દલાઈ લામાની તવાંગ મુલાકાતઃ આંધળે બહેરું કૂટવાની કવાયત

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Monday 10th April 2017 10:30 EDT
 
 

ફરી દલાઈ લામાની અરુણાચલ મુલાકાતે ચીન સાથેના ભારતના સંબંધોમાં ભડકો કર્યો છે. તિબેટના આધ્યાત્મિક નેતા અને ૧૪મા દલાઈ લામા તેનસિંગ ગિયાત્સા (મૂળ નામઃ લ્હામો થોન્દૂપ) ૫ એપ્રિલ ૧૯૫૯ના રોજ ચીનના સામ્યવાદી શાસકોના અત્યાચારોના ત્રાસમાંથી છૂટવા તવાંગ (અત્યારના ભારતીય અરુણાચલ રાજ્યના પ્રદેશ) માર્ગે હજારો શ્રદ્ધાળુઓ સાથે ભારત ભાગી આવ્યા, ત્યારથી એ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં વસે છે. ભારતે એમને રાજ્યાશ્રય આપ્યો છે. રાજ્યાશ્રયની પૂર્વશરત એ છે કે તેમણે રાજકીય પ્રવૃત્તિ ના કરવી. જોકે, ભારતમાં રહીને ફરીને ચીન થકી તિબેટને સ્વતંત્ર દેશનો દરજ્જો અપાય એ માટે એ સક્રિય રહ્યા, પણ હવે આશા છોડી દીધી છે.

ચીન અને ભારત વચ્ચે તિબેટ સ્વતંત્ર દેશ હતો અને એ ‘બફર સ્ટેટ’ની ભૂમિકા ભજવતો હતો. ૧૯૪૯માં ચીનમાં સામ્યવાદી શાસન સ્થપાયા પછી ૧૯૫૦માં બીજિંગે (એ વેળા ચીનની રાજધાનીનું નામ પીકિંગ હતું, હવે બીજિંગ તરીકે ઓળખાય છે) તિબેટને ગપચાવવા લશ્કર મોકલ્યું. નવ-નવ વર્ષ સુધી તિબેટના એ વેળાના ધાર્મિક અને રાજકીય નેતા ચીની સત્તાવાળાઓ સાથે મંત્રણા થકી સમાધાનની કોશિશ કરતા રહ્યા છતાં છેવટે બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાની ધરપકડનો કારસો રચાયો ત્યારે એમણે ભારત ભાગી આવવું પડ્યું.

ભારત પર ૧૯૬૨માં ચીને આક્રમણ કર્યું એની પાછળ પણ દિલ્હીના દલાઈ લામાને રાજ્યાશ્રય તથા તિબેટને સ્વતંત્ર કરવાની ભૂમિકા મુખ્યત્ત્વે કારણભૂત હતાં. એ યુદ્ધમાં ભારતે ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટર પ્રદેશ ગુમાવવો પડ્યો હતો. અક્સાઈ ચીન પર આજે પણ ચીનનો કબજો છે. ભારત-ચીન સરહદ વિવાદ હજુ વણઉકલ્યો છે. ભારત વિરુદ્ધ ચીન અકળાયેલું રહીને પાકિસ્તાન પર વારી જઈને દિલ્હીને આંખો કાઢતું રહે છે. અરુણાચલ પ્રદેશના તવાંગના પ્રદેશને ચીન દક્ષિણ તિબેટનો ભાગ લેખાવીને એના પર દાવો કરતું રહ્યું છે. જોકે ભારતે ક્યારેય આ દાવાને માન્ય રાખ્યો નથી. દિલ્હીમાં સત્તારૂઢ કોંગ્રેસ કે ભાજપ કે અન્ય પક્ષની સરકારોએ તવાંગને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવ્યું છે.

તિબેટવાસીઓના માનવ અધિકારોનું હનન

ચીને ગપચાવેલા તિબેટમાં માત્ર બૌદ્ધ આસ્થાસ્થળો જ નહીં, પણ દુનિયાભરના હિંદુઓના આસ્થાસ્થળ એવુા કૈલાસ માનસરોવર પણ આવેલું છે. સામાન્ય રીતે ધર્મવિરોધી મનાતું સામ્યવાદી શાસન ધરાવતા ચીનને હિંદુઓ થકી કૈલાસ માનસરોવરની યાત્રા મબલક કમાણી કરાવે છે. ચીને તિબેટની બૌદ્ધ સંસ્કૃતિ પર આક્રમણ કરવા સમાન સામ્રાજ્યવાદી પ્રવૃત્તિ નિરંતર ચાલુ રાખી છે. તિબેટની બૌદ્ધ પ્રજા પર અત્યાચાર કરવાની સાથે જ ચીનના હાનવંશીઓને મોટેપાયે તિબેટમાં વસાવીને બૌદ્ધ પ્રભાવને અસરહીન કરવાના પ્રયાસો છેલ્લા છ દાયકા દરમિયાન કર્યાં છે. આવી ફરિયાદ દલાઈ લામા અને સમર્થકો સતત કરતા રહ્યા છે. દુનિયા સમક્ષ તિબેટવાસીઓના માનવ અધિકારનો મુદ્દો ચગતો રહ્યો છે.

ચીનની અકળામણ વધવી સ્વાભાવિક છે. એટલે ચીન થકી દલાઈ લામાને ભાગલાવાદી રાજકીય નેતા ગણાવવા ઉપરાંત દુનિયાના કોઈ સત્તાધીશો એમને મળે નહીં, માન આપે નહીં એવો આગ્રહ રખાય છે. તિબેટનું શાસન સ્વાયત્ત પરિષદ હેઠળ મૂક્યું. દુનિયાના મોટાભાગના દેશોએ ચીનના આવા દુરાગ્રહને કાને ધર્યો નથી. ઉલટાનું વિશ્વમાં ગાંધીજી પછી શાંતિનો સંદેશ પ્રસરાવવા અને માનવ અધિકારોના સમર્થનમાં ઝુંબેશ ચલાવતા રહેલા દલાઈ લામાને ૧૯૮૯માં શાંતિ માટેના નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યા હતા.

તિબેટ માટે સિક્કિમની ૨૦૦૩ની ઘોષણા

ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુને એમના નાયબ વડા પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે ચીનથી કાયમ ચેતતા રહેવાની સલાહ આપી હતી. જોકે, એ વેળા હિંદી-ચીની ભાઈ-ભાઈનો આલાપ જપવામાં રમમાણ નેહરુને ચીનની આંખમાં રમતાં સાપોલિયાંના ખેલ સમજાયા નહોતા. ૧૯૫૯માં તમામ મુખ્ય રાજકીય પક્ષોની સંમતિ સાથે નેહરુ સરકારે દલાઈ લામા અને અન્ય તિબેટવાસીઓને રાજ્યાશ્રય આપવાનો નિર્ણય કર્યો, એ પછી ચીનનો મિજાજ બદલાયેલો લાગ્યો. ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું અને એમાં ભયાનક પરાજ્યે નેહરુને આઘાત પહોંચાડ્યો, એ મે ૧૯૬૪માં એમના મૃત્યુમાં પરિણમ્યો.

ભારતના વડા પ્રધાન તરીકે લાલબહાદુર શાસ્ત્રીની કામગીરી ખૂબ વખણાઈ. એ પાકિસ્તાન સાથેનું ૧૯૬૫નું યુદ્ધ જીત્યા. તાશ્કંદમાં ભારત-પાક. કરાર પછીના એમના રહસ્યમય મૃત્યુએ આંચકો આપ્યો. એમનાં અનુગામી ઈંદિરા ગાંધીજીએ ૧૯૭૧માં બાંગ્લાદેશ મુદ્દે યુદ્ધ જીત્યા પછી ૧૯૭૫માં સિક્કિમની પ્રજાની ઈચ્છાથી ભારત સાથે જોડ્યું. તિબેટ પર ચીનનો કબજો હતો છતાં ભારત સહિતના અનેક દેશોમાંથી બીજિંગની જોહુકમી સામે અવાજ ઊઠતા રહ્યા હતા. ૧૯૫૯થી તત્કાલીન જનસંઘ અને હવેના તેના નવઅવતાર ભારતીય જનતા પક્ષના નેતા અટલ બિહારી વાજેપેયી અને બીજા નેતા તિબેટને ફરીને સ્વતંત્ર દેશ તરીકે જોવાના સમર્થનમાં સંસદ અને સભાઓ ગજવતા હતા. ડો. રામમનોહર લોહિયા, જ્યોર્જ ફર્નાન્ડિસ, મુલાયમ સિંહ યાદવ જેવા સમાજવાદીઓ તિબેટને આઝાદ કરાવવા ચળવળ ચલાવી રહ્યા હતા. જનસંઘ-ભાજપની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પણ તિબેટને સ્વતંત્રતા મળે એના સમર્થનમાં હતી. ભારતની કોંગ્રેસી સરકારો પણ તિબેટ ચીનની ચુંગાલમાંથી મુક્ત થાય એની પક્ષધર હતી, છતાં ચીનના પેટનું પાણી હલતું નહોતું.

દલાઈ લામાના ભાઈના વડપણ હેઠળ બીજિંગ સાથે મંત્રણાઓના દોર ચાલતા હતા. છેવટે વર્ષ ૨૦૦૩ના જૂનમાં તત્કાલીન વડા પ્રધાન વાજપેયી છ દિવસની ચીનની સત્તાવાર મુલાકાતે હતા ત્યારે એમણે તિબેટને ચીનનું અવિભાજ્ય અંગ સ્વીકાર્યું. સાટામાં ૧૯૭૫થી ભારતમાં વિલય પામેલા સિક્કિમને વિવાદિત પ્રદેશ ગણતા આવેલા ચીને એ વિરોધનો વાવટો સંકેલ્યો. જે વાજપેયી ચીનથી તિબેટને સ્વતંત્ર કરાવવાના આગ્રહી હતા, એમણે જ તિબેટને ચીનનું અંગ સ્વીકાર્યું. બંને દેશો વચ્ચેના સંબંધ સુધારવા માટે આવી બાંધછોડો ક્યારેક અનિવાર્ય બની જતી હોય છે.

દલાઈ લામા ય કબૂલે છે ચીનના આધિપત્યને

સમયાંતરે દલાઈ લામા પણ તિબેટને ચીનના પ્રદેશ તરીકે સ્વીકારવા માંડ્યા છે. તેઓ એને સ્વાયતત્તા મળે એના આગ્રહી છે. હજુ જાહેર સમારંભોમાં આરએસએસના અગ્રણી ઈન્દ્રેશકુમાર તિબેટને ચીનનું અંગ માનતા નથી. દલાઈ લામા અરુણાચલ પ્રદેશની તાજેતરની મુલાકાતે ગયા ત્યારે કોંગ્રેસી ગોત્રના ભાજપી મુખ્ય પ્રધાન પેમા ખંડૂએ તો કહ્યું કે ભારતના અરુણાચલની સરહદ તિબેટ સાથે મળે છે. હકીકતમાં તિબેટ હવે ચીનનું અંગ હોવાનું વડા પ્રધાન વાજપેયીથી લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના સ્વીકારી રહ્યા છે ત્યારે ભાજપી મુખ્યપ્ર ધાનનું આવું નિવેદન અટકચાળારૂપ ગણવું કે અજ્ઞાનદર્શક એ પ્રશ્ન જરૂર ઊઠે છે.

હજુ ગયા ઓગસ્ટ મહિનામાં ભારતના સંરક્ષણ પ્રધાન રહેલા મુલાયમ સિંહ યાદવે ડો. રામમનોહર લોહિયા નેશનલ લો યુનિવર્સિટીના સમારંભમાં કહેલા શબ્દોનું સ્મરણ થાય છેઃ ‘મારા સખત વિરોધ છતાં ભારતીય જનતા પક્ષે તિબેટને ચીનના ખોળામાં પધરાવવાની મહાભૂલ કરી છે. મેં એ વેળા વડા પ્રધાન વાજપેયીના ઘેર જઈને અને સંસદમાં ય વિરોધ કર્યો હતો. ચીનની નફ્ફ્ટાઈ તો જૂઓ કે આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીન સાથે હસ્તધૂનન કરી રહ્યા હતા ત્યારે ચીની લશ્કર ઘૂસણખોરી કરી રહ્યું હતું.’

દલાઈ લામાની અગાઉની તવાંગ મુલાકાતો

ચીને બીજિંગ ખાતેના ભારતીય રાજદૂતને બોલાવીને પણ દલાઈ લામાની અરુણાચલ અને તેમાંય તવાંગની મુલાકાત સામે વિરોધ નોંધાવ્યો. ભારત સરકારે પણ ખોંખારીને કહ્યું કે ચીને ભારતની આંતરિક બાબતમાં દખલ દેવી નહીં. સંસદમાં દાયકાઓથી તવાંગને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવાય છે. સાથે જ દલાઈ લામા અગાઉ અનેકવાર અરુણાચલ પ્રદેશના તવાંગની મુલાકાતે ગયા હોવાની વિગતો ભારત સરકારે જાહેર કરી છે. એ મુજબ ૧૯૮૩, ૧૯૯૬, ૧૯૯૭, ૨૦૦૩ અને ૨૦૦૯માં ચીનના વિરોધને અવગણીને તત્કાલીન સરકારોએ એમને અરુણાચલ શાંતિનો પ્રદેશ અને એના તવાંગની મુલાકાત જવાની મોકળાશ કરી આપી છે.

નોબેલ પછી ભારતરત્નની ઝુંબેશ

સામાન્ય રીતે વિદેશ નીતિની બાબતમાં રાજકીય વિવાદો સર્જવામાં આવતા નથી, છતાં ૨૦ નવેમ્બર ૨૦૧૪ના રોજ ભારતના ગૃહ પ્રધાન રાજનાથ સિંહે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પ્રચારમાં ‘કોંગ્રેસે તિબેટ જેવા બફરસ્ટેટને ચીનના ખોળામાં પધરાવ્યું’ જેવા રાજકીય નિવેદનો કરીને વિવાદનો મધપૂડો છેડ્યો હતો. ભાજપની સત્તાવાર વેબસાઈટ પર આજે પણ આ નિવેદન ઝળકે છે. દલાઈ લામા ભણી ચીનની સૂગને જોતાં વડા પ્રધાન મોદીએ મે ૨૦૧૫ની ચીન મુલાકાત પૂર્વે તેમની સાથે મુલાકાત ટાળી હતી. આવું જ ભાજપના અધ્યક્ષ અમિત શાહે પણ કર્યું હતું.

હવે એ જ દલાઈ લામાનાં ઓવારણાં લેવા આસામના ભાજપી મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલ અને અરુણાચલના ભાજપી મુખ્ય પ્રધાન ખંડૂ અગ્રક્રમે છે. એટલું ઓછું હોય તેમ અરુણાચલમાં આરએસએસ થકી દલાઈ લામાને ભારતરત્ન ઈલકાબ આપવા સહીઝુંબેશ ચલાવાય છે. આ તબક્કે તિબેટના આ ધર્મગુરુએ કહેલા શબ્દો મહત્ત્વના છેઃ ‘ભારતની તિબેટ નીતિ વડા પ્રધાન નરસિંહ રાવના વખતથી યથાવત્ ચાલી આવે છે. મોદીની પ્રશંસા કરું છું કે તેઓ વિકાસ ઈચ્છે છે.’

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter