ઈશુનું નવું વર્ષ શરૂ થતાં જ પહેલો ઘા રાણાનો એ ન્યાયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકીય ભૂકંપ સર્જે એ રીતે સ્મિતા પ્રકાશને ઇન્ટરવ્યૂ આપીને આગામી લોકસભાની ચૂંટણીનો એજન્ડા સેટ કરી દીધો.
વર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર હતા અને એમણે દેશભરમાં જે પ્રકારે ઝંઝાવાતી પ્રવાસ ખેડ્યો, જાહેર સભાઓ સંબોધી અને કોંગ્રેસના વડપણ હેઠળની ડો. મનમોહન સિંહના નેતૃત્વવાળી સરકારના દાયકાના શાસન પર પ્રહારો કર્યા એ દેશવાસીઓએ ઝીલ્યા. મોદી મોજું સર્જાયું. યુવાપેઢીની આકાંક્ષાઓ પૂર્ણ કરવા તેઓ કેન્દ્રમાં સત્તામાં આવે એવી અપેક્ષા જાગી. તમામ સમસ્યાઓને ઇલમ કી લકડીથી મોદી નિવારશે એવો વિશ્વાસ જાગ્યો. યુપીએ-ટુનું શાસન ભ્રષ્ટાચાર કૌભાંડોની ગાજવીજનું રહ્યું. વડા પ્રધાન મનમોહનની સરકારે જ અનેક પ્રધાન તથા સાંસદોને જેલવાસી કરવાનાં કડક પગલાં ભર્યાં છતાં કોંગ્રેસ હારી. વિપક્ષના નેતાનો હોદ્દો મળે એટલી બેઠકો પણ કોંગ્રેસને ના મળી.
વિપક્ષો વેરવિખેર હતા અને માત્ર ૩૧ ટકા મત સાથે નરેન્દ્ર દામોદરદાસ મોદી દિલ્હીશ્વર બન્યા. લોકસભામાં ત્રણ દાયકા પછી ૨૮૨ બેઠકો સાથે ભાજપ જેવા કોઈ પક્ષને બહુમતી મળી અને એનડીએની સરકાર રચાઈ. કેટલાક યુપીએવાળા મિત્રપક્ષોએ પણ ઠેકડો મારીને મોદીના ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ના નારાને વધાવ્યો અને સત્તામાં સહભાગ કર્યો.
દેશમાં નવચેતનાનું મોજું
વડા પ્રધાન પદે મોદી આરુઢ થતાં જ દેશભરમાં નવી આશા અને આકાંક્ષાનું મોજું ફરી વળ્યું. રાષ્ટ્રવાદના નારા લાગ્યા. હિન્દુ રાષ્ટ્રનો આહલ્લેક જગાવવાનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સંઘ પરિવારે આરંભ્યું. નવી વહુનાં માનપાન વધે એવું ખૂબ ચાલ્યું. લોકસભા ચૂંટણી પછીની વિધાસભામાં ચૂંટણીઓમાં પણ ભાજપ સાથે ઘર માંડવા માટે રાજકીય પક્ષો અને કોંગ્રેસમાં આયખું ખેંચી નાંખીને સત્તા અને સંપત્તિમાં આળોટનારાઓએ પણ ભગવો ધારણ કરવામાં શ્રેય ગણવા માંડ્યું. ચોફેર ભાજપનો જયજયકાર થયો. શરૂ શરૂમાં તો પાકિસ્તાન સાથે ગોઠિયા જેવું વર્તન પણ જોવા મળ્યું. બધ્ધેબધ્ધું રુડુંરૂપાળું થઈ જશે અને મોદી નામના કીમિયાગર થકી સબ દર્દોં કી દવા થઈ જવાની આશા જાગી.
ભાજપના અધ્યક્ષ પદે ક્યારેક અદાલતી આદેશોના પ્રતાપે ગુજરાત બહાર રહેવા વિવશ થયેલા અમિત શાહ આવ્યા. અગાઉના ‘ચાણક્ય’ મોદી હવે ‘ચંદ્રગુપ્ત’ની ભૂમિકામાં હતા એટલે અમિતભાઈ ચાણક્ય ગણાવા માંડ્યા. જે આંગળીએ ઘી નીકળે એ માટેની કરામતો શરૂ થઈ. સાથે જ સંઘ પરિવાર અને શાસકોની શ્વૈરવિહારી વાણીના તડાકા પણ શરૂ થયા. જેમ જેમ રાજ્યોમાં શાસન આવતું ગયું, ભાજપના નેતાઓ છાકટા થતા ગયા.
જોકે તળ દિલ્હીની વિધાનસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલની ‘આપ’ પાર્ટીને ભારે બહુમતી મળી એ ભાજપના રાષ્ટ્રીય સત્તાધીશો માટે પહેલો તમાચો હતો. બિહારમાં પણ લાલુ પ્રસાદના આરજેડી અને નીતિશ કુમારના જેડી (યુ)ના જોડાણનો વિજય થતાં અનામત મુદ્દે સંઘ સુપ્રીમો મોહન ભાગવતના સમીક્ષા નિવેદને ભાજપની પ્રતિષ્ઠા ખરડાવી. પંજાબમાં કોંગ્રેસ જીતી, ભાજપનો તોર યથાવત્ હતો. કોંગ્રેસ કે અન્ય પક્ષોમાંથી નેતા તોડી લાવીને પણ ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ સહિતમાં ભાજપ સત્તારૂઢ થવાની પરંપરા ખૂબ ચાલી.
ઇશાન ભારતમાં આસામમાં કોંગ્રેસના તરુણ ગોગોઈના ૧૫ વર્ષના રાજ પછી ભાજપને એજીપીમાંથી આવેલા મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલને મુખ્ય પ્રધાન પદે આરુઢ કર્યા. ભાજપ થકી ભ્રષ્ટાચારી ગણાવાયેલા કોંગ્રેસી નેતા ભગવી પાર્ટીના પારસમણિથી પવિત્ર થઈ જવાના ચલણે ઇશાન ભારતનાં બટુક રાજ્યો ભગવા રંગે રંગ્યા. બિહારમાં ભાજપ સાથે જેડી (યુ)એ ઘર માંડ્યું. મહારાષ્ટ્રમાં શિવ સેના સરકારમાં હોવા છતાં વડા પ્રધાન મોદી માટે ‘ચોકીદાર ચોર હૈ’ના કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના શબ્દો વાપરવામાં છોછ અનુભવતી નહોતી.
અવળી ગણતરીનો આરંભ
કર્ણાટક કબજે કરવા જતાં ભાજપની ભારે નાલેશી થઈ અને પારોઠનાં પગલાં ભરવા પડ્યાં. હમણાં પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણ અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણી યોજાઈ. વિજયનો અશ્વમેધ અખંડ રહેવાની અપેક્ષા ધૂળધાણી થઈ અને પહેલી વાર વડા પ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનો જાદુ ઓસરી રહ્યાની ગાજવીજ શરૂ થઈ. ભાજપે માટે કૂણી લાગણી ધરાવતાં દેશનાં પ્રકાશનોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસનો સિતારો હવે ચમકશે એવી આગાહીઓ કરવા માંડી.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપના પરાજય અને કોંગ્રેસની સરકારો રચાતાં દેશનો માહોલ બદલાયો. હવામાં ઊડતી ભાજપની નેતાગીરીને ચિંતા સતાવવા માંડી કે વિપક્ષો જો એક થાય તો એપ્રિલ-મે ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપનો પરાજય થઈ શકે એવું અનુભવાતાં નવો સળવળાટ આરંભાયો. એટલે જ વાંસળીવાળા (બેગપાઇપર)ની જેમ દેશવાસીઓને ઘેલું લગાડનારા વડા પ્રધાન મોદીના નવવર્ષના પ્રથમ દિવસના ઇન્ટરવ્યૂમાં ચૂંટણી માટેનો એજન્ડા સેટ કરાયો.
જોકે એના પ્રત્યાઘાતમાં કોંગ્રેસે દસ એવા સવાલો દાગ્યા કે એનો જવાબ આપવામાં મુશ્કેલી પડે. ૨૦૧૪ના ચૂંટણી ઢંઢેરામાં વચનોની લ્હાણી કરી હતી અને હજુ અમલ થયો નહોતો. એ વાત કોંગ્રેસના રણદીપ સુરજેવાલાએ ગજવી. બીજા જ દિવસે લોકસભાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના વિપક્ષોએ રાફેલ યુદ્ધ વિમાન સોદા મુદ્દે ગજવી. જોકે મોદી આ બધાને પહોંચી વળવાના આગોતરાં આયોજન કરીને બેઠા હોય એવું લાગે છે. જ્યાં ઊણા પડે ત્યાં ‘તોતા’ (સીબીઆઇઃ મુખ્ય ન્યાયમૂર્તિ રહેલા આર. એમ. લોઢાએ વાપરેલા શબ્દ મુજબ)નો ઉપયોગ કરીને વિરોધીઓની સાન ઠેકાણે લાવવામાં માહિર છે. જોકે રામ મંદિર મુદ્દે સંઘ પરિવાર સક્રિય થતાં મોદીના વિકલ્પે નીતિન ગડકરીનું નામ પણ ચર્ચામાં છે.
ફારેગ થતા મિત્ર પક્ષો અને સ્વજનો
લાગલગાટ પેટા-ચૂંટણીઓમાં ભાજપનો પરાજય થયો છે. એની લોકસભામાં પણ સંખ્યા ઘટી છે. આંધ્રના મુખ્ય પ્રધાન ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ્ પાર્ટીએ કેન્દ્રમાં બબ્બે પ્રધાનોને રાજીનામા અપાવીને વિપક્ષે બેસવાનું પસંદ કર્યું છે. શિવ સેનાના ત્રાગાં ચાલુ છે. પૂંછડિયા ખેલાડીઓ સોદાબાજી કરવા લાગ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવના મિલન સમો પીડીપી સાથેનો અખતરો નિષ્ફળ રહ્યો છે. દક્ષિણ ભારતમાં પગ મૂકવાની માંડ એક-એક બેઠક પૂરતી જ તક મળી છે. મહત્ત્વનાં રાજ્યો ગુમાવ્યાં છે. નજર હવે પશ્ચિમ બંગાળ અને ઓડિશા ભણી છે.
વિપક્ષોના મહાગઠબંધનની અવસ્થા દેડકાંની પાંચશેરી જેવી થાય, નેહરુ-ગાંધી પરિવારની ભાંડણલીલા ચાલુ રહે અને તેલંગણના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ અલગ ફેડરલ ફ્રન્ટ રચીને કોંગ્રેસથી અંતર જાળવે એવી વેતરણ પાછળ મોદી નીતિ કાર્યરત છે. જોકે ભાજપ - સંઘ પરિવારની ગણતરી મુજબ, આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ૧૮૦ બેઠકો મળશે. આમ છતાં સત્તામાં બેઠેલા મોદી ફરીને વડા પ્રધાન બનશે એવું આજના તબક્કે તો લાગે છે કારણ કે સરકાર રચવા જેટલી ૨૭૨ની સભ્ય સંખ્યાનો મોરચો એ બનાવી શકશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)