વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ અને એમની કોંગ્રેસના પ્રભાવથી સમગ્ર રાષ્ટ્રને મુક્ત કરાવવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા હોવા છતાં ફરી ફરીને નેહરુના પ્રભાવતળે આવતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. સ્વદેશીના સંસ્કારોમાં આયખું આખું વીતાવ્યા પછી ય જ્યારે વડા પ્રધાનપદે પહોંચ્યા પછી શિક્ષણ સુધારાની વાત વિચારવાનો વખત આવ્યો ત્યારે ‘મેઈક ઈન ઈન્ડિયા’ના સૂત્રની સાથે જ વિદેશી યુનિવર્સિટીઓને ભારત પ્રવેશ કરાવવા લાલ જાજમ પાથરવાનો વખત આવ્યો છે.
સરદાર પટેલની જેમ નરેન્દ્ર મોદી વાસ્તવવાદી ધરાતલ પર આગળ વધવા ઈચ્છુક છે. માત્ર આદર્શોની વાતો કરવાને બદલે વાસ્તવિક પરિવર્તન લાવવા કે શૈક્ષણિક સ્તરને સુધારવા માટે વિદેશી યુનિવર્સિટીઓ માટે દેશના દરવાજા ખુલ્લા મૂકવામાં મોદી સરકારને છોછ નથી.
હમણાં ભારત સરકારના આયોજન પંચના નવઅવતાર એવા નીતિ આયોગે વડા પ્રધાન મોદી સમક્ષ વિદેશી યુનિવર્સિટીઓને માટે ભારતનાં દ્વાર ખુલ્લાં મૂકીને શૈક્ષણિક સ્તર સુધારવાની દરખાસ્ત રજૂ કરતો અહેવાલ મંજૂરી માટે પ્રસ્તુત કર્યો છે. ક્યારેક તક્ષશિલા અને નાલંદા જેવી પ્રાચીન યુનિવર્સિટીઓ વિશ્વભરમાંથી જે પ્રદેશમાં વિદ્યાર્થીઓ કે જ્ઞાનના ઉપાસકોને આકર્ષતી હતી, એ ભારત વર્ષમાં હવે ઓક્સફર્ડ, કેમ્બ્રિજ કે હાર્વર્ડ જેવી પ્રથમ શ્રેણીની વિદેશી યુનિવર્સિટીઓ પ્રવેશે એવી અપેક્ષા કરવામાં આવે છે.
છેલ્લા એકાદ દાયકાથી કોંગ્રેસના વડપણવાળી ડો. મનમોહન સિંહની સરકારે વિદેશી યુનિવર્સિટીઓ માટે ભારતપ્રવેશ માટે લાલ જાજમ પાથરવાની ભરસક કોશિશ કરી. એ વેળા સ્વદેશીની આગ્રહી ભારતીય જનતા પાર્ટી સહિતના પક્ષોએ કોંગ્રેસ પ્રણીત નીતિને સ્વીકારવામાં સહયોગ આપ્યો નહીં એટલે વિદેશી યુનિવર્સિટીઓને ભારતની ભૂમિ પર કાર્યરત કરાવવામાં અપેક્ષિત સફળતા મળી નહોતી. હવે મોદી સરકારના આ દિશાના પ્રયાસોને કોઈ અવરોધી શકે એવી શક્યતા નહીંવત્ જણાય છે.
મનમોહન સરકારે વિદેશી શૈક્ષણિક સંસ્થાઓ વિષયક વિધેયક પ્રધાનમંડળમાં મંજૂર તો કરાવ્યું, પરંતુ છેક ૧૯૯૫માં પી. વી. નરસિંહ રાવ સરકાર હતી ત્યારથી આ દિશામાં આગળ વધારવા ચાહેલી નીતિ બાબત લોકસભાની છેલ્લી ચૂંટણી મે ૨૦૧૪માં જાહેર થઈ ત્યાં લગી કોઈ નક્કર પરિવર્તન લાવી શકાયું નહીં. ભાજપ, ડાબેરીઓ અને સમાજવાદી પાર્ટીના વિરોધને કારણે રાજ્યસભામાં મનમોહન સરકાર એ વિધેયક મંજૂર કરાવી શકે એ પહેલાં જ લોકસભાનું વિસર્જન થતાં એ ટળી ગયું. હવે મોદી સરકાર એને પોતાની રીતે સુધારાવધારા સાથે આગળ વધારે એવી શક્યતા ઊભી થઈ છે.
એવું નથી કે ભારતમાં અત્યારે વિદેશી શિક્ષણ સંસ્થાઓના માધ્યમથી શિક્ષણ અપાતું નથી. જોકે વિદેશી શિક્ષણ સંસ્થાઓ પોતાનાં કેમ્પસ સ્થાપીને, પોતાના અભ્યાસક્રમ ઘડીને, પોતાના અધ્યાપકોને નિયુક્ત કરીને અને પોતાની રીતે ફીનાં ધોરણ નિર્ધારિત કરીને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ ચલાવવા અને નફો સ્વદેશ લઈ જવાની મોકળાશ ધરાવતી નથી. કાયદાકીય જોગવાઈ કરીને એની મોકળાશ બક્ષવામાં આવે તો જ વિદેશી યુનિવર્સિટીઓને ભારતના માર્કેટમાં રસ પડે તેમ છતાં આજે પણ વિવિધ દેશોની ૬૫૧ જેટલી વિદેશી શિક્ષણ સંસ્થાઓ ભારતીય શિક્ષણસંસ્થાઓ સાથે સમજૂતી કરાર થકી સહયોગ સાધીને કે અધ્યાપન માટેના પારસ્પારિક સહયોગની સુવિધા ઉપરાંત દૂરવર્તી શિક્ષણ કાર્યક્રમોના માધ્યમથી વિદેશી શિક્ષણનો લાભ ભારતીય વિદ્યાર્થીઓને તેમની દેશી સંસ્થાઓમાં પણ ઉપલબ્ધ કરાવે છે.
એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (એઆઈયુ)ના આંકડાઓ મુજબ વર્ષ ૨૦૦૦માં ૧૪૪ જેટલી વિદેશી શિક્ષણ સંસ્થાઓ ભારતમાં કાર્યરત હતી. આ આંકડો ૨૦૧૦માં વધીને ૬૩૧ જેટલો થયો હતો. સૌથી વધુ બ્રિટિશ શિક્ષણ સંસ્થાઓ ભારતમાં કાર્યરત છે એ પછી કેનેડા અને અમેરિકી શિક્ષણ સંસ્થાઓનો ક્રમ આવે છે. જોકે આ સંસ્થાઓમાં વિદેશોની અતિ પ્રતિષ્ઠિત સંસ્થાઓનો સમાવેશ નથી.
ક્યારેક ભારત વર્ષની પ્રાચીન વિદ્યાપીઠો જેવી કે તક્ષશિલા અને નાલંદા, વલભી કે વિક્રમશિલાની પ્રતિષ્ઠા દુનિયાભરમાં હતી. જોકે હવે ભૂતકાળનાં ગાણાં ગાવાથી વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના સ્તરને વૈશ્વિક સ્પર્ધામાં મૂકવાનું શક્ય નહીં હોવા છતાં ભારત અને અન્ય દેશોના સંયુક્ત પ્રયાસોથી બિહારમાં જ્યાં નાલંદા વિદ્યાપીઠના અવશેષ મળે છે એ ક્ષેત્રમાં નાલંદા યુનિવર્સિટીને પુનઃ જીવિત કરવાના પ્રયાસો આરંભાઈ ચુક્યા છે. તક્ષશિલા કે ટેક્સિલા અત્યારના પાકિસ્તાનમાં છે એના પ્રાચીન વારસાના જતનની દિશામાં એને વૈશ્વિક વારસાનું કેન્દ્ર લેખીને તેની જાળવણી કરાઈ રહી છે. ગુજરાત રાજ્યમાં આવેલી વલભીને પુનર્જીવિત કરવાની કોશિશ હજુ બાકી છે અને એ રીતે બીજી પ્રાચીન વિદ્યાપીઠો પણ સમયની ગર્તામાં સમાઈ ગયેલી છે.
ભારત વર્ષની પ્રાચીન વિદ્યાપીઠોને મુસ્લિમ આક્રમણો દરમિયાન નષ્ટ કરવાના પ્રયાસો થયા, પણ બ્રિટિશ શાસકોએ ૧૮૫૭ પછી બોમ્બે, કોલકાતા અને મદ્રાસમાં યુનિવર્સિટીઓ સ્થાપીને આધુનિક શિક્ષણ સાથે ભારત અને ભારતીયોનો પરિચય કરાવ્યો એ પછી સમયાંતરે ભારતમાં યુનિવર્સિટીઓની સંખ્યા વધતી ભલે ગઈ, શિક્ષણનું સ્તર કથળતું ગયું. ગુરુકૂળ પરંપરા કે વર્ધા કેળવણીની પરંપરા અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠ કે અન્ય ગણીગાંઠી શિક્ષણસંસ્થાઓ પૂરતી જ સીમિત રહી. શિક્ષણ સંસ્થાઓનું સ્વરૂપ અંગ્રેજ શાસકો ભારત છોડી ગયાના છ-સાત દાયકા પછી પણ સ્વદેશી વાઘા ચડાવી શક્યું નથી અને હજુ આજે પણ શિક્ષણની અંગ્રેજ પ્રણાલી માટે લોર્ડ મેકોલેને દોષ આપવાની પરંપરા અખંડ છે.
એવું નથી કે આજે પણ કેટલીક ભારતીય યુનિવર્સિટીઓનાં વિદેશોમાં કેન્દ્રો સ્થાપિત કરાયાં નથી. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નૂ)નાં કેન્દ્રો વિદેશોમાં ચલાવાય છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓનાં કેન્દ્રો પણ વિદેશમાં ચલાવાય છે. આમ છતાં ભારતીય યુનિવર્સિટીઓના શૈક્ષણિક સ્તર અને વિદેશોમાં એમના સ્નાતક - અનુસ્નાતકોની રોજગારક્ષમતા હજુ વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. જોકે અમેરિકા અને યુરોપમાં ભારતીય ઈજનેરો, તબીબો અને અન્ય વિષયના સ્નાતક-અનુસ્નાતકોની કામગીરી ખૂબ પ્રશંસનીય રહી હોવા છતાં એકંદરે ભારતીય યુનિવર્સિટીઓનું રેટિંગ વૈશ્વિક શૈક્ષણિક સંસ્થાઓના રેંકિંગમાં અગ્રક્રમે નથી. ભારતીય વૈજ્ઞાનિકો તથા આઈઆઈએમના સ્નાતકોની વિદેશમાં કામગીરીને વખાણાય છે, પરંતુ એમની વ્યક્તિગત પ્રતિષ્ઠા ભારતીય યુનિવર્સિટી કે શિક્ષણ સંસ્થાઓ માટે પશ્ચિમના દેશોની યુનિવર્સિટીઓ કે પ્રતિષ્ઠિત સંસ્થાઓના બરની લેખાતી નથી.
ભારતનું શિક્ષણનું માર્કેટ ખૂબ વિશાળ હોવા છતાં ખાનગી ક્ષેત્ર માટે પણ એને ખુલ્લું મૂકવામાં ભારતની સરકાર અને શાસકોએ ખૂબ જ વિલંબથી અને સંકોચ સાથે પગલાં લીધાં છે. વિદેશમાં શિક્ષણ સંસ્થાઓને મળતી સંચાલનની મોકળાશ ભારતીય શિક્ષણ સંસ્થાઓમાં ઉપલબ્ધ નહીં હોવા ઉપરાંત સરકારી તંત્રની દખલગીરી એના સ્વતંત્ર વિકાસને અવરોધે છે. વળી વિદેશી યુનિવર્સિટીઓ ફી નિર્ધારણની બાબતમાં કેટલી સ્વતંત્રતા ભોગવી શકશે એ કહેવું પણ અનિશ્ચિત છે. શિક્ષણ ક્ષેત્રમાં સ્વનિર્ભર (સેલ્ફ ફાઈનાન્સ)નો વિચાર શિક્ષણને મોંઘું બનાવે છે ત્યારે વિદેશી યુનિવર્સિટીઓના ભારત પ્રવેશ વિશે શંકાકુશંકા સેવાતી રહી છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)