તમિળનાડુના મરાઠી સામ્રાજ્ય તાંજોરના ક્ષેત્રમાં આવતા તિરુક્કુવલાઈમાં વર્ષ ૧૯૨૪માં એક સામાન્ય તેલુગુ વાળંદ પરિવારમાં જન્મ. તમિળ ફિલ્મોના પટકથાલેખક તરીકે નામ રોશન કરનાર મુથુવેલ કરુણાનિધિ (એમ.કે.)ની આ વાત છે. પેરિયાર તરીકે જાણીતા ઈ. વી. રામાસ્વામીની સ્વાભિમાન ચળવળ અને જસ્ટિસ પાર્ટીના કાર્યકર્તા તરીકે ગજું કાઢીને પાંચ-પાંચ વાર મુખ્ય પ્રધાન બનવાનો ઈતિહાસ સર્જનાર ૯૪ વર્ષીય ‘કલૈગનાર’ કરુણાનિધિએ ૨૭ જુલાઈ ૨૦૧૮ના રોજ દ્રવિડ મુનેત્ર કળગમ (દ્રમુક: ડીએમકે)ના અધ્યક્ષ તરીકે પચાસમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.
એમની ઉંમર માત્ર ૧૪ વર્ષની હતી ત્યારે જ તેઓ પેરિયારપ્રેરિત ચળવળની વિદ્યાર્થીપાંખમાં જોડાયા હતા એટલે એ ઘટનાને પણ ૮૦ વર્ષ પૂરાં થાય છે. દ્રમુકના અધ્યક્ષ તરીકેના સુવર્ણવર્ષમાં પ્રવેશ સાથે જ ૨૭ જુલાઈની મધરાતે ચેન્નઈની કાવેરી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવેલા કરુણાનિધિએ તમિળ રાજકારણમાં ઘણી આસમાની સુલતાની સર્જેલી છે.
દક્ષિણ ભારતના મદ્રાસ રાજ્યમાં કોંગ્રેસના મહારથીઓ સી. રાજગોપાલાચારી અને કે. કામરાજ જેવાને સત્તાવિમુખ કરીને ૧૯૬૭માં સત્તારૂઢ થયેલા દ્રમુક પક્ષના નેતા સી. એન. અન્નાદુરાઈ મુખ્ય પ્રધાન બન્યા હતા. વર્ષ ૧૯૬૯માં કેન્સરથી તેમનું અવસાન થતાં કરુણાનિધિ જ મુખ્ય પ્રધાન બન્યા હતા. એ પછી સત્તારૂઢ દ્રમુકના અધ્યક્ષ તરીકે પણ એ જ વર્ષમાં તેઓ વરાયા હતા. આજ દિવસ સુધી એ સતત અધ્યક્ષ રહ્યા છે અને એમના અધ્યક્ષપદની સુવર્ણજયંતી ઉજવવા માટે તેમના રાજકીય વારસો અને ફેનક્લબ થનગનાટ અનુભવે છે.
સત્તા મેળવનારા ભ્રષ્ટ જ થાય
‘સત્તામાં જનારા ભ્રષ્ટ થાય જ એટલે એનાથી દૂર રહેવું’ એ દ્રવિડ ચળવળના પ્રણેતા પેરિયારની સલાહને ના તો એમના શિષ્ય અન્નાએ માની કે ના કરુણાનિધિએ. કોંગ્રેસમાંથી દ્રમુકમાં આવીને તમિળ ફિલ્મો અને રાજકારણમાં સુપરસ્ટાર બનેલા મૂળ મલયાળી એમ. જી. રામચંદ્રને પણ પેરિયારની સલાહને કાને ધરી નહોતી. રાજકારણ અને સત્તાકારણનો ચસ્કો જ એવો કંઈક હોય છે કે સત્તામોહિનીથી દૂર રહેવાનું મેનકા થકી તપોભંગ થતા વિશ્વામિત્ર જેવું બની રહે છે.
બ્રિટિશ શાસકો વિદાય થાય ત્યારે મુસ્લિમો માટે જેમ મોહમ્મદ અલી ઝીણા અલગ પાકિસ્તાન મેળવવા પ્રયત્નશીલ હતા, સરદાર તારાસિંહ શીખો માટે જેમ અલગ શિખીસ્તાન કે ખાલિસ્તાન મેળવવા ઈચ્છુક હતા; એમ જ પેરિયાર પણ દ્રવિડો માટે અલગ દ્રવિડીસ્તાન મેળવવા આતુર હતા. ઝીણા અને પેરિયાર વચ્ચે આ બાબતનો પત્રવ્યવહાર હજુ પણ દક્ષિણના દ્રવિડ ચળવળના નેતાઓની જીવનકથાઓ સાથે પરિશિષ્ટોમાં પ્રકાશિત કરવામાં આવે છે. દ્રમુક કે એ પછી એમજીઆર થકી સ્થપાયેલા અન્ના દ્રમુક પક્ષ સહિતના પક્ષો સત્તામાં આવ્યા પછી તેમના નેતાઓનાં નામ એક યા બીજાં મહાકૌભાંડો સાથે જોડાયેલાં રહ્યાં છે.
અન્ના માત્ર બે વર્ષ માટે જ મુખ્ય પ્રધાન રહ્યા,પણ એમનો વહીવટ ભ્રષ્ટાચારથી ખદબદતો હતો. દ્રમુકના કરુણાનિધિ કે અન્નાદ્રમુકના એમજીઆર કે પછી એમની સાથે ફિલ્મો અને રાજકારણમાં સાથી રહેલાં જયલલિતા જયરામ કે એ પછીના નેતાઓમાં કરુણાનિધિ-પુત્રો એમ. કે. સ્ટાલિન, અલાગીરી, પુત્રી કળીમોળી, મુરસોલી મારણ, કલાનિધિ, દયાનિધિ, શશિકલા, એ. રાજા, ટી. આર. બાલુ સહિતના નેતાઓ ભ્રષ્ટાચારના મહાખટલાઓમાંથી મુક્ત થવા માટે સમયાંતરે પલટીઓ મારીને દિલ્હીશ્વરો સાથે રાજકીય જોડાણ કરે છે.
નાસ્તિકતા અને સ્વાભિમાની લગ્નો
પેરિયાર થકી છેક આઝાદી મળી કે દેશ પ્રજાસત્તાક થયો ત્યાં લગી માતમ મનાવવાનું પસંદ કરાયું હતું. તમિળનાડુ પર બ્રાહ્મણ આધિપત્ય સામે લડવા માટે દ્રવિડોના નામે ચાલેલી ચળવળમાં નાસ્તિકતાને પોષવાનું અને લગ્નો માટે વિધિવિધાનને બદલે પોતાની સરળ પદ્ધતિથી લગ્નો કરવાનું ચલણ સ્વીકારવામાં આવ્યું. ૧૯૬૭માં દ્રમુકના સુપ્રીમો અન્ના મુખ્ય પ્રધાન થયા ત્યારે એમણે હિંદુ લગ્ન ધારામાં સુધારા કરીને આવાં સ્વાભિમાની લગ્નોને સ્વીકૃતિ આપતો કાયદો કર્યો હતો.
તમિળ સંસ્કૃતિ આર્ય સંસ્કૃતિ કરતાં જૂદી છે અને તમિળ ભાષા સંસ્કૃત કરતાં પુરાણી છે એવો દ્રવિડ ચળવળમાંથી છૂટા પડેલા દ્રમુક, અન્નાદ્રમુક સહિતના પક્ષના નેતાઓનો દાવો રહ્યો છે. દક્ષિણ ભારત વિરુદ્ધ ઉત્તર ભારતના જંગના અદના સૈનિક, હિંદી ઠોકી બેસાડવાના વિરોધમાં પેરિયારપ્રેરિત તમિળ સહિતની પ્રજાના દ્રવિડનાડુ નામક અલગ રાષ્ટ્ર માટે સંઘર્ષરત રહેલા અને પાછળથી અન્નાદુરાઈએ પણ એ માંગ છોડી ત્યારે પોતાના રાજ્ય પર ઉત્તર ભારતના લોકો જોહુકમી કરીને ગુલામ બનાવવા જેવું વર્તન ના કરે એ માટે લડત ચલાવવામાં પણ કરુણાનિધિ સક્રિય રહ્યા.
હમણાં એમના રાજકીય વારસ એવા ૬૫ વર્ષના પુત્ર એમ. કે. સ્ટાલિને પણ તમિળનાડુ, કર્ણાટક, આંધ્ર અને કેરળ માટે અલાયદા દ્રવિડનાડુનો રાગ આલાપી જોયો. એ પછી એની માંડવાળ કરી. આમ છતાં દક્ષિણનાં રાજ્યોને રાજકીય પ્રતિકૂળતા વર્તાય ત્યારે એ ઉત્તર વિરુદ્ધ દક્ષિણ અને આર્ય વિરુદ્ધ દ્રવિડનો રાગ આલાપવાનું શરૂ કરે છે. ગુજરાતની ગાદીએથી સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન જાય કે એ પ્રદેશના પ્રધાન ઓછા થતાં જ અલગ સૌરાષ્ટ્રની માગ તેલિયા રાજાઓના સંગઠનને સહારે કરવાનું શરૂ થઇ જાય છે કે કચ્છના પૂર્વ રાજવી મહારાવના નેતૃત્વમાં આજે પણ અલગ કચ્છની માંગણી પડઘાયા કરે છે, એવો અન્યાય આલાપ દક્ષિણને અન્યાયની બાબતમાં થાય છે.
ત્રણ લગ્નો છતાં પ્લેબોયની છબિ
બ્રાહ્મણવાદના વિરોધી, નાસ્તિક અને લગ્નપ્રથામાં વિશ્વાસ નહીં ધરાવનાર કરુણાનિધિ યુવાનીથી જ પ્લેબોયની છબિ ધરાવતા હોવાની ચર્ચા રહી છે. એમનો ફિલ્મોનો વ્યવસાય અને રંગીનમિજાજી સાથે જાય એ સ્વાભાવિક છે. એમાં પાછું સત્તા ભળે એટલે કહેવું જ શું?
કરુણાનિધિનો પરિવાર રાજકારણ અને ફિલ્મકારણ ઉપરાંત બીજા અનેક ધંધાઓમાં સામેલ છે. એમનાં પ્રથમ પત્ની પદ્માવતી અમ્માલથી એમનો પુત્ર એમ. કે. મુથુ ફિલ્મ અભિનેતા અને ગાયક તરીકે પ્રસ્થાપિત છે. બીજાં પત્ની દયાલુ અમ્માલથી બંને પુત્રો રાજકારણમાં હોવા છતાં એકમેકના દુશ્મન છે. મોટો ૬૭ વર્ષીય અલાગીરી કેન્દ્રમાં ડો. મનમોહન સિંહ સરકારમાં પ્રધાન રહ્યો અને મદુરાઈમાં વસે છે. નાનો ૬૫ વર્ષનો એમ. કે. સ્ટાલિન પોતાના પિતાનો ખરો રાજકીય વારસ જાહેર થયો છે. વર્ષ ૨૦૧૭માં એને દ્રમુકનો કાર્યાધ્યક્ષ બનાવ્યો છે. અગાઉ તે પોતાના પિતાની સરકારમાં નાયબ મુખ્યપ્રધાન રહ્યો છે.
કરુણાનિધિનાં ત્રીજાં પત્ની રજથી અમ્માલથી દીકરી કળીમોળી રાજ્યસભાની સભ્ય અને કવયિત્રી છે. અન્ય એક દીકરી સેલ્વી રાજકાજથી પર છે. અત્યાર લગી બે લગ્ન કરનાર કળીમોળીનું નામ કેન્દ્રમાં પ્રધાન રહેલા એ. રાજા સાથે પણ ચર્ચામાં રહ્યું છે. બંને ટુ-જી મહાકૌભાંડમાં જેલવાસી હતાં અને દિલ્હીની વડી અદાલતે તેમને નિર્દોષ જાહેર કરતો ચુકાદો આપ્યો છે.
કરુણાનિધિની બહેનના દીકરા મુરસોલી મારન કેન્દ્રની વાજપેયી સરકારમાં પ્રધાન હતા. એમના નિધન પછી એમના બે દીકરા દયાનિધિ અને કલાનિધિ રાજકારણ અને ટીવી સંચાલક સહિતના ક્ષેત્રોમાં ચર્ચાસ્પદ રહ્યા છે. દયાનિધિ પણ ડો. મનમોહન સિંહ સરકારમાં પ્રધાન હતા.
તમિળ રાજકારણ પર ફિલ્મી પ્રભાવ
ડિસેમ્બર ૨૦૧૬માં મુખ્યપ્રધાન જયલલિતાનું નિધન થયું. એ પહેલાંની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં તેમના પક્ષ સાથે જોડાણ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે ઉધામા માર્યા હતા, પણ ભાજપને તમિળનાડુ વિધાનસભામાં પ્રવેશ નહીં કરાવવાના મતનાં જયાઅમ્માએ જોડાણની સાફ ના પાડી. આજે પણ ૨૩૫ સભ્યોની વિધાનસભામાં ભાજપની એક પણ બેઠક નથી.
સામાન્ય રીતે દર પાંચ વર્ષે રાજ્યમાં સત્તાપલટો થાય છે, પણ એમજીઆરની જેમ જયાની પાર્ટીનો ફરીને ભવ્ય વિજય થયો. કમનસીબે એમનું મૃત્યુ થયું અને પક્ષમાં ભંગાણ થયા પછી રેણ કરાવીને વડા પ્રધાને અન્નાદ્રમુકને જાણે કે દત્તક લઈ સત્તામાં જાળવી છે. જોકે હજુ રાજ્યમાં ભાજપને સ્વીકૃતિ મળતી નથી. એકમાત્ર કન્યાકુમારીવાળી લોકસભા બેઠક જ મળે છે. એના સાંસદને કેન્દ્રમાં મંત્રી બનાવાય છે. હજુ ફિલ્મી હસ્તીઓને સાથે લઈને કે અન્ય પક્ષોમાં ભંગાણ પડાવીને પણ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં પગદંડો જમાવવા પ્રયત્નશીલ છે. એટલે જ એ સુપરસ્ટાર રજનીકાંત (શિવાજીરાવ ગાયકવાડ નામક મૂળ કોલ્હાપુરના અને બેંગલુરુમાં જન્મેલા)ને પોતાની છાવણીમાં લેવાના પ્રયાસો કરે છે, પણ ફિલ્મસ્ટારો કમલ હસન અને રજનીકાંત કોણ જાણે રાજકીય પક્ષ સ્થાપીને કોની સાથે જોડાણ કરશે એ કળાવા દેતા નથી.
અત્યારે તો દ્રમુક મજબૂત થઈને ઉપસે એવું લાગે છે, પણ દિલ્હી શું કળા કરીને ફિલ્મી હસ્તીઓને પોતાની સાથે જોડે છે એ ભણી સૌની નજર છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)