દેશમાં રાષ્ટ્રદ્રોહ, દેશભક્તિ અને અફઝલ ગુરુને ફાંસીને મુદ્દે ભારે ઉકળાટ હોય, ઉત્તેજના વ્યાપેલી હોય, ઉસકી કમીઝ મેરી કમીઝ સે જ્યાદા સફેદ ક્યોંની ચડસાચડસી હોય, રાજકીય પક્ષોને દેશદ્રોહી તત્ત્વો સાથે જોડવાની કવાયતો ચાલતી હોય ત્યારે સાચી વાત કહેવામાંય જોખમ અનુભવાય એ સ્વાભાવિક છે. બંધારણીય લોકશાહીના જતનનો આગ્રહ રાખવામાં કે અદાલતોને નિર્ણય કરવાની મોકળાશ બક્ષવાનો આગ્રહ રાખવા જતાં આ બાજુ કે તે બાજુના મળતિયા ગણાઈ જવાની આશંકા રહે છે.
ભારત વિરોધી અને દેશદ્રોહી, રાષ્ટ્રદ્રોહી કૃત્યો આચવાના આરોપીઓ સાથે ટોળાનાં અવાજમાં ગુનાખોર અને દેશદ્રોહી જેવો વ્યવહાર થતો અનુભવાય છે. આરોપીને અદાલતો સજા કરે કે દોષિત ઠરાવે એ પહેલાં એમની સામે ચલાવાયેલા મીડિયા-ટ્રાયલ કે પબ્લિક ટ્રાયલમાં એમને ગુનેગાર અને દેશદ્રોહી જાહેર કરી દેવાનો ઉકળાટ વાતાવરણમાં હોય છે. આવા સમયે સૌથી વધુ ભોગ સચ્ચાઈનો અને ન્યાયી લોકશાહીનો લેવાય એ સ્વાભાવિક છે.
વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સીનાં કાળાં કરતૂતો અને વિરોધી અવાજને કચડવાના દુષ્ટ પ્રયાસોનાં દુષ્પરિણામ ભોગવી ચુકેલી કોંગ્રેસ ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ફરી ઊભી થઈને સત્તામાં આવતી રહી છે. સત્તામાં આવ્યા પછી ઈમર્જન્સી માટે પસ્તાવો વ્યક્ત કરતી રહ્યાં છતાં એના ભ્રષ્ટ અને પ્રજાવિરોધી કૃત્યોના પ્રતાપે પરાજિત પણ થઈ છે. મોટી આશા-આકાંક્ષા સાથે દેશમાં ભારતીય જનતા પક્ષની નરેન્દ્ર મોદી સરકાર સ્થપાઈ છે. વક્રદૃષ્ટાઓ અને વિપક્ષીઓ એમને સતત યાદ દેવડાવે છે કે તમે તો માત્ર ૩૧ ટકા મત મેળવીને સત્તામાં આવ્યા છો. ૬૯ ટકા મતદારોએ તમારી વિરુદ્ધ મત આપ્યો છે. આમ છતાં, જો જીતા વોહી સિકંદર. વળી ભાજપ એકલા હાથે ભવ્ય બહુમતી બેઠકો જીતીને લોકસભે આવ્યા પછી પણ મિત્રપક્ષો સાથે શાસન કરે છે.
ભવ્ય બહુમતી સાથે ભાજપના વડપણવાળાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ની સરકાર દેશનું શાસન સંભાળતી હોય ત્યારે અમુક વર્ગ એનાથી અસંતુષ્ટ રહેવો સ્વાભાવિક છે. નવા સત્તાધીશો શાસનની નવી તરાહથી આગળ વધતા હોય એ કેટલાકને કઠે પણ ખરું. જોકે દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વડપણવાળા એનડીએની કારમી શિકસ્ત અને પંચાયતી રાજ્યની દેશભરની ચૂંટણીઓ, તેમાંય સવિશેષ ગુજરાતમાં ૩૩ જિલ્લા પંચાયતોમાંથી ૨૩ જિલ્લા પંચાયતો કોંગ્રેસ કબજે કરે ત્યારે ભાજપની નેતાગીરી માટે ચિંતા કરવાનો સમય આવી પહોંચ્યાનું જરૂર અનુભવાય છે.
ઓછામાં પૂરું, હૈદરાબાદ યુનિવર્સિટીના દલિત યુવકની આત્મહત્યા અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના ઘટનાક્રમે ભારે અજંપો સર્જયો છે. ભારતીય સંસદ પર ૧૩ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ આતંકવાદી હુમલા સંબંધે પૂરતી કાનૂની કાર્યવાહી અને ભારતની સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજીએ હુમલામાં દોષિત સાબિત થયેલા અને દેહાંત દંડની સજા પામનાર કાશ્મીરી યુવક અફઝલ ગુરુને કોંગ્રેસના વડપણવાળી યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ની ડો. મનમોહન સિંહ સરકારે ૯ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ ફાંસી આપી હતી. અફઝલને ફાંસી તિહાડ જેલ - દિલ્હીમાં અપાઈ અને તેના પરિવારજનોને એને ફાંસી અપાયા પહેલાં મળવા દેવાયાં નહોતાં અને એની લાશને પણ તિહાડ જેલમાં જ દફન કરી દેવામાં આવી હતી. આ મુદ્દે કાશ્મીરી પ્રજા અને ખાસ કરીને મુસ્લિમ બહુલ ખીણ પ્રદેશની પ્રજામાં ભારે રોષ જોવા મળતો રહ્યો છે.
છેલ્લા દસ મહિના ભારતીય જનતા પક્ષ સાથે જમ્મુ-કાશ્મીરમાં જોડાણ કરીને સરકાર ચલાવતી રહેલી પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) તથા પીપલ્સ કોન્ફરન્સ (પીસી)ની નેતાગીરી છેક ૨૦૧૩થી જ અફઝલ ગુરુને ફાંસી અપાવવા માટે કોંગ્રેસ-મિત્ર રહેલી નેશનલ કોન્ફરન્સ (એનસી)ના એ વેળાના મુખ્ય પ્રધાન ઓમર અબદુલ્લાને દોષિત ઠરાવતી રહી છે. પીડીપીની નેતાગીરી અફઝલ ગુરુને ફાંસી ખોટી રીતે અપાઈ અને અદાલતી કાર્યવાહી યોગ્ય રીતે થઈ નહીં હોવાની ભૂમિકા સંસદ અને ધારાસભામાં પણ લેતી રહી છે. દેશના દુશ્મન માટે આવી ભૂમિકા ધરાવનાર પક્ષ સાથે ભાજપની નેતાગીરીએ જમ્મુ-કાશ્મીરમાં જોડાણ કર્યું એટલું જ નહીં, ભાગલાવાદી અને દેશને તોડવા ઈચ્છુક તત્ત્વો સાથે સહાનુભૂતિ ધરાવનાર પીડીપીના નેતા મુફ્તી મહંમદ સઈદને ભાજપના વરિષ્ઠ નેતા પ્રા. હરિ ઓમ સહિતનાના ખુલ્લા વિરોધ છતાં મુખ્ય પ્રધાન બનાવાયા એ કરુણાંતિકા લેખવી રહી.
ભાજપની નેતાગીરીએ જમ્મુ-કાશ્મીરમાં પક્ષની બાંધણી કરનાર પ્રા. હરિ ઓમને પક્ષમાંથી તગેડી મૂક્યા એ પછીયે જમ્મુ-કાશ્મીરમાં પક્ષના હિત માટે સ્પષ્ટ ભૂમિકા લેતા રહ્યા છે. દરમિયાન મુફ્તીનું નિધન થયા પછી ઘણા લાંબા સમય સુધી ભાજપ સાથે મળીને સરકાર રચવી કે નહીં એની કશ્મકશ અનુભવતાં મુફ્તીનાં સાંસદ-પુત્રી મહેબૂબા મુફ્તી તો પોતાના પિતા કરતાં પણ વધુ આક્રમક રીતે અફઝલ ગુરુની ખોટી રીતે હત્યા કરાયાનું માનતાં રહ્યાં છે એટલું જ નહીં, એ મુદ્દે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાના ઠરાવનાં સમર્થક પણ રહ્યાં છે.
આ મહેબૂબા મુફ્તી આગામી દિવસોમાં પીડીપી-ભાજપની સરકારનાં મુખ્ય પ્રધાન બને એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિષ્ઠાવંત એવા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ પ્રચારક રામ માધવ રુસણે બેઠેલાં મહેબૂબાને મનાવવામાં રમમાણ છે.
બરાબર આ જ સમયગાળામાં દિલ્હીની વિશ્વપ્રસિદ્ધ યુનિવર્સિટીમાં અફઝલ ગુરુના મુદ્દે કાર્યક્રમ યોજવાના રાષ્ટ્રવિરોધી કાર્યક્રમના આયોજનનો ઉહાપોહ મચે છે. વિદ્યાર્થીઓ સામે રાષ્ટ્રદ્રોહના ખટલા ભરાય છે. ચારેકોર એમની તરફેણ અને વિરુદ્ધમાં અવાજ ઊઠે છે. ત્રણ વર્ષ પહેલાં ફાંસી અપાયેલા દેશના દુશ્મન અફઝલ ગુરુનું ભૂત સમગ્ર ભારતના રાજકારણ, વિદ્યાર્થીકારણ અને સમાજકારણમાં ઉહાપોહ મચાવે છે. અદાલતોની કાર્યવાહી અને ભારતીય બંધારણનો આદર કરવા પ્રતિબદ્ધ દેશના નાગરિકોમાં અજંપાભરી સ્થિતિ સર્જાતાં જે નવા પ્રશ્નો અને સમસ્યાઓ સર્જાઈ છે એ જમ્મુ-કાશ્મીર વિવાદને વધુ વણસાવે એવું લાગે છે.
રાજકીય શાસકો અને વિપક્ષી રાજનેતાઓની અપરિપક્વતા અને ટૂંકા ગાળાના સ્વાર્થના રાજકારણ દેશને ઉલમાંથી ચૂલમાં પડવાના સંજોગો સર્જે છે એ ભણી પણ નજર કરી લેવાની જરૂર ખરી.
(૧) અફઝલ પ્રકરણની નવેસરથી આરંભાયેલી ગાજવીજે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સની નેતાગીરીને ઓટોનોમી (સ્વાયત્તતા)નો મુદ્દો ફરી ઊઠાવવા માટેની મોકળાશ સર્જી છે. શેર-એ-કાશ્મીર લેખાતા શેખ અબદુલ્લાના રાજકીય વારસ એવા પુત્ર ડો. ફારુક અબદુલ્લા અને પૌત્ર ઓમર અબદુલ્લાએ ઓટોનોમીનો મુદ્દો ગાજતો કરીને કાશ્મીરી પ્રજાનો ટેકો મેળવવાનો પ્રયાસ ફરી જીવતો કર્યો છે.
કેન્દ્રમાં ભાજપી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં ઓમર અબદુલ્લા વિદેશી રાજ્યપ્રધાન હતા અને એનડીએના ઘટક પક્ષ એનસીના નેતા ડો. ફારુક તે વેળા મુખ્ય પ્રધાન હતા. ઓટોનોમી મુદ્દે ભાજપ અને એનસીના છૂટાછેડા થયા હતા. ફરી એનસી અને કોંગ્રેસ ભેગાં થયાં તથા છેલ્લી ચૂંટણી પૂર્વે પાછાં ફારેગ થયાં હતાં.
(૨) મુખ્ય પ્રધાન તરીકે ઓમર અબદુલ્લા જમ્મુ-કાશ્મીરના ભારતમાં વિલયને શરતી જોડાણ ગણાવીને પડકારતા હતા. હવે ફરીને એ દિશા પકડી છે અને પ્રજામાં લોકપ્રિયતા પુનઃ હાંસલ કરવા મચી પડ્યા છે.
(૩) પીડીપી-ભાજપના શાસન દરમિયાન વારંવાર જમ્મુ-કાશ્મીરમાં ભારતવિરોધી નારા અને ઈસ્લામિક સ્ટેટના કાળા ઝંડા ફરકાવાતા રહ્યા અને અફઝલ ગુરુ તેમજ મકબૂલ બટને શહીદ લેખાવતા ‘આઝાદી’ના નારા લાગતા રહ્યા. હવે એ પ્રવૃત્તિ વધુ ઉગ્ર બનવાનું અને આતંકી હુમલા વધ્યાનું અનુભવાય છે.
(૪) ઓમર અબદુલ્લા અને તેમના કાકા મુસ્તફા કલામે બંધારણીય કલમ ૩૭૦ અને કાશ્મીરના અલગ ધ્વજ વિશે આક્રમક વલણ અપનાવ્યું છે.
(૫) ભાજપના વરિષ્ઠ નેતા રહેલા પ્રા. હરિ ઓમે રા. સ્વ. સંઘની કુરુક્ષેત્રમાં મળેલી પ્રતિનિધિ સભાના ૨૦૦૩ના ઠરાવ મુજબ જમ્મુ અને લડાખને અલગ રાજ્યોનો દરજ્જો આપવાની માંગ બુલંદ કરી છે.
(૬) શીખોએ લઘુમતીની માગણી બુલંદ કરી છે.
(૭) ડોક્ટર ફારુક અબદુલ્લાએ ફરીને કહ્યું છે કે પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીર પાકિસ્તાનનું છે. એ સ્વીકારી લઈને ભારતે જમ્મુ-કાશ્મીર અને પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની સરહદને આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારી લેવી જોઈએ.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)