પશ્ચિમ બંગાળમાં ગોરખાલેન્ડ અને કૂચબિહાર રાજ્યની માંગ

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Monday 12th June 2017 12:41 EDT
 
 

દીર્ઘદૃષ્ટા રાજપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે બ્રિટિશ શાસકોની ભારતમાંથી વિદાય સાથે જ ૫૬૨ જેટલાં દેશી રજવાડાંને સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને ભારતના વર્તમાન નક્શાને આકાર આપતાં જોડ્યાં હતાં. હવેના સર્વપક્ષી રાજકીય નેતાઓ અને શાસકો સરદારનું કર્યુંકારવ્યું ધૂળમાં મેળવતા હોય એ રીતે ફરીને એ રજવાડાંની પ્રજાને અલગ અલગ રાજ્યોમાં વિભાજિત કરી રહ્યા છે. અત્યારે ભારતમાં ૨૯ રાજ્યો અને ૭ કેન્દ્રશાસિત પ્રદેશ છે. નાનાં રાજ્યો થકી વહીવટી વધુ સારો થઈ શકે એવી ભૂમિકા પ્રગટપણે લેવાય તો છે, પણ નવાં રાજ્યો પણ રગશિયા ગાડાની જેમ જ કાર્યરત રહેતાં હોવા છતાં વધુને વધુ નવાં રાજ્યો માટેનાં આંદોલનો અને હિંસક અથડામણો ચાલતી રહે છે.

આજકાલ પશ્ચિમ બંગાળમાં ગોરખાલેન્ડ અને કૂચબિહાર ઉપરાંત દેશભરનાં બીજા રાજ્યોમાં અલગ રાજ્યો રચવાની આકાંક્ષાને પગલે સંઘર્ષ ચાલી રહ્યા છે. વર્ષ ૨૦૦૦માં કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની ભાજપના નેતૃત્વવાળી એનડીએ સરકાર હતી ત્યારે બિહારમાંથી ઝારખંડ, મધ્ય પ્રદેશમાંથી છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્યની રચના કરાઈ હતી.

ભાજપના ચૂંટણીઢંઢેરામાં મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ અને આંધ્ર પ્રદેશમાંથી અલગ તેલંગણ રાજ્યની રચનાનો સમાવેશ હોવા છતાં બંને પ્રદેશોમાંના એ વેળાના મિત્રપક્ષો શિવ સેના અને તેલુગુ દેશમ્ પાર્ટીના વિરોધને કારણે ત્રણ રાજ્યોની રચના સાથે વધુ બે રાજ્યોને વાજપેયી સરકાર આકાર આપી શકી નહોતી. જોકે, વર્ષ ૨૦૧૪માં આંધ્રમાં કોંગ્રેસની સરકારના વિરોધ છતાં કેન્દ્રની કોંગ્રેસના વડપણવાળી યુપીએ સરકાર થકી તેલંગણ રાજ્યની રચના કરવામાં આવી હતી. આ ઘટનાક્રમ પાછળ પણ મતનું રાજકારણ હોવા છતાં જરૂરી નથી કે તમામ પક્ષોની મહેચ્છાની પૂર્તિ થઈ હોય. હજુ પણ ઘણાં રાજ્યોની રચના માટેની માગણી ઊભી જ છે.

ઉત્તર પ્રદેશમાંથી ચાર રાજ્યોની રચના કરવાનો માયાવતી સરકારે વિધાનસભામાં કરાવેલો ઠરાવ હજુ ઊભો જ છે. પશ્ચિમ બંગાળમાં માર્કસવાદીઓની સરકાર હતી ત્યારે તૃણમૂલ કોંગ્રેસનાં નેતા મમતા બેનરજી અને ભાજપની નેતાગીરીએ ગોરખાલેન્ડ અને કૂચબિહાર રાજ્યની રચનાને ટેકો આપ્યો હતો, પણ રાજ્યમાં સત્તામાં આવીને મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ગોરખાલેન્ડ કે કૂચબિહાર રાજ્યની રચનાનો વિચાર માંડી વાળ્યો. ભાજપ થકી ગોરખાલેન્ડની માગણી સંતોષવાના વચન સાટે મે ૨૦૧૪માં દાર્જીલિંગ બેઠક પરથી ભાજપના એસ. એસ. આહલુવાલિયા (અગાઉના કોંગ્રેસી પ્રધાન અને હવે મોદી સરકારના પ્રધાન) જીતી શક્યા, પણ બંગાળના અર્થતંત્ર માટે ચાના બગીચા તથા પ્રવાસીઓને કારણે ખૂબ મહત્ત્વના આ વિસ્તારને અલગ રાજ્ય આપવાનો હવે પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષ વિરોધ કરી રહ્યા છે. સત્તાપ્રાપ્તિના લક્ષ્યને પૂર્ણ કરવા સુધી વચનોની લ્હાણી કરવામાં તમામ રાજકીય પક્ષો અગ્રેસર રહે છે પણ એ પછી સત્તા મળતાં એમના સ્વર બદલાઈ જાય છે.

ઘિશિંગના ગોરખાલેન્ડ આંદોલનમાં ૧૨૦૦ હોમાયા

અલગ ગોરખાલેન્ડનો વિચાર સુભાષ ઘિશિંગનો છે. ૧૯૮૦ના ગાળામાં ગોરખાઓના નેતા સુભાષ ઘિશિંગના વડપણવાળા ગોરખા નેશનલ લિબરેશ ફ્રંટ (જીએનએલએફ)ના ૧૯૮૦ના ગાળામાં ચલાવાયેલા હિંસક આંદોલનમાં ૧૨૦૦ જેટલા લોકોના જાન ગયા હતા. એ વેળાના માર્ક્સવાદી મુખ્ય પ્રધાન જ્યોતિ બસુએ ઘિશિંગ સાથે સમાધાન કરીને ગોરખાલેન્ડને બદલે સ્વાયત્ત દાર્જીલિંગ ગોરખા હિલ કાઉન્સિલની રચના કરીને ઘિશિંગને એના વડા બનાવાયા હતા. આ ઘિશિંગના સાથી રહેલા બિમલ ગુરુંગે તેમની સાથે છેડો ફાડીને ૨૦૦૭માં ગોરખા જનમુક્તિ મોરચાની રચના કરીને ગોરખાલેન્ડની માગણીના ટેકામાં આંદોલન આદર્યું. અત્યારે સ્વાયત્ત કાઉન્સિલના નવસ્વરૂપ એવા ગોરખાલેન્ડ ક્ષેત્રીય પ્રશાસન (ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશન)ના ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ગુરાંગ છે. એની ૨૦૧૨માં યોજાયેલી ચૂંટણીમાં એમની પાર્ટી તમામ બેઠકો જીતી હતી.

ભાજપનો એને ટેકો મળ્યો ૨૦૦૯માં. અહીંથી જ જસવંત સિંહ ભાજપના ઉમેદવાર તરીકે લોકસભામાં ચૂંટાયા. ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીએ મે ૨૦૧૪ પણ ‘ગોરખાઓનું સ્વપ્ન છે (ગોરખાલેન્ડનું) એ જ મારું છે.’ એમ કહીને અહીંથી એસ. એસ. આહલુવાલિયાને ભાજપની ટિકીટ પર ચૂંટવા અપીલ કરી હતી. આહલુવાલિયા ચૂંટાયા, ૨૦૧૫માં એમણે ગોરખાલેન્ડની રચનાની વાત કરી ત્યારે પક્ષના મોવડીમંડળે એમની વાત સાથે છેડો ફાડ્યો, પણ પછી એમને કેન્દ્રીય પ્રધાનપદનો સરપાવ જરૂર આપ્યો. મમતા સામે જીતીને બંગાળ કબજે કરવાનું ભાજપનું સ્વપ્ન અધૂરું છે.

ગોરખાસ્તાનથી ગોરખાલેન્ડ સુધી

ગોરખાઓ માટેના અલગ દેશ ગોરખાસ્તાનની માગણી તો ૧૯૪૭માં બંધારણ સભામાં પણ ઊઠી હતી. વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને એમની સાથેના નાણાં પ્રધાન લિયાકત અલી ખાન (પાકિસ્તાનના વડા પ્રધાન થયા તે) સમક્ષ પણ દાર્જીલિંગ જિલ્લો, સિક્કિમ અને નેપાળને ભેળવીને ગોરખાસ્તાન બનાવવાની માગણી કરાઈ હતી. એમ તો ગોરખાઓ છેક ૧૯૦૭થી અંગ્રેજ હકૂમત સમક્ષ અલગ સ્વાયત્ત શાસનની માગણી કરતા આવ્યા છે, પણ આજ દિવસ સુધી કોઈએ એમની વાતને ઝાઝું મહત્ત્વ આપ્યું નથી એટલે એમણે રાજ્ય સરકાર હેઠળ સ્વાયત્ત પ્રશાસનથી સંતોષ માનવો પડ્યો છે. અત્યારે પણ દાર્જલિંગ અને સિલિગુડી વિસ્તારમાં ગોરખાલેન્ડની માગણીના ટેકામાં આંદોલન, બંધ અને હિંસાનો માહોલ હોવા છતાં તમામ રાજકીય પક્ષો પોતાના અલગ રાજકીય સ્વાર્થ સાથેના ખેલ ખેલી રહ્યા હોવાથી ગોરખા સમસ્યાનો ઉકેલ આવતો નથી. પરિસ્થિતિ વિસ્ફોટક છે.

કેન્દ્રમાં શાસન કરનાર ભાજપી નેતાઓ સઘળી સ્થિતિ માટે તૃણમૂલના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને દોષ આપે છે. મમતા રાજ્યના ભાગલા થવા દેવા ઈચ્છુક નહીં હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ અને લશ્કરી દળોને ગોરખાબહુલ વિસ્તારમાં ગોઠવે ત્યારે એમના પર સરમુખત્યારશાહીના આક્ષેપ થાય છે. બંગાળની રાજભાષા બંગાળી ભણવાનો પણ ગોરખા ઈનકાર કરી રહ્યા છે. એમને તો ગોરખાલેન્ડ નામક અલગ રાજ્યથી ઓછું કશું ખપતું નથી.

ભારતમાં ૧ કરોડ ૨૫ લાખ જેટલાં ગોરખા વસે છે. તેમાંથી દાર્જીલિંગમાં ૧૫ લાખ જેટલા ગોરખા વસતા હોવાનો અંદાજ છે. જોકે, તેમની રાજકીય આકાંક્ષાની અસર દેશભરના ગોરખાઓ પર પડે એ સ્વાભાવિક છે. દાર્જીલિંગની માગણી છે કે કેન્દ્ર સરકાર પોતાની રીતે ગોરખાલેન્ડ રાજ્યની રચના કરે. મોદી સરકાર રાજ્યની ઈચ્છા વિરુદ્ધ જઈ ના શકે.

કૂચબિહાર, બોડોલેન્ડ અને બીજા રાજ્યોની માગણી

ભારત સરકાર માટે પશ્ચિમ બંગાળમાંથી અલગ ગોરખાલેન્ડ આપવા જતાં વીંછીનો દાભડો (પેન્ડોરા બોક્સ) ખોલવા જેવા સંજોગો ઊભા થવા સ્વાભાવિક છે. આસામમાં ભાજપની સરકાર સ્થપાઈ છે, પણ બોડોલેન્ડની રચનાની વાત ઊભી જ છે. બોડો વિસ્તારો માટેની સ્વાયત્ત પ્રશાસન પરિષદ અપાઈ છે, પણ બોડોને એનાથી સંતોષ નથી. જમ્મુ-કાશ્મીરનું કોકડું અજંપાભરી સ્થિતિમાં હોવા છતાં અહીં પણ જમ્મુ અને કાશ્મીર એ બે રાજ્યો અને લડાખને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરવાની સંઘ-ભાજપની મહેચ્છા હજુ અધૂરી છે. બીજાં રાજ્યોમાંથી બટુક રાજ્યોની રચના માટેની લડત પ્રગટ-સુષુપ્ત અવસ્થામાં છે.

પશ્ચિમ બંગાળમાં જે કૂચબિહાર રાજ્યની માગણી છેલ્લા બે દાયકાથી ઊગ્ર બની રહી છે. અગાઉ કૂચબિહાર રાજ્યને ૧૯૪૯માં ભારતમાં તેના મહારાજા જગદ્વીપેન્દ્ર નારાયણે વિલય કરવાનું પસંદ કર્યું ત્યારે તેને ગુજરાતના કચ્છ રાજ્યની જેમ જ ‘ક’ વર્ગના રાજ્યનો દરજ્જો અપાયો હતો. આ રાજ્યને હવે માત્ર જિલ્લાનું સ્વરૂપ જ અપાતાં ‘બૃહદ કૂચબિહાર પ્રજા સંઘ’ના મહામંત્રી બી. બી. બર્મનના નેતૃત્વમાં અલગ બૃહદ કૂચબિહાર રાજ્યની ઝૂંબેશ ચલાવાઈ રહી છે. તેઓ તો ભારત સાથે કૂચબિહારના જોડાણને ગેરકાનૂની ગણાવવા સુધી જાય છે.

૧૫ વિધાનસભા બેઠક ધરાવતા કૂચબિહાર અને જલપાઈગુરી જિલ્લાઓને કૂચબિહાર રાજ્ય તરીકે સ્થાન આપીને વાયવ્ય બંગાળના આ પ્રદેશમાં સ્વતંત્ર રાજ્ય રચવા આગ્રહ કરાય છે. કૂચબિહારના રાજવી પરિવાર સાથે જયપુર રાજઘરાના તથા વડોદરા રાજવી પરિવારનો પણ સંબંધ આવે છે. જયપુરનાં મહારાણી ગાયત્રી દેવી કૂચબિહારનાં રાજકુમારી હતાં અને વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનાં રાજકુમારી ઈંદિરા રાજે કૂચબિહારના મહારાજાને પરણ્યાં હતાં. નવાં રાજ્યોની માગણીઓ સંદર્ભે રાજકીય શાસકોએ છાસ પણ ફૂંકીને પીવા જેવા સંજોગો છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter