વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાંથી આંધ્ર પ્રદેશના તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી)ના બે પ્રધાનો અશોક ગજપતિ રાજુ અને સુજન ચૌધરીએ રાજીનામાં આપી દીધાં એટલે ભાજપના નેતૃત્વવાળા રાષ્ટ્રીય લોકતાંત્રિક મોરચા (એનડીએ) માટે માઠા દિવસો આવી રહ્યાનું માનવું એ ઉતાવળિયું આકલન ગણાશે. ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયીની કેન્દ્ર સરકારને બહારથી ટેકો આપી ટીડીપીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ આંધ્ર માટે સૌથી વધુ આર્થિક સાધનોની ફાળવણી મેળવી હતી. મોદીયુગમાં એવી ધાક બેસાડવા જતાં નાયડુ માટે ભોંય ભૂલવાના સંજોગો આવી પડવાનાં એંધાણ છે.
આંધ્ર પ્રદેશમાંથી વર્ષ ૨૦૧૪માં બે રાજ્યો અસ્તિત્વમાં આવ્યાંઃ તેલંગણ અને આંધ્ર પ્રદેશ. રાજધાની હૈદરાબાદ સહિતના દસ જિલ્લા તેલંગણને ફાળે જતાં આંધ્રની નવી રાજધાની અમરાવતી બંધાય ત્યાં લગી હૈદરાબાદમાં બેઉ રાજ્યો સહકારથી રહેશે. રાજ્યોના વિભાજન પછી તેલંગણમાં કે.સી.આર. એટલે કે ચંદ્રશેખર રાવની તેલંગણ રાષ્ટ્ર સમિતિની બહુમતી સાથેની સરકાર બની હતી. આંધ્રમાં તેલુગુ દેશમ્ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી મિત્ર-ગઠબંધનથી સરકારમાં આવ્યાં હતાં. રાજ્યના વિભાજનને કારણે આંધ્ર પ્રદેશને ભારે આર્થિક નુકસાન થયું હોવાને કારણે એ ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારે ૪૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છતાં ટીડીપી અને ભાજપની સંયુક્ત સરકારના મુખ્ય પ્રધાન અને ટીડીપીના સુપ્રીમો ચંદ્રબાબુ નાયડુએ રાજ્યને વિશેષ દરજ્જો અપાય એવો આગ્રહ સેવ્યો હતો.
કેન્દ્ર સરકારનો તર્ક એ હતો કે ૧૪મા નાણાં પંચની ભલામણો અમલી બન્યા પછી ‘સ્પેશ્યલ સ્ટેટસ કેટેગરી’માં આંધ્રને મૂકવામાં આવે તો અન્ય રાજ્યો પણ એ માટેની માગણી કરે અને વિકટ સ્થિતિ ઊભી થઈ શકે. નાણાં પ્રધાન અરુણ જેટલીએ તો નાયુડની માગણી વિશે સંરક્ષણ ખાતાના બજેટને કાપીને આંધ્રને વિશેષ આર્થિક રાહત આપી ના શકાય એવું નિવેદન કરીને વિજયનો મધપૂડો છંછેડ્યો છે. બે પ્રધાનોનાં રાજીનામાંની આંધ્રના રાજકારણમાં કેવી અસર પડશે, એ વિશેના તર્કવિતર્ક છતાં ભાજપ ગજગામી છે.
પ્રધાનોનાં રાજીનામાં પછીય એનડીએમાં
તેલુગુ દેશમ્ પાર્ટીના બે પ્રધાનોનાં કેન્દ્ર સરકારમાંથી રાજીનામાંના પ્રત્યાઘાત તરીકે આંધ્ર સરકારમાંથી ભાજપના બે પ્રધાનોએ રાજીનામાં આપ્યાં છે. તેલુગુ દેશમ્ પાર્ટી ૧૭૫ સભ્યોની આંધ્રની વિધાનસભામાં ૧૦૨ સભ્યો ધરાવે છે એટલે એની સરકારને ભાજપ સાથે છૂટાછેડા થાય તો પણ વાંધો આવે તેમ નથી. એવું જ કેન્દ્રની મોદી સરકારનું પણ છે. લોકસભામાં ટીડીપીના ૧૫ સાંસદો છે. ભાજપના ૨૮૨ સભ્યો છે. ૫૪૩ સભ્યોની લોકસભામાં (નામનિયુક્ત એંગ્લો ઈન્ડિયન એવા બે સભ્યો સિવાય) ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી એની સરકારને વાંધો આવે નહીં.
નાયડુએ સમજીને હજુ એનડીએમાંથી નીકળી જવાનો નિર્ણય પાછો ઠેલ્યો છે. કેન્દ્રમાં સત્તારૂઢ મોરચામાં રહેવાના લાભથી એ સુવિદિત હોવાને કારણે તથા આંધ્રમાં વાય. એસ. જગન રેડ્ડીની વાય.એસ.આર. કોંગ્રેસ ભાજપ સાથે જોડાણમાં નહીં હોવા છતાં એનડીએમાં આવવા બારણે ટકોરા જરૂર મારે છે. મોદી-શાહ જોડી માટે તો બેઉ હાથમાં લાડુ છે.
જોકે, ભાજપ મિત્રપક્ષોના ટેકે ચાલવાને બદલે આપબળે ગજું કરવામાં માનતો હોવાથી નાયડુ તથા જગન રેડ્ડીને રમવા દઈને ભાજપ પોતાની લીટી મોટી કરવાની વેતરણમાં છે. અત્યારે લોકસભામાં આંધ્રમાંથી ભાજપના માત્ર બે સભ્ય છે અને વિધાનસભામાં માત્ર ૪ સભ્ય છે. આવા સંજોગોમાં આંધ્રમાં કેન્દ્ર સરકારની કામગીરીના પ્રચારથી લોકોને પ્રભાવિત કરીને એકલે હાથે ભાજપ પોતાની સ્થિતિ વધુ મજબૂત કરવાની વેતરણમાં છે. આમ પણ મોદી-શાહના રાજકારણમાં મિત્રપક્ષો ભાજપને દબડાવી જાય એ સહન કરી લેવાને સ્થાન નથી.
બિહારે પણ વિશેષ દરજ્જો માંગ્યો
બિહારમાં અત્યારે જનતા દળ (યુનાઈટેડ) અને ભારતીય જનતા પક્ષની સંયુક્ત સરકાર છે. મુખ્ય પ્રધાનપદે નીતિશ કુમાર (જેડી-યુ) અને નાયબ મુખ્ય પ્રધાનપદે સુશીલ મોદી (ભાજપ) છે. વિપક્ષમાં જેલવાસી લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતા દળનું સુકાન યાદવપુત્રો અને એમાંય નાના પુત્ર તથા અગાઉ નીતિશકુમાર સરકારમાં નાયબ મુખ્ય પ્રધાન રહેલા તેજસ્વી યાદવ સંભાળી રહ્યા છે.
આંધ્રમાં તમામ રાજકીય પક્ષો રાજ્યને વિશેષ દરજ્જો મળે એ માટે આંદોલન ચલાવી રહ્યા છે અને કેન્દ્ર સરકારમાંથી ટીડીપીના બે પ્રધાનોના રાજીનામાં પડ્યાં, એ જ વેળા બિહારના સત્તારૂઢ પક્ષ જેડી (યુ) થકી બિહારને પણ વિશેષ દરજ્જો અપાય અને કેન્દ્ર સરકાર ખાસ પેકેજ આપે એવી માગણી ઊઠી છે. અગાઉ ભાજપની નેતાગીરી પણ બિહારને વિશેષ દરજ્જો અપાયાના ટેકામાં હતી, પણ હવે કેન્દ્રમાં સત્તારૂઢ હોવાથી અન્ય રાજ્યો પણ આવી માગણી કરે તથા ૧૪મા નાણાં પંચની ભલામણોને આગળ કરીને આવો વિશેષ દરજ્જો આપવાનું શક્ય નહીં હોવાનું જણાવાય છે.
બિહાર ઉપરાંત ઓડિશા પણ વિશેષ દરજ્જાની માગણી કરે છે. ૧૩મા નાણાં પંચે રાજ્યોને કેન્દ્ર સરકારની યોજના સહાય ૩૨ ટકા આપવાની ભલામણ કરી હતી. એ વધારીને ભાજપ સત્તારૂઢ થયા પછી નિયુક્ત કરાયેલા ૧૪મા નાણાં પંચની ભલામણ મુજબ ૪૨ ટકા કરવામાં આવી હતી. અગાઉ પાંચમા નાણાં પંચે પછાત રાજ્યોને કેન્દ્ર તરફથી વિશેષ સહાય આપીને વિકાસની તક પૂરી પાડવાની ભલામણ કરી હતી. એટલે ૧૯૬૯થી એ જોગવાઈ અમલી બની હતી.
સામાન્ય રીતે ડુંગરાળ પ્રદેશનાં રાજ્યોને અને ટાંચાં આર્થિક સાધન ધરાવતાં રાજ્યોને માટે આ જોગવાઈ મુજબ, વિશેષ રાજ્યનો દરજ્જો અપાતો હતો. એમાં ૧૧ રાજ્યોનો સમાવેશ કરાયો હતો. અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા એટલે કે ઈશાન ભારતનાં રાજ્યો ઉપરાંત જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ.
આંધ્ર-તેલંગણની ધારાસભા ચૂંટણી
લોકસભાની મે ૨૦૧૪ની ચૂંટણીની સાથે જ આંધ્ર પ્રદેશમાંથી વિભાજિત થયેલાં બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. આંધ્ર પ્રદેશથી વિપરીત તેલંગણમાં કે. ચંદ્રશેખર રાવની તેલંગણ રાષ્ટ્ર સમિતિને બહુમતી મળી હતી. ચંદ્રશેખ રાવ મુખ્ય પ્રધાન બન્યા હતા. હવે એ રાષ્ટ્રીય રાજનીતિમાં જવાની તૈયારી કરી રહ્યા છે. અને રાજ્યનું સુકાન પોતાના પુત્ર કે.ટી.આર. એટલે કે કે.ટી. રામારાવને સોંપવા ઈચ્છુક હોવાથી પક્ષના ઉમેદવારોની ટિકિટોની વહેંચણી પણ કેટીઆરને સુપરત કરી રહ્યા છે.
ચંદ્રશેખર રાવની જેમ જ નર ચંદ્રબાબુ નાયડુ પણ પોતાના અનુગામી તરીકે પુત્ર નર લોકેશને તૈયાર કરી રહ્યા છે. ચંદ્રબાબુ પોતે સસરા એન.ટી. રામારાવને ઉથલાવીને ટીડીપીને કબજે કરી બેઠા છે. રામારાવનો પરિવાર પણ ભાજપ (દુગ્ગુબતી પુરન્દેશ્વરી - અગાઉ કોંગ્રેસના કેન્દ્રિય પ્રધાન) તથા ટીડીપીમાં વિભાજિત છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચુંટણીની સાથે જ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. આવા સંજોગોમાં ભાજપ-ટીડીપીના જોડાણમાં ખટરાગ છે.
ચંદ્રશેખ રાવ કોંગ્રેના નેતૃત્વમાં એનડીએ-યુપીએ અને ભાજપથી અલગ ત્રીજા મોરચાની વેતરણમાં છે. આંધ્રમાં ફિલ્મસ્ટાર પવન કલ્યાણનો પક્ષ જનસેના પણ મેદાનમાં છે. અગાઉ એ ભાજપ-ટીડીપી સાથે હતો. જોકે, એણે હજુ છૂટાછેડા લીધા નથી, પણ ચંદ્રશેખર રાવના ત્રીજા મોરચાને ટેકો આપી રહ્યા છે. આગામી દિવસોમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી આંધ્ર અને તેલંગણમાં યોજાય એ પૂર્વે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં ભાજપ કેવું કાઠું કાઢે છે, એના પર તેલુગુ પ્રદેશ પર એનો પ્રભાવ નક્કી થશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)