ઉર-રહેમાન (બંગબંધુ) વચ્ચે બન્ને દેશોની એન્ક્લેવ - વસાહતોના આદાનપ્રદાનના થયેલા કરારને વડા પ્રધાન મોદી અને બંગબંધુનાં દીકરી શેખ હસીનાએ ઢાકામાં અમલી બનાવ્યો. ભારતના ૧૧૧ ગામની ૧૭,૧૬૦ એકર જમીનના સાટામાં બાંગ્લાદેશ ભારતને ૫૧ ગામની ૭૧૧૦ એકર જમીનની સોંપણી આવતા એક વર્ષમાં કરશે. આ કરારથી ૫૦ હજારથી વધુ લોકોની નાગરિકતાની સમસ્યાનો ઉકેલ આવશે. છોગામાં ભારત તરફથી બાંગ્લાદેશને બે બિલિયન ડોલરની આર્થિક સહાય આપીને ખુશખુશાલ કરી દેવાનું પસંદ કર્યું.
સામે પક્ષે બાંગ્લાદેશ તરફથી ભારતના પૂર્વ વડા પ્રધાન અને ૧૯૭૧માં બાંગ્લાદેશના મુક્તિસંગ્રામને ટેકો આપનાર જનસંઘ-ભાજપના નેતાને બાંગ્લાદેશ મુક્તિ જંગ સન્માનથી નવાજવામાં આવ્યા. મોદીએ અટલજી વતી એ સન્માનનો સ્વીકાર કર્યો. અટલજી અને પોતાને વિશે વાતો કરી, પણ એકેય વાર એ વેળાનાં વડાં પ્રધાન ઈંદિરાજીને યથોચિત અંજલિ આપવાનું પસંદ ના કર્યું. બે દિવસની મોદીની ઢાકા મુલાકાત બંને દેશો વચ્ચેના સમધુર સંબંધોને મજબૂત કરીને નોબેલ પારિતોષિક મેળવવા ભણીની કવાયત હોય એવું વધુ લાગ્યું. વડા પ્રધાનની વેબસાઈટ પર બંગબંધુ કન્વેન્શન સેન્ટરમાં તેમણે આપેલા લાંબા પ્રવચનની શબ્દશઃ નોંધમાં નોબેલ પારિતોષિકનો ઉલ્લેખ આવે છે! બાંગ્લાદેશનાં પૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝિયાને વડા પ્રધાન મોદી મળ્યા ખરા, પણ એની ઝાઝી નોંધ ના લેવાઈ.
સપ્ટેમ્બર ૨૦૧૧માં તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહ બાંગ્લાદેશના પ્રવાસે ગયા ત્યારે એમની સાથે જોડાવાનો સાફ ઈનકાર કરનારાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આ વખતે વડા પ્રધાન મોદી સાથે ઢાકા મુલાકાતમાં જોડાયાં. મોદી વિદેશો સાથેના સંબંધો સુધારવાના અભિયાનમાં પણ ઘરઆંગણાના રાજકારણને કેન્દ્રસ્થાને રાખતા હોવાનું અહીં જોવા મળે છે.
હિંદીમાં બોલવાનું હોય ત્યારે મોદી બરાબર ખીલે છે. રાજદ્વારી મુલાકાતોની સંયમી ભાષા હજુ એમને ગોઠતી નથી. એમના પ્રવચનમાં વડનગરથી દિલ્હી સુધી બાંગ્લાદેશના ટેકાના સત્યાગ્રહના સત્યાગ્રહીની કથા પણ આવે અને પોતે એ વેળા જનસંઘના સભ્ય નહીં હોવા છતાં અટલજીના નેતૃત્વમાં જનસંઘે કરેલા સત્યાગ્રહમાં જોડાયાની વાતથી લઈને છેક ૧૯૯૮માં પોતે રાજકીય કાર્યકર્તા બન્યાની વાત પણ એ છેડે છેઃ
‘એક બાત જો શાયદ મૈંને પહલે કભી બતાઈ નહીં હૈ વો મુઝે આજ બતાતે હુએ જરા ગર્વ હોતા હૈ. મૈં રાજનીતિક જીવનમેં તો બહુત દેર સે આયા. ’૯૮ કે આખિરી-આખિરી કાલખંડ મેં આયા. (ઢાકામાં વડા પ્રધાન તરીકે નરેન્દ્રભાઈ વાત કરી રહ્યા હોય ત્યારે માર્ચ ૧૯૯૫માં ભાજપી મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના સમયગાળામાં એમની ભાજપી જવાબદારીને વીસારે પાડતા લાગે છે!) બાંગ્લાદેશે ‘બંગબંધુ સેટેલાઈટ’ છોડવાની વાત કરી તો ‘પાસ-પાસ કરતાં સાથ-સાથ’ની અનુભૂતિ કરતાં વડા પ્રધાન મોદીએ ૨૦૧૬માં ‘સાર્ક સેટેલાઈટ’ છોડવાની વાત કરી. બાંગ્લાદેશના મહિલા સશક્તિકરણ પર મોદી વારી જાય છે. એ કહે છેઃ ‘યહાં કે પુરુષોં કો કભી ઈર્ષ્યા આતી હોગી કિ પ્રધાનમંત્રી (શેખ હસીના), મહિલા સ્પીકર (ડો. શિરીન ચૌધરી), મહિલા વિપક્ષ કી નેતા (રોશન ઈર્શાદ), મહિલા ઓપોઝિશન પાર્ટી કી લીડર (ખાલેદા ઝિયા) મહિલા હૈ ઔર યહાં કી પ્રો-વાઈસ ચાન્સેલર મહિલા - યે સુનકર કે ગર્વ હોતા હૈ...’ ‘મુઝે ખુશી કી બાત હૈ કિ બાંગ્લાદેશ કી પ્રધાનમંત્રી મહિલા હોને કે બાવજૂદ ભી ડંકે કી ચોટ પર કહ રહી હૈ કિ ટેરરિઝમ કે સંબંધ મેં મેરા ઝીરો ટોલરન્સ હૈ...’ ‘યુએન સિક્યોરિટી કાઉન્સિલ મેં અભી ભી હિંદુસ્તાન કો જગહ નહીં મિલી હૈ. પરમેનેન્ટ મેમ્બરશિપ નહીં મિલ રહી હૈ...’ બન્ને દેશોમાં શાંતિના જતન માટે મોદીએ ગૌતમ બુદ્ધનો આલાપ ચાલુ રાખ્યો અને બાંગ્લાદેશમાં બુદ્ધિસ્ટો પર અત્યાચાર થતા હોવા છતાં સરકારી ધોરણે બુદ્ધિસ્ટ સર્કિટ શરૂ કરવાની વાત થઈ.
બાંગ્લાદેશનો માલ ભારતમાં વેચાય એવું અપેક્ષિત માનનાર વડા પ્રધાન મોદી બાંગ્લાદેશમાં રિલાયન્સ અને અદાણીનાં વીજઉત્પાદક એકમો સ્થાપવાના કરાર પણ કરે છે. વિદાય થતાં પૂર્વે એ કહે છેઃ ‘ખુશી કી બાત હૈ કી આપકે પ્રધાનમંત્રીજી ઔર મેરી સોચ પરફેક્ટલી મેચ હોતી હૈ. હમારે દિમાગ મેં એક હી વિષય હૈ - વિકાસ, વિકાસ, વિકાસ. ઉનકે દિમાગ મેં ભી એક હી વિષય હૈ - વિકાસ, વિકાસ, વિકાસ.’ સોનાર બાંગ્લાથી એ પ્રભાવિત છે.
વડાં પ્રધાન શેખ હસીનાને ભારત આવવાનું નિમંત્રણ આપવાની સાથે જ મોદી ફરીને બાંગ્લાદેશની મુલાકાત લેવાની ઈચ્છા પણ જાહેર કરી દે છે. આરોંગની મુલાકાત લેવી છે. નોઆખલી જઈને મહાત્મા ગાંધીના મ્યુઝિયમને, બાપુના આશ્રમને જોવા છે. કુટિબાડી અને ઠાકુરબાડી જવું છે. મોદી બાંગ્લાદેશ પર આટલા બધા કેમ વારી ગયા છે એ આગામી દિવસોમાં સમજાશે, પણ આ વેળા તિસ્ટા જળ કરાર થઈ શક્યા નહીં. જોકે એ વિશે એમણે આશાવાદ જરૂર બંધાવ્યો છે.
અત્યાર સુધીની વાત સોનેરી સ્વપ્ના જેવી લાગે, પણ ભારત અને બાંગ્લાદેશ એટલે કે અગાઉના પૂર્વ પાકિસ્તાન વિષયક વરવી વાસ્તવિક્તા અને ભારતને કનડતા પ્રશ્નોની વાત છેડ્યા વિના સોનેરી સ્વપ્નાં કેટલાં બોદાં છે એનો અંદાજ આવી શકે નહીં. બાંગ્લાદેશની દસમી સંસદની કુલ ૩૫૦ બેઠકોમાંથી ૨૭૩ બેઠકો શેખ હસીનાની બાંગ્લાદેશ અવામી લીગ જીતેલી છે. વિપક્ષનાં નેતા જાતીય પાર્ટીનાં બેગમ રોશન ઈર્શાદના પક્ષને ફાળે માંડ ૪૨ બેઠકો છે. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીનો પૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલીદા ઝિયાની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ બહિષ્કાર કર્યો હતો.
ભારતમાં લોકસભાની મે ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં સ્વયં વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે ભાજપી નેતા અને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ઊઠાવેલા સવાલો વડા પ્રધાન બન્યા પછી એમણે કેમ વીસારે પાડ્યા એવો સવાલ ગુવાહાટી (આસામ)ના અંગ્રેજી દૈનિક ‘ધ સેન્ટિનલ’ના દસ જ વાક્યોના તંત્રીલેખમાં ૧૦ જૂન, ૨૦૧૫ના અંકમાં કરવામાં આવ્યો. અત્રે એ યાદ રહે કે ‘ધ સેન્ટિનલ’ દૈનિક ભાજપસમર્થક મનાય છે. છતાં એણે લખેલા તંત્રીલેખનું મથાળું હતુંઃ ‘વ્હાય ફરગેટ ધ માયગ્રન્ટ્સ?’
બાંગ્લાદેશની બે દિવસની મુલાકાતે જઈને ઢાકા પર વારી ગયેલા વડા પ્રધાન મોદી હજુ એક વર્ષ પહેલાંની ચૂંટણીના પ્રચારમાં ભારતમાંના એક કરોડ કરતાં વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોને તગેડી મૂકવાની ખાતરી આપતા હતા. એક વાર વડા પ્રધાન થયા કે આ મુદ્દો એમનાથી ભૂલાઈ ગયો. એમણે એ વાતને પણ વીસારે પાડી દીધી છે કે બાંગ્લાદેશ ભારતના આતંકવાદીઓને રક્ષણ આપે છે અને એના પ્રદેશમાં આતંકવાદી અડ્ડા ચલાવાય છે.
જે જમીન સરહદ કરાર (એલબીએ) કરીને મોદી હરખ કરી રહ્યા છે એ જ કરાર કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકારના વડા પ્રધાન ડો. મનમોહન સિંહ ૨૦૧૧માં કરવા ઈચ્છતા હતા ત્યારે સંસદમાં મોદીની જ ભારતીય જનતા પાર્ટીએ એ સામે વિરોધ નોંધાવી સહકાર આપ્યો નહોતો. એ જ કરાર માટે જરૂરી બંધારણીય સુધારા માટે સંસદમાં મોદી સરકારે કોંગ્રેસ સહિતના પક્ષોનો ટેકો મેળવ્યો. અને હવે ‘ભારતીય સુરક્ષા મજબૂત કરવા અને બાંગ્લાદેશમાંથી ગેરકાયદે ઘૂસણખોરી રોકવા માટે’ આ કરાર કરાઈ રહ્યાનું વડા પ્રધાન મોદી જાહેર કરે છે.
જોકે એમની ઢાકાની બે દિવસની મુલાકાત દરમિયાનનાં નિવેદનો અને વ્યાખ્યાનોમાં માત્ર એક જ વાક્ય અમોને જોવા મળ્યું કે ‘ઈલલિગલ મૂવમેન્ટ જો હોતા હૈ, ઉસકે કારણ ભારતમેં ભી કઈ રાજ્યોમેં તનાવ પૈદા હોતા હૈ. હમ દોનોંને મિલકર કે ઈસકી ચિંતા વ્યક્ત કી.’ વડાં પ્રધાન શેખ હસીના સાથે વડા પ્રધાન મોદીએ કેવા પ્રકારની ચિંતા વ્યક્ત કરી કે બાંગ્લાદેશ-ભારત વચ્ચે થયેલા કરારોની વિગતો કેવી છે તે જાહેર કરવાની માગ ભારતમાં અને બાંગ્લાદેશમાંથી પણ ઊઠી છે.
ભારતનાં વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ પૂર્વ પાકિસ્તાનને બાંગ્લાદેશમાં રૂપાંતરિત કરવામાં આપેલા યોગદાન માટે તત્કાલીન વિપક્ષી સાંસદ અટલ બિહારી વાજપેયીએ ઈંદિરાજીને મા દુર્ગા સાથે સરખાવતાં સંસદમાં તેમને બિરદાવ્યાં હતાં. જોકે આ વિશે વિવાદ થયો ત્યારે સંસદના રેકર્ડમાં અટલજીએ ઈંદિરાજીને મા દુર્ગા ગણાવ્યાં હોવાનું નોંધાયાની ચર્ચા ખૂબ ચાલી હતી. રાજપુરુષ (સ્ટેટ્સમેન) વાજપેયી વિદેશ નીતિની બાબતમાં ઈંદિરા ગાંધીને ટેકો આપે એ સ્વાભાવિક હતું.
જોકે સ્વતંત્ર બાંગ્લાદેશ બન્યા પછી સમયાંતરે એ ઈસ્લામી કટ્ટરવાદથી પ્રભાવિત બન્યો અને પાકિસ્તાનની જેમ જ ભારતમાં આતંકવાદની નિકાસ કરનાર દેશ બન્યો હતો. છાસવારે ભારતીય સૈનિકોનાં માથાં વાઢી નાંખવાની બાંગલા રાયફલ્સની હરકતો અજાણી નથી. બાંગ્લાદેશમાં લઘુમતી એટલે કે હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓની કનડગતના અહેવાલો અને વટાળપ્રવૃત્તિ વિના રોકટોક ચાલી રહ્યાનું સુવિદિત છે. બાંગ્લા લેખિકા તસલીમા નસરિને એટલે જ ભારતમાં આશ્રય લેવો પડે છે. અત્યારે સ્વિડિશ નાગરિક એવી તસલીમાએ મોદીની ઢાકા મુલાકાત પહેલાં જ અમેરિકા ભણી ઉચાળા ભરવા પડે એટલી અસલામતી એને કોલકતામાં અનુભવાતી હતી. વડા પ્રધાન બન્યા પહેલાં મોદીએ તસલીમાના ટેકામાં નિવેદનો કર્યાં હતાં. હવે એ મૂકપ્રેક્ષક છે.
કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર હોય કે આઈ. કે. ગુજરાલની સરકાર, ભારતીય જનતા પાર્ટી અને એની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) થકી કાયમ બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ કાગારોળ મચાવાઈ છે. જોકે કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી નરેન્દ્ર મોદી સરકાર આવ્યા પછી બાંગ્લાદેશી ઘૂસણખોરોની વાતનો ઉપાડો શાંત પડ્યો છે. હકીકતમાં વાજપેયીના નેતૃત્વવાળી એનડીએ સરકારના ગૃહ પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીએ સંસદમાં માહિતી આપી હતી કે ભારતમાં દોઢ કરોડ બાંગ્લાદેશી ઘૂસણખોરો ગેરકાયદે વસવાટ કરે છે.
ડો. મનમોહન સિંહના નેતૃત્વવાળી ભારત સરકાર યુપીએ-૧ના ગૃહ રાજ્યપ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે સંસદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો ઉપરોક્ત આંકડો પોણા બે કરોડનો હોવાનું જણાવ્યું હતું. આસામમાં ભાજપ અને અહોમ ગણ પરિષદ બાંગ્લાદેશી ઘૂસણખોરોના મુદ્દે ચૂંટણી લડતા રહ્યા છે.
લોકસભાની છેલ્લા ચૂંટણી માટે પશ્ચિમ બંગાળમાં ભાજપના ઉમેદવારો માટે પ્રચાર કરતાં એ વેળાના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કેન્દ્રમાં ઈન્દર કુમાર ગુજરાલ વડા પ્રધાન હતા એ ગાળાના એટલે કે ૧૯૯૭-૯૮ના કેન્દ્રીય ગૃહ પ્રધાન ઈન્દ્રજિત ગુપ્તા (સીપીઆઈ)એ સંસદમાં ૬ મે, ૧૯૯૭ના રોજ આપેલી માહિતી ટાંકવાનું પસંદ કર્યું હતું. એ મુજબ ભારતમાં એક કરોડ કરતાં વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો હોવાનું કહ્યું હતું. ‘અહીંના લોકોને તો નોકરીધંધો મળતો નથી, પણ બાંગ્લાદેશથી જે ઘૂસણખોરો આવે છે તેમને માટે લાલ જાજમ પાથરવામાં આવે છે.’ એવું કહીને મોદીએ તેમને પાછા તગેડવાનું એલાન કર્યું હતું.
જોકે બાંગલાદેશી ઘૂસણખોરોને મોદી બે ભાગમાં વહેંચે છેઃ ઘૂસણખોર (મુસ્લિમ) અને નિરાશ્રિત (હિંદુ). ‘નિરાશ્રિતો તો આપણા પરિવારના છે અને તેમને ગુજરાત કે રાજસ્થાનમાં વસાવવા એ ભારતના સૌની જવાબદારી છે.’ વડા પ્રધાન બન્યા પછી બાંગ્લાદેશી ઘૂસણખોરોને પાછા તગેડવા કે નિરાશ્રિત હિંદુઓને વસાવવાની બાબતમાં મોદીની બોલતી બંધ થયાનું અનુભવાય છે, પરંતુ વાજપેયી શાસનમાં પણ આસામ સહિતના પ્રદેશોમાંથી પાછા તગેડાયેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોનો આંકડો માંડ ૨૦૦૦નો હતો. એની સામે દેશમાં બે કરોડ બાંગલાદેશી ઘૂસણખોરો વસે છે. આ આંકડો નિરંતર વધતો રહે છે.
બાંગ્લાદેશી ઘૂસણખોરોને તેમના દેશની સરહદ સુધી તગેડવાનો સંકલ્પ કરીને આજ લગી જો કોઈએ સક્રિય અભિયાન આદર્યું હોય તો મહારાષ્ટ્રના ૧૯૮૦-૮૧ના ગાળામાં કોંગ્રેસી મુખ્ય પ્રધાન રહેલા અબ્દુલ રહેમાન અંતુલેએ. કમનસીબે એ વેળા મુંબઈ હાઈ કોર્ટે માનવ અધિકારના મુદ્દે અંતુલેના અભિયાનને બંધ કરાવ્યું હતું, અન્યથા મુંબઈની ફૂટપાથો પર કબજો જમાવીને બેઠેલા બાંગ્લાદેશી ઘૂસણખોરોને બાંગ્લાદેશની સરહદ સુધી મૂકી આવવા અંતુલે સરકારે ટ્રકોની વ્યવસ્થા પણ કરી દીધી હતી. હજુ થોડા વખત પહેલાં જ ૮૭ વર્ષની વયે અંતુલેનું મુંબઈમાં અવસાન થયું.
બાંગ્લાદેશની બે દિવસની મુલાકાત દરમિયાન સત્તાવાર રીતે વડા પ્રધાન મોદીને બધું રૂડુંરૂપાળું લાગ્યું ભલે હોય, એમની સાથેની મુલાકાતમાં બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (બીએનપી)નાં અધ્યક્ષા અને પૂર્વ વડાં પ્રધાન બેગમ ખાલેદા ઝિયાએ કહેલા શબ્દો કે બાંગ્લાદેશમાં લોકશાહી ‘ગેરહાજર’ છે. એ ચિંતાજનક છે. બે-તૃતિયાંશ કરતાં વધુ બહુમતી સાથે સત્તારૂઢ અવામી લીગ પાર્ટીનાં શેખ હસીનાં વડાં પ્રધાન છે, જ્યારે જાતીય પાર્ટીનાં વડાં રોશન ઈર્શાદ સંસદમાં વિપક્ષી નેતા છે.