ઝટકો પામેલા વિરોધ પક્ષના આગેવાનો તાજેતરમાં જ થયેલી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓનું વિશ્લેષણ અને આત્મનિરીક્ષણ કરતા રહ્યા. એ વેળા વડા પ્રધાન અને ભારતીય જનતા પક્ષના સર્વોચ્ચ નેતા નરેન્દ્ર મોદી વર્ષ ૨૦૧૯માં આવનારી લોકસભાની ચૂંટણી સાથે જ વિવિધ રાજ્યોની વિધાનસભાની આગામી ચૂંટણીઓના વ્યૂહને અંતિમ સ્વરૂપ આપી રહ્યા હતા.
આફતોને અવસરમાં ફેરવવાની મોદીની ચાણક્ય નીતિ સામે તમામ વિપક્ષો સંગઠિત થઈને ભાજપવિરોધી મોરચો રચવાનું ચિંતન કરે એ પહેલાં એવા સંભવિત મોરચામાં બાકોરાં કેમ પાડવાં અને કયા મહત્ત્વના નેતાઓને ભાજપ સાથે જોડવા એની વેતરણમાં મોદીકારણ રમમાણ છે.
હમણાં ઉત્તર પ્રદેશ જેવા સૌથી મોટા રાજ્યને જીતીને ઈડરિયો ગઢ જીત્યાનો હરખ ભગવી સેનાને કરાવનાર મોદી પંજાબ રાજ્યમાં અકાલી-ભાજપનું જોડાણ દસ વર્ષે હાર્યાનું સાટું ગોવા અને મણિપુરમાં વાળી લેવા કૃતસંકલ્પ હતા. એ ઈશારો કરે અને સંઘ પરિવારની સેના કામે વળી જાય છે. પંજાબમાં કોંગ્રેસને બહુમતી મળી, અને કેપ્ટન અમરીન્દર સિંહ જેવા પતિયાળાના ‘મહારાજા’ ફરી ગાદીએ આવ્યા તો ખરા, પણ એ સુખે પાંચ વર્ષ રાજ કરશે કે કેમ એ મોદીસેના જ નક્કી કરશે. ક્યારે ક્યાં સુરંગો ગોઠવવી એ રાજકીય વ્યૂહમાં નરેન્દ્ર મોદી ભાગ્યે જ અન્ય કોઈ કરતાં પાછળ રહે છે. ક્યારેક સરદાર વલ્લભભાઈ પટેલ અને ઈંદિરા ગાંધી જેવાં કોંગ્રેસી નેતાં જાગતાં નેતાની જેમ વિરોધીના વ્યૂહને ફોક કરવા માટે આગોતરી ચાલ ચાલતાં હતાં. આજે મોદી એમને અનુસરતા લાગે છતાં બધું મૌલિક કરતા હોવાનો અનુભવ કરાવે છે.
કોંગ્રેસના બોદા ગઢમાં વિસ્ફોટવ્યૂહ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ઈતિહાસ ભવ્ય છે, પણ વર્તમાન અને ભવિષ્ય સાવ જ ધૂંધળું છે. ક્યારેક મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, મોહમ્મદ અલી ઝીણા, ડો. કેશવ બલિરામ હેડગેવાર જેવાની કોંગ્રેસ આજે સાવ જ ખાંડા ઢોરની પાંજરાપોળ બની ગઈ છે. છ - છ દાયકા લગી શાસન કર્યા પછી એનામાં લડાયક મિજાજ રહ્યો નથી. સોનિયા ગાંધી - રાહુલ ગાંધીની કોંગ્રેસને સાવ જ મજાકનું માધ્યમ બનાવવાની હદે ભારતીય રાજકારણને લઈ જવામાં અટલ બિહારી વાજપેયી પછીના ભગવી બ્રિગેડના નેતાઓની કરામતોને દેશની પ્રજાએ કાંઈક અંશે આવકારી છે. કોંગ્રેસ હતપ્રદ છે.
ભાજપના વડપણવાળી કેન્દ્ર સરકાર થકી મોટા ભાગનાં રાજ્યોમાં રિમોટ ચલાવવા માટે રાજ્યપાલો નિયુક્ત થયેલા છે, પણ હજુ પણ તમામ રાજ્યો ભાજપની ઝોળીમાં આવ્યાં નથી. મોદીનો અશ્વમેધ એ દિશામાં આગેકૂચ કરવા માટે સતત પ્રયત્નશીલ છે. કજોડાં કહી શકાય એટલી હદે જમ્મુ-કાશ્મીરમાં જોવા મળેલાં જોડાણ કે સતત વિપક્ષની ભૂમિકા ભજવતા સાથી પક્ષ જેવી મહારાષ્ટ્રની અવસ્થા છતાં ભાજપનો પ્રભાવ વિસ્તારવા માટે મિત્રપક્ષો સાથેનાં જોડાણો અનિવાર્ય હોવાની મોદીબ્રાન્ડ વ્યૂહરચના સમજી શકાય છે.
દક્ષિણ ભારતના તમિળનાડુ તથા કેરળમાં સત્તામાં સહભાગી થવા વડા પ્રધાનની પાર્ટીએ ખૂબ જ ઉધામા માર્યા છતાં સમ ખાવા પૂરતી એકાદ-બે બેઠકોથી વિશેષ કોઈ સફળતા ધારાસભાની ચૂંટણીમાં મળી નથી. દેશભરમાં સૌથી વધુ સંઘની શાખાઓ ચલાવાય છે એ કેરળમાં સંઘનિષ્ઠોએ છેક ૧૯૪૨થી ધૂણી ધખાવી હતી ત્યારે ગત વર્ષમાં માંડ એક બેઠક જીતીને વિધાનસભામાં પહેલી વાર પ્રવેશ મળ્યો. તમિળનાડુમાં પણ રોકડી એક જ બેઠક લોકસભાની ચૂંટણીમાં મળી છે. હવે પછી દેશનાં બીજાં રાજ્યો સર કરવાં છે. આગામી દિવસોમાં જ્યાં ચૂંટણી આવે છે ત્યાં ચૂંટણીમાં બહુમતી કોઈ પણ ભોગે કરીને પણ ભાજપની સત્તા સ્થાપવી છે. ના મળે તો વિરોધ પક્ષોને તોડી, અસંતુષ્ટોને લલચાવીને પણ અરુણાચલ પ્રદેશવાળી કરવી છે.
આસામ, અરુણાચલ અને મણિપુર
હમણાં મણિપુરની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને કોંગ્રેસ કરતાં ઘણી ઓછી બેઠકો મળ્યા છતાં કુનેહથી બહુમતી કરીને જૂના કોંગ્રેસી એવા એન. બિરેન સિંહને મુખ્ય પ્રધાન પદ માટે વરણી કરાઈ છે. હવે વડા પ્રધાન મોદીએ મિઝોરમ અને મેઘાલય ઉપરાંત ત્રિપુરા કબજે કરવું છે. ત્રિપુરામાં માર્કસવાદી મુખ્ય પ્રધાન માણિક સરકારને વિશે કોહિમાથી અમારી સાથેની વાતચીતમાંથી સંઘ પરિવારના અગ્રણી ખૂબ ઊંચો અભિપ્રાય આપે છે. એ કહે છે ‘ભાજપના મુખ્ય પ્રધાનોએ પણ એમની સાદગી અને કામ કરવાની પદ્ધતિમાંથી શીખવા જેવું છે. સાદગી જ નહીં, ભ્રષ્ટાચારમુક્ત, હિંદુવાદી અને રાષ્ટ્રવાદી નેતા-કાર્યકર્તા છે.’
અરુણાચલમાં વર્ષ ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ભવ્ય બહુમતી મળી હતી, પણ સાગમટે પક્ષાંતર કરાવવાના મોદી-અમિત શાહ બ્રાન્ડ વ્યૂહને પ્રતાપે અરુણાચલ આજે ભાજપની રાજ્ય સરકાર ધરાવે છે. મેઘાલય અને મિઝોરમ જેવાં ખ્રિસ્તી બહુલ રાજ્યોમાં હવે ખ્રિસ્તી પ્રજા જ નહીં, ખ્રિસ્તી મિશનરીઓએ પણ કેન્દ્રમાં સત્તારૂઢ અને પ્રદેશમાં કાર્યરત સંઘ-ભાજપ અંગે મત બદલાવા માંડ્યો છે.
સિક્કિમ અને નાગાલેન્ડમાં તો ભાજપના મિત્રપક્ષની સત્તા છે. એ પહેલાં છેલ્લાં પંદર વર્ષથી કોંગ્રેસનું શાસન ધરાવતા આસામના કોંગ્રેસી અને અહોમ ગણ પરિષદના નેતાઓએ ભાજપમાં પ્રવેશ આપવા ઉપરાંત અહોમ ગણ પરિષદ અને બીજા પક્ષો - જૂથો સાથે જોડાણ કરને દિશપુર (આસામની રાજધાની)માં ભાજપના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલને સ્થાપિત કરાયા છે. સોનોવાલ પણ કાંઈ સંઘ પરિવારમાંથી આવતા નથી. એ મૂળ અહોમ ગણ પરિષદના છે. વડા પ્રધાન મોદીના વ્યૂહ હવે એવા છે કે સંઘનિષ્ઠ મુખ્ય પ્રધાન કે નાયબ મુખ્ય પ્રધાન જ હોય એવો દુરાગ્રહ સેવવો નહીં. હા, સંઘનિષ્ઠોની નિગરાની આવા તમામ મુખ્ય પ્રધાનો કે અન્ય શાસકો પર સતત રહે અને એ નિગરાની રાખનાર પણ પાછા તમામ મોદીનિષ્ઠ હોય એ પૂર્વશરત વણલખી ગણવી પડે!
ઈશાન ભારત સહિતનાં રાજ્યોમાં ભગવો
આવતા દિવસોમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક સહિતનાં જે રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવે છે એમાં ક્યાંય કશું કાચું ન કપાય એની તજવીજમાં રહેવાના મોદીબ્રાન્ડ વ્યૂહ અસ્સલ ઈંદિરાજીની જેમ, પ્રધાનમંડળમાં ફેરફારો કરીને તથા મુખ્ય પ્રધાનોને બદલીને ફરીને ભાજપની વિજયપતાકા લહેરાય એવાં આયોજન કરવા થનગને છે. પ્રજાના અસંતોષને ભૂલાવી દેવાય એવા મુદ્દાઓ ઉછાળવામાં ઉસ્તાદ એવા વડા પ્રધાન મોદી હજુ પાસે સૌથી પ્રભાવી રાજનેતા છે.
અસંતુષ્ટો તો ભાજપમાં ફાટફાટ થાય છે. આયાતી નેતાઓને મળતા મહત્ત્વથી દાયકાઓથી ગદ્ધાવૈતરું કરતો સંઘ પરિવારનો કાર્યકર્તા નારાજ પણ થાય છે, પણ ચૂંટણી માટે એ ભાજપ માટે જ કામ કરે છે. હાર-જીતને સમાન ભાવ સાથે લેવા ટેવાયેલા ભાજપી કાર્યકરો મંડ્યા રહે છે. ‘કીલર્સ ઈન્સ્ટિંક્ટ’ સાથે આગળ વધતો ભાજપ જીતવાના સંકલ્પ સાથે જંગમાં ઝુકાવે છે. મોદીના વ્યૂહ કાયમ ઈલેક્શન-મોડમાં જ હોવાથી પેલી ગુજરાતી કહેવત ‘ઊંઘતાનો પાડો અને જાગતાની પાડી’ સતત સાર્થક થતી લાગે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)