ભારતના બટુક રાજ્ય ગોવામાં આવતા વર્ષની શરૂઆતમાં જ ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ અને મણિપુરની સાથે જ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, પરંતુ ૪૦૦ વર્ષ કરતાં વધુ સમયગાળા માટે પોર્ટુગલ શાસન હેઠળ રહેલા ગોવામાં અત્યારથી જ ચૂંટણીનો ધમધમાટ છે. રાજધાની પણજીમાં ભારતીય જનતા પક્ષ અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (મગોપા)નું શાસન હોવા છતાં આવતી ચૂંટણી પછી કોણ સત્તામાં આવશે, એના તર્કવિતર્ક અત્યારથી આરંભાઈ ચૂક્યા છે. ભાજપના ગઢમાં અહીં ના પૂરાય એવું ગાબડું પડ્યું છેઃ અહીંના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે ભાજપની માતૃસંસ્થાએ જ બળવો કરીને ભાજપને કૌરવ અને પોતાના થકી રચાયેલા નવા પક્ષ ‘ગોવા સુરક્ષા મંચ’ને પાંડવ જાહેર કરીને આવતી ચૂંટણીમાં ‘જુઠ્ઠાડાં વચનો આપનારા’ ભાજપને પરાજિત કરીને અસલી ભાજપ તરીકે પોતાને પ્રસ્થાપિત કરવાનો સંકલ્પ કરી લીધો છે.
સંઘના મુખ્યાલય નાગપુરે ખૂબ ઉધામા માર્યા છતાં સંઘના ગોવા એકમના વડા સુભાષ વેલિંગકરે ઘીના ઠામમાં ઘી પડ્યું રાખવાનું સમાધાન કરવાને બદલે પોતાના સમગ્ર સંઘ સંગઠનને અલગ કરીને અલગ પક્ષ રચવાનું પસંદ કર્યું છે. એટલું જ નહીં, મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં ભાજપ સાથે મળીને સત્તાનો ભોગવટો કરનાર શિવ સેના સાથે મળીને ગોવામાં વિધાનસભા ચૂંટણી લડીને પણજી પર રાજ કરવાની ઘોષણા કરી છે. શિવ સેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ગોવા સુરક્ષા મંચ સાથેના જોડાણને માન્ય રાખ્યું છે અને કોણ કેટલી તેમજ કઈ બેઠકો લડશે, એની ચર્ચા પણ આરંભાઈ ચૂકી છે.
વડા પ્રધાન મોદીનો ભાવનાત્મક અનુબંધ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ગોવામાં ભાજપનું શાસન ટકાવવું એ ભાવનાત્મક મુદ્દો છે કારણ કે વંકાયેલા લાલ કૃષ્ણ અડવાણી સહિતના કેટલા વરિષ્ઠ નેતાઓના વિરોધ વચ્ચે પણ મોદી ગોવામાં વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા હતા. એ વેળાના ગોવાના ભાજપી મુખ્ય પ્રધાન મનોહર પર્રીકરને એમણે સંરક્ષણ પ્રધાનનો સરપાવ આપ્યો અને ગોવાની ગાદીએ લક્ષ્મીકાંત પાર્સેકરને ગોઠવવામાં આવ્યા હતા.
૨૦૧૨ની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-મગોપાના જોડાણે કુલ ૪૦ વિધાનસભા બેઠકોમાંથી ૨૪ મેળવી હતી. ડિસેમ્બર ૧૯૬૧માં તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના આદેશથી ભારતીય લશ્કરે પોર્ટુગલશાસિત ગોવાને ‘ઓપરેશન વિજય’ થકી ભારત સાથે જોડવામાં સફળતા મેળવી હતી. આજકાલ નેહરુને ભાંડવાની ફેશનમાં સંરક્ષણ પ્રધાન પર્રીકર નિવેદન કરતા ફરે છે કે સરદાર પટેલ વધુ જીવ્યા હોત તો ૧૯૪૮માં જ ગોવાને મુક્ત કરાવત. બિચારા પર્રીકરને ખ્યાલ નથી કે સરદાર ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ ગુજરી ગયા હતા.
ગોવાની ૧૯૬૩માં યોજાયેલી સર્વપ્રથમ ચૂંટણીમાં જે પક્ષ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીને ૩૦માંથી ૧૬ બેઠકો સાથે સત્તા પ્રાપ્ત થઈ હતી. આજે એ મગોપા લગભગ નામશેષ થઈ રહી છે. ગઈકાલની બિગ બ્રધર પાર્ટી આજે ભાજપ જેવી નવી પાર્ટીના જુનિયર પાર્ટનર તરીકે જોડાણમાં છે, પણ આવતી ચૂંટણીમાં એ જોડાણ બદલે એવી શક્યતા ખરી.
જોડાણવાળા જ છેહ દેવાની પરંપરા
ગોવામાં આયારામ ગયારામની રાજનીતિ ખૂબ ચાલી છે. ૧૯૮૦માં કોંગ્રેસ (અર્સ)ની સરકાર રચાઈ, પણ કેન્દ્રમાં ઈંદિરા ગાંધીના પુનઃ સત્તારોહણથી કોંગ્રેસ (આઈ)નું પલ્લું ભારે થતાં મુખ્ય પ્રધાન પ્રતાપસિંહ રાણેએ હરિયાણાના ભજનલાલની જેમ જ આખેઆખી સરકારને ઈંદિરા ગાંધીમય બનાવી દીધી હતી. આવા રાજકારણના અઠંગ ખેલાડી રાણે છ-છ વખત ગોવાના મુખ્ય પ્રધાન બની શક્યા છે. ક્યારેક તો ભાજપના મનોહર પર્રીકરે મિત્રપક્ષ મગોપાના મરાઠા નેતા રમાકાંત ખલપને મુખ્ય પ્રધાન બનાવવાને બદલે રાણેને મુખ્ય પ્રધાન બનાવવાનો ખેલ રચ્યો હતો. રાણે મરાઠા છે. સિંધિયા પરિવાર સાથે ઘરોબો છે. સ્વ. માધવરાવ સિંધિયા કોંગ્રેસમાં અને રાજમાતા સિંધિયા ભાજપમાં હોવાના લાભ પણ એમને મળતા રહ્યા છે.
ગોવાના રાજકારણમાં ખ્રિસ્તી વોટબેંક પણ મહત્ત્વની છે. ગોવાના ભાજપી નાયબ મુખ્ય પ્રધાન ફ્રાન્સિસ ડિસોઝા ભારતને ‘હિંદુ રાષ્ટ્ર’ ગણતા રહ્યા છે. પોતાને ખ્રિસ્તી હિંદુ ગણાવે છે એ પણ ખલપની જેમ મ્હાપસાના છે અને આ લખનાર સાથે સરળતાથી ચર્ચા કરે છે. ખ્રિસ્તી વોટબેંક પક્ષપલટા અને સંતાનોને રાજકીય વારસાઈ આપવામાં ખૂબ નિર્ણાયક રહી છે.
ગોવા નાગરી ધારાનો આદર્શ
ગોવાની કુલ ૧૫ લાખ જેટલી વસ્તીમાં ૬૫.૭૮ ટકા હિંદુ, ૨૫.૧૧ ખ્રિસ્તી અને ૮.૩૪ ટકા મુસ્લિમ હોવાનું ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં અંદાજાય છે. ગોવાની તમામ ધર્મી પ્રજા માટે લગ્ન, વારસાઈ, છૂટાછેડા વગેરે બાબતમાં સદીઓથી પોર્ટુગીઝ પરંપરા મુજબનો એક જ નાગરી ધારો અમલમાં હોવાથી રાષ્ટ્રીય સ્તરે પણ આવા સમાન નાગરી ધારાને લાગુ કરવાની માગણી ઊઠતી રહી છે.
ભારતીય બંધારણમાં એનો નિર્દેશિત સિદ્ધાંત તરીકે આદેશ અપાયેલો છે અને સર્વોચ્ચ અદાલતે પણ અનેકવાર એના રાષ્ટ્રીયસ્તરે સર્વધર્મી પ્રજા માટે અમલનો આગ્રહ રાખ્યો છે.
શરિયત ધારાના આગ્રહી ભાજપી નેતા
જોકે મુસ્લિમો માટેનો અલગ શરિયત મુજબનો પરસોનલ ધારો અમલમાં હોવાથી એમાં ફેરફાર કરવા સામે વિરોધ ઊઠે છે. એટલું જ નહીં, ગોવામાં પણ મુસ્લિમો સમયાંતરે શરિયત ધારાના અમલનો આગ્રહ સેવતા થયા છે. નવાઈ તો એ વાતની છે કે ગોવામાં શરિયત ધારો લાગુ કરવાના આગ્રહી શેખ હસન હારુન ભાજપમાં જોડાઈને મનોહર પર્રીકરની સરકારમાં પ્રધાન પણ રહ્યા હતા. હવે તેમણે પોતાનો અલગ પક્ષ સ્થાપ્યો છે.
ગોવામાં રાજનેતા ક્યારે કયા પક્ષમાં હોય એ કહેવું મુશ્કેલ છે. નવા નવા અમિબા પક્ષો રચાય છે અને પાછા એમના વાવટા સંકેલીને અમિબાની જેમ જ મૂળ પક્ષમાં કે અન્ય પક્ષમાં જોડાણ પણ કરે છે. દાણચોરીના અનેક ખટલાઓ જેમની વિરુદ્ધમાં હતા એવા ચર્ચિલ આલેમાઓ ગોવાના મુખ્ય પ્રધાન પદે રહી ચુક્યા છે. તેઓ કોંગ્રેસના નેતા પણ રહ્યા છે. પોતાનો અલગ પક્ષ પણ રચ્યો છે અને આજકાલ પોતાની દીકરી અને પરિવારજનોને કોંગ્રેસમાં છોડીને પોતે શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે.
મગોપાવાદી ખલપ કોંગ્રેસમાં, પુત્ર ‘આપ’માં
ગોવાના રાજકારણમાં નખશીખ પ્રામાણિક હોવાની છાપ ધરાવનાર મૂળ મગોપાના નેતા એવા રમાકાંત ખલપ કેન્દ્રમાં આઈ. કે. ગુજરાલની સરકારમાં કાયદા પ્રધાન રહ્યા છે. અત્યારે એ કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. અગાઉ એ મનોહર પર્રીકરની ભાજપ-મગોપા સરકારમાં પ્રધાન રહ્યા છે. તેમના મોટા પુત્ર શ્રીનિવાસ ખલપ ‘આપ’ પાર્ટીના નેતા છે. બાકીના બંને પુત્રો ખલપની કોંગ્રેસ પાર્ટીમાં જ છે અને સમગ્ર પરિવાર એક જ છત નીચે મ્હાપસામાં રહે છે!
ગોવામાં આવતી સરકાર ‘આપ’ પાર્ટી રચશે એવા સર્વેક્ષણ ઝળક્યા પછી ભાજપની માતૃસંસ્થા રા.સ્વ.સંઘના ગોવા એકમ થકી અલગ પક્ષ રચવાની હિલચાલ થઈ અને શિવ સેના જ નહીં, શરદ પવારની સેના પણ ગોવાના સમરાંગણમાં કૂદી પડી છે. રમાકાંત ખલપનું કહેવું છે કે સૌથી વધુ બેઠકો સાથે કોંગ્રેસ ૨૦૧૭માં સરકાર રચશે. શિવ સેના અને ગોવા સુરક્ષા મંચ બીજા ક્રમે રહેશે અને ભાજપ ત્રીજા ક્રમે ફેંકાઈ જશે. જોકે, ભાજપ થકી ચૂંટણીના પ્રભારી તરીકે કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરી મૂકાયા છે. સંરક્ષણ પ્રધાન પર્રીકર મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર નહીં હોવાની સ્પષ્ટતા કરતાં કામે વળ્યાં છે. કોણ ક્યારે ક્યાં હશે, કેવું મુશ્કેલ છે.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને
અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)