ભારતીય રાજ્ય પંજાબમાં વિધાનસભાની ચૂંટણીનો ગરમાટો અને ધમધમાટ વર્તાવા માંડ્યો છે. લગાતાર ઓપિનિયન પોલ સત્તારૂઢ મોરચા અકાલી દળ અને ભાજપને બદલ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પતિયાળાના રાજવી પરિવારના કેપ્ટન અમરિન્દર સિંહની કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા હોવાના સંકેત આપે છે. આશ્ચર્ય એ વાતનું છે કે દિલ્હી સરકારમાં ‘આપ’ પાર્ટી ઝાઝું ઉકાળી શકી નહીં હોવા છતાં લગાતાર ઓપિનિયન પોલમાં પંજાબમાં એની જ સરકાર રચાતી લાગે છે.
પંજાબમાં અત્યારે ભારે ઉહાપોહ છે. પંજાબની પિતા-પુત્રની સરકારને ઉગારી લેવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈ પણ નિમિત્તે પંજાબમાં જનસભાઓ કરવા માંડી છે. મુખ્ય પ્રધાન પ્રકાશસિંહ બાદલ અને નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંહ બાદલ તેમજ કેન્દ્રમાં પ્રધાન એવાં મુખ્ય પ્રધાનના પુત્રવધૂ હરસિમરત કૌર બાદલ સાથે વડા પ્રધાન મોદી એક મંચ પર સભા ગજવે છે. ૫૦૦ અને ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટો રદ્દ કરવાની વાતે સત્તા મોરચાની શિવ સેના પાર્ટી મોદીવિરોધી ભૂમિકા સાથે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સમક્ષ ફરિયાદ કરવા માટે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીના નેતૃત્વમાં કૂચ કરવામાં સંકોચ અનુભવતી નથી. પણ અકાલી દળ આ મુદ્દે સાવધ રહે છે.
વિધાનસભાની કુલ ૧૧૭ બેઠકોની આગામી જાન્યુઆરી ૨૦૧૭ દરમિયાન યોજાનારી ચૂંટણીમાં અકાલી અને ભાજપને કુલ મળીને માંડ ૧૭ બેઠકો મળવાનાં એંધાણ તમામ મતદાતા સર્વેક્ષણ આપે છે. અત્યારે વિધાનસભામાં અકાલી દળની ૫૬ અને ભાજપની ૧૨ બેઠકો તથા કોંગ્રેસની ૪૬ બેઠકો હોવા છતાં સતલજ-યમુના લિંક (એસવાયએલ) હેઠળ પાડોશી રાજ્ય હરિયાણાને પંજાબ તરફથી પાણી આપવાના સુપ્રીમ કોર્ટના ચૂકાદાના વિરોધમાં કોંગ્રેસના લોકસભાના સભ્ય કેપ્ટન અમરીન્દર સિંહ તથા તેમના પક્ષના ધારાસભ્યોએ ગૃહમાંથી રાજીનામાં આપી દીધાં છે.
નાભા જેલ તોડી ખાલિસ્તાની નેતા અલોપ
પંજાબ પ્રદેશ કોંગ્રેસના વડા અને મુખ્ય પ્રધાન રહી ચુકેલા કેપ્ટન અમરીન્દર સિંહ ચૂંટણી નજીક આવતી જશે એમ ખાલિસ્તાની હિંસા વકરવાનાં એંધાણ આપી રહ્યા હતા. અકાલીઓ સત્તા ગુમાવવાના થાય ત્યારે પંજાબમાં હિંસાની હોળી ખેલાતી હોવાનો ઈતિહાસ સર્વવિદિત છે. જોકે કેપ્ટન તો કેનેડાના કેટલાક શીખ પ્રધાનો અને સાંસદો પણ અલગ ખાલિસ્તાનની ચળવળને ટેકો આપી રહ્યા હોવા ઉપરાંત ચૂંટણી દરમિયાન હિંસક અથડામણો સર્જાવાની શક્યતા નિહાળતા હતા. એમણે તો ખાલિસ્તાનવાદીઓ સાથે કેજરીવાલની પાર્ટીએ હાથ મિલાવ્યા હોવાના આક્ષેપ પણ કર્યાં છે. પંજાબમાં ખાલિસ્તાનવાદી ચળવળ સાથે જોડાયેલા સંત ભિંડરાંવાલે જેવા આતંકી ગણાવાયેલા અને ૧૯૮૪ના બ્લ્યુસ્ટાર ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારાયેલા ભિંડરાંવાલેને અકાલી સરકારે ‘શહીદ’ ગણાવવા ઉપરાંત એમના પરિવારની સાથે બાદલ પરિવારનો સંપર્ક જળવાયાની ઘટના અજાણ નથી. સત્તારૂઢ ભાજપના ચાર પ્રધાનો અકાલીઓના ભિંડરાવાલેને ‘શહીદ’ ગણાવવાના નિર્ણય સાથે અસંમત હોવા છતાં સત્તામાંથી ફારેગ થવા તૈયાર નથી.
રવિવાર, ૨૭ નવેમ્બરના રોજ નાભાની સૌથી સુરક્ષિત જેલમાંથી જે કેદીઓને ભગાડી જવામાં આવ્યા એમાં ખાલિસ્તાન લિબરેશન ફ્રંટ નામના પ્રતિબંધિત સંગઠનના વડા હરમિન્દર સિંહ ‘મિન્ટુ’નો પણ સમાવેશ હતો. નાયબ મુખ્ય પ્રધાન સુખબીર સિંહ બાદલે નાભા જેલ તોડવાના કાવતરામાં પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાની સંડોવણીની શક્યતા વ્યક્ત કરી છે, પરંતુ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અમરીન્દર સિંહ તો આ સઘળી કવાયતને રાજ્યના શાસકોના મેળાપીપણાનું પરિણામ લેખાવે છે. સુખબીરનો આક્ષેપ છે કે પંજાબમાં ચૂંટણીના દિવસોમાં અશાંતિ સર્જવા માટે પાકિસ્તાન ગુનાખોરો સાથે મળીને ખેલ પાડી રહ્યું છે.
પંજાબમાં ‘આપ’નો ઉદય
પંજાબમાં ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણી વખતે ‘આપ’નું રાજ્યમાં અસ્તિત્વ નહોતું, પરંતુ મે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે પંજાબની કુલ ૧૩ લોકસભા બેઠકોમાંથી ‘આપ’ને ફાળે ચાર બેઠકો ગઈ હતી. રાજ્યમાં અકાલી-ભાજપ મોરચાની સરકાર હોવા છતાં કોંગ્રેસને ૩ અને ‘આપ’ને ૪ બેઠકો મળતાં બહુમતી બેઠકો સત્તારૂઢ મોરચા વિરુદ્ધના પક્ષોને મળી હતી. એટલું જ નહીં, અમૃતસરની બેઠક પરથી વર્તમાન કેન્દ્રીય નાણા પ્રધાન અરુણ જેટલી કોંગ્રેસના અમરીન્દર સિંહ વિરુદ્ધ લડ્યા અને હાર્યા હતા. અકાલીને ૪ તથા ભાજપને ૨ બેઠકો મળી હતી. પંજાબની યુવાપેઢીને અકાલી સરકાર નશાખોર બનાવીને બરબાદ કરી રહી હોવાના ‘આપ’ના આક્ષેપ અને ‘ઊડતા પંજાબ’ ફિલ્મના પ્રભાવે કેજરીવાલની પાર્ટીભણી લોક સહાનુભૂતિનું મોજું વાળ્યું હતું.
જોકે તેમના નેતાઓ સામેના આક્ષેપ તથા ભાજપના રાજ્યસભા સાંસદ તરીકે રાજીનામું આપનાર ક્રિકેટર-રાજનેતા નવજોતસિંહ સિદ્ધુ અને તેમનાં ભાજપી ધારાસભ્ય પત્ની ડો. નવજોત કૌર સિદ્ધુ ‘આપ’માં જોડાય એવી કેજરીવાલની પાર્ટીને ઘણા સમય સુધી પ્રતીક્ષા હતી. હવે ડો. નવજોત કૌર કોંગ્રેસમાં જોડાયાં છે અને તેમના પતિ નવજોતસિંહ સિદ્ધુ કોંગ્રેસનો પ્રચાર કરવાના છે. આવા સંજોગોમાં રાજકીય ચિત્ર બદલાઈ શકે.
પંજાબની ચૂંટણીમાં કયા મુદ્દા હશે
પંજાબની ચૂંટણી ખૂબ રસાકસીભરી જરૂર રહેવાની. સૌથી વધુ મહત્ત્વનો મુદ્દો તો હરિયાણાને પાણી આપવા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા સંદર્ભે રાજકીય પક્ષોની ભૂમિકા વિશેનો રહેવાનો. અકાલી દળ પણ હરિયાણાને જરા પણ પાણી આપવાના પક્ષે નથી છતાં કોંગ્રેસના સાંસદ અને ધારાસભ્યોએ ગૃહમાંથી સભ્યપદનાં રાજીનામાં આપીને આ મુદ્દે પોતાની આક્રમક ભૂમિકાનાં પ્રજાને દર્શન કરાવીને સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો છે.
પંજાબમાં અકાલી દળ અને કોંગ્રેસ વચ્ચે જાટ શીખ એટલે કે ઉચ્ચ વર્ગની વોટબેંકમાં ખેંચતાણ વધુ રહેવાની છે અને પછાત વર્ગની મતદાર સંખ્યા નોંધપાત્ર હોવાથી કેજરીવાલે પોતાનો પક્ષ સત્તામાં આવતાં પછાત વર્ગને એટલે કે દલિતને નાયબ મુખ્ય પ્રધાન બનાવશે એવી ઘોષણાઓથી દલિતોને પોતાના પક્ષે કરવા પ્રયત્નશીલ છે. પંજાબની શાંતિ ઝંખતી પ્રજા હિંસક અથડામણો અને ખાલિસ્તાની ઉહાપોહને પસંદ કરે નહીં, છતાં આવતા મહિનાઓમાં હિંસક અથડામણો જરૂર સર્જાવાની.
અકાલી અને ભાજપ બેઉ તરફથી ૧૯૮૪માં વડાં પ્રધાન ઈંદિરા ગાંધીની હત્યાને પગલે દિલ્હીમાં ૩૦૦૦ શીખોની કત્લેઆમ કોંગ્રેસી સત્તાધીશોની નિશ્રામાં થયાનો મુદ્દો પણ ખૂબ ઊછાળવામાં આવશે. કારણ આ મુદ્દે કોંગ્રેસની નેતાગીરીને ભીંસમાં લઈ શકાશે.
પંજાબિયતનો મુદ્દો હવાઈ ગયો
બાદલ સરકારે ભારતના પંજાબ અને પાકિસ્તાનના પંજાબના લોકોની વચ્ચે સેતુ રચવા માટે પંજાબિયતનો મુદ્દો આગળ કરીને બે દેશના સંયુક્ત ઉત્સવોનાં આયોજન કર્યાં હતાં, પણ વર્તમાન સંજોગોમાં પઠાણકોટ હુમલા, ઉરી હુમલા તેમજ કાશ્મીર અને પંજાબમાં આતંકી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવાના પાકના નાપાક ઈરાદાઓને કારણે પંજાબિયતની ભાવનાને પ્રતિકૂળ અસર પહોંચી છે. જોકે આવા તણાવભર્યા સંજોગોમાં પણ પાકિસ્તાનમાં આવેલા શીખ ધર્મના સંસ્થાપક અને પ્રથમ ગુરુ એવા ગુરુ નાનકના જન્મસ્થળ નાનકાના સાહેબની યાત્રાએ જવા માટેના યાત્રાળુઓના જથ્થાને અનુકૂળતા કરી અપાઈ છે. એ જ રીતે પાકિસ્તાનની શીખ શ્રદ્ધાળુ ભારત આવી શકે એમાં પણ અવરોધ સર્જાયો નથી. ધર્મ બધાને જોડે છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)