અપેક્ષિત હતું એ જ થયુંઃ ગુજરાતના પાટીદારોને સંગઠિત કરીને અનામતની મધલાળ બતાવનારી સામાજિક નેતાગીરીમાં પડેલાં તડાંના વિસ્ફોટ થવા માંડ્યા છે. પ્રસ્થાપિત રાજકીય નેતાગીરીને નર્તન કરાવવા મેદાન પડેલા હાર્દિક ભરતભાઇ પટેલ સામે એના જ સાથીસભ્યો ચિરાગ પટેલ અને કેતન પટેલે તીર તાક્યું છે. તીર મિસાઈલ બનીને કેવા વિસ્ફોટ સર્જે છે એ આવતા દિવસોમાં જોવા મળશે, પણ અત્યારે તો કડવા પટેલોના આસ્થાસ્થાન એવા ઊંઝાના ઉમિયા માતા ટ્રસ્ટના અધ્યક્ષપદેથી ભાજપના સ્થાનિક પ્રભાવી નેતા અને ધારાસભ્ય નારાયણ લલ્લુને ઊઠાડી મૂકવા હાર્દિક આણિ મંડળી ઈશારે ઊંઝાની સામાન્ય સભામાં ધાંધલ મચાવાયાને વળતો જવાબ ગુજરાત ગર્જના બની રહ્યો છે.
કડવા અને લેઉઆના ભેદ મટી ગયાની ઘોષણાઓ કરનારાઓ ફરી પાછા કડવા અને લેઉઆ પટેલની નોખી છાવણીઓમાં વહેંચાઈ જતા જોવા મળ્યા છે. સવેળા કોઈ મધ્યસ્થી કરી લે, નહીં તો આ વખતનો વિસ્ફોટ હાર્દિક વિરુદ્ધ લાલજી પટેલના જંગ કરતાં જરા નોખો હશે. ગુજરાતનું રાજકીય ચિત્ર બદલવા ભણીની ૨૩ વર્ષના હાર્દિક પટેલની મજલને રાજકીય સત્તાધીશો રમણભમણ કરી નાંખશે કે હાર્દિક એમની સાથે હાથ મિલાવીને આગળની કવાયત હાથ ધરશે, એ હવે નિર્ણાયક બનશે.
ગુજરાતના મુખ્ય પ્રધાનપદેથી આનંદીબહેન પટેલને ઉચાળા ભરાવાય ત્યાં લગી હાર્દિક અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (‘પાસ’)ના આગેવાનોને ગાંધીનગરથી લઈને દિલ્હી લગીના સત્તાપક્ષના પ્રભાવી નેતાઓએ સહી લીધા. હવે એમના સંકેતો સ્પષ્ટ છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન શહીદી વહોરનાર પાટીદાર પરિવારોને અવગણીને સઘળું ધ્યાન હાર્દિક પટેલની નેતાગીરી પર કેન્દ્રિત થયું હતું. એ ભ્રમ હવે ભાજપની નેતાગીરી ભાંગીને ભુક્કો કરી નાંખવાની વેતરણમાં છે. હાર્દિક પટેલના બે નિકટના સાથીઓ કેતન અને ચિરાગનો ત્રણ પાનાંનો પત્ર મિસાઈલ શ્રેણીમાંનો પ્રથમ દાવ છે. હાર્દિક અને એના કાકાએ આંદોલનની આડશે કરોડો બનાવ્યાનો આક્ષેપ એના સાથીદારો લગાવે એ પછી સરકારની એજન્સીઓ માટે મસાલો પણ મળી જાય છે.
ભાજપની નેતાગીરી માટે હાર્દિક અસહ્ય
હાર્દિક ‘પાસ’ના રાજ્યભરના સંયોજકો (કન્વીનરો)ને વિશ્વાસમાં લીધા વિના મનસ્વી રીતે નિર્ણયો લઈ રહ્યાનો અસંતુષ્ટ સાથીઓનો આક્ષેપ છે. આ પત્ર લખનારા સાથીઓ સામે પણ આનંદીબહેન સરકારે રાજદ્રોહના ખટલા દાખલ કર્યા હતા અને તેમણે પણ જેલવાસ ભોગવ્યો છે. ગુજરાતવટે છ મહિના રહેવા માટે ગુજરાતની વડી અદાલતે હાર્દિક માટે શરત મૂકી એટલે એણે ઉદયપુર રહેવું એવું નક્કી થયું છે. અહીં પણ એને નજરકેદ રખાયાની બાબતે એણે રાજસ્થાનની વડી અદાલતમાં જવાનું નક્કી કર્યું છે.
ગુજરાતની જેમ જ રાજસ્થાનમાં પણ ભાજપની જ સરકાર છે. હાર્દિક રોજેરોજ ભાજપ અને એની સરકારોને ભાંડતાં કે મૂંઝવણમાં મૂકતાં નિવેદનો કરતો રહે એ પક્ષની કે સરકારની નેતાગીરી માટે સહી લેવાનું મુશ્કેલ છે. આનંદીબહેનને મુખ્ય પ્રધાન પદેથી દૂર કરવાના પક્ષના આંતરિક કારસામાં પાટીદાર આંદોલન, ઉના દલિતકાંડ અને આનંદીબહેનના પરિવારને સંડોવતાં મનાતાં કેટલાંક ભ્રષ્ટાચાર પ્રકરણોને આગળ કરાયાં હતાં. કોઈ રાજ્યના રાજ્યપાલ તરીકે એમને ગોઠવવાની મોવડીમંડળ થકી કરાયેલી ઓફરને બહેને નકારી કાઢીને ગુજરાતમાં જ રહેવાનું પસંદ કર્યું. એટલે મોવડીમંડળની ચિંતા વધી હતી. જોકે મુખ્ય પ્રધાન મટી ગયા પછી પણ પક્ષના નાના-મોટા કાર્યક્રમોમાં આનંદીબહેન ઉપસ્થિત રહેવા માંડ્યાં છે એટલે હાલ પૂરતી એ ચિંતા ટળી છે. જોકે આમ પણ એમને મોવડીમંડળ ચીમકી પણ આપી શકે છે. પક્ષના આવા વરિષ્ઠ નેતા થોડા ઉધામા મારીને પક્ષની શિસ્તને શિરોમાન્ય લેખવાનું પસંદ કરે છે. અન્યથા એમણે ભોગવવાં પડતાં પરિણામોના અણસાર એમને આવી જાય છે.
આનંદીબહેનની વ્યૂહાત્મક ભૂલોના દુષ્પરિણામ
ગુજરાતના પાટીદાર આંદોલનને આનંદીબહેન સરકારે શરૂઆતથી જ બરાબર રીતે ‘હેન્ડલ’ કર્યું નહોતું. એનાથી વિપરીત એમણે પાટીદાર આંદોલનને પાઠ ભણાવવા માટે ઓબીસી મંચના નેજા હેઠળ મેદાને પડેલા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરને સમર્થન આપવાનું પસંદ કર્યું હતું. પાટીદાર આંદોલનની શરૂઆત ‘અનામત કાઢો અથવા અને ઓબીસીના અનામત લાભ અપાવો’ની માગણી સાથે થઈ હતી. મુખ્ય પ્રધાન તરીકે શ્રીમતી પટેલને તેમના સલાહકારો ગેરમાર્ગે દોરી રહ્યા હતા અથવા તો પક્ષના મોવડીમંડળે એમને અમુક પ્રકારનું વલણ લેવા વિવશ કર્યાં હતાં. એમની સરકારનું પતન એમાં થયું.
ભાજપની નેતાગીરીએ પક્ષના આંતરિક ડખાને હાલ શાંત પાડવાની કામગીરી પતાવીને હવે પાટીદાર આંદોલનના પ્રગટ અને અપ્રગટ સૂત્રધારોને કઈ રીતે ઠેકાણે પાડવા એની કવાયત આદરી છે. આવું જ એના થકી અલ્પેશ ઠાકોરને વશ કરવા માટે કરાશે. દલિતોના આંદોલનમાં પણ તડાં પાડવાની કોશિશો થઈ જ રહી છે. ગુજરાતની સરકાર અને સત્તારૂઢ પક્ષ ભાજપ આવતા દિવસોમાં જે યુવા ત્રિપુટીથી પરેશાનીમાં મૂકાઈ શકવાના સંજોગો સર્જાય એને સામસામે મૂકીને સંબંધિત તમામ સામાજિક વર્ગો સાથે ભાજપ અને સંઘ પરિવારના જોડાણને તાજું કરીને રોષના ફુગ્ગામાંથી હવા કાઢવાનું કામ જરૂર કરશે.
વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી સુધી આ કવાયત ચાલતી રહેવાની અને એને નિષ્ફળ બનાવવા માટે શંકરસિંહ વાઘેલા જેવા જૂના જોગીના ગઢમાં રાજકીય સુરંગો કેમ ગોઠવવી એનાં આયોજન પણ થશે. સ્વભાવે ગુજરાતી પ્રજા સત્તા સાથે સંધાણ જાળવીને લાભ ખાટવાના મતની હોય છે. વર્તમાન વડા પ્રધાન અને ભાજપના સુપ્રીમ નેતા નરેન્દ્ર મોદીનું ગુજરાતીઓ વિશે ‘મારે શું?’ અને ‘મારું શું?’ એ નિવેદન કંઈ અમસ્તું કરતા નહોતા.
ચિરાગ-કેતનના પત્રમાં શું છે?
હાર્દિકના સાથીઓ ચિરાગ અને કેતને ત્રણ પાનાંના ટાઈપ્ડ પત્રની નીચે હસ્તાક્ષર કરેલા છે. આ પાશેરામાં પહેલી પૂણી છે. હાર્દિકને ચેતવણી માટે લખાયેલા આ પત્ર પછી એના વધુ કરતૂતો ખુલ્લાં પાડવાની ચીમકી પણ અપાઈ છે. ભાજપમાં આ પ્રકારનું કલ્ચર છેક એની સ્થાપનાથી ચાલતું આવ્યું છે. પૂર્વ પ્રધાન અને તેજસ્વી પ્રતિભા ધરાવનારા જયનારાયણ વ્યાસની વિરુદ્ધ નનામી પત્રિકાઓનો મારો ચાલ્યો ત્યારે અમે એમને પૃચ્છા કરી હતી. એમણે એ નનામી પત્રિકા પાછળ જવાબદાર નામો આપીને અને ચોંકાવી દીધા હતા. એ પછી સંજય જોશીને રાજકીય રીતે પતાવી દેવા માટે કરાયેલા ઉપક્રમો સહિતનો ઘટનાક્રમ સુવિદિત છે. એ ઘટનાક્રમ પાછળની અનામી કે નનામી વ્યક્તિઓને બદલે હવે તો નામ સાથે ખુલ્લેઆમ પત્ર લખીને આક્ષેપ કરવા માટે ઘણાબધા તૈયાર હોય છે. કારણ સ્પષ્ટ છે. આવી વ્યક્તિઓને સત્તારૂઢોમાંથી જ સમર્થન પ્રાપ્ત થતું હોય છે એમને બચાવી લેવા અને જેમને રાજકીય દૃષ્ટિએ કે અન્ય રીતે પતાવી દેવાના હોય એની સામે સરકારીતંત્ર મારફત પગલાં લઈ શકાય.
હાર્દિકનો પત્ર ‘પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત’ના સત્તાવાર લેટરહેડ પર લખાયો છે. ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ લખાયેલો ત્રણ પાનાંનો આ પત્ર હાર્દિકને ‘જય સરદાર’ સંબોધન સાથે જ ‘તારી નેતા બનવાની મહત્વાકાંક્ષા અને સ્વાર્થવૃત્તિ તથા સમાજને હાથો બનાવી પૈસાવાળો બનવાની મહેચ્છાના લીધે સમાજને અતિ નુકસાન પહોંચ્યું છે. જેના ગંભીર પરિણામો સમાજ આજે ભોગવી રહ્યો છે. અન્ય સમાજ સાથે વર્ગવિગ્રહનું નિર્માણ થયું છે જેના પુરાવારૂપેની કલંકિત ઘટના ઊંઝા ધામમાં ગઈકાલે જોવા મળી. ઊંઝા ધામ એ પાટીદાર સમાજની આસ્થાનું કેન્દ્ર છે. ઊંઝા ધામ બદનામ થયું હોય તેવો બનાવ સ્થાપનાથી અત્યાર સુધીમાં પ્રથમ વખત બન્યો છે. માટે હવે તને ખુલ્લી ચેતવણી આપીએ છીએ કે બસ, હવે બહુ થયું.’
હાર્દિકે આ પત્રને પોતાની સામેની રાજકીય રમતનો ભાગ ગણાવ્યો છે. જોકે, હાર્દિકના બંને મિત્રો ‘આપણો ભોળો’ પાટીદાર સમાજ આંદોલનની અંદરની વાતો જાણતો નથી, જે અમારે નાછૂટકે સમાજને તથા મીડિયા સમક્ષ ખુલ્લી પાડવી પડશે, એવી ચીમકી પણ આપે છે. ‘હજુયે આટલું કહેવા છતાં હાર્દિક તું ના સમજે તો વધુ આવતા પત્રમાં.’
તમામ પાટીદાર નેતાઓનું અપમાન
સમગ્ર પાટીદાર સમાજને નામે આંદોલન ચલાવતાં કે સુરતની લાજપોર જેલમાંથી પણ હાર્દિકે પાટીદાર સમાજના લગભગ તમામ સાંસદો અને ધારાસભ્યોને અપમાનિત કર્યાં છે એટલું જ નહીં, મુખ્ય પ્રધાન અને પ્રધાનોને પણ અસભ્ય ભાષા સુણાવી હોવાથી એક વાર આંદોલનનો ઊભરો ઠરતાં એ તમામ અપમાનિત પાટીદાર અગ્રણીઓ હાર્દિકનો વારો કાઢી લે એ સ્વાભાવિક છે. નવા ત્રણ યુવાનેતાઓમાંથી અલ્પેશ ઠાકોર ખૂબ જ ઠરેલ અને પરિપક્વ નેતા તરીકે ઉપસ્યો છે.
હાર્દિક સાથે ખૂબ જ પ્રભાવી સમાજ જોડાયા છતાં એના મનસ્વી વર્તને અનેકોને દુભવ્યા છે. દલિત સમાજને જગાડવા પ્રયત્નશીલ જિજ્ઞેશ મેવાણી ગુજરાતના તમામ સમાજોને સાથે લઈને ચાલવામાં અલ્પેશ ઠાકોરની જેમ ભવિષ્યમાં સફળ થઈ શકશે કે કેમ એ વિશે શંકા છે. જોકે આંદોલનની આ યુવા-ત્રિપુટીનો પ્રભાવ સમાપ્ત કર્યા વિના સત્તારૂઢ કે વિપક્ષના રીઢા રાજનેતાઓ પોતાનું ધાર્યું કરાવી શકવાની સ્થિતિમાં નથી. આવતા દિવસોમાં ગુજરાતના મંચ પર આવાં અવનવાં દૃશ્યો ભજવાશે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)