ગુજરાત વિધાનસભાની ૯ અને ૧૪ ડિસેમ્બરના રોજ યોજાનારી ચૂંટણીમાં વિજયશ્રી છેલ્લા બે દાયકાથી લાગલગાટ ગુજરાતમાં રાજ કરતા ભારતીય જનતા પક્ષના ગળામાં જ માળા આરોપવાની હોવાના સવાર-સાંજ દાવા થાય છે. આમ છતાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને રાજ્યના ચાર પ્રદેશોમાં ચાર તબક્કા દરમિયાનના પ્રવાસમાં જે પ્રતિસાદ મળ્યો એનાથી સત્તારૂઢ પક્ષમાં સન્નિપાત જોવા મળે છે. વિજયની ખાતરી જ હોય તો પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે સતત દિવસો લગી ધામા નાખીને ગુજરાતમાં હડિયમદોટ્યા ના કરવી પડત.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે લડેલી ત્રણ વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જેટલી આક્રમકતા દાખવીને રાજ્યના ખૂણે ખૂણે દોટ્ય મૂકી નહોતી એના કરતાં પણ વધુ દોડંદોડ એમણે વડા પ્રધાનપદે પહોંચ્યા પછી ગુજરાત વિધાનસભાની ડિસેમ્બર ૨૦૧૭ની ચૂંટણી માટે કરવી પડે છે. વરસ દરમિયાન એમણે વારંવાર ગુજરાત આવવું પડયું, ગુજરાતની નેતાગીરીને શીખ ભલામણ કરવી પડી. આંદોલનત્રિપુટીએ ગુજરાતમાં સ્થિતિ એવી સર્જી કે રાજ્યના મુખ્ય પ્રધાન બદલવાની પક્ષને ફરજ પડી. શ્રીમતી આનંદીબહેન પટેલે પાટીદાર અનામત આંદોલનને પગલે ઘરભેગા થવું પડ્યું.
નવા મુખ્ય પ્રધાન તરીકે સર્વમિત્ર મનાતા વિજય રૂપાણીને મૂકવામાં આવ્યા. નાયબ મુખ્ય પ્રધાન તરીકે નીતિન પટેલને દરવાજાના ઊંટની સ્થિતિમાં મૂકવામાં આવ્યા. એમના માટે બાવાના બેય બગડવા જેવા સંજોગો સર્જાયા છતાં આનંદીબહેનની જેમ મનને મારીને પક્ષમાં રહેવાનું કબૂલ કરવાના ફાયદા એ સુપેરે જાણે છે. રાહુલ ગાંધીએ તો હજુ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની નવસર્જન યાત્રાનો પહેલો તબક્કો જ પૂરો કર્યો છે. વડા પ્રધાન મોદી અને એમના પ્રધાનો - પક્ષનેતા ગુજરાતમાં ધામા નાંખીને આ વખતની ચૂંટણી જીતીને પક્ષને બેઠો કરવા પ્રયત્નશીલ રાહુલ ગાંધીની કોંગ્રેસને કાયમ માટે ભોંયમાં ધરબી દેવા કૃતસંકલ્પ છે. જોકે, ભાજપ થકી ‘૧૫૦ પ્લસ’નું મિશન સાકાર થવાની શક્યતા નથી, છતાં કોઈ પણ ભોગે સરકાર રચવાની અનિવાર્યતાએ મોદી સેનાને ઘાંઘી કરી મૂકી છે.
હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન, અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં ઓબીસી આંદોલન અને જિજ્ઞેશ મેવાણીના નેતૃત્વમાં દલિત આંદોલન ચાલી રહ્યા છતાં સમાજમાં કોઈ અથડામણો આ લખાય છે ત્યાં લગી થઈ નથી, એ સમજદારી આ યુવાત્રિપુટી થકી જાળવવામાં આવી છે. આમ છતાં એમને કપાળે નક્સલવાદીનાં લેબલ લગાડવાની કુચેષ્ટાઓ કે તેમનાં પૂતળાં બાળવાની વૃત્તિ-પ્રવૃત્તિ વિવિધ સમાજને ઉશ્કેરવાનું નિમિત્ત પૂરું પાડવાની હીનવૃત્તિનાં દર્શન કરાવે છે. અપેક્ષા કરીએ કે ચૂંટણી સુધી જ નહીં, એ પછી પણ રાજ્યમાં સામાજિક ટકરાવ કે અથડામણો સર્જાય નહીં એટલી સાવધાની જરૂર રખાશે.
ઉમેદવારોની પસંદગી પછીનાં વરવાં દૃશ્યો
વિધાનસભાની ચૂંટણી આડો એકાદ મહિનો રહ્યા છતાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને એક યા બીજા કારણસર પાછી ધકેલવાની વૃત્તિ ભાજપ અને કોંગ્રેસ બેઉમાં સકારણ જોવા મળે છે. જે પક્ષ વહેલા ઉમેદવાર જાહેર કરે એમને ફોડવા કે એમના નામની જાહેરાતથી નારાજ ઉમેદવારોને પોતીકા કરવાની કવાયત આદરવા બેઉ પક્ષ આતુર છે. ભાજપના મુખ્યાલય ‘શ્રીકમલમ્’ કે કોંગ્રેસના મુખ્યાલય ‘રાજીવ ગાંધી ભવન’માં ધમાધમ ચાલી રહ્યા છતાં ઉમેદવારોની યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે સંસદીય મંડળની બેઠક દિલ્હી ખાતે યોજાવાની તારીખો જાહેર થાય છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શાહની ઉપસ્થિતિમાં દિવસો સુધી ઉમેદવારોનાં નામો પર ચર્ચા કરીને પેનલો તૈયાર કરાયા પછી વડા પ્રધાન સહિતના મહાનુભાવોની હાજરીમાં એને આખરી ઓપ આપીને નામાવલિ જાહેર થવાની સ્વાભાવિક પ્રક્રિયા પૂર્ણ કરવાની રહે છે. કોંગ્રેસના મોવડીમંડળે પણ પક્ષના અધ્યક્ષા સોનિયા ગાંધીનું મત્તું મરાવવું પડે એવું છે.
અગાઉની ચૂંટણીઓથી વિપરીત આ વખતે રાહુલ ગાંધીએ સઘળી પ્રક્રિયા પોતાના હાથમાં રાખી હોવાથી અગાઉની જેમ અહેમદ પટેલ કે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી થકી કૂલડીમાં ગોળ ભાંગવાની સ્થિતિ સર્જાવાની નથી. આ વખતે કોંગ્રેસમાંથી તોડી લવાયેલા અને ભાજપી પારસમણિથી પવિત્ર કરાયેલા ૧૪ જેટલા ધારાસભ્યોમાંથી અમુકને ટિકિટ અપાશે. એમાંથી અમુક કપાશે. જોકે, પક્ષમાં પ્રધાનપદાની આશા સાથે જોડાવા ઈચ્છુક શંકરસિંહ વાઘેલાના ધારાસભ્ય-પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા તો રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદભાઈ જીતી જતાં બેઉ બાજુથી લટકી ગયા છે. એમને પ્રધાનપદાની ખાતરી અપાઈ હતી. હવે એ વાત તો ટલ્લે ચડી ગઈ અને છોગામાં શંકરસિંહના પણ વળતાં પાણી થતાં એમણે ‘જનવિકલ્પ’ મોરચો રચ્યો એટલે મહેન્દ્રસિંહ ભાજપમાં જઈ શક્યા નથી.
હજુ ટિકિટોની વહેંચણી પછી બેઉ પક્ષમાં આસમાની સુલતાનીનાં દૃશ્યો સર્જાવાની શક્યતા ખરી. વરવાં દૃશ્યો પણ સર્જાશે. પક્ષાંતરનો માહોલ પણ જોવા મળશે. જોકે, રાહુલ ગાંધીની ટીમ જે રીતે છેલ્લા કેટલાક સમયથી કાર્યરત રહી છે એ જોતાં થોડા તૂટે તોય એ ગજગામી છે.
વંશવાદ ફાટફાટ થવાની આછેરી ઝલક
ભાજપ તરફથી વિકાસવાદ વિરુદ્ધ વંશવાદનું સૂત્ર વહેતું કરવામાં તો આવ્યું, પણ એ ખાસ્સું બૂમરેંગ થાય એવી રીતે રાહુલ બાબા ગુજરાતના વિકાસના ફુગ્ગા એમની જાહેરસભાઓમાં ફોડતા જાય છે. વંશવાદનો બિલ્લો કોંગ્રેસને ચિટકાડી દેવાની કોશિશો સતત થતી રહે છે, છતાં હજુ થોડાંક વર્ષોથી રાજ કરતા ભાજપમાં જે રીતે વંશવાદ ફાટફાટ થયો છે એ જોતાં તો કોંગ્રેસની જેમ આવતા છ-સાત દાયકા લગી એને શાસનની તક મળે તો પક્ષમાં કેવો પરિવારવાદ કે વંશવાદ છવાઈ જાય એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. અમે તો દેશભરમાં ભાજપી વંશવાદની કેવી બોલબાલા છે એની યાદી બનાવી હતી, પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નિમિત્તે એમાંથી ગુજરાતમાં ભગવી બ્રિગેડના વંશવાદની એક આછેરી ઝલક અહીં રજૂ કરવાનો પ્રયાસ કરીએ. ભાજપના વંશવાદમાં કોંગ્રેસમાંથી આયાત કરાયેલા પરિવારવાદ ઉપરાંત સંઘ-જનસંઘ-ભાજપના ‘શુદ્ધ’ ગોત્રનો વંશવાદ પણ નિહાળવાનું રુચિકર થઈ પડશે. વિધાનસભા ચૂંટણી માટે ટિકિટોની ફાળવણીમાં પણ વંશવાદના દર્શન જરૂર થવાનાં.
અગાઉ ભાજપ સરકારમાં પ્રધાન રહેલા સૌરાષ્ટ્રના પ્રભાવી પટેલ આગેવાન વિઠ્ઠલ રાદડિયા કોંગ્રેસના સાંસદ હતા. એ વેળા મુખ્ય પ્રધાન મોદી થકી એમના માટે ગેંગસ્ટર-ગુંડા કે અસામાજિક તત્વ જેવાં વિશેષણ વાપરતાં હતાં. એમણે ભાજપ સાથે ઘર માંડ્યું એટલે ભાજપના સાંસદ બન્યા, પુત્ર જયેશ રાદડિયા ભાજપી ધારાસભ્ય જ નહીં, સીધા કેબિનેટ પ્રધાન બન્યા. સંઘનિષ્ઠ શંકરભાઈ ચૌધરી વર્ષોથી કેબિનેટ પ્રધાનનું પ્રમોશન ઝંખે છે, પણ હજુ એ રાજ્યપ્રધાન જ રહ્યા છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના પુત્ર ભરત પટેલ ભાજપી ઉમેદવાર તરીકે બાપાની બેઠક લડ્યા, પણ હાર્યા. ફરી નસીબ અજમાવવા માંગે છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ અને એમના પતિ ડો. મફતલાલ પટેલ બેઉનું ગોત્ર તો કોંગ્રેસ સેવાદળ, ભાજપમાં આવીને અનુક્રમે પ્રધાનપદ અને જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખપદ ભોગવ્યું. હવે એમની દીકરી અનાર કે દીકરા સંજયને ચૂંટણી લડવાના અભરખા ખરા.
સુરતના ધારાસભ્ય અને પ્રધાન હેમંત ચપટવાલાનું નિધન થયું ત્યારે એમનાં શ્રીમતી ભાવનાબહેન ચપટવાલા ભાજપી ધારાસભ્ય થયાં હતાં. પ્રધાન સવજી કોરાટનાં પત્ની જશુબહેન કોરાટ પણ પ્રધાન રહ્યાં. ગૃહ રાજ્યપ્રધાન રહેલા સ્વ. હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાને રાજ્યમાં બોર્ડનાં અધ્યક્ષ બનાવાયાં છે. જૂના ભાજપી નેતા સૂર્યકાંત આચાર્યનાં પત્ની હેમાબહેન આચાર્ય રાજ્યના આરોગ્યપ્રધાન રહ્યાં.
જનસંઘના પહેલા ધારાસભ્ય ચીમનભાઈ શુક્લના બેઉ દીકરા પણ ભાજપી અગ્રણી ખરા, પણ હમણાં એમના દીકરી કાશ્મીરાબહેન નથવાણી કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યાં. બહુચર્ચિત કોળી આગેવાન અને પ્રધાન પરસોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી પણ સંસદીય સચિવ છે. હમણાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ગાંધીનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરિભાઈ ચૌધરીના પુત્ર અમિત ચૌધરી માણસાના ધારાસભ્ય છે.
આજીવન કોંગ્રેસી ધારાસભ્ય રહેલા એને સ્વ. પ્રધાન શંકરજી ઠાકોરના પુત્ર ભરત ડાભી ભાજપી ધારાસભ્ય અને સંસદીય સચિવ છે. કેબિનેટ પ્રધાન રહેલા સ્વ. અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટ ધારાસભ્ય છે. કોંગ્રેસના ધારાસભ્ય રહેલા બેચરભાઈ બારાનાં દીકરી વારંવાર ભાજપની ટિકિટ પર ધારાસભા લડતાં રહ્યાં છે. એમનું નામ રમીલાબહેન બારા. ચાર વખત કોંગ્રેસના ધારાસભ્ય રહેલા હેમંત માડમના દીકરી પૂનમ માડમ ભાજપી સાંસદ છે. ભાજપી સાંસદ અને પૂર્વ પ્રધાન પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણ ચૌહાણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હેરાફેરી કરતા રહ્યા છે. પ્રધાન રહેલા રણજિતસિંહ ચાવડાના પુત્ર રાજેન્દ્રસિંહ કોંગ્રેસ અને હવે ભાજપના ધારાસભ્ય છે. પ્રધાન જશા બારડના પુત્ર દિલીપ બારડ પાલિકા પ્રમુખ રહ્યા. હવે એમની પત્ની ઉજીબહેન દિલીપ બારડ છે.
પાંચ મુદ્દત માટે કોંગ્રેસના ધારાસભ્ય રહેલા નાગરભાઈ વસાવાના પુત્ર પરભુભાઈ વસાવા ભાજપના સાંસદ છે. ભાજપી ધારાસભ્ય ડો. નીમાબહેન આચાર્યના પતિ ભાવેશ આચાર્ય ગાંધીધામ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા. ભાજપી નેતા અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પૂર્વ અધ્યક્ષ પરથી ભટોળના પુત્ર વસંત ભટોળ પણ ભાજપી ધારાસભ્ય રહ્યા. ભાજપી સાંસદ લીલાધર વાઘેલાના પુત્ર દિલીપ વાઘેલા ધારાસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડ્યા અને હાર્યા હતા. પ્રધાન રહેલા ભેમાભાઈ પટેલનો દીકરો જતશી પટેલ બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં ભાજપનો ડેલિગેટ રહ્યો. દિયોદરના માનસિંહજી વાઘેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા અને એમના પુત્ર ગિરિરાજ સિંહ વાઘેલા તાલુકા પંચાયતમાં ભાજપના ચૂંટાયેલા સભ્ય છે....
આ તો એક ઝલક છે. રાજ્યની યાદી બનાવવા બેસીએ તો પુસ્તિકા થાય એટલાં નામનો સમાવેશ કરવો પડે. કોંગ્રેસના દાયકાઓના વંશવાદના વિક્રમને ભાજપ ખૂબ જલદી તોડવા ઝંખે છે!
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)